ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય અઢારમો : ઉપસંહાર — ફળત્યાગની પૂર્ણતા : ઈશ્વર-પ્રસાદ
પ્રકરણ ૧૦૨ – ફળત્યાગ, સાર્વભૌમ કસોટી
3. જવાબ આપતાં ભગવાને એક વાત સાફ કહી દીધી છે કે ફળત્યાગની કસોટી સાર્વભૌમ વસ્તુ છે. ફળત્યાગનું તત્વ બધે લાગુ પાડી શકાય એમ છે. સર્વ કર્મોનાં ફળનો ત્યાગ કરવાની વાતનો રાજસ અને તામસ કર્મોનો ત્યાગ કરવાની વાત સાથે વિરોધ નથી. કેટલાંક કર્મોનું સ્વરૂપ જ એવું હોય છે કે ફળત્યાગની યુક્તિ વાપરવાવેંત તે કર્મો આપમેળે ખરી પડે છે. ફળત્યાગપૂર્વક કર્મો કરવાની વાતનો અર્થ જ એવો થાય છે કે કેટલાંક કર્મો છોડવાં જ પડે. ફળત્યાગપૂર્વક કર્મ કરવાની વાતમાં કેટલાંક કર્મોનો પ્રત્યક્ષ ત્યાગ આવી જ જાય છે.
4. આ વાતનો આપણે જરા ઊંડી દ્રષ્ટિથી વિચાર કરીએ. જે કામ્ય કર્મો છે, જે કર્મોના મૂળમાં કામના રહેલી છે, તે ફળત્યાગપૂર્વક કરો એમ કહેતાંની સાથે ખખડી પડે છે. ફળત્યાગની સામે કામ્ય તેમ જ નિષિદ્ધ કર્મો ઊભાં જ રહી શક્તાં નથી. ફળત્યાગપૂર્વક કર્મો કરવાં એ કેવળ કૃત્રિમ, યાંત્રિક, તાંત્રિક ક્રિયા નથી. આ કસોટીથી કયાં કર્મ કરવાં અને કયાં કર્મો કરવાં નહીં એ વાતનો આપમેળે નિકાલ થાય છે. કેટલાક લોકો કહો છે કે, “ ગીતા ફળત્યાગપૂર્વક કર્મ કરો એટલું જ સૂચવે છે, કયાં કર્મો કરવાં તે સૂચવતી નથી. ” આવો ભાસ થાય છે ખરો, પણ વસ્તુતઃ એ સાચું નથી. કારણકે ફળત્યાગપૂર્વક કર્મ કરો એમ કહેવામાંથી જ કયું કરવુ અને કયું ન કરવું તે સમજાઈ જાય છે. હિંસાત્મક કર્મો, અસત્યમય કર્મો, ચોરીનાં કર્મો, ને એવાં બધાં કર્મો ફળત્યાગપૂર્વક કરી શકાતાં જ નથી. ફળત્યાગની કસોટી લગાડતાંની સાથે એ કર્મો ખરી પડે છે. સૂર્યનું અજવાળું ફેલાતાંની સાથે બધી ચીજો ઊજળી દેખાવા માંડે છે, પણ અંધારૂં ઊજળું દેખાય છે ખરૂં કે ? તે નાશ પામે છે. તેવી જ નિષિદ્ધ તેમ જ કામ્ય કર્મોની સ્થિતિ છે. કર્મોને ફળત્યાગની કસોટી પર કસી લેવાં. જે કર્મ હું કરવા ધારૂં છું તે અનાસક્તિપૂર્વક, ફળની લેશમાત્ર પણ અપેક્ષા ન રાકતાં હું કરી શકીશ ખરો કે ? એ પહેલું જોઈ લેવું. ફળત્યાગ એ જ કર્મ કરવાની કસોટી છે. કસોટી પ્રમાણે કામ્ય કર્મો આપોઆપ ત્યાજ્ય ઠરે છે. તેમનો સંન્યાસ જ યોગ્ય થાય. હવે રહ્યાં શુદ્ધ સાત્વિક કર્મો. તે અનાસક્ત રીતે અહંકાર છોડીને કરવાનાં છે. કામ્ય કર્મોનો ત્યાગ કરવો એ પણ એક કર્મ થયું. ફળત્યાગની કાતર તેના ઉપર પણ ચલાવવી જોઈએ. અને કામ્ય કર્મોનો ત્યાગ પણ સહજ રીતે થવો જોઈએ. આમ આપણે ત્રણ વાતો જોઈ. પહેલી વાત એ કે જે કર્મો કરવનાં છે તે ફળત્યાગપૂર્વક કરવાનાં છે. બીજી વાત એ કે રાજસ અને તામસ કર્મો, નિષિદ્ધ અને કામ્ય કર્મો ફળત્યાગની કાતર લાગતાંવેંત આપમેળે ખરી પડે છે. ત્રીજી વાત એ કે એવો જે ત્યાગ થાય તે ત્યાગ પર પણ ફળત્યાગની કાતર ચલાવવી, આટલો ત્યાગ મેં કર્યો એવો અહંકાર પેદા થવા ન દેવો.
5. રાજસ અને તામસ કર્મો ત્યાજ્ય શાથી ? કારણકે તે શુદ્ધ નથી. શુદ્ધ ન હોવાથી કરનારના ચિત્ત પર તે કર્મો લેપ કરે છે. પણ વધારે વિચાર કરતાં એમ જણાય છે કે સાત્વિક કર્મો પણ સદોષ હોય છે. જે જે કર્મ છે તેમાં કંઈ ને કંઈ દોષ હોય જ છે. ખેતીના સ્વધર્મનો વિચાર કરીએ તો તે શુદ્ધ સાત્વિક ક્રિયા છે. પણ આ યજ્ઞમય સ્વધર્મરૂપ ખેતીમાં પણ હિંસા થાય છે. ખેડ વગેરે કરતાં કેટલાંયે જીવજંતુ મરી જાય છે. કૂવા પાસે કાદવ ન થાય તે માટે પથ્થર બેસાડવા જઈએ ત્યાંયે જીવો મરે છે. સવારે સૂરજનું અજવાળું ઘરમાં પેસે છે તેની સાથે અસંખ્ય જીવો મરી જાય છે. જેને આપણે શુદ્ધિકરણ કહીએ છીએ તે મારણક્રિયા થવા બેસે છે. સારાંશ કે સાત્વિક સ્વધર્મરૂપ કર્મમાં પણ દોષ દાખલ થઈ જાય છે. ત્યારે કરવું કેમ ?
6. મેં પહેલાં કહ્યું હતું કે બધા ગુણોનો પૂરો વિકાસ થવો હજી બાકી છે. જ્ઞાન, સેવા, અહિંસા એ બધાંનો બિંદુમાત્ર અનુભવ થયો છે. અત્યાર પહેલાં બધો અનુભવ થઈ ચૂક્યો છે એવું નથી. અનુભવ કરતી કરતી દુનિયા આગળ ચાલે છે. મધ્યયુગમાં એવો ખ્યાલ જાગ્યો કે ખેતીના કામમાં હિંસા થાય છે તેથી અહિંસક લોકોએ ખેતી કરવાનું માંડી વાળવું. તેમણે વેપાર કરવો. અનાજ પકવવું એ પાપ છે. અનાજ વેચવામાં કહે છે કે પાપ નથી. પણ આવી રીતે ક્રિયા ટાળવાથી હિત થતું નથી. આવી રીતે કર્મસંકોચ કરતો કરતો માણસ વર્તે તો છેવટે આત્મનાશ વહોરી લે. કર્મમાંથી છૂટવાનો માણસ જેમ જેમ વિચાર કરશે તેમ તેમ કર્મનો ફેલાવો વધતો જશે. તમારા અનાજના વેપારને માટે કોઈકે ને કોઈકે ખેતી નહીં કરવી પડે કે ? તે ખેતીમાં થનારી હિંસામાં તમે ભાગીદાર થતા નથી કે ? કપાસ પકવવો એ જો પાપ છે તો નીપજેલો કપાસ વેચવો એ પણ પાપ છે. કપાસ પેદા કરવાનું કામ સદોષ છે માટે તે કર્મ છોડી દેવાનું સૂઝે એ બુદ્ધિની ખામી છે. બધાં કર્મોનો બહિષ્કાર કરવો, આ કર્મ ન જોઈએ, પેલું કર્મ ન જોઈએ, કંઈ જ કરવું ન જોઈએ એ રીતે જોનારી દ્રષ્ટિમાં સાચો દયાભાવ રહ્યો નથી પણ મરી ગયો છે એમ જાણવું. ઝાડને ફૂટેલો નવો પાલો ચૂંટી કાઢવાથી ઝાડ મરતું નથી ઊલટું ફાલે છે. ક્રિયાનો સંકોચ કરવામાં આત્મસંકોચ થાય છે.