સમર્પણનો મંત્ર – (99)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય સત્તરમો – સુબદ્ધ વર્તનથી વૃત્તિ મોકળી રહે છે
પ્રકરણ ૯૯ – સમર્પણનો મંત્ર

23. યજ્ઞમય જીવન કરી તે પાછું આખુંયે ઈશ્વરાર્પણ કરવું એવું ગીતા વધારામાં કહે છે. જીવન સેવામય હોય પછી વળી ઈશ્વરાર્પણતા શાને સારૂ ? આખુંયે જીવન સેવામય થાય એ વાત ઝટ લઈને આપણે બોલી નાખીએ છીએ ખરા પણ થવી બહુ કઠણ છે. અનેક જન્મ પછી એ થોડુંઘણું સધાય. વળી, બધાંયે કર્મ સેવામય, અક્ષરશઃ સેવામય થાય તોયે તે પૂજામય થાય જ એવું નથી. તેથી ‘ ૐ तत् सत् ’ એ મંત્રથી બધું કર્મ ઈશ્વરાર્પણ કરવું. સેવાકર્મ પૂરેપૂરૂં સેવામય થવું કઠણ છે. પરાર્થમાં સ્વાર્થ પેઠા વગર રહેતો નથી. કેવળ પરાર્થ સંભવતો નથી. લેશમાત્ર પણ મારો સ્વાર્થ જેમાં ન હોય એવું કામ કરી જ શકાતું નથી. તેથી દિવસે દિવસે વધારે ને વધારે નિષ્કામ, વધારે ને વધારે નિઃસ્વાર્થ સેવા આપણે હાથે થાઓ એવું ઈચ્છતા જવું. સેવા ઉત્તરોત્તર વધારે શુદ્ધ થાય એવી ઈચ્છા હોય તો ક્રિયામાત્ર ઈશ્વરાર્પણ કરો. જ્ઞાનદેવે કહ્યું છે —

नामामृत गोडी वैष्णवां लाधली । योगियां साधली जीवनकळा ।।

‘નામામૃતની મીઠાશ વૈષ્ણવોને મળી અને યોગીઓએ જીવનની કળા હાથ કરી.’ નામામૃતમાં રહેલી મીઠાશ અને જીવનકળા એ બે જુદાં નથી. નામનો આંતરિક ઘોષ, તેનું અંતરમાં ચાલતું રટણ અને બહારની જીવનકળા, બંને વચ્ચે મેળ છે. યોગી અને વૈષ્ણવ એટલે કે ભક્ત એક જ છે. ક્રિયામાત્ર પરમેશ્વરને અર્પવાથી સ્વાર્થ, પરાર્થ અને પરમાર્થ એ ત્રણે એકરૂપ થશે. પહેલાં હું ને તમે અલગ અલગ છીએ તેમને એકરૂપ કરવા. तमे અને हुं મળીને आपणे થાય. હવે आपणे અને ते એ બંનેને એક કરવાના છે. પહેલો મારો સૃષ્ટિ સાથે મેળ બેસાડવાનો છે. અને પછી પરમાત્માની સાથે બેસાડવાનો છે. એવું ‘ ૐ तत् सत् ’ એ મંત્રથી સૂચવ્યું છે.

24. પરમાત્માનાં પાર વગરનાં નામો છે. તેનાં નામોનું વ્યાસે વિષ્ણુસહસ્રનામ રચ્યું. જે જે નામ કલ્પો તે તેનું નામ છે. જે નામ મનમાં ધારીએ તેના અર્થ પ્રમાણે સૃષ્ટિમાં નીરખવું અને તેને અનુરૂપ જીવન રચવું. પરમેશ્વરના નામની મનમાં ભાવના કરવી, તેને સૃષ્ટિમાં જોવું અને આપણે તેવા થવું એને હું ત્રિપદા ગાયત્રી કહું છું. દાખલા તરીકે પરમેશ્વરનું दयामयનામ લીધું, તે રહીમ છે એમ માન્યું એટલે તે દયાળુ ઈશ્વરને હવે આંખો ઉઘાડી રાકી આ સૃષ્ટિમાં જોવાનો છે. પરમેશ્વરે દરેકેદરેક બચ્ચાને તેની સેવાને માટે માતા આપેલી છે, તેને જીવવાને માટે હવા આપેલી છે. આમ તે દયામયની સૃષ્ટિમાં વ્યાપેલી દયાની યોજના નીરખવી અને આપણું જીવન પણ દયામય કરવું. ભગવદગીતાના જમાનામાં પરમેશ્વરનું જે નામ પ્રસિદ્ધ હતું તે તેણે સૂચવ્યું છે. એ નામ ‘ ૐ तत् सत् ’ છે.

25. ૐ એટલે हा. પરમાત્મા છે, આ વીસમી સદીમાં પણ પરમેશ્વર છે. स एव अद्य स उ श्वः, તે જ આજે છે, તે જ કાલે હતો, તે જ આવતી કાલે હશે. તે કાયમનો છે, સૃષ્ટિ કાયમની છે, અને કમર કસીને સાધના કરવાને હું પણ તૈયાર છું. હું સાધક છું, પેલો ઈશ્વર છે અને આ સૃષ્ટિ પૂજાદ્રવ્ય, પૂજાનું સાધન છે. આવી ભાવના મારા હ્રદયમાં ઉભરાશે ત્યારે ૐ એ અક્ષર ગળે ઊતર્યો જાણવો. તે છે, હું છું અને મારી સાધના પણ છે. આવો આ ઓંકારભાવ અંતરમાં પચવો જોઈએ, સાધનામાં ઊતરવો જોઈએ. સૂર્યને ગમે ત્યારે નિહાળો, તે કિરણો સાથે હોય છે. કિરણો અળગાં રાખી તે કદી હોતો નથી. તે કિરણોને વીસરતો નથી. તે મુજબ સાધના કોઈ પણ ઘડીએ જુઓ તોયે આપણામાં દેખાવી જોઈએ. એવું થાય ત્યારે જ ૐ અક્ષર આપણે પચાવ્યો છે એમ કહી શકાશે. પછી सत्. પરમેશ્વર सत् છે, એટલે કે શુભ છે, મંગળ છે. આ ભાવના મનમાં આણી તેનું માંગલ્ય સૃષ્ટિમાં અનુભવો. પેલી પાણીની સપાટી જોઈ છે ? પાણીમાંથી એક પોરો ભરી લો. ત્યાં પડેલી ખાધ જોતજોતામાં ભરાઈ જાય છે. કેવું માંગલ્ય ! કેટલી બધી પ્રીતિ ! નદી ખાડા, ખાધ સહન કરતી નથી. ખાડા ભરવાને ધસી જાય છે. नदी वेगेन शुद्ध्यति. સૃષ્ટિરૂપી નદી વેગથી શુદ્ધ થાય છે. તેથી આખીયે સૃષ્ટિ શુભ અને મંગળ છે. મારૂં કર્મ પણ તેવું જ થાઓ. પરમેશ્વરનું આ सत् નામ પચાવવાને આપણી બધી ક્રિયાઓ નિર્મળ તેમ જ ભક્તિમય હોવી જોઈએ. સોમરસને જેમ પવિત્રકો વડે ગાળી લેતા તે પ્રમાણે બધાંયે કર્મોનું, આપણી સાધનાનું હમેશ પરીક્ષણ કરતા રહી તેમાંના બધા દોષ કાઢી નાખવા. રહ્યું तत्. तत् એટલે તે, કંઈ જુદું, આ સૃષ્ટિથી અલિપ્ત. પરમાત્મા આ સૃષ્ટિથી નિરાળો છે, એટલે કે અલિપ્ત છે. સૂર્ય ઊગે છે એટલે કમળો ખીલે છે, પંખીઓ ઊડવા માંડે છે, અંધારૂં જતું રહે છે. પણ પેલો સૂર્ય ક્યાંયે દૂર હોય છે. તે બધાંયે પરિણામોથી તે વેગળો રહે છે. આપણાં કર્મોમાં અનાસક્તિ રાખીએ, અલિપ્તતા આણીએ એટલે પેલું तत् નામ જીવનમાં ઊતર્યું જાણવું.

26. આમ ૐ तत् सत् એ વૈદિક નામ લઈ ગીતાએ બધી ક્રિયાઓ પરમેશ્વરને અર્પણ કરવાનું શીખવ્યું છે. સર્વ કર્મો ઈશ્વરાર્પણ કરવાનો વિચાર નવમા અધ્યાયમાં આવ્યો છે. यत्करो, यदश्नासि એ શ્લોકમાં એ જ કહ્યું છે. તે જ વાતનું સત્તરમા અધ્યાયમાં વિવરણ કર્યું છે. પરમેશ્વરને અર્પણ કરવાની ક્રિયા સાત્વિક હોવી જોઈએ, અને તો જ તે પરમેશ્વરને અર્પણ કરી શકાય, એ અહીં વિશેષતઃ કહ્યું છે.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: