શામળીયે મારાં ચિત્ત ચોરી લીધાં,
વાલીડે વશ કીધાં રે –1
ગોવિંદ વિના ઘડી ના ગોડે,
હરિ હરિ કરીરે, હોઠે રે –2
ઘર ધંધામાં ધ્યાન નવ લાગે,
મોહનમાં મન ભાગે રે –3
સેવમાં સખી સૂંઠ જારી,
ખીર કીધી ખારી રે –4
દોણી વિના ગૌ દોવા બેઠી,
દૂધ ઢોળાતું ન દેખી રે –5
શિકે ચડાવતા બરણી ચૂકી,
બાળક દીધું મુકી રે –6
ભજનપ્રકાશ કહે માતા જશોદા તારે,
લાલે મન લીધાં લૂંટી રે –7