[ આજે ઇન્ટરનેટ ઉપર એક સુંદર માર્મિક વાર્તા શ્રી શિરિષભાઈએ મોકલેલ છે. જે અત્રે પ્રકાશીત કરી છે. શ્રી શિરિષભાઈનો તમે નીચેના ઈ-મેઈલ ઉપર સંપર્ક કરી શકો છો.
smdave1940@yahoo.com ]
મગનભાઇ ઠીક ઠીક ભણ્યા. આને એક પ્રાઈવેટ કંપનીમાં મેનેજરની નોકરી પણ મળી ગઈ.
પહેલે દિવસે બધાની સાથે ઓળખાણ અને ચા પાણી થયા.
બીજે દિવસે કામની શરુઆત કરવાનું નક્કી કર્યું.
સેક્સન ક્લાર્ક રમેશને બોલાવ્યો અને પાવર કંપનીની ફાઈલ માગી. લાવતા ઘણી વાર લાગી.
પણ મગનભાઇએ તેને કંઈ કહ્યું નહીં. પહેલો ગુનો તો ભગવાન પણ માફ કરે છે. પણ તેઓએ તેમના સ્ટેનો ને કહી નાખ્યું, હવે આ રમેશ જો બીજીવાર આવી વાર લગાડશે તો તેની ખેર નથી.
સ્ટેનો સ્વર્ણલતાએ કહ્યું “સાહેબ તેની વાત ન કરશો. રમેશ, એ તો જનરલ મેનેજરનો માણસ છે.
બીજે દિવસે લોકલ પરચેઝ સેક્સન ક્લાર્ક સુરેશને ક્વોટેશનની ફાઇલ લઈને આવવા કહ્યું. તેણે બે કલાક કર્યા.
મગનભાઇએ તેને પણ કંઇ કહ્યું નહીં . પહેલો ગુનો હતો ને એટલે.
પણ તેઓએ તેમના સ્ટેનો ને તો કહી નાખ્યું, હવે આ સુરેશ જો બીજીવાર આવી વાર લગાડશે તો તેની ખેર નથી.
સ્ટેનો સ્વર્ણલતાએ કહ્યું “સાહેબ જો જો એને કંઇ કરી બેસતા. સુરેશ તો ડાઇરેક્ટરનો માણસ છે.
ત્રીજે દિવસે મગનભાઇએ એકાઉન્ટઓફિસર મીસ્ટર સુકેતુને બોલાવ્યા. સસ્પેન્સ એકાઉન્ટમાં પચાસ લાખ રુપીયા ઊધાર પડ્યા હતા. આ તો ગંભીર બેદરકારી કહેવાય.
વળી કોઈ કારણોની નોંધ પણ નહતી. મીસ્ટર સુકેતુ ચોપડ મૂકીને લંચ કરવા ગયા. મગનભાઇથી ન રહેવાયુ. મગનભાઈ માથું નીચું રાખીને શોકમાં ડૂબી ગયા.
સ્વર્ણલતાએ પૂછ્યૂં”શું થયું છે સાહેબ?”
મગનભાઇએ બધી વાત કરી. અને ઉમેર્યું:”હી શુડ બી સેક્ડ આઉટ”
સ્વર્ણલતાએ કહ્યું; જો જો સાહેબ કશું લખતા ….! મીસ્ટર સુકેતુ એ તો શેઠનો માણસ છે.
સાંજે સાઈટ એન્જીનીયર મીસ્ટર દેસાઈ આવ્યા. અને રૂ. ૫૦૦૦૦/- કેશ એડ્વાન્સ માગ્યા. જુના એક લાખ એડવાન્સના વાઉચર આપ્યા નહતા. અઠવાડીયું થઈ ગયું હતું અને યાદ પણ કરતા નહતા. ગડબડીયા અક્ષરમાં સમરી આપી. “નીટ અને ક્લીન હેબીટ નહી હોવાનો” અને “પંક્ચ્યુઅલ નહી હોવાનો” ગુનો બનતો હતો.
આ તો કેમ ચાલે? એન્જિનીઅરો ની ક્યાં ખોટ છે? મગનભાઈએ સ્વર્ણલતાને બોલાવી. લખો … એક મેમો લખો. કે.જી. દેસાઈને એક મેમો આપવાનો છે.
સ્વર્ણલતા એ કહ્યું સાહેબ જો જો કંઈ એવું કરી બેસતા. દેસાઈસાહેબ તો મીનીસ્ટરના માણસ છે.
હવે મગનભાઈ અકળાયા. અને બોલી ઊઠ્યા આ બધું શું છે? અને શું ચાલી રહ્યું છે? રમેશ, એ તો જનરલ મેનેજરનો માણસ છે, સુરેશ, એ તો ડાઇરેક્ટરનો માણસ છે, મીસ્ટર સુકેતુ એ તો શેઠનો માણસ છે, દેસાઈ, તો મીનીસ્ટરનો માણસ છે.
સ્વર્ણલતા મગનભાઇની અકળામણ પામી ગઈ. તેણે ચપરાસી પોપટને બોલાવ્યો. અને ઠંડું પાણી લાવવા કહ્યું. પોપટભાઇ ટ્રે માં બે ગ્લાસ ઠંડા પાણી ના લાવ્યા. પણ ટ્રે ખાસ ચોક્ખી નહતી. મગનભાઈનો પીત્તો જવાની તૈયારીમાં હતો. પણ એ ગમ ખાઈ ગયા. કદાચ આ પણ કોઈ મંત્રી કે કદાચ મુખ્ય મંત્રીનો માણસ હોય તો!
સ્વર્ણલતા મગનભાઈની વાત પામી ગઈ અને બોલી “સાહેબ પોપટને તો તમે વઢી શકો છો. એ તો ભગવાનનું માણસ છે.