Daily Archives: 25/02/2009

ક્રિયામાંથી છૂટવાની સાચી રીત – (103)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય અઢારમો : ઉપસંહાર — ફળત્યાગની પૂર્ણતા : ઈશ્વર-પ્રસાદ
પ્રકરણ ૧૦૩ – ક્રિયામાંથી છૂટવાની સાચી રીત

7. તો સવાલ એ થાય છે કે બધી ક્રિયામાં દોષ હોય તો બધી ક્રિયા કેમ ન છોડી દેવી ? આનો જવાબ પહેલાં એક વાર આપ્યો છે. સર્વ કર્મોનો ત્યાગ કરવાનો ખ્યાલ ઘણો સુંદર છે. એ વિચાર મોહક છે. પણ આ અસંખ્ય કર્મોને છોડવાં શી રીતે ? રાજસ તેમ જ તામસ કર્મો છોડવાની જે રીત છે તે જ સાત્વિક કર્મો છોડવાની બાબતમાં અખત્યાર કરવાની છે ? સદોષ એવાં જે સાત્વિક કર્મો તેમને કેવી રીતે ટાળવાં ? વાતની ખૂબી એવી છે કે ईन्द्राय तक्षकाय स्वाहा એવું દુનિયામાં માણસ કરવા બેસે છે ત્યારે ઈંદ્ર અમર હોવાથી નથી મરતો તે નથી જ મરતો, પરંતુ તક્ષક પણ મરતો નથી ને તે ઊલટો જબરો થઈ જાય છે. સાત્વિક કર્મમાં પુણ્ય છે અને થોડો દોષ છે. પણ થોડો દોષ છે માટે દોષની સાથે પુણ્યની પણ આહુતિ આપવા જશો તો પુણ્યક્રિયા ચવડ હોવાથી નહીં જ મરે, પણ દોષક્રિયા માત્ર વધતી જશે. આવા ભેળસેળિયા વિવેકહીન ત્યાગથી પુણ્યરૂપી ઈંદ્ર તો નથી જ મરતો, પરંતુ દોષરૂપી તક્ષક મરે એમ હતું તે પણ મરતો નથી. તો પછી તેમના ત્યાગની રીત કઈ ? બિલાડી હિંસા કરે છે માટે તેનો ત્યાગ કરશો તો પચી ઉંદર હિંસા કરશે. સાપ હિંસા કરે છે તેને દૂર કરશો તો સેંકડો જીવો ખેતીની હિંસા કરશે. ખેતરોમાં ઊભેલા પાકનો નાશ થવાથી હજારો માણસો મરશે. આથી ત્યાગ વિવેકયુક્ત હોવો જોઈએ.

8. ગોરખનાથને મછંદરનાથે કહ્યું, ‘ આ છોકરાને ધોઈ લાવ. ’ ગોરકનાથે છોકરાના પગ પકડીને બરાબર ઝીંક્યો ને તેને વાડ પર સૂકવવા નાખ્યો. મછંદરનાથે કહ્યું, ‘ છોકરાને ધોઈ આણ્યો કે ? ’ ગોરખનાથ બોલ્યા, ‘ તેને ઝીંકીને ધોઈને સૂકવવા નાખ્યો છે. ’ છોકરાને ધોવાની આ રીત કે? કપડાં દોવાની ને માણસોને ધોવાની રીત એક નથી. તે બે રીતમાં ફેર છે. તે જ પ્રમાણે રાજસ અને તામસ કર્મોનો ત્યાગ અને સાત્વિક કર્મોનો ત્યાગ એ બેમાં ફેર છે. સાત્વિક કર્મો છોડવાની રીત જુદી છે. વિવેકહીન વર્તનથી કંઈક નવું જ ईदं तृतीयं થઈ જાય છે. તુકારામે કહ્યું છે ને કે –

त्यागे भोग माझ्या येतील अंतरा । मग मी दातारा काय करूं ।।

ત્યાગથી જો મારા અંતરમાં ભોગ પ્રગટે તો હે દાતાર, મારે કરવું શું ? નાનોસરખો ત્યાગ કરવા જઈએ તો મોટો ભોગ છાતી પર ચડી બેસે છે. એટલે તે નાનો સરખો ત્યાગ પણ એળે જાય છે. જરા અમસ્તા ત્યાગને માટે મોટાં મોટાં ઈન્દ્રભવન ઊભાં કરવાં તેને બદલે પેલી છાપરી સી ખોટી હતી ? તે જ પૂરતી છે. લંગોટી પહેરીને બધો વિલાસ તેની ફરતે ઊભો કરવો તેને બદલે પહેરણ ને બંડી પહેરવાં વધારે સારાં. તેથી ભગવાને સાત્વિક કર્મોનો જે ત્યાગ કરવાનો છે તેની રીત જુદી બતાવી છે. તે બધાં સાત્વિક કર્મો કરવાનાં ખરાં પણ તેમનાં ફળને તોડી નાખવાનાં છે. કેટલાંક કર્મો સમૂળગાં છોડી દેવાનાં હોય છે, કેટલાંક ફળ તોડી નાખવાનાં હોય છે. શરીર પર બહારથી ડાઘ પડે તો ધોઈ કઢાય. પણ કુદરતે આપેલી ચામડીનો રંગ કાળો હોય તો તેને ચુનો લગાડયે શું થાય ? તે કાળા રંગને છે તેવો જ રહેવા દે તેના તરફ જોવાનું જ માંડી વાળ. તેને અમંગળ કહીશ મા.

9. એક માણસ હતો. તેને પોતાનું ઘર અમંગળ લાગ્યું એટલે તે એક ગામડે જઈને રહ્યો. તે ગામમાં પણ તેણે ગંદવાડ જોયો એટલે તે જંગલમાં ગયો. ત્યાં જઈ એક આંબા નીચે બેઠો. ઉપરથી એક પંખી તેના માથા પર ચરક્યું. એટલે આ જંગલ પણ અમંગળ છે એમ કહીને તે નદીમાં જઈને ઊભો રહ્યો. નદીમાં મોટાં માછલાં નાનાં માછલાંને ખાતાં હતાં એ જોઈને તો તેને ચીતરી જ ચડી. આખી સૃષ્ટિ જ અમંગળ છે, અહીંથી મર્યા વગર હવે છૂટકો નથી એવું મનમાં નક્કી કરી પાણીમાંથી બહાર નીકળી તેણે હોળી સળગાવી. ત્યાંથી એક ગૃહસ્થ જતા હતા. તેમણે કહ્યું, “ અલ્યા, કેમ આપઘાત કરે છે ? ” પેલાએ કહ્યું, “ આ દુનિયા અમંગળ છે તેથી. ” પેલા ગૃહસ્થે કહ્યું, “ તારૂં આ ગંદવાડથી ભરેલું શરીર, આ ચરબી, એ બધું અહીં બળવા માંડશે એટલે કેટલી બધી બદબો છૂટશે ! અમે અહીં નજીક જ રહીએ છીએ. અમારે ક્યાં જવું ? એક વાળ બળે છે તોયે કેટલી બધી દુર્ગંધ ફેલાય છે ! તારી તો જેટલી હશે તેટલી બધી ચરબી બળશે ! અહીં કેટલી દુર્ગંદ મારશે તેનો તો કંઈ વિચાર કર ! ” પેલા માણસે ત્રાસીને કહ્યું, “ આ દુનિયામાં જીવવાની સગવડ નથી ને મરવાની પણ સગવડ નથી. કરવું કેમ ? ”

10. સારાંશ કે અમંગળ, કહીને બધું ટાળવા જશો તો ચાલવાનું નથી. એક પેલું નાનું કર્મ ટાળવા જશો તો બીજું મોટું બોચી પર આવીને બેસશે. કર્મ સ્વરૂપતઃ, બહારથી છોડયે છૂટતું નથી. જે કર્મો પ્રવાહપતિત આવી મળ્યાં છે તે કર્મોની વિરૂદ્ધ જવામાં કોઈ પોતાની શક્તિ વાપરવા જશે તો આખરે થાકી જશે ને પ્રવાહ સાથે ઘસડાઈ જશે. પ્રવાહને અનુકૂળ હોય તેવી ક્રિયા કરતા રહીને તેણે પોતાનો તરણોપાય શોધવો જોઈએ. તેથી મન પર ચડેલો લેપ ઓછો થતો જશે એને ચિત્ત શુદ્ધ થતું જશે. આગળ ઉપર ક્રિયાઓ આપોઆપ ખરી જવા માંડશે. કર્મનો ત્યાગ ન થતાં ક્રિયા ખરી જશે. કર્મ કદી છૂટે એમ નથી, પણ ક્રિયા ખરી પડશે.

11. ક્રિયા અને કર્મ એ બંને વચ્ચે ફેર છે. દાખલા તરીકે ધારો કે એકાદ ઠેકાણે ખૂબ ઘોંઘાટ થાય છે અને તેને બંધ પાડવો છે. ત્યાં એકાદ સિપાઈ આવે છે અને બૂમાબૂમ બંધ કરવાને માટે પોતે મોટેથી બૂમો પાડવા માંડે છે. ત્યાં થતી બોલચાલ બંધ કરવાને મોટેથી બોલવાનું તીવ્ર કર્મ તેને કરવું પડયું. બીજો કોઈક આવશે તે આવીને માત્ર ઊભો રહેશે ને આંગળી ઊંચી કરશે. તેટલાથી જ લોકો ચૂપ બેસી જશે. ત્રીજો એકાદ માત્ર ત્યાં હાજર હશે તેટલાથી જ બધા શાંત બેસી જશે. એકને તીવ્ર ક્રિયા કરવી પડી, બીજાની ક્રિયા કંઈક સૌમ્ય હતી અને ત્રીજાની સૂક્ષ્મ થઈ. ક્રિયા ઓછી થતી ગઈ પણ લોકોને શાતં પાડવાનું જે કામ તે સમાન થયું. જેમ જેમ ચિત્તશુદ્ધિ થતી જશે તેમ તેમ ક્રિયાની તીવ્રતા ઓછી થતી જશે. તીવ્રમાંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મમાંથી શૂન્ય થતી જશે. કર્મ જુદું છે અને ક્રિયા જુદી છે. કર્મની વ્યાખ્યા જ એ છે કે કર્તાને જે ઈષ્ટતમ હોય તે કર્મ. કર્મની પહેલી, બીજી વિભક્તિ હોય છે અને ક્રિયાને માટે એક સ્વતંત્ર ક્રિયાપદ વાપરવું પડે છે. કર્મ જુદું છે અને ક્રિયા જુદી છે એ વાત બરાબર સમજી લો. કોઈક માણસ ગુસ્સે થાય છે તો ખૂબ બોલીને અગર બિલકુલ ન બોલીને પોતાનો ગુસ્સો બતાવે છે. જ્ઞાની પુરૂષ લેશમાત્ર ક્રિયા કરતો નથી. પણ કર્મ અનંત કરે છે. તેની માત્ર હયાતી જ પાર વગરનો લોકસંગ્રહ કરી શકે છે. તે જ્ઞાની પુરૂષનું અસ્તિત્વ હોય એટલે થયું. તેના હાથપગ કાર્ય નહીં કરતા હોય તો પણ તે કામ કરે છે. ક્રિયા સૂક્ષ્મ થતી જાય છે અને ઊલટું કર્મ વધતું જાય છે. આ વિચારનો પ્રવાહ હજી વધારે આગળ ચલાવીએ તો ચિત્ત પરિપૂર્ણ શુદ્ધ થાય છે એટલે ક્રિયા શૂન્યરૂપ થઈ જાય છે અને અનંત કર્મ થતું રહે છે એમ કહી શકાશે. પહેલાં તીવ્ર, પછી તીવ્રમાંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ અને સુક્ષ્મમાંથી શૂન્ય એમ ક્રમે ક્રમે જ ક્રિયાશૂન્યત્વ આવી મળશે. પણ પછી અનંત કર્મ આપોઆપ થતું રહેશે.

12. ઉપર ઉપરથી કર્મ દૂર કરવાથી તે દૂર થતું નથી. નિષ્કામતાપૂર્વક કર્મ કરતાં કરતાં ધીરે ધીરે તેનો અનુભવ થતો જશે. બ્રાઉનિંગ નામના અંગ્રેજ કવિએ ‘ ઢોંગી પોપ ’ નામની એક કવિતા લખી છે. તે પોપને એક માણસે પૂછયું, “ તું વેશ શું કામ કરે છે ? આ બધા ઝભ્ભા શાને સારૂ ? આ ઉપરનો ડોળ શા માટે ? આ ગંભીર મુદ્રા શા સારૂ ? ” ત્યારે તેણે કહ્યું, “ આવું બધું હું શું કામ કરૂં છું તે જાણવું છે ? તો સાંભળ. આ નાટક કરતાં કરતાં શ્રદ્ધાનો સ્પર્શ ખબર ન પડે એ રીતે થઈ જવાનો સંભવ છે. ” તેથી નિષ્કામ ક્રિયા કરતા રહેવું. ધીમે ધીમે નિષ્ક્રિયત્વ પચતું જશે.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

Blog at WordPress.com.