Daily Archives: 26/02/2009

સાધકને સારૂ સ્વધર્મની પાડેલી ફોડ – (104)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય અઢારમો : ઉપસંહાર — ફળત્યાગની પૂર્ણતા : ઈશ્વર-પ્રસાદ
પ્રકરણ ૧૦૪ – સાધકને સારૂ સ્વધર્મની પાડેલી ફોડ

13. સારાંશ, રાજસ અને તામસ કર્મો સમૂળગાં છોડવાં અને સાત્વિક કર્મો કરવાં ; અને એટલો વિવેક કરવો કે જે સાત્વિક કર્મો સહેજે, પ્રવાહપતિત આવી મળે છે તે સદોષ હોય તો પણ છોડવાની વાત ન કરવી. ભલે એ દોષ થતો. એ દોષ તું ટાળવા જશે તો બીજા અસંખ્ય દોષ ગળે વળગશે. તારૂં નાક ચીબું છે તેવું જ રહેવા દે. તે કાપીને રૂપાળું કરવા જઈશ તો વધારે બિહામણું અને કારમું દેખાશે. તે જેવું છે તેવું જ સારૂં છે. સાત્વિક કર્મો સદોષ હશે તો પણ તે પ્રવાહપ્રાપ્ત છે માટે છોડવાનાં નથી. તે કરવાનાં, પણ તેમનાં ફળનો ત્યાગ કરવાનો છે.

14. બીજી એક વાત કહેવાની છે. જે કર્મ પ્રવાહપ્રાપ્ત નહીં હોય તે આપણે સારૂં કરી શકીશું, એમ તને ગમે તેટલું લાગતું હોય તો પણ કરીશ મા. આપમેળે આવી મળે તેટલું જ કર. દોડધામ કરી બીજું નવું વહોરી લઈશ મા. જે કર્મ ખાસ ધાંધલ કરી ઊભું કરવું પડે, તે ગમે તેટલું સારૂં હોય તોયે તેને આઘું રાખ, તેનો મોહ ન રાખ. જે પ્રવાહપ્રાપ્ત આવી મળેલું કર્મ છે તેની બાબતમાં જ ફળત્યાગ સંભવે છે. આ કર્મ સારૂં છે, પેલું કર્મ સારૂં છે, એવા લોભમાં પડીને માણસ ચારેકોર દોડાદોડ કરે તો ફળત્યાગની વાત કેવી ? જીવનનો ચૂંથાડો થઈ જશે. ફળની આશાએ જ તે આ પરધર્મરૂપ કર્મો કરવા તાકશે અને ફળ પણ હાથ નહીં લાગે. જીવનમાં ક્યાંયે સ્થિરતા નહીં મળે. તે કર્મોની આસક્તિ ચિત્તને વળગી જશે. સાત્વિક કર્મોનો લોભ થાય તો તે લોભ પણ દૂર કરવો જોઈએ. પેલાં નાના પ્રકારનાં સાત્વિક કર્મો કરવા જઈશ તો તેમાં રાજસપણું ને તામસપણું દાખલ થશે. તેથી તને તારો જે પ્રવાહપ્રાપ્ત સાત્વિક સ્વધર્મ આવી મળ્યો હોય તેનું જ તું આચરણ કર.

15. સ્વધર્મમાં સ્વદેશી ધર્મ, સ્વજાતીય ધર્મ અને સ્વકાલીન ધર્મ સમાઈ જાય છે. એ ત્રણે થઈને સ્વધર્મ બને છે. મારી વૃત્તિને શું અનુકૂળ અને અનુરૂપ છે, કયું કર્તવ્ય મને આવી મળેલું છે, એ બધું સ્વધર્મ નક્કી કરવા નીકળો એટલે તેમાં આવી જ જાય છે. તમારામાં तमेपणुं જેવું કંઈક છે અને તેથી તમે तमे છો. હરેક જણની કંઈક ને કંઈક ખાસિયત હોય છે. બકરીનો વિકાસ બકરી રહેવામાં જ છે. બકરી રહીને જ તેણે પોતાનો વિકાસ કરવો જોઈએ. બકરી કહે કે ‘ હું ગાય થઈશ ’ તો તે બને એવું નથી. આપમેળે આવી મળેલા બકરીપણાનો ત્યાગ તેનાથી થઈ શકે એવો નથી. તે માટે તેને પોતાને મળેલું શરીર છોડવું પડે; નવો ધર્મ, નવો જન્મ લેવો પડે. પરંતુ આ જન્મે પેલું બકરીપણું છે તે જ પવિત્ર છે. પેલી બળદ અને દેડકીની વાર્તા છે ને ? દેડકી વધી વધીને કેટલું વધે ? તેના શરીરના વધવાને પણ હદ હોય છે. તે બળદ જેવડી થવા જાય તો મરી જાય. બીજાના રૂપની નકલ કરવી એ યોગ્ય નથી. તેથી પરધર્મને ભયાવહ કહ્યો છે.

16. વળી સ્વધર્મમાં પણ બે ભાગ છે. એક બદલાય એવો ભાગ અને બીજો ન બદલાય એવો ભાગ છે. આજનો હું કાલે નથી. કાલનો હું પરમ દિવસે નથી. હું હંમેશ બદલાતો રહું છું. નાનું બાળક હોઉં તે વખતે મારો સ્વધર્મ કેવળ સંવર્ધન છે. જુવાનીમાં મારામાં કાર્યશક્તિ ભરપૂર હશે તો તે મારફતે હું સમાજસેવા કરીશ. પૌઢ થઈશ ત્યારે તે અવસ્થામાં મારા જ્ઞાનનો બીજાઓને લાભ મળશે. આમ કેટલોક સ્વધર્મ પલટાવાવાળો છે તો બીજો કેટલોક પલટાવાવાળો નથી. આ જ વાતને પહેલાંની શાસ્ત્રીય સંજ્ઞાઓ આપીને કહેવી હોય તો આપણે એમ કહીશું કે, “ માણસને વર્ણધર્મ હોય છે અને આશ્રમધર્મ હોય છે. વર્ણદર્મ બદલાતો નથી. આશ્રમધર્મો બદલાય છે. ” આશ્રમધર્મ બદલાય છે તેનો અર્થ એ કે હું બ્રહ્મચારીપદ સાર્થક કરી ગૃહસ્થ બનું છું, ગૃહસ્થનો વાનપ્રસ્થ થાઉં છું અને વાનપ્રસ્થનો સંન્યાસી થાઉં છું. આશ્રમ બદલાય છે તો પણ વર્ણધર્મ બદલી શકાતો નથી. મારી નૈસર્ગિક મર્યાદા મારાથી છોડી શકાય નહીં. તે પ્રયત્ન ફોગટ છે. તમારામાંનું ‘ तमे ’ પણું તમારાથી ટાળી શકાય એવું નથી, એ ક્લપના પર વર્ણધર્મની યોજના થયેલી છે. વર્ણધર્મનો ખ્યાલ સુંદર છે. વર્ણધર્મ તદ્દન અટળ છે કે ? બકરીનું જેવું બકરીપણું, ગાયનું જેવું ગાયપણું, તેવું જ શું બ્રાહ્મણનું બ્રાહ્મણત્વ અને ક્ષત્રિયનું ક્ષત્રિયત્વ છે કે ? વર્ણધર્મ એટલો પાકો નથી એ વાત હું સ્વીકારૂં છું. પણ એ વાતનો સાર પકડવાનો છે. વર્ણધર્મ સામાજિક વ્યવસ્થાને માટે એક યુક્તિ તરીકે વપરાય છે ત્યારે તેમાં અપવાદ રહેવાનો જ. એવો અપવાદ ગૃહીત કરવો જ પડે. એ અપવાદ ગીતાએ પણ ગૃહીત માનેલો છે. સારાંશ કે આ બે પ્રકારના ધર્મ ઓળખી બીજા ધર્મ રૂડા તેમ જ મનમોહક લાગે તો પણ તેમને ટાળજો.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

Blog at WordPress.com.