Monthly Archives: March 2009

Inauguration of Shri Ma Sarada Physiotherapy & Cerebral Palsy Rehabilitation Centre

rkm_rajkot

rkm_rajkot_0001

rkm_rajkot_0002

rkm_rajkot_0003

Categories: આધ્યાત્મિક કાર્યક્રમો | 4 Comments

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ – ચતુર્થ વાર્ષિકોત્સવ

rkm_vadodara_varshokotsav

rkm_vadodara_varshokotsav_0001

rkm_vadodara_varshokotsav_0002

rkm_vadodara_varshokotsav_0003

Categories: આધ્યાત્મિક કાર્યક્રમો | Leave a comment

પ્રકૃતિની ચિકિત્સા (75)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય – ૧૪ : ગુણોત્કર્ષ અને ગુણનિસ્તાર
પ્રકરણ – ૭૫ – પ્રકૃતિની ચિકિત્સા

1. આજનો ચૌદમો અધ્યાય એક રીતે પાછલા અધ્યાયની પૂર્તિ કરે છે. આત્માને ખરેખર કંઈક કરીને મેળવવાનો છે એવી વાત નથી. આત્મા સ્વયંપૂર્ણ છે. આપણા આત્માની સ્વાભાવિક ઉપર જનારી ગતિ છે. પણ કોઈક ચીજને ભારે વજન બાંધો એટલે તે જેમ નીચે ખેંચાય છે તેમ આ દેહનો ભાર આત્માને નીચે ખેંચે છે. પાછલા અધ્યાયમાં આપણે જોઈ ગયા કે ગમે તે ઉપાયે દેહ અને આત્માને આપણે અલગ પાડી શકીએ તો પ્રગતિ કરવાનું બની શકે. આ વાત અઘરી હશે, છતાં તેનાથી મળનારૂં ફળ પણ બહુ મોટું છે. આત્માના પગમાં જડાયેલી દેહની બેડી આપણે તોડી શકીએ તો અતિશય આનંદ મળે એમ છે. પછી માણસ દેહનાં દુઃખોથી દુઃખી નહીં થાય. તે સ્વતંત્ર થશે. આ એક દેહરૂપી ચીજને જીતી લીધા પછી માણસ પર કોણ સત્તા ચલાવી શકશે ? જે પોતાની જાત પર રાજ્ય કરે છે તે વિશ્વનો સમ્રાટ બને છે. દેહની આત્મા પરની સત્તા દૂર કરો. દેહનાં સુખદુઃખ વિદેશી છે, તે પારકાં છે; તેમનો આત્માની સાથે જરાયે સંબંધ નથી.

2. આ સુખદુઃખ કેટલા પ્રમાણમાં અળગાં કરવાં એનો ખ્યાલ ભગવાન ખ્રિસ્તનો દાખલો લઈ મેં અગાઉ આપ્યો હતો. દેહ તૂટીને પડી જતો હોય તે વખતે પણ અત્યંત શાંત તેમ જ આનંદમય કેમ રહી શકાય તે ઈશુ બતાવે છે. પણ દેહને આત્માથી અળગો પાડવાનું કામ જેમ ક બાજુથી વિવેકનું છે તેવી જ રીતે બીજી બાજુથી નિગ્રહનું છે. ‘विवेकासहित वैराग्याचें बल ’ –વિવેકની સાથે વૈરાગ્યનું બળએમ તુકારામે કહ્યું છે. વિવેક અને વૈરાગ્ય બંને વાત જોઈએ. વૈરાગ્ય એટલે જ એક રીતે નિગ્રહ છે, તિતિક્ષા છે. આ ચૌદમા અધ્યાયમાં નિગ્રહની દિશા બતાવી છે. હોડી ચલાવવાનું કામ હલેસાં મારનારાઓ કરે છે. પણ દિશા નક્કી કરવાનું કામ સુકાનનું છે. હલેસાં ને સુકાન બંનેની જરૂર છે. તે જ પ્રમાણે દેહનાં સુખદુઃખથી આત્માને અળગો કરવાના કામમાં વિવેક અને નિગ્રહ બંનેની જરૂર છે.

3. વૈદ જેમ માણસની પ્રકૃતિ તપાસીને ઉપચાર બતાવે છે તેમ ભગવાને આ ચૌદમા અધ્યાયમાં આખીયે પ્રકૃતિને તપાસીને તેનું પૃથક્કરણ કરી કયા કયા રોગ ઘર કરી ગયા છે તે બતાવ્યું છે. પ્રકૃતિની બરાબર વહેંચણી અહીં કરવામાં આવેલી છે. રાજનિતિ-શાસ્ત્રમાં ભગલા પાડવાનું મોટું સૂત્ર છે. જે શત્રુ સામો હોય તેમાં જો ભાગ પાડી શકાય, તેનામાં ભેદ પાડી શકાય તો તેને ઝટ જમીનદોસ્ત કરી શકાય. ભગવાને અહીં એ જ કરી બતાવ્યું છે. મારી, તમારી, સર્વ જીવોની, બધાંયે ચરાચરની જે પ્રકૃતિ છે તેમાં ત્રણ ચીજો રહેલી છે. આયુર્વેદમાં જેમ વાત, પિત્ત અને કફ છે તેમ અહીં સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણો પ્રકૃતિમાં ભરેલા છે. સર્વત્ર આ ત્રણ ચીજોનો મસાલો છે. ફેર હોય તો એટલો કે ક્યાંક એકાદ થોડો તો ક્યાંક એકાદ વધારે. આ ત્રણથી આત્માને અળગો પાડીએ તો જ દેહથી આત્માને અળગો પાડી શકાય. દેહથી આત્માને જુદો પાડવાનો રસ્તો આ ત્રણે ગુણોને તપાસી તેમને જીતી લેવાનો રસ્તો છે. નિગ્રહ વડે એક પછી એક ચીજને જીતતાં જીતતાં મુખ્ય વસ્તુની પાસે પહોંચવાનું છે.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

તમોગુણ અને તેનો ઈલાજ : શરીરપરિશ્રમ  (76)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય – ૧૪ : ગુણોત્કર્ષ અને ગુણનિસ્તાર
૭૬. તમોગુણ અને તેનો ઈલાજ : શરીરપરિશ્રમ

4. ત્યારે, પહેલો તમોગુણ જોઈએ. આજની સમાજ-સ્થિતિમાં તમોગુણની ઘણી બિહામણી અસર જોવાની મળે છે. આ તમોગુણનું મુખ્ય પરિણામ આળસ છે. તેમાંથી જ આગળ ઊંઘ અને પ્રમાદ નીપજે છે. આ ત્રણે વાતોને જીતતાં આવડયું એટલે તમોગુણને જીત્યો જાણવો. તમોગુણના આ ત્રણ પ્રકાર પૈકી આળસ એક ઘણી ભયાનક ચીજ છે. સારામાં સારા માણસો પણ આળસને લીધે બગડી જાય છે. સમાજની બધીયે સુખશાંતિને ખેદાનમેદાન કરનારો આ રીપુ છે. નાનાં છોકરાંથી માંડીને ઘરડાં સુધીનાં સૌને એ બગાડે છે. એ શત્રુએ સૌ કોઈને ઘેરી લીધેલાં છે. એ શત્રુ આપણામાં પેસી જવાને ટાંપીને બેસી રહે છે. જરા જેટલી તક મળતાં તે અંદર ઘૂસી જાય છે. જરા બે કોળિયા વધારે ખાધું કે તેણે આળોટવાને આપણને આડા પાડયા જ જાણો. સહેજ વધારે ઊંઘ્યા કે આંખ પરથી આળસ જાણે ટપકતું હોય એવું દેખાય છે. આવું આ આળસ જ્યાં સુધી નાબૂદ ન થાય ત્યાં સુધી બધું ફોગટ છે. પણ આપણે તો આળસને માટે ઈંતેજાર હોઈએ છીએ. ઝટ ઝટ ઘણું કામ કરી ઘણો પૈસો એક વાર એકઠો કરી લઈએ તો પછી રામ મળે એવી આપણી ઈચ્છા હોય છે. ઘણો પૈસો મેળવવો એટલે આગળના આળસને માટે બંદોબસ્ત કરી રાખવો ! આપણો કંઈક એવો ખ્યાલ બંધાઈ ગયો છે કે ઘડપણમાં આરામ જોઈએ જ. પણ એ સમજણ ખોટી છે. આપણે બરાબર વર્તન રાખીએ તો ઘડપણમાં પણ કામ આપી શકીએ. ઘડપણમાં તો આપણે વધારે અનુભવી હોઈશું એટલે વધારે ઉપયોગી થઈ શકીશું. પણ નહીં, કહે છે કે ત્યારે જ આરામ જોઈએ !

5. આળસને તક ન મળે તેટલા ખાતર આપણે સાવધ રહેવું જોઈએ. નળરાજા કેવડો મોટો રાજા હતો ! પણ પગ ધોતી વખતે જરા તેનું ફણિયું કોરૂં રહી ગયું એટલે કહે છે કલિ ત્યાંથી તેનામાં પેસી ગયો ! નળ રાજા અત્યંત શુદ્ધ હતો, બધી રીતે સ્વચ્છ રહેનારો હતો. પણ તેનુંયે એક અંગ સહેજ કોરૂં રહી ગયું, તેટલું આળસ રહી ગયું, એટલે કલિ જોતજોતામાં અંદર પેઠો. આપણું તો આખુંયે શરીર ખુલ્લું પડેલું છે. આળસને જ્યાંથી અંદર પેસવું હોય ત્યાંથી પેસે. શરીરને આળસ ચડયું એટલે મન અને બુદ્ધિને પણ ચડયું જ જાણો. આજે સમાજની આખીયે ઈમારત આ આળસ પર ઊભી કરવામાં આવેલી છે. એમાંથી પાર વગરનાં, અનંત દુઃખો પેદા થયાં છે. આ આળસ આપણે કાઢી શકીએ તો બધાં નહીં તોયે ઘણાંખરાં દુઃખો તો આપણે જરૂર દૂર કરી શકીએ.

6. હમણાંહમણાં સમાજસુધારાની ચર્ચા સર્વત્ર ચાલે છે. સામાન્યમાં સામાન્ય માણસને પણ ઓછામાં ઓછું આટલું સુખ તો મળવું જ જોઈએ અને તે માટે સમાજરચના કેવી હોવી જોઈએ વગેરે ચર્ચાઓ થાય છે. એક તરફ સંપત્તિના ઢગલાના ઢગલા છે તો બીજી તરફ ગરીબીનાં ઊંડાં ઊંડાં કોતર છે. આ સામાજિક વિષમતા કેમ દૂર થાય ? જરૂર જેટલું બધુંયે સુખ સહેજે મેળવવાનો એક જ ઈલાજ છે અને તે એ કે સૌ કોઈએ આળસ છોડી મહેનત-મજૂરી કરવાને તૈયાર થવું જોઈએ. મુખ્ય દુઃખ આળસને લીધે જ છે. અંગમહેનત કરવાનો સૌ કોઈ નિશ્ચય કરે તો આ દુઃખ દૂર થાય. પણ સમાજમાં શું દેખાય છે? એક બાજુથી અંગમહેનત કરવાને વાંકે કાટ ખાઈને નકામા, નિરૂપયોગી થઈ જનારા લોકો દેખાય છે; તવંગર લોકોનાં શરીરના અવયવો પર કાટ ચડતો જાય છે; તેમનાં શરીરો વપરાતાં જ નથી અને બીજી બાજુ એટલું બધું કામ ચાલે છે કે આખું શરીર ઘસાઈ ઘસાઈને ગળી ગયું છે. આખા સમાજમાં શારીરિક શ્રમ, અંગમહેનત ટાળવાની પ્રવૃત્તિ ચાલે છે. થાકીને મરી જવાય એટલી હદ સુધી જે લોકોને કામ, મહેનત-મજૂરી કરવી પડે છે તે બધા પોતાની રાજીખુશીથી એ મહેનત નથી કરતા, ન છૂટકે કરે છે. ડાહ્યા લોકો મહેનત-મજૂરી ટાળવાના કારણો, બહાનાં બતાવે છે. કોઈ કહે છે, ‘શારીરિક મહેનત કરવામાં નાહક વખત શા સારૂ બગાડવો? ’ પણ એ લોકો એવું કદી નથી કહેતા કે, ‘ આ ઊંઘ શા સારૂ અમસ્તી? આ જમવામાં વખત નાહક શા સારૂ બગાડવો? ’ ભૂખ લાગે છે, એટલે આપણે ખાઈએ છીએ. પણ અંગમહેનતનો, મજુરીનો સવાલ સામો આવીને ઊભો રહે છે ત્યારે તરત કહીએ છીએ, ‘ નાહક શારીરિક શ્રમમાં વખત શા સારૂ બગાડવો? શા માટે એ કામ અમારે કરવું? શા સારૂ શરીર ઘસવું? અમે માનસિક કામ કર્યા જ કરીએ છીએ. ’ અરે ભલા માણસ ! માનસિક કામ કરે છે તો અનાજ પણ માનસિક ખા ને ! અને ઊંઘ પણ માનસિક લે ને ! મનોમય ખોરાક અને મનોમય ઊંઘ લેવાની કંઈક યોજના કર ને !

7. સમાજમાં આવી રીતે આ બે ભાગ પડી ગયા છે. એક મરી જવાય ત્યાં સુધી મજૂરી કરનારાઓનો અને બીજો અહીંથી સળી ઉપાડીને ત્યાં પણ ન મૂકનારાઓનો. મારા મિત્રે મને કહ્યું, ‘ કેટલાંક માથાં ને કેટલાંક ખોખાં. ’ એક તરફ માત્ર ધડ છે ને બીજી તરફ કેવળ માથું છે. ધડને ફક્ત ઘસાવાનું છે. માથાને માત્ર વિચાર કરવાનું રહે છે. આવા રાહુ ને કેતુ, ધડ ને માથાં એવા બે ભાગ સમાજમાં પડી ગયા છે. પણ સાચેસાચ માત્ર ધડ ને માત્ર માથાં હોત તોયે ઘણું સારૂં થાત. પછી આંધળા-લૂલાને ન્યાયે કંઈક વ્યવસ્થા ઊભી કરી શકાત. આંધળાને પાંગળો રસ્તો દેખાડે અને પાંગળાને આંધળો ખાંધ પર બેસાડીને ચાલે. પણ કેવળ ધડ ને કેવળ માથાંના આવા અલગ અલગ વાડા નથી. દરેક જણને ધડ છે અને માથું પણ છે. રૂંડ-મુંડની, ધડ-માથાંની આ જોડી સર્વત્ર છે. એનું શું કરવું ? માટે દરેક જણે આળસ છોડવું જ જોઈએ.

8. આળસ છોડવું એટલે અંગમહેનત કરવી. આળસને જીતવાનો એ જ એક ઉપાય છે. આ ઈલાજનો અમલ કરવામાં નહીં આવે તો કુદરત તે માટે સજા કરશે તે ભોગવ્યા વગર છૂટકો થવાનો નથી. રોગોના રૂપમાં અથવા બીજે કોઈ ને કોઈ રૂપે શિક્ષા ભોગવ્યા વિના આરો નથી. શરીર આપણને આપવામાં આવેલું છે એટલે મહેનત પણ આપણે કરવી જ પડશે. શરીર વડે મહેનત-મજુરી કરવામાં જતો વખત ફોગટ જતો નથી. તેનું વળતર મળ્યા વિના રહેતું નથી. તંદુરસ્તી સારામાં સારી રહે છે. અને બુદ્ધિ સતેજ, તીવ્ર તેમ જ શુદ્ધ થાય છે. ઘણા વિચારકોના વિચારમાં પણ તેમના પેટના દુખાવાનું ને માથાના દુખાવાનું પ્રતિબિંબ પડયા વગર રહેતું નથી. વિચાર કરવાવાળા તડકામાં, ખુલ્લી હવામાં, સૃષ્ટિના સાન્નિધ્યમાં મજૂરી કરશે તો તેમના વિચાર પણ તેજસ્વી થશે. શરીરના રોગની જેવી મન પર અસર થાય છે તેવી શરીરની તંદુરસ્તીની પણ થાય છે. આ અનુભવની વાત છે. પાછળથી ક્ષય રોગ લાગુ પડે એટલે પંચગનીમાં ડુંગર પર હવા ખાવા જવું, અથવા સૂર્યનાં કિરણ લેવાના અખતરા કરવા તેના કરતાં આગળથી ચેતીને બહાર કોદાળી લઈ ખોદવું શું ખોટું? બાગમાં ઝાડોને પાણી પાવું શું ખોટું? ઈંધણ માટે લાકડાં ફાડવાં શાં ખોટાં?

Categories: ગીતા પ્રવચનો | Tags: | 1 Comment

તમોગુણના બીજા ઈલાજ (77)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય – ૧૪ : ગુણોત્કર્ષ અને ગુણનિસ્તાર
૭૭. તમોગુણના બીજા ઈલાજ

9. આળસને જીતવાની એક વાત થઈ. બીજી વાત ઊંઘને જીતવાની છે. ઊંઘ હકીકતમાં પવિત્ર વસ્તુ છે. સેવા કરીને થાકેલા સાધુસંતોની ઊંઘ એ યોગ જ છે. આવી શાંત અને ગાઢ ઊંઘ મહા ભાગ્યવાનને સાંપડે છે. ઊંઘ ઊંડી હોવી જોઈએ. ઊંઘનું મહત્વ તેની લંબાઈપહોળાઈમાં નથી. પથારી કેટલી લાંબીપહોળી અને માણસ તેના પર કેટલો વખત રહ્યો એ બીના પર ઊંઘનો આધાર નથી. કૂવો ઊંડો હોય તેમ તેનું પાણી વધારે સ્વચ્છ ને મીઠું હોય છે, તે જ પ્રમાણે ઊંઘ થોડી હોય તો પણ ઊંડી હોય તો તેનું કામ સારામાં સારી રીતે પાર પડે છે. બરાબર મન લગાડીને અર્ધો કલાક કરેલો અભ્યાસ ચંચળવૃત્તિથી કરેલા ત્રણ કલાકના અભ્યાસ કરતાં વધારે ફળ આપનારો નીવડે છે. ઊંઘનું પણ એવું જ છે. લાંબા વખત સુધીની ઊંઘ હિતપરિણામી હોય જ એવું નથી. રોગી ચોવીસ કલાક પથારીમાં પડયો રહે છે. પથારીની અને તેની કાયમની દોસ્તી થયેલી છે. પણ બિચારાની ઊંઘ સાથે દોસ્તી થતી નથી. સાચી ઊંઘ ગાઢ, સ્વપ્નાં વગરની હોય છે. મરણ પછીની નરકની યાતના તો જેવી હોય તેવી ખરી પણ જેને ઊંઘ આવતી નથી, જે માઠાં સ્વપ્નાંથી ઘેરાયેલો રહે છે, તેની નરક યાતનાની શી વાત કરવી ? વેદમાં પેલો ઋષિ ત્રાસીને કહે છે – ‘ परा दुःष्वप्न्यं सुव ’ — ‘ આવી દુષ્ટ ઊંઘ નથી જોઈતી, નથી જોઈતી. ’ ઊંઘ આરામને માટે હોય છે. પણ ઊંઘમાંયે તરેહતરેહનાં સ્વપ્નાં અને વિચાર છાતી પર ચડી બેસે તો આરામ કેવો ને વાત કેવી?

10. ગાઢ ઊંડી ઊંઘ કેવી રીતે મળે? જે ઈલાજ આળસની સામે કહ્યો છે તે જ ઊંઘની સામે યોજવો. દેહનો વપરાશ એકધારો ચાલુ રાખવો જેથી પથારીમાં પડતાંવેત માણસ જાણે મડદું થઈ પડે. ઊંઘ એટલે નાનકડું મૃત્યુ સમજવું. આવી મજાની ઊંઘ આવે તે સારૂ દિવસે આગળથી તૈયારી કરવી જોઈએ. શરીર થાકી જવું જોઈએ. પેલા અંગ્રેજ કવિ શેક્સપિયરે કહ્યું છે કે ‘ રાજાના માથા પર મુગટ છે પણ તેની અંદર ચિંતા છે ! ’ રાજાને ઊંઘ આવતી નથી. તેનું એક કારણ એ છે કે તે શરીર વડે મજૂરી કરતો નથી. જાગતો હોય છે ત્યારે જે ઊંઘે છે તેને ઊંઘને વખતે જાગતા રહેવું પડશે. દિવસે બુદ્ધિ અને શરીર ન વાપરવાં એટલે તે ઊંઘ જ થઈ જાણવી. પછી ઊંઘની વેળાએ બુદ્ધિ વિચાર કરતી રઝળે છે અને શરીરને સાચું નિદ્રાસુખ મળતું નથી. પછી લાંબા વખત સુધી સૂઈ રહેવું પડે છે. જે જીવનમાં પરમ પુરૂષાર્થ સાધવાનો છે તે જીવનને જો ઊંઘ ખાઈ જાય તો પછી પુરૂષાર્થ સંપાદન થશે ક્યારે ? અરધી આવરદા જો ઊંઘમાં જાય તો પછી મેળવવાનું શું રહે ?

11. ઘણો વખત ઊંઘમાં જાય એટલે તમોગુણનું ત્રીજું લક્ષણ જે પ્રમાદ તે સહેજે આવે છે. ઊંઘણશી માણસનું ચિત્ત કાબેલ અને સાવધ રહેતું નથી. તેનાથી અનવધાન પેદા થાય છે. ઝાઝી ઊંઘથી આળસ પેદા થાય છે અને આળસને લીધે ભુલકણા થઈ જવાય છે. વિસ્મરણ પરમાર્થનો નાશ કરવાવાળી ચીજ છે. વહેવારમાં પણ વિસ્મરણથી નુકસાન થાય છે. પણ આપણા સમાજમાં વિસ્મરણની ક્રિયા સ્વાભાવિક થઈ ગઈ છે. વિસ્મરણ મોટી ખામી છે એવું કોઈને લાગતું નથી. કોઈને મળવા જવાનું માણસે નક્કી કર્યું હોય અને જતો નથી. અને કોઈ પૂછે તો કહે છે, ‘ અરે ! ભૂલી ગયો ! ’ એવું કહેનારને પોતે કંઈ ખાસ ખોટું કર્યું હોય, કંઈ મોટી ભૂલ કરી હોય એવું લાગતું નથી, અને સાંભળનારને પણ એ જવાબથી સમાધાન થાય છે ! વિસ્મરણની સામે જાણે કોઈ ઈલાજ જ નથી એવી સૌ કોઈની સમજ થઈ ગઈ લાગે છે. પણ આવું બેભાનપણું શું પરમાર્થમાં કે શું દુનિયાદારીના વહેવારમાં, બંને ઠેકાણે નુકસાન કરવાવાળું છે. વિસ્મરણ મોટો રોગ છે. તેનાથી બુદ્ધિમાં સડો પેસી જાય છે ને જીવન ખવાઈ જાય છે.

12. વિસ્મરણનું કારણ મનનું આળસ છે. મન જાગ્રત હોય તો તે વીસરી નહીં જાય. આળોટયા કરનારા મનને વિસ્મરણનો રોગ વળગ્યો જ જાણવો. તેથી જ ભગવાન બુદ્ધ હમેશ કહેતા,

‘ पमादो मच्चुनो पदं ’

— વિસ્મરણ એ જ મરણ છે. આ પ્રમાદને જીતવાને માટે આળસ અને ઊંઘને જીતી લો, અંગમહેનત કરો, સતત સાવધ રહો. જે જે કૃતિ કરવાની આવે તે વિચારપૂર્વક કરવાની રાખો. કૃતિ એમ ને એમ, એની મેળે થઈ જાય એ બરાબર નથી; કૃતિની આગળ વિચાર હોય, પાછળ વિચાર હોય. આગળ ને પાછળ બધે વિચારરૂપ પરમેશ્વર ખડો રહેવો જોઈએ. આવી ટેવ કેળવીશું તો જ અનવધાનપણાનો રોગ નાબૂદ થશે. બધા વખતને બરાબર બાંધી રાખો. ક્ષણેક્ષણનો હિસાબ રાખો કે જેથી આળસને પગપેસારો કરવાની જરાયે તક ન મળે. આવી રીતે બધા તમોગુણને જીતવાનો એકધારો પ્રયાસ કરવો જોઈએ.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

રજોગુણ અને તેનો ઈલાજ : સ્વધર્મમર્યાદા (78)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય – ૧૪ : ગુણોત્કર્ષ અને ગુણનિસ્તાર
૭૮. રજોગુણ અને તેનો ઈલાજ : સ્વધર્મમર્યાદા

13. પછી રજોગુણની સામે મોરચો વાળવો. રજોગુણ પણ એક ભયાનક શત્રુ છે. તમોગુણની એ બીજી બાજુ છે. બંને પર્યાયવાચક શબ્દો છે એમ કહેવું જોઈએ. શરીર ખૂબ સૂઈ રહે એટલે પછી તે ચળવળ કરવા માંડે છે. અને ઝાઝી દોડધામ કરનારૂં શરીર આડું પડી સૂઈ રહેવા તાકે છે. તમોગુણમાંથી રજોગુણ આવી જાય છે અને રજોગુણમાંથી તમોગુણ આવી પડે છે. એક હોય ત્યાં બીજો ખરો જ. રોટલી જેમ એક બાજુથી ઝાળ અને બીજી બાજુથી ધગધગતા અંગારની વચ્ચે ઘેરાઈ જાય છે તેમ માણસની આગળ અને પાછળ આ રજસ્તમોગુણ વળગેલા છે. રજોગુણ કહે છે, ‘ આમ આવ, તને તમોગુણ તરફ ઉડાવું. ’ તમોગુણ કહે છે, ‘ મારા તરફ આવ એટલે હું તને રજોગુણ તરફ ફેંકું. ’ આવા આ રજોગુણ ને તમોગુણ એકબીજાને સહાયક થઈને માણસનો નાશ કરે છે. ફૂટબૉલનો જન્મ લાતો ખાવાને સારૂ થયેલો છે, તે જ પ્રમાણે રજોગુણની અને તમોગુણની વારાફરતી લાતો ખાવામાં માણસનો જનામારો નીકળી જાય છે.

14. તરેહતરેહનાં કામો કરવાનો ચડસ એ રજોગુણનું પ્રધાન લક્ષણ છે. મોટાં મોટાં કામોની પાર વગરની આસક્તિ પણ રજોગુણનું લક્ષણ છે. રજોગુણને લીધે માણસને અપરંપાર કર્મ-સંગ વળગે છે, તેનામાં લોભાત્મક કર્માસક્તિ ઉત્પન્ન થાય છે. પછી વાસના-વિકારોનો વેગ રોક્યો રોકાતો નથી, કાબૂમાં રહેતો નથી. માણસને એમ થયા કરે છે કે અહીંનો ડુંગર ઉપાડી ત્યાં બનાવું અને ત્યાંનો ખાડો ભરી દઉં. તેને એમ થાય છે કે જાણે દરિયામાં માટી નાખીને તેને પૂરી દઉં અને સહારાના રણમાં પાણી છોડી ત્યાં દરિયો બનાવી દઉં. અહીં સુએઝની નહેર ખોદું, ત્યાં પનામાની નહેર કાઢું. આવો એ અહીંથી તહીં કરવાનો ચડસ હોય છે. આ તોડું ને પેલું જોડું. નાનું છોકરૂં ચીંદરડી લે છે, તેને ફાડે છે, તેનું બીજું કંઈક બનાવે છે, તેવું જ આ છે. આને પેલામાં ભેળવ, પેલાને આમાં ભેળવ, પેલું બુડાવી દે, આને ઉડાવી દે; એવા બધા રજોગુણના અનંત ખેલ છે. પંખી આકાશમાં ઊડે છે તો આપણને પણ ઊડતાં આવડવું જોઈએ. માછલી પાણીમાં રહે છે તો આપણે પણ પાણબૂડી, સબમરીન બનાવીને તેમ કરવું જોઈએ. આમ મનખાદેહમાં અવતરવા છતાં રજોગુણીને પંખીઓની અને માછલીઓની બરાબરી કરવામાં કૃતાર્થતા લાગે છે. પરકાયાપ્રવેશના, બીજાં શરીરોનાં કૌતુક અનુભવવાના અને એવા અભળખા તેને આ મનખાદેહમાં રહ્યા રહ્યા સૂઝે છે. કોઈને થાય છે કે મંગળ પર ઊડીને જઈએ ને ત્યાંની વસ્તી કેવી છે તે જોઈ આવીએ. ચિત્ત એકસરખું ભટક્યા કરે છે. શરીરમાં જાણે કે તરેહતરેહની વાસનાનું ભૂત પેસી જાય છે. જે જ્યાં છે ત્યાંનું ત્યાં રહે એ તેનાથી જાણે ખમાતું નથી. ભાંગફોડ જાઈએ. આવો હું માણસ જેવો માણસ જીવતો હોઉં ને આ સૃષ્ટિ છે તેવી ને તેવી રહે એ કેવું ? એમ તેને થાય છે. કોઈ પહેલવાનને ચરબી ચડે છે અને તે ઉતારવાને જેમ તે ક્યાંક ભીંતમાં જ મુક્કા મારે છે, ક્યાંક ઝાડને જ ધક્કા લગાવે છે તેવા રજોગુણના ઉછાળા હોય છે. એવા ઉછાળા આવે છે એટલે માણસ પૃથ્વી ખોદીને થોડા પથરા બહાર કાઢે છે અને તેને હીરા, માણેક એવાં નામો આપે છે. એ ઉછાળો આવતાં તે સમુદ્રમાં ડૂબકી મારે છે, તેને તળિયેથી કચરો ઉપર લાવે છે અને તેને મોતી નામ આપે છે. પણ મોતીને નાકું નથી હોતું. એટલે તે મોતીને વીંધે છે. પણ મોતી પહેરવાં ક્યાં ? એટલે પછી સોની પાસે નાક-કાન પણ વિંધાવે છે. આવું આવું બધું માણસ શાથી કરે છે ? એ બધો રજોગુણનો પ્રભાવ છે.

15. રજોગુણની બીજી અસર એવી થાય છે કે માણસમાં સ્થિરતા રહેતી નથી. રજોગુણને ફળ તાબડતોબ જોઈએ છે. એટલે જરાક સામી હરકત આવી કે લાગલો તે લીધેલો રસ્તો છોડી દે છે. રજોગુણી માણસ આ છોડ, પેલું લે એમ એકસરખી લે-મૂક કર્યા કરે છે. રોજની નવી નવી પસંદગી અને પરિણામે આખરે હાથમાં કશું આવતું નથી.

‘ राजसं चलमध्रुवम् ’

રજોગુણની કૃતિ જ ચળ ને અનિશ્ચિત છે. નાનાં છોકરાં ઘઉં વાવે છે ને તરત ઉખેડીને જોવા માંડે છે. રજોગુણી માણસનું પણ એવું જ હોય છે. ઝપાટાબંધ બધુંયે હાથમાં આવવું જોઈએ. તે અધીરો થઈ જાય છે. તેનામાં સંયમ રહેતો નથી. એક ઠેકાણે પગ બાંધીને રહેવાની વાતની તેને જાણ નથી. અહીં થોડું કામ કર્યું, ત્યાં થોડી બોલબાલા થઈ કે ચાલ્યા બીજી તરફ. આજે મદ્રાસમાં માનપત્ર લીધું, કાલે કલકત્તામાં અને પરમ દિવસે મુંબઈ-નાગપુરમાં લીધું ! જેટલી સુધરાઈઓ હોય તેટલાં માનપત્રો લેવાનો તેને અભળખો થાય છે. માન એટલી એક જ ચીજ તેને દેખાય છે. એક ઠેકાણે પગ બાંધી સ્થિરપણે કામ કરવાની તેને આદત જ હોતી નથી. આથી રજોગુણી માણસની સ્થિતિ બહુ ભયાનક થાય છે.

16. રજોગુણની અસરને લીધે માણસ તરેહતરેહના ધંધામાં માથાં મારે છે. તેને સ્વધર્મ જેવું કશું રહેતું નથી. ખરૂં જોઈએ તો સ્વધર્માચરણ એટલે બીજાં જાતજાતનાં કર્મોનો ત્યાગ કરવો તે. ગીતામાં કહેલો કર્મયોગ રજોગુણમાંથી છૂટવાનો ઈલાજ છે. રજોગુણમાં બધું જ ચંચળ હોય છે. પર્વતને મથાળે જે પાણી વરસે છે તે જુદી જુદી દિશામાં વહી જાય તો ક્યાંયે રહેતું નથી, બધુંયે નાશ પામે છે. પણ એ બધું પાણી એક જ દિશામાં વહે તો તેની આગળ નદી બને. પેલા પાણીમાં શક્તિ નિર્માણ થાય ને તે દેશને ઉપયોગી થાય. તે જ પ્રમાણે માણસે પોતાની બધી શક્તિ જાતજાતના જુદા જુદા ધંધામાં નાહક વેડફી ન મારતાં, એકઠી કરી એક જ કાર્યમાં સુવ્યવસ્થિત રીતે વાળે તો જ તેને હાથે કંઈક કામ પાર પડે. આથી સ્વધર્મનું મહત્વ છે. સ્વધર્મનું સતત ચિંતન કરતા રહી માત્ર તેમાં બધી શક્તિ વાળવી જોઈએ. બીજી ચીજો તરફ ધ્યાન જવું જ ન જોઈએ, સ્વધર્મની એ કસોટી છે. કર્મયોગ એટલે પાર વગરનું ઘણું ઘણું કામ નથી. કેવળ ઘણું કામ કરવું એટલે કર્મયોગ નથી. ગીતાનો કર્મયોગ જુદી વસ્તુ છે. ફળ તરફ ધ્યાન ન રાખતાં કેવળ સ્વભાવથીઆવી મળેલો અપરિહાર્ય સ્વધર્મ આચરવો અને તેની મારફતે ચિત્તશુદ્ધિ કરતા રહેવું એ કર્મયોગની ખાસ વિશેષતા છે. બાકી કર્મ કરવાનું તો સૃષ્ટિમાં ચાલ્યા જ કરે છે. કર્મયોગ એટલે એક ખાસ મનોવૃત્તિથી બધું કરવું તે. ખેતરમાં ઘઉં ઓરવા અને મૂઠી ઘઉંના દાણા લઈ જઈ ગમે ત્યાં ફેંકવા એ બે વાતો એકબીજીથી ઘણી જુદી છે. એ બંને વચ્ચે ઘણો ફેર છે. અનાજ વાવવાથી કે ઓરવાથી કેટલું મોટું ફળ મળે છે અને ફેંકી દેવાથી કેવું નુકસાન થાય છે તે આપણે હમેશ જોઈએ છીએ. ગીતા જે કર્મની વાત કહે છે તે ઓરવાના કે વાવવાના કામ જેવું છે. આવા સ્વધર્મરૂપ કર્તવ્યમાં ઘણી શક્તિ છે. તેમાં જેટલી મહેનત-મજૂરી કરીએ તેટલી ઓછી છે. એથી દોડધામને એમાં અવકાશ જ રહેતો નથી.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

ધન્યાષ્ટકમ્‌ – (આદિ શંકરાચાર્ય)

તજ્જ્ઞાનં પ્રશમકરં યદિન્દ્રિયાણાં – તજ્જ્ઞેયં યદુપનિષત્સુ નિશ્ચિતાર્થમ્‌ |
તે ધન્યા ભુવિ પરમાર્થનિશ્ચિતેહા: – શેષાસ્તુ ભ્રમનિલયે પરિભ્રમન્ત: ||
( 1 )

આદૌ વિજિત્ય વિષયાન્મદમોહરાગ-દ્વેષાદિશત્રુગણમાહ્રતયોગરાજ્યા: |
જ્ઞાત્વા મતં સમનુભૂય પરાત્મવિદ્યા – કાન્તાસુખં વનગૃહે વિચરન્તિ ધન્યા: ||
( 2 )

ત્યત્વા ગૃહે રતિમધોગતિહેતુભૂતાં – આત્મેચ્છ્યોપનિષદર્થરસં પિવન્ત: |
વીતસ્પૃહા વિષયભોગપદે વિરક્તા – ધન્યાશ્ચરન્તિ વિજનેષુ વિરક્તસંગા: ||
( 3 )

ત્યક્ત્વા મમાહમિતિ બન્ધકરે પદે દ્વે – માનાવમાન સદૃશા: સમદર્શિનશ્ચ |
કર્તારમન્યમવગમ્ય તદર્પિતાનિ – કુર્વન્તિ કર્મપરિપાક ફલાનિ ધન્યા: ||
( 4 )

ત્યક્ત્વૈષણાત્રયમ્‌ અવેક્ષિતમોક્ષમાર્ગા – ભૈક્ષામૃતેન પરિકલ્પિતદેહયાત્રા: |
જ્યોતિ: પરાત્પરતરમ્‌ પરમાત્મસંજ્ઞં – ધન્યા: દ્વિજા રહસિ હ્રદ્યવલોકયન્તિ ||
( 5 )

નાસન્ન સન્ન સદસન્ન મહન્ન ચાણુ -ન સ્ત્રી પુમાન્ન ચ નપુંસકમેકબીજમ્ |
યૈર્બ્રહ્મ તત્સમનુપાસિતમેકચિતૈ – ર્ધન્યા વિરેજુરિતરે ભવપાશબદ્ધા: ||
( 6 )

અજ્ઞાનપંકપરિમગ્નમપેતસારં – દુ:ખાલયં મરણજન્મજરાવસક્તમ્ |
સંસારબન્ધનમનિત્યમવેક્ષ્ય ધન્યા – જ્ઞાનાસિના તદવશીર્ય વિનિશ્ચયન્તિ ||
( 7 )

શાન્તૈરનન્યમતિભિર્મધુરસ્વભાવૈ: – એકત્વનિશ્ચિત મનોભિરપેતમોહૈ: |
સાકં વનેષુ વિદિતાત્મપદસ્વરુપં – તદ્વસ્તુ સમ્યગનિશં વિમૃશન્તિ ધન્યા: ||
( 8 )

Categories: સ્તોત્ર | Tags: | Leave a comment

ઘટમાં ઘોડા થનગને (ઝવેરચંદ મેઘાણી)

ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ

આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે
વિશ્વભરના યુવાનોની આંખો અડે
પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે
ગરુડ શી પાંખ આતમ વિષે ઉઘડે

કેસરિયા વાઘા કરી જોબન જુદ્ધે ચડે
રોકણહારું કોણ છે ? કોનાં નેન રડે

કોઈ પ્રિયજન તણાં નેન રડશો નહિ
યુદ્ધ ચડતાને અપશુકન ધરશો નહિ
કેસરી વીરના કોડ હરશો નહિ
મત્ત યૌવન તણી ગોત કરશો નહિ

રગરગિયાં-રડિયાં ઘણું, પડિયાં સહુને પાય
લાતો ખાધી, લથડિયાં એ દિન ચાલ્યા જાય

લાત ખાવા તણાં દિન હવે ચાલિયાં
દર્પભર ડગ દઈ યુવક દળ હાલિયાં
માગવી આજ મેલી અવરની દયા
વિશ્વ સમરાંગણે તરુણદિન આવિયા

અણદીઠને દેખવા, અણતગ લેવા તાગ
સતની સીમો લોપવા, જોબન માંડે જાગ

લોપવી સીમ, અણદીઠને દેખવું
તાગવો અતલ દરિયાવ-તળિયે જવું
ઘૂમવા દિગ્દિગંતો, શૂળી પર સૂવું
આજ યૌવન ચહે એહ વિધ જીવવું

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | 7 Comments

ભજ ગોવિન્દમ

ભજ ગોવિન્દમ ભજ ગોવિન્દમ
ગોવિન્દમ ભજ મૂઢમતે |
સંપ્રાપ્તે સન્નિહિતે કાલે
ન હિ ન હિ રક્ષતિ ડુકૃઝરણે ||
ભજ ગોવિન્દમ… || 1 ||

ઓ મૂર્ખ માનવ ! ગોવિન્દને ભજ, ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ. નિર્ધારિત કાળ (મૃત્યુ) આવશે ત્યારે વ્યાકરણના નિયમો તારી રક્ષા નહિ કરી શકે.

મૂઢ જહીહિ ધનાગમતૃષ્ણાં
કરુ સદબુદ્ધિ મનસિ વિતૃષ્ણામ્ |
યલ્લભસે નિજકર્મોપાત્તં
વિત્તં તેન વિનોદય ચિત્તમ ||
ભજ ગોવિન્દમ… || 2 ||

હે મૂઢ ! ધનસંચયની લાલસા છોડ, સદબુદ્ધિ ધારણ કર, મનમાંથી તૃષ્ણા ત્યાગી દે, તારાં કર્મ અનુસાર જે કાંઈ પ્રાપ્ત થાય તેનાથી તારા ચિત્તને પ્રસન્ન રાખ. ગોવિન્દને ભજ, ગોવિન્દને ભજ…

નારીસ્તનભરનાભીદેશં
દષ્ટવા મા ગા મોહાવેશમ્ |
એતન્માંસવસાદિવિકારં
મનસિ વિચિન્તય વારં વારમ્ ||
ભજ ગોવિન્દમ્ || 3 ||

નારીના વિકસેલા સ્તન, અને નાભિપ્રદેશ જોઈ મોહના આવેશમાં ન પડ. એ તો માંસ અને ચરબીનો વિકાર માત્ર છે એમ મનમાં વારંવાર વિચાર કર. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….

નલિનીદલગતજલમતિતરલં
તદ્વજ્જીવિતમતિશયચપલમ્ |
વિદ્ધિ વ્યાધ્યભિમાનગ્રસ્તં
લોકં શોકહતં ચ સમસ્તમ્ ||
ભજ ગોવિન્દમ્ || 4 ||

કમળના પાંદડા પર રમતું જળબિંદુ જેમ ખૂબ ચંચળ છે, તેમ આ જીવન પણ અતિ અસ્થિર છે. રોગ અને અભિમાનથી ગ્રસ્ત આ સકળ સંસાર જ શોક અને દુ:ખથી ભરપૂર છે તે બરાબર સમજી લે. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ…

યાવદ્વિત્તોપાર્જનસક્ત
સ્તાવન્નિજપરિવારો રક્ત: |
પશ્ચાજ્જીવતિ જર્જરદેહે
વાર્તા કોઅપિ ન પૃચ્છતિ ગેહે ||
ભજ ગોવિન્દમ્ || 5 ||

જ્યાં સુધી મનુષ્યમાં ધન કમાવાની શક્તિ છે ત્યાં સુધી જ તેનો પરિવાર તેનામાં આસક્ત રહેશે. જ્યારે તેનો દેહ જર્જરિત થશે ત્યારે ઘરમાં તેની સાથે કોઈ વાત કરવાની પણ પરવા નહિ કરે ! ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….

યાવત્પવનો નિવસતિ દેહે
તાવત્પૃચ્છતિ કુશલં ગેહે |
ગતવતિ વાયૌ દેહાપાયે
ભાર્યા બિભ્યતિ તસ્મિંકાયે ||
ભજ ગોવિન્દમ્ || 6 ||

જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી જ ઘરમાં સૌ તમારા કુશળ સમાચાર પૂછે છે. દેહને છોડી પ્રાણ ચાલ્યા જાય છે અને શરીર વિકૃત થાય છે ત્યારે તમારી પત્ની પણ તે દેહથી ડરે છે ! ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….

બાલાસ્તાવત્ક્રીડાસક્ત
સ્તરુણસ્તાવતરુણીસક્ત: |
વૃદ્ધસ્તાવચ્ચિન્તાસક્ત:
પરમે બ્રહ્મણિ કોડપિ ન સક્ત: ||
ભજ ગોવિન્દમ્ || 7 ||

બાળપણમાં માણસ રમતમાં આસકત રહે છે, યુવાની આવે છે ત્યારે તે યુવતીમાં આસક્ત હોય છે, વૃદ્ધાવસ્થામાં તે ચિંતામગ્ન રહે છે. છતાં અરેરે ! કોઈ પણ પરબ્રહ્મમાં આસક્ત થતું નથી. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….

કા તે કાન્તા કસ્તે પુત્ર:
સંસારેડયમતીવ વિચિત્ર: |
કસ્ય ત્વં ક: કુત આયાત
સ્તત્વં ચિન્તય તદિક ભ્રાત: ||
ભજ ગોવિન્દમ્ || 8 ||

કોણ તારી પત્ની છે ? કોણ તારો પુત્ર છે ? આ સંસાર ખરેખર, વિચિત્ર છે. અહીં તું કોનો છે ? તું ક્યાંથી આવ્યો છે ? ઓ ભાઈ ! તત્વનો જ (સત્યનો) અહીં વિચાર કર. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ…

સત્સંગત્વે નિસસ્સંગત્વં
નિસસ્સંગત્વે નિર્મોહત્વમ્ |
નિર્મોહત્વે નિશ્ચલત્વં
નિશ્ચલત્વે જીવનમુક્તિ: ||
ભજ ગોવિન્દમ્ || 9 ||

સત્સંગ દ્વારા અનાસક્તિ જન્મે છે; અનાસક્તિને કારણે ભ્રમણાનો નાશ થાય છે. મોહનો નાશ થતાં નિશ્ચળ આત્મતત્વનું જ્ઞાન થાય છે. અને આ જ્ઞાન દ્વારા જીવનમુક્તિ પ્રાપ્ત થાય છે. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ…

વયસિ ગતે ક: કામવિકાર:
શુષ્કે નીરે ક: કાસાર: |
ક્ષીણે વિત્તે ક: પરિવારો
જ્ઞાતે તત્વે ક: સંસાર ||
ભજ ગોવિન્દમ્ || 10 ||

યુવાની ચાલી જતાં કામવિકાર-લાલસાનો આવેગ ક્યાંથી રહે ? પાણી સુકાઈ જતાં સરોવર ક્યાંથી રહે ? પૈસો ઓછો થતાં પરિવાર શા માટે વળગી રહે ? આત્મતત્વનું જ્ઞાન થતાં સંસાર શી રીતે રહી શકે ? ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….

દિનયામિન્યૌ સાયં પ્રાત:
શિશિરવસન્તો પુનરાયાત: |
કાલ: ક્રીડતિ ગચ્છત્યાયુ
સ્તદપિ ન મુઝ્ચત્યાશાવાયુ: ||
ભજ ગોવિન્દમ્ || 12 ||

દિવસ અને રાત, મળસ્કું અને સાયંકાળ, શિશિર અને વસંત ફરી ફરીને આવે છે અને જાય છે. કાળ ક્રીડા કરે છે અને આયુષ્ય ઓસરતું જાય છે અને છતાં કોઈ આશાના વાયરાઓ છોડતું નથી. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….

કા તે કાન્તા ધનગતચિન્તા
વાતુલ કિં તવ નાસ્તિ નિયન્તા |
ત્રિજગતિ સજ્જનસંગતિરેકા
ભવતિ ભવાર્ણવતરણે નૌકા ||
ભજ ગોવિન્દમ્ || 13 ||

ઓ વ્યાકુળ માણસ ! પત્ની, પૈસા વગેરેની ચિંતા તું શા માટે કરે છે ? તારો કોઈ નિયંતા નથી શું ? ત્રણે લોકમાં માત્ર સત્સંગ જ ભવસાગર તરવા અર્થે નૌકાની ગરજ સારે છે.

જટિલો મુણ્ડી લુચ્છિતકેશ:
કાષાયામ્બરબહુકૃતવેશ: |
પશ્યન્નપિ ચ ન પશ્યતિ મૂઢો
હૃયુદરનિમિત્તં બહુકૃતવેષ: ||
ભજ ગોવિન્દમ્ || 14 ||

કોઈ જટાધારી, કોઈ માથું મૂંડાવેલો, કોઈ ચૂંટી ચૂંટીને વાળ કાઢી નાખેલા માથાવાળો, કોઈ ભગવાંધારી – આ બધા (સાધુ-સ્વાંગ ધારીઓ) મૂઢ છે. તેઓ માત્ર પેટ ભરવા ખાતર જુદા જુદા વેશ ધારણ કરે છે. ખરેખર તેઓ (સત્યને) જોતા હોવા છતાં જોતા નથી.

અંગં ગલિતં પલિતં મુણ્ડં
દશનવિહીન જાતં તુણ્ડં |
વૃદ્ધો યાતિ ગૃહિત્વા દણ્ડં
તદપિ ન મુઝ્હ્યત્યાશાપિન્ડમ ||
ભજ ગોવિન્દમ્ || 15 ||

જેનું શરીર ગળી ગયું છે, માથે પળિયાં આવ્યાં છે, મોઢું દાંત વિનાનું બોખું થયું છે તેવો વૃદ્ધ લાકડીને સહારે હરેફરે છે છતાં પોતાની આશાઓનો ભારો છોડતો નથી. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….

અગ્ને વહિ પૃષ્ઠે ભાનુ:
રાત્રૌ ચુબુક્સમર્પિતજાનુ: |
કરતલભિક્ષસ્તરુતલવાસ
સ્તદ્પિ ન મુશ્ચત્યાપાશ : ||
ભજ ગોવિન્દમ્ || 16 ||

(રાત્રે) આગળ અગ્નિ છે, (દિવસે) પાછળ સૂર્ય છે, (મોડી રાત્રે) ટૂંટિયું વાળે છે; હથેળીમાં ભિક્ષા ગ્રહણ કરે છે. વૃક્ષ હેઠળ વાસ છે (અને) છતાં પણ આશાઓનું બંધન છોડતો નથી. ગોવિન્દને ભજ…. ગોવિન્દને ભજ….

કુરુતે ગંગાસાગરગમનં
વ્રતપરિપાલનમથવા દાનમ્ |
જ્ઞાનવિહીન: સર્વમતેન
ભજતિ ન મુક્તિ જન્મશતેન ||
ભજ ગોવિન્દમ્ || 17 ||

કોઈ (જ્યાં ગંગા સાગરને મળે છે ત્યાં) ગંગાસાગર નામના તીર્થની યાત્રાએ જાય, અથવા વ્રતો કરે કે દાન કરે પરંતુ જો તે જ્ઞાન વગરનો હોય, તેને પોતાને સત્યનો સાક્ષાત્કાર થયો ન હોય તો તેને સો જન્મમાં પણ મુક્તિ મળતી નથી એવો બધા આચાર્યોનો અભિપ્રાય છે. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ…

સુરમન્દિરતરુમૂલનિવાસ:
શય્યાભૂતલમજિનં વાસ: |
સર્વં પરિગ્રહભોગત્યાગ:
કસ્ય સુખં ન કરોતિ વિરાગ : ||
ભજ ગોવિન્દમ્ || 18 ||

મંદિરમાં કોઈ ઝાડ નીચે નિવાસ, ખુલ્લી જમીન ઉપર શયન, મૃગચર્મનું પરિધાન અને આ રીતે પરિગ્રહ અને ભોગવવાની ઈચ્છાનો ત્યાગ; આવો વૈરાગ્ય કોને સુખ આપતો નથી ? ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ…

યોગરતો વા ભોગરતો વા
સંગરતો વા સંગવિહીન : |
યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તં
નન્દતિ નન્દતિ નન્દત્યેવ ||
ભજ ગોવિન્દમ્ || 19 ||

કોઈ માણસ યોગમાં રાચતો હોય કે તે ભોગમાં રાચતો હોય, કોઈ સંગમાં આનંદ માણતો હોય કે તે લોકોથી દૂર એકાંતમાં રાચતો હોય. જેનું ચિત્ત બ્રહ્મમાં રાચે છે તે આનંદ માણે છે….આનંદ માણે છે… ખરેખર તે જ આનંદ માણે છે… ગોવિન્દને ભજ…. ગોવિન્દને ભજ…

ભગવદગીતા કશ્ચિદઘીતા
ગંગાજલલવકણિકા પીતા |
સકૃદપિ યેન મુરારિસમર્ચા
ક્રિયતે તમ્ય યમેન ન ચર્ચા ||
ભજ ગોવિન્દમ્ || 20 ||

જેણે ભગવદગીતાનો થોડો પણ અભ્યાસ કર્યો છે, જેણે ગંગાજળનું એક ટીપું પણ પીધું છે, જેણે મુરારિ ભગવાનની એક વાર પણ અર્ચા કરી છે તેને મૃત્યુના સ્વામી યમ સાથે ચર્ચા કરવાની રહેતી નથી. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….

પુનરપિ જનનં પુનરપિ મરણં
પુનરપિ જનનીજઠરે શયનમ્ |
ઈહ સંસારે બહુદુસ્તારે
કૃપયાડપારે પાહિ મુરારે ||
ભજ ગોવિન્દમ્ || 21 ||

ફરી જન્મ, ફરી મરણ અને ફરી માના ઉદરમાં સૂવાનું – આ સંસારની પ્રક્રિયા પાર કરવાનું ઘણું મુશ્કેલ છે…. ઓ ! મુરારિ તારી અનંત કૃપા દર્શાવી મને બચાવ. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….

રથ્યાચરર્પટવિરચિત્તકન્ય:
પુણ્યાપુણ્યવિવર્જિતપન્થ: |
યોગી યોગનિયોજિતચિત્તો
રમતે બાલોન્મતવદેવ ||
ભજ ગોવિન્દમ્ || 22 ||

જેણે માત્ર ગોદડી પહેરેલી છે, જે પુણ્ય અને પાપથી પર એવા માર્ગે ચાલે છે, પૂર્ણ યોગનાં ધ્યેયોમાં જેનું મન જોડાયેલું છે તેવો યોગી આનંદ માણે છે (પરમાત્માની ચેતનામાં) અને ત્યાર પછી એક બાળક કે એક પાગલની માફક રહે છે. ગોવિન્દને ભજ…. ગોવિન્દને ભજ….

કસત્વં કોડહં કુત આયાત:
કા મે જનની કો મે તાત: |
ઈતિ પરિભાવય સર્વમસારં
વિશ્વં ત્યકત્વા સ્વપ્નવિચારમ્ ||
ભજ ગોવિન્દમ્ || 23 ||

તું કોણ છે ? હું કોણ છું ? હું ક્યાંથી આવ્યો ? મારી મા કોણ ? મારો બાપ કોણ ? અનુભૂતિનું સમસ્ત જગત જે અસાર અને માત્ર સ્વપ્નપ્રદેશ જેવું છે તેને છોડી આ રીતે તપાસ કર. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….

ત્વયિ મયિ ચાન્યત્રૈકો વિષ્ણુ
વ્યર્થ કુપ્યસિ મય્યસહિષ્ણુ: |
ભવ સમચિત્ત: સર્વત્ર ત્વં
વાઝ્છસ્યચિરાધદિ વિષ્ણુત્વમ્ ||
ભજ ગોવિન્દમ્ || 24 ||

તારામાં, મારામાં અને બીજાં (સર્વ) સ્થળોએ પણ માત્ર એક સર્વવ્યાપક સત્તા (વિષ્ણુ) છે, અધીર હોવાથી, તું મારી સાથે નકામો ગુસ્સે થાય છે. જો તું તુરંત વિષ્ણુત્વ ચાહતો હો તો બધા સંજોગોમાં સમતાવાળો થા. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….

શત્રૌ મિત્રે પુત્રે બન્ધૌ
મા કુરુ યત્નં વિગ્રહસન્ધૌ |
સર્વસ્મિન્નપિ પશ્યાત્માનં
સર્વત્રોત્સૃજ ભેદાજ્ઞાનમ્ ||
ભજ ગોવિન્દમ્ || 25 ||

તારા શત્રુ, મિત્ર, પુત્ર કે સંબંધી સાથે લડવા કે તેમની સાથે મૈત્રી બાંધવાના પ્રયાસમાં તારી શક્તિ વેડફીશ નહિ. આત્માને સર્વત્ર અનુભવવાનો પ્રયાસ કરતાં અજ્ઞાનજનિત ભેદબુદ્ધિનો ત્યાગ કર. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….

કામં ક્રોધં લોભં મોહં
ત્યકત્વાડડત્માનં પશ્યતિ સોહમ |
આત્માજ્ઞાનવિહીના મૂઢા
સ્તે પચ્યન્તે નરકનિગૂઢા: ||
ભજ ગોવિન્દમ્ || 26 ||

ઈચ્છા, ક્રોધ, લોભ અને મોહને છોડીને સાધક આત્મામાં ‘તે હું છું.’ એમ જુએ છે. જેને આત્મજ્ઞાન થયું નથી તેઓ મૂઢ છે અને (પરિણામે) તેઓ નરકમાં બંદીવાન તરીકે ત્રાસ સહન કરે છે.

ગેયં ગીતાનામસહસ્ત્રં
ધ્યેયં શ્રીપતિરૂપમજસ્ત્રમ્ |
નેયં સજ્જનસંગે ચિત્તં
દેયં દીનજનાય ચ વિત્તમ ||
ભજ ગોવિન્દમ્ || 27 ||

ભગવદગીતા અને સહસ્ત્રનામનો પાઠ કરવો, લક્ષ્મીપતિનું ધ્યાન કરવું; સજ્જ્નોના સંગમાં ચિત્તને દોરવું; અને ગરીબ લોકોને ધનનું દાન કરવું. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….

સુખત: ક્રિયતે રામાભોગ:
પશ્ચદ્ધન્ત શરીરે રોગ: |
યદ્યપિ લોકે મરણં શરણં
તદપિ ન મુશ્ચતિ પાપાચરણમ્ ||
ભજ ગોવિન્દમ્ || 28 ||

મનુષ્ય દૈહિક ઉપભોગોમાં સત્વર મગ્ન થાય છે, પછીથી અરેરે ! શરીરના રોગો આવે છે. જોકે જગતમાં આખરી અંત મરણ જ છે છતાં મનુષ્ય પોતાનું પાપાચરણ છોડતો નથી. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….

અર્થમનર્થ ભાવય નિત્યં
નાસ્તિ તત: સુખલેશ: સત્યમ્ |
પુત્રાદપિ ધનભાજાં ભીતિ:
સર્વત્રૈષા વિહિતા રીતિ: ||
ભજ ગોવિન્દમ્ || 29 ||

‘પૈસો અનર્થકારી છે’ તેમ નિત્ય વિચાર કર. ખરી વાત એ છે કે પૈસાથી કોઈ સુખ મળવાનું નથી. પૈસાદારને પોતાના પુત્રથી પણ ભય રહે છે. પૈસાની આ રીત બધે જાણીતી છે. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ…

પ્રાણાયામં પ્રત્યાહારં
નિત્યાનિત્યવિવેકવિચારમ્ |
જાપ્યસમેત સભાધિવિધાનં
કુર્વવધાનં મહદવધાનમ્ ||
ભજ ગોવિન્દમ્ || 30 ||

પ્રાણાયામ, પ્રત્યાહાર, નિત્ય અને અનિત્ય વસ્તુનો વિવેકરૂપી વિચાર, જપ અને સમાધિ – આ બધું કાળજીપૂર્વક કર…. ખૂબ કાળજીપૂર્વક કર. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ…

ગુરુચરણામ્બુજનિર્ભરભક્ત:
સંસારાદચિરાભ્વ મુક્ત: |
સેન્દ્રિયમાનસનિયમાદેવં
દ્રક્ષ્યસિ નિજહૃદયસ્થં દેવમ્ ||
ભજ ગોવિન્દમ્ || 31 ||

અર્થ : ઓ ! ગુરુના ચરણકમળના ભક્ત ! ઈન્દ્રિયો અને મનના સંયમ દ્વારા સંસારમાંથી તુરત મુક્ત થા. તું તારા હૃદયમાં જ વિરાજતા ઈશ્વરનો અનુભવ કરીશ. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….

Categories: સ્તોત્ર | Tags: | Leave a comment

ગોપી ગીત

જયતિ તેSધિકં જન્મના વ્રજઃ
શ્રયત ઈન્દિરા શશ્વદત્ર હિ |
દયિત દૃશ્યતાં દિક્ષુ તાવકા-
સ્ત્વયિ ધૃતાસવસ્ત્વાં વિચિન્વતે || ૧ ||

‘પ્યારા શ્યામસુંદર! તમારા જન્મના કારણે વૈકુંઠ વગેરે લોકોથી પણ વ્રજનો મહિમા વધી ગયો છે. તેથી તો સૌન્દર્ય અને મૃદુલતાનાં દેવી લક્ષ્મીજી પોતાનું નિવાસસ્થાન વૈકુંઠ છોડીને અહીં નિત્ય નિરંતર નિવાસ કરવા લાગ્યાં છે, વ્રજની સેવા કરવા લાગ્યાં છે. પરંતુ પ્રિયતમ્ જુઓ આ તમારી ગોપીઓ, જેમણે તમારા ચરણોમાં જ પોતાના પ્રાણ સમર્પિત કરી રાખ્યા છે, વન-વન ભટકતી તમને શોધી રહી છે. (૧)

શરદુદાશયે સાધુજાતસત્
સરસિજોદરશ્રીમુષા દૃશા |
સુરતનાથ તેSશુલ્કદાસિકા
વરદ નિઘ્નતો નેહ કિં વધઃ || ૨ ||

અમારા પ્રેમપૂર્ણ હ્રદયના નાથ! અમે તમારી વિના મોલની દાસીઓ છીએ. શરદઋતુના સરોવરમાં સુંદર રીતે ખીલેલા શ્રેષ્ઠ કમળના ગર્ભની શોભાને હરી લેતાં નેત્રો વડે તમે અમને ઘાયલ કરી છૂક્યા છો. અમારા મનોરથો પૂર્ણ કરનારા પ્રાણનાથ! શું નેત્રોથી હણવા એ વધ નથી? (૨)

વિષજલાપ્યાદ્ વ્યાલરાક્ષસાદ્
વર્ષમારૂતાદ્ વૈદ્યુતાનલાત્ |
વૃષમયાત્મજાદ્ વિશ્વતોભયા-
દૃષભ તે વયં રક્ષિતા મુહુઃ || 3 ||

સર્વોત્કૃષ્ટ દેવ! યમુનાજીના ઝેરી જળથી, અજગરના રૂપમાં ગળી જવા માટે આવેલા અઘાસુરથી, ઈન્દ્રનો વૃષ્ટિપ્રકોપ, આંધી, વીજળી, દાવાનલ, વૃષભાસુર અને વ્યોમાસુર વગેરેથી અને જુદા જુદા સમયે તમામ પ્રકારના સંકટોથી તમે વારંવાર અમારી રક્ષા કરી છે. (૩)

ન ખલુ ગોપિકાનન્દનો ભવા-
નખિલદેહિનામન્તરાત્મદૃક્
વિખનસાSર્થિતો વિશ્વગુપ્તયે
સખ ઉદેયિવાન્ સાત્વતાં કુલે || ૪ ||

તમે માત્ર યશોદાનંદન જ નથી, સમસ્ત શરીરધારીઓના હ્રદયમાં રહેનારા તેમના સાક્ષી છો, અંતર્યામી છો. સખા! બ્રહ્માજીની પ્રાર્થનાથી વિશ્વની રક્ષા કરવા માટે તમે યદુવંશમાં અવતાર લીધો છે.

વિરચિતાભયં વૃષ્ણિધુર્ય તે
ચરણમીયુષાં સંસૃતેર્ભયાત્ |
કરસરોરુહં કાન્ત કામદં
શિરસિ ધેહિ નઃ શ્રીકરગ્રહમ્ || ૫ ||

પોતાના પ્રેમીઓની અભિલાષા પૂરી કરનારાઓમાં અગ્રેસર યદુવંશશિરોમણી! જે લોકો જન્મ-મૃત્યુરૂપી સંસારના ચકરાવાથી ડરીને તમારા ચરણોનું શરણ ગ્રહણ કરે છે, તેમને તમારાં કરકમલ પોતાની છત્રછાયામાં રાખીને અભય કરી દે છે. અમારા પ્રિયતમ્ બધાની લાલસા, અભિલાષા પૂરી કરનારા તે જ કરકમલ, જેનાથી તમે લક્ષ્મીજીનો હાથ પકડ્યો છે, અમારા મસ્તક પર પધરાવો. (૫)

વ્રજજનાર્તિહન્ વીર યોષિતાં
નિજજનસ્મયધ્વંસનસ્મિત |
ભજ સખે ભવત્કિંકરીઃ સ્મ નો
જલરુહાનનં ચારુ દર્શય || ૬ ||

વ્રજવાસીઓના દુઃખ દુર કરનારા વીરશિરોમણી શ્યામસુંદર! વ્રજજનોની વ્યથાને હરનારા, ભક્તજનોના ગર્વને મન્દસ્મિતથી ચૂર્ણ કરનારા અમારા પ્રિય સખા! અમારાથી રિસાઓ નહીં, પ્રેમ કરો, અમે તો તમારી દાસીઓ છીએ, તમારા ચરણો પર ન્યોછાવર છીએ. અમ અબલાઓને પોતાના પરમ સુંદર મુખકમળના દર્શન આપો. (૬)

પ્રણતદેહિનાં પાપકર્ષનં
તૃણચરાનુગં શ્રીનિકેતનમ્ |
ફણિફણાર્પિતં તે પદામ્બુજં
કૃણુ કુચેષુ નઃ કૃન્ધિ હૃચ્છયમ્ || ૭ ||

તમારાં ચરણકમળ શરણાગત પ્રાણીઓનાં તમામ પાપોને નષ્ટ કરી દે છે. તે સમસ્ત સૌન્દર્ય, મધુર્યની ખાણ છે અને સ્વયં લક્ષ્મીજી તેમની સેવા કરે છે. તમે તે ચરણોથી અમારાં વાછરડાની પાછળ-પાછળ ચાલો છો અને તમે તે ચરણોને અમારા માટે કલિયનાગના મસ્તક ઉપર મૂકતાં પણ સંકોચ કર્યો નહીં. અમારું હ્રદય તમારા વિરહાગ્નિથી બળી રહ્યું છે અને તમને મળવાની આકાંક્ષા અમને પજવી રહી છે. તમે તમારા તે જ ચરણ અમારા વક્ષઃસ્થળ પર પધરાવીને અમારા હ્રદયની બળતરાને શાંત કરો. (૭ )

મધુરયા ગિરા વલ્ગુવાક્યયા
બુધમનોજ્ઞયા પુષ્કરેક્ષણ
વિધિકરીરિમા વીર મુહ્યતી-
રધરસીધુનાSSપ્યાયયસ્વ નઃ || ૮ ||

કમલનયન! તમારી વાણી કેટલી મધુર છે! તેનો એક-એક શબ્દ, એક-એક અક્ષર, અતિ મધુર, અતિ મધુર છે. તે મોટા-મોટા વિદ્વાનોને પણ મુગ્ધ કરે છે, તેના પર તેઓ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દે છે. તમારી તે જ વાણીનું રસાસ્વાદન કરીને તમારી આજ્ઞાંકિત દાસી ગોપીઓ મોહિત થઈ ગઈ છે. દાનવીર! હવે તમે દિવ્ય અમૃતથી પણ મધુર અધરામૃતનું પાન કરાવીને અમને જીવન-દાન આપો અમને તેનાથી રસતરબોળ કરી દો. (૮)

તવ કથામૃતં તપ્ત જીવનં
કવિભિરીડિતં કલ્મષાપહમ્ |
શ્રવણમંગલં શ્રીમદાતતં
ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જનાઃ || ૯ ||

પ્રભુ! તમારી લીલાકથા પણ અમૃતસ્વરૂપ છે. વિરહથી વ્યથિત થયેલા લોકોમાટે તો તે જીવન-સર્વસ્વ છે. મોટા-મોટા જ્ઞાની મહાત્માઓ – ભક્ત કવિઓએ તેનું ગાન કર્યું છે, તે બધાં પાપ-તાપને હરવાવાળી છે, સાથે સાથે તેના શ્રવણમાત્રથી મંગલ-પરમ કલ્યાણનું દાન પણ કરનારી છે. તે પરમ સુંદર, પરમ મધુર, અને બહુ વિસ્તૃત પણ છે. જે તમારી તે લીલા-કથાનું ગાન કરે છે, વાસ્તવમાં પૃથ્વીલોકમાં તે જ સૌથી મોટા દાતા છે.

પ્રહસિતં પ્રિય પ્રેમવીક્ષણં
વિરહણં ચ તે ધ્યાનમંગલમ્ |
રહસિ સંવિદો યા હૃદિસ્પૃશઃ
કુહક નો મનઃ ક્ષોભયન્તિ હિ || ૧૦ ||

વહાલા! એક દિવસ એ હતો, જ્યારે તમારું પ્રેમભર્યું હાસ્ય અને ચિતવન તથા તમારી જુદી જુદી ક્રીડઓનું ધ્યાન કરીને અમે આનંદમગ્ન થઈ જતી હતી. તે લીલાઓનું ધ્યાન પણ અપરમ મંગલદાયક છે, પછી તમે મળ્યા. હ્રદયને સ્પર્શી જનારી તમારી હાસ્યરસ યુક્ત વાતો કરી. હે કપટી! હવે એ બધી વાત યાદ આવતાં અમારાં મનને ક્ષુબ્ધ કરી દે છે. (૧૦)

ચલસિ યદ્ વ્રજાચ્ચારયન્ પશૂન્
નલિનસુંદરં નાથ તે પદમ્ |
શિલતૃણાંગકુરૈઃ સીદતીતિ નઃ
કલિલતાં મનઃ કાન્ત ગચ્છતિ || ૧૧ ||

અમારા પ્રિય સ્વામી! તમારા ચરણ કમળથી પણ કોમળ અને સુંદર છે. જ્યારે તમે ગાયો ચરાવવા વ્રજમાંથી નીકળૉ છો ત્યારે તમારા યુગલચરણમાં કાંકરા,કુશ-કાંટા વાગી જવાથી કષ્ટ થતું હશે. એવા વિચારથી અમારું મન બેચેન થઈ જાય છે, અમને ભારે દુઃખ થાય છે. (૧૧)

દિનપરિક્ષયે નીલકુંતલૈ-
ર્વનરુહાનનં બિબ્રદાવૃતમ્ |
ઘનરજસ્વલં દર્શયન્ મુહુ-
ર્મનસિ નઃ સ્મરં વીર યચ્છસિ || ૧૨ ||

દિવસ ઢળ્યે જ્યારે તમે વનમાંથી ઘેર આવો છો ત્યારે અમે જોઈએ છીએ કે કાળા વાંકડિયા કેશથી છવાયેલા તમારા સુંદર મુખકમલ પર પુષ્કળ ગોરજ ઉડેલી હોય છે ત્યારે તમારું સુંદરતમ તે મુખકમલ અમને દેખાડીને અમારા હ્રદયમાં મિલનની આકાંક્ષા – પ્રેમ ઉત્પન્ન કરો છો. || ૧૨ ||

પ્રણતકામદં પદ્મજાર્ચિતં
ધરણિમણ્ડનં ધ્યેયમાપદિ |
ચરણપંકજં શંન્તમં ચ તે
રમણ નઃ સ્તનેષ્વર્પયાધિહન્ || ૧૩ |

પ્રિયતમ! એકમાત્ર તમે જ અમારાં બધાં દુઃખોને હરવાવાળા છો. તમારા ચરણકમળ શરણાગત ભક્તોની બધી સઘળી અભિલાષાને પૂરી કરવાવાળા છે. સ્વયં લક્ષ્મીજી તે ચરણોની સેવા કરે છે અને પૃથ્વીના તો તે ભૂષણ જ છે. આપત્તિ સમયે એકમાત્ર તેમનું ચિંતન કરવું ઉચિત છે, જેથી તમામ આપાત્તિઓ નષ્ટ થઈ જાય છે. કુંજવિહારી! તમે તમારાં તે કલ્યાણસ્વરૂપ ચરણકમળ અમારા વક્ષઃસ્થળ પર પધરાવીને અમારી હ્રદયની વ્યથાને દૂર કરો. (૧૩)

સુરતવર્ધનં શોકનાશનં
સ્વરિતવેણુના સુષ્ઠુ ચુમ્બિતમ્ |
ઇતરરાગવિસ્મારણં નૃણાં
વિતર વીર નસ્તેSધરામૃતમ્ || ૧૪ ||

વીરશિરોમણી! તમારું અધરામૃત મળવાની આકાંક્ષાને વધારનારું છે. તે વિરહજન્ય સમસ્ત શોક-સંતાપને હરી લેછે. સ્વરસંગીત ઉત્પન્ન કરતી વેણું તેનું પાન કરે છે. મનુષ્યોની બીજી સર્વ ઈચ્છાઓને ભુલાવી દેનારા આપના તે અધરામૃતનું અમને પાન કરાવો! (૧૪)

અટતિ યદ્ ભવાનહ્નિ કાનનં
ત્રુટિર્યુગાયતે ત્વામપશ્યતામ્
કુટિલકુન્તલં શ્રીમુખં ચ તે
જડ ઉદીક્ષતાં પક્ષ્મકૃદ્ દૃશામ્ || ૧૫ ||

વહાલા! દિવસે જ્યારે તમે વનમાં વિહાર કરવા ચાલ્યા જાઓ છો ત્યારે તમને જોયા વિના અમારા માટે એક ક્ષણ યુગ જેવો થઈ જાય છે અને જ્યારે તમે સાંજે પાછા આવો છો ત્યારે વાંકડિયા કેશથી છવાયેલું તમારું પરમ સુંદર મુખ અમે જોઈએ છીએ, ત્યારે અમને અમારાં નેત્રોની પાંપણો વચ્ચે નડે છે. તેથી એવું લાગે છે કે અમારાં નેત્રોની પાંપણો ઉત્પન્ન કરનારા બ્રહ્મા ખરેખર મૂર્ખ છે. || ૧૫ ||

પતિસુતાન્વય ભાર્તૃબાન્ધવા-
નતિવિલઙ્ઘ્ય તેSન્ત્યચ્યુતાગતાઃ |
ગતિવિદસ્તવોદ્ ગીતમોહિતાઃ
કિતવ યોષિતઃ કસ્ત્યજેન્નિશિ || ૧૬ ||

પ્રિય શ્યામસુંદર! અમે અમારા પતિ-પુત્ર-ભાઈ-બંધુ અને કુલ-પરિવાર છોડીને, તેમની ઈચ્છા અને આજ્ઞાનું ઉલ્લંઘન કરી તમારી પાસે આવી છીએ. અમે તમારી બધી રમત જાણીએ છીએ, અને તમારા મધુર ગીતથી મોહિત છીએ તે તમે જાણો છો. છતાં હે કપટી! આ રીતે રાત્રીના સમયે તમારી સાથે જ પ્રેમ કરનારી એવી અમ યુવતીઓનો તમારા વિના કોણ ત્યાગ કરી શકે? (૧૬)

રહસિ સંવિદં હૃચ્છયોદયં
પ્રહસિતાનનં પ્રેમવીક્ષણમ્ |
બૃહદુરઃ શ્રિયો વીક્ષ્ય ધામ તે
મુહુરતિસ્પૃહા મુહ્યતે મનઃ || ૧૭ ||

પ્યારા કૃષ્ણ! તમારી ચેષ્ટાઓ, તેના કારણે તમને મળવાની અમારી કામના, તમારું મંદ હાસ્ય, પ્રેમભરી દૃષ્ટિ અને લક્ષ્મીના નિવાસરૂપ તમારું વિશાળ વક્ષઃસ્થળ – આબધું જોઈને અમારી સ્પૃહા અત્યંત વધી રહી છે અને વારંવાર અમારું મન મુગ્ધ થઈ રહ્યું છે. (૧૭)

વૃજવનૌકસાં વ્યક્તિરઙ્ગ તે
વૃજિનહન્ત્ર્યલં વિશ્વમઙ્ગલમ્ |
યજ મનાક્ ચ ન સ્ત્વત્સ્પૃહાત્મનાં
સ્વજનહૃદ્ રુજાં યન્નિષૂદનમ્ || ૧૮ ||

અરે કૃષ્ણ! તમારું પ્રાકટ્ય વ્રજવાસીઓ તથા વનવાસીઓનાં સર્વ દુઃખોનો નાશ કરવા માટે અને સઘળા વિશ્વનું મંગલ કરવા માટે છે. અમારું હ્રદય તમારા પ્રતિ પ્રેમથી ભરાઈ રહ્યું ચે. કંઈક થોડી એવી ઔષધિ આપો, જે તમારા નિજજનોના હ્રદયરોગનો સર્વથા નાશ કરી દે. (૧૮)

યત્તે સુજાતચરણામ્બુરુહં સ્તનેષુ
ભીતાઃ શનૈઃ પ્રિય દધીમહિ કર્કશેષુ |
તેનાટવીમટસિ તદ્ વ્યથતે ન કિંસ્વિત્
કૂર્પદિભિર્ભ્રમતિ ધીર્ભવદાયુષાં નઃ || ૧૯ ||

કમળથી પણ કોમળ તમારા ચરણ છે, તેમને અમે અમારા કઠોર વક્ષઃસ્થળ પર પણ બીતાં બીતાં ધીરેથી પધરાવીએ છીએ કે જેથી તમને પીડા ન થાય! તે જ ચરણોથી તમે રાત્રિના સમયે ઘોર જંગલમાં છાના-છાના ભટકી રહ્યાં છો! શું કાંકરા-કાંટાથી તમારા ચરણોને પીડા નહીં થતી હોય? અમને તો આવો વિચાર કરતાં જ ચક્કર આવી જાય છે, અચેત થઈ જઈએ છીએ. હે કૃષ્ણ! હે શ્યામસુંદર! હે પ્રાણનાથ! અમરું જીવન આપના માટે છે, અમે માત્ર તમારા માટે જીવી રહી છીએ. અમે તમારી છીએ. (૧૯)

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , | 4 Comments

Blog at WordPress.com.