અજ્ઞાતમાં ડૂબકી પ્રશ્નઃ 12

પ્રશ્નઃ- (12) જગતની કલ્પના અહંકારની કલ્પનાને આધિન છે. અને અહંકારની કલ્પના ચૈતન્યને આધિન છે એટલે શું ?

પ્રત્યુત્તરઃ- (12) એક કાયમને માટે એવો નિયમ છે કે અહંકાર વગર કયાંય પણ કોઈ કૃતિ કે કર્મ હોતુ નથી. સંકલ્પ કે કલ્પના હોતી નથી. કોઈ પણ સંકલ્પ કે કલ્પના નો કર્તા જીવ ચિદાભાસ કર્તા અહંકારી જીવ હોય છે. મતલબ કહેવાનું તે કે કોઈ પણ કલ્પના સંકલ્પ કે કૃતિ છે તે કર્તાને આધિન હોય છે. તે કરે તો હોય અને ન કરે તો ન હોય. આ કર્તાની સ્વતંત્રતા છે. કુંભારને માટલાં કે કાંઈ પણ બરતન બનાવવાં કે ન બનાવવાં ચાકડાનો દંડનો માટીનો ઇત્યાદિ જે સામગ્રી છે. કર્મની તેનો ઉપયોગ કરવો કે ન કરવો તે કુંભાર કર્તાને આધિન હોય છે. કર્તા તેને કહેવાય કંઈ કરે પણ અને કંઈ ન પણ કરે તે કરવું ન કરવું કર્તાની સ્વતંત્રતા છે. તો પહેલે આપણે આપણા વ્યષ્ટી જગતની જે કલ્પના છે તે ઉદાહરણ ઉપર જોશું તો જલદી સમજાશે. અંત:કરણ વિશિષ્ટ પ્રમાતા ચિદાભાસ અહંકારી જીવ તે કર્તા છે. અંત:કલ્પના ચાર ધર્મ છે મન, બુદ્ધિ, ચિત તથા અહંકાર. પહેલે અહંકારની કલ્પના ઉઠે કે હું. તે આપને સમજાવ્યું છે કે અંત:કરણ તેમાં પડેલો ચૈતન્યનો આભાસ તે ચિદાભાસ જીવ. તે ચૈતન્ય તથા અંત:કરણને અભિન્ન માનીને હું એવી અસ્મિતતા અહંકાર ઉભો થયો છે. પછી હવે કેની કલ્પના કરવી કે શેની કલ્પના ન કરવી. તેમાં તે સઘળી અહંકારને આધિન છે. આપણી ક્યાં સુધીની કલ્પના છે કે જ્યાં સુધી મોક્ષની કલ્પના ન ઉઠે ત્યાં સુધી. જાગૃત સ્વપ્નમાં તે સંસારના ભોગ મને જોઈએ મને આ પ્રિય નથી તે મારાથી દુર હોવું જોઈએ. આ સઘળુ વ્યષ્ટિગત આપણું જગત આપણા અહંકારની તે કલ્પનાને આધિન છે. અહંકાર જ્યાં સુધી તે કલ્પના કરતો રહેશે ત્યાં સુધી વ્યષ્ટિ જગતમાં પોતાથી જ પોતે સુખી દુખી થયા કરશે. જ્યારે અહંકાર જ કલ્પનાનું વિસર્જન કરશે કે હવે સંસારથી થાક લાગ્યો છે.સંસાર દુખમય છે. મોક્ષ શું હશે દુ:ખથી મુક્ત કઈ રીતે થવાય. ઇત્યાદિ જ્યારે મોક્ષ માટેની કલ્પના કરશે ત્યારે આખર સર્વ વિકલ્પોનો ત્યાગ પણ અહંકાર કરશે. અને જ્યારે કોઈ પણ વિકલ્પ ન રહેતા અહંકાર જ નકામો થઈ જશે. તેમ સારાએ જગતની કલ્પના ઇશ્વરના સમષ્ટિ અહંકારને આધિન છે. અને અહંકારની કલ્પના ચૈતન્યને આધિન છે.

હમણાં જ ઉપર જણાવ્યા મુજબ ચૈતન્ય આત્મામાં સંસારનો જે કલ્પીત અહંકાર હતો જે હું અને મારું દેહાભિમાન સાથે મોક્ષની કલ્પના કે ભાવ ઉઠતાં જ્ઞાન થાય. ગુરુના બોધથી મહાવાક્ય સાંભળીને આત્મા પરમાત્માના અભિન્નત્વનું જ્ઞાન થતાં અહં બ્રહ્માસ્મિ હું. બ્રહ્મ છું તેવો પારમાર્થીક અહંકાર જાગે છે. સાંસારીક અહંકારની નિવૃત્તિ થાય છે. અને પછી પુર્ણ સ્વરૂપમાં નિષ્ઠા થયે હું બ્રહ્મ છું. તેવું અનુસંધાન પણ નિવૃત્તિ થાય છે તેથી તે અહંકાર ચૈતન્યને આધિન છે. ચૈતન્ય કોઈને આધિન નથી. તે અબાધ તત્વ છે. જગતની કલ્પના પણ ઇશ્વરના અહંકારને આધિન છે. અને અહંકાર કલ્પિત જે ઉઠયો છે તેની કલ્પના મહાચૈતન્ય પરબ્રહ્મને આધિન છે. જગત કર્તાએ આપણે આગળ જોયું અહંકાર કર્યો તે ચૈતન્ય આધિન થયો પછી તે અહંકારથી જગતની કલ્પના થઈ. ફરી વળી તેને ઇશ્વર સંહારકાલે કલ્પનાની નિવૃત્તિ કરશે કે જગત વિસર્જન પામે, પ્રલય પામે ત્યારે જગત કલ્પના નહીં રહે. ઇશ્વરના અહંકારમાં વિલીન થઈ જશે. જેમ સુષુપ્તિમાં થાય છે તેમ તો જગતની કલ્પના અહંકારની કલ્પનાને આધિન અને અહંકારની કલ્પના ચૈતન્ય આધિન છે તે પ્રશ્ન પ્રત્યુત્તર પુર્ણ.

ૐૐૐ..

* વિશેષ વાતઃ- મારા પ્યારા વહાલા ભક્તો વિશેષ લખવાની ઇચ્છા થાય છે રામજી વારંવાર જીવાત્માઓ વિશે પુછે ત્યારે વશિષ્ઠ મહારાજ એમ જ કહે કે હે રામ જીવ એવી વસ્તુ છે જ નહીં. એકે પણ જીવ નથી. જ્યારે આવો પ્રત્યુત્તર મળે ત્યારે ત્યાં સમજી લેવું કે અપવાદનો સ્વીકાર કરીને કહે છે. રામ પુછે કે જો એક જ આત્મા સર્વત્ર વ્યાપક અને વિભુ કાલકૃત દેશકૃત કે વસ્તુકૃત ભેદોથી રહિત અખંડ તથા અભેદ હોય તો એક જ સર્વમાં હોવાથી એક આત્માને દુ:ખ થાય તો સર્વને દુ:ખ થવું જોઈએ. એકને સુખ થાય તો સર્વને સુખ થવું જોઈએ. તો સર્વ જીવોને એમ તો થતું નથી. કોઈ વધારે સુખી હોય છે કોઈ તેથી ઓછા સુખી હોય છે. કોઈ વધારે દુ:ખી તો કોઈ ઓછા દુ:ખી. તેવો ભેદ જે ભિન્ન ભિન્ન અને અનેક આત્મા હોય તો જ ઘટી શકે. એક આત્મા હોય તો સર્વને કાં તો સુખ અને કાં તો દુ:ખ થવું જોઈએ. પરંતુ તેવું જોવામાં આવતું નથી. આ રામજીનો પ્રશ્ન હતો ત્યાં પ્રત્યુત્તરમાં અધ્યારોપ કરીને કહેવું પડ્યું કે દરેકનો અહંકાર અલગ અલગ વાસના કલ્પે છે. અલગ અલગ કલ્પના કરે છે પછી અલગ અલગ કર્મ કરે છે. પછી તે પ્રમાણે સર્વને કોઈને સુખ કોઈને દુ:ખ પ્રાપ્ત થાય છે. તેવો જવાબ આપેલો તો ત્યાં શું સમજશો. પહેલા કીધું કે જીવ છે જ નહીં અને પછી જીવાત્માઓના અલગ અલગ કર્મ વાસનાને કલ્પના બતાવે. તો વેદાંતનો સિદ્ધાંત સમજામાં નહીં હોય તો માત્ર વાતનો સ્વીકાર કરીને ચાલવું પડશે તો વેદાંતનો સિદ્ધાંત છે કે આત્મા તો સર્વત્ર વ્યાપક અખંડ અભેદ છે. સાક્ષિ કુટસ્થ પરમાત્મા જ આત્મારૂપે વહેવાર કરી રહ્યો છે. તો અન્ય દર્શનકારોની જે આત્મા વિશે માન્યતા છે તે પ્રમાતા વિશે છે તે પ્રમાતાને જીવ માને છે. અને તેમાં માન્યતાઓ ભિન્ન ભિન્ન છે.

કોઈ વ્યાપક માને છે અને ઘણાં જેમ કે સાંખ્ય વ્યાપક નિર્ગુણ અસંગ માને છે. પરંતુ ઘણા તેમ ન્યાય વૈશેષિક પણ વ્યાપક તથા ઘણા માને છે. તો જ્યાં વ્યાપક અને નાના જીવોની માન્યતા છે ત્યાં વેદાંત પ્રમાતાને ચિદાભાસને માને છે. વેદાંત મતે પ્રમાતા ચિદાભાસ જીવો મિથ્યા છે તો ઘણા તથા વિભુ આત્માને માનનારાને પ્રશ્ન છે કે એક આત્મા હોય તો એકને સુખનો સર્વને સુખ એકને દુ:ખ તો સર્વને દુ:ખ. તો તે વિષય પુર્વ પક્ષનો છે તેથી વિસ્તૃત નથી કરતો. તેમાં ઘણી ચર્ચા છે પરંતુ વેદાંત પ્રમાતા જે કર્તા ભોક્તા જીવ છે તે તો ઘણા છે. નાના છે. પરંતુ કુટસ્થ સાક્ષિ ચૈતન્ય એક જ છે તેથી તે પ્રશ્ન ત્યાં ઉકલી જાય છે. પ્રમાતા કર્તા ભોક્તા જીવ જ ઘણા છે. અને ભિન્ન ભિન્ન કર્મ કરીને કોઈ સુખ તો કોઈ દુ:ખ ભોગવે છે. અંત:કરણની ઉપાધિને લઈને ભિન્ન ભિન્ન દેખાય છે જેમ ભિન્ન ભિન્ન ઘટોમાં, સર્વમાં આકાશ તો એક જ વ્યાપક છે પરંતુ કોઈ ઘડામાં દુઘ ભર્યું છે તેમાં દુધની સુગંધ, કોઈમાં ઘી છે, કોઈમાં દારૂ છે તેમ અંત:કરણ ભેદે પ્રમાતાઓના ભેદ પડે છે.

વળી સમષ્ટિ વ્યષ્ટીરૂપે જીવો થયા છે છતાં નથી થયા કારણ કે તેમાં સઘળા એક એક વ્યષ્ટી જીવોને જ સમષ્ટી કહેવાય છે. જો વ્યષ્ટિ જીવો ન હોય તો સમષ્ટી કોને કહો અને ઇશ્વર પણ વેદાંત મતે માયોપધિક ચૈતન્ય માયામાં પડતી આભાસ તે જગત કર્તા તથા જીવોને કર્મ ફળ દાતા છે. તેથી વેદાંત મતે તે પણ મિથ્યા છે. જે સમષ્ટિ અભિમાન કરે છે તો કાર્યાધ્યાસરૂપે જીવો તો મિથ્યા હોય જ તેમાં શું કહેવું તેથી તે આભાસો હોવાથી એકરૂપમાં પ્રતીત થયા છે. તેથી થયા છે અને એકરૂપમાં તે કલ્પિત હોવાથી નથી થયા. છે જ નહીં વળી આ જગતને બ્રહ્મથી જુદું પાડવું અશક્ય છે. જુદું પાડી જ ન શકાય. કારણ કે આ સઘળું દૃષ્ટિગોચર થતું બ્રહ્મ જ છે. પરમાત્મા અને સંસારને જુદા કદી પણ ન કરી શકો. સાગર અને તેના તરંગને જુદા કદી પણ ન કરી શકો. તરંગ તે પણ પાણી છે અને પાણીના તરંગ છે તેથી તેને કેમ જુદા પાડી શકાય. તેમ એક જ વસ્તુને કે અધિષ્ઠાનની સમજ પાડવા માટે અને તેમાં વહેવારીક કેટલું અને પારમાર્થીક સ્થુલ સૂક્ષ્મ કારણ તથા મહાકારણ પરંતુ અધિષ્ઠાન તથા સંસારને તેના ધર્મોથી જુદુ સમજી શકાય છે. તરંગો ઉત્પન્ન થાય છે નાશ પામે છે. ભાવાભાવને પામે છે. માટે તે તરંગ કહેવાય છે. તેમ સંસાર ધર્મ પણ અધિષ્ઠાન ચૈતન્યમાં સઘળા નામ રૂપવાળા પદાર્થો ભાવા ભાવને પામે છે, માટે તેને સંસાર ધર્મથી સમજી શકાયછે. અધિષ્ઠાનમાં જલ જલ જ રહે છે પરંતુ વાયુના નિમિત્તે તરંગો ઉત્પન્ન થયા છે. ને વળી સમય જાય છે તેથી તે ધર્મથી તરંગ અને જલ તે ધર્મથી જુદા સમજી શકાય છે. માટે પરમાત્મા અને તેનો સંસાર અભિન્ન છે. તો મારા વહાલા વહાલ ભક્તો યોગવશિષ્ઠ ઉપર ખુબ આપની આપની બુદ્ધિમતે વિસ્તૃત ચર્ચા કરતા રહેશો અને હું પણ કાંઈક ને કાંઈક લખીને મોકલતો રહીશ જરૂર ત્યાં ન સમજાય તે પ્રશ્ન અહીં મોકલશો. આપની ચર્ચા તથા આપને સાંભળું છું ખુબ ખુબ પ્રસન્નતા થાય છે.

આપનો ભજન પ્રકાશાનંદ

* એક સુચના મારા પ્યારા કોઈપણ ગ્રંથકાર હોય તેનો નિયમ છે કે જે રસ હાથમાં લીધો તેનું વિસ્તૃત વર્ણન કરે તો તેમાં જે શૃંગાર રસ આવે છે તેને છોડી દેશો તેનું વર્ણન કરવાથી જીવનમાં કોઈ લાભકારક નથી ઉલટા ખોટા સંસ્કાર પાડીને હાની કર્તા થાય છે. જ્યાં વૈરાગ્યની વૃદ્ધિ કરવાની છે ત્યાં શૃંગારની જરૂર નથી. જીવનમાં ઉપયોગી વસ્તુનો ખ્યાલ કરીને ચાલશો, ગ્રંથકાર તો સઘળા રસોનું વર્ણન કરે તેનો પણ કોઈ રસીક હોય છે તેથી. માટે મુમુક્ષુને માટે જરૂર નથી. *

Categories: અજ્ઞાતમાં ડૂબકી | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: