Daily Archives: 20/02/2009

અવિરોધી જીવનની ગીતાની યોજના – (98)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય સત્તરમો – સુબદ્ધ વર્તનથી વૃત્તિ મોકળી રહે છે
પ્રકરણ ૯૮ – અવિરોધી જીવનની ગીતાની યોજના

19. આહારશુદ્ધિથી ચિત્તશુદ્ધિ કાયમ રહેશે. શરીરમાં તાકાત આવશે. સમાજસેવા સારી રીતે કરી શકાશે. ચિત્તમાં સંતોષ રહેશે. સમાજમાં સંતોષ ફેલાશે. જે સમાજમાં યજ્ઞ-દાન-તપની ક્રિયાઓ વિધિયુક્ત તેમ જ મંત્રસહિત ચાલે છે તે સમાજમાં વિરોધ જોવાનો નહીં મળે. જેમ અરીસા સામસામે મૂક્યા હોય તો આમાંનું તેમાં દેખાય છે અને તેમાંનું આમાં દેખાય છે, તેમ વ્યક્તિ અને સમાજ એ બંનેમાં બિંબ-પ્રતિબિંબ-ન્યાયે સંતોષ પ્રગટ થશે. મારો સંતોષ તે સમાજનો અને સમાજનો તે મારો છે. બંને સંતોષનો તાળો મેળવી શકાશે અને તે બંને એકરૂપ છે એવું દેખાઈ આવશે. સર્વત્ર અદ્વૈતનો અનુભવ થશે. દ્વૈત અને દ્રોહ આથમી જશે. જેનાથી આવી સુવ્યવસ્થા સમાજમાં રહી શકે તેવી યોજના ગીતા રજૂ કરે છે. આપણો રોજેરોજનો કાર્યક્રમ ગીતાની યોજના પ્રમાણે આપણે રચીએ તો કેવું સારૂં!

20. પણ આજે વ્યક્તિનું જીવન અને સામાજિક જીવન એ બંને વચ્ચે ઝઘડો છે. આ ઝઘડો કેમ ટાળી શકાય એની ચર્ચા આજે બધે ચાલી રહેલી છે. વ્યક્તિ અને સમાજ એમની મર્યાદા કઈ કઈ ? વ્યક્તિ ગૌણ કે સમાજ ગૌણ ? ચડિયાતું કોણ ? વ્યક્તિવાદના કોઈ કોઈ હિમાયતી સમાજને જડ માને છે. સેનાપતિની પાસે એકાદ સિપાઈ આવે છે ત્યારે તેની સાથે વાત કરવામાં સેનાપતિ સૌમ્ય ભાષા વાપરે છે. તેને ‘ તું ’ કારથી બોલાવવાને બદલે ‘ તમે ’ કહીને વાત કરે છે. પણ લશ્કર પર તે ફાવે તેવા હુકમો છોડશે. લશ્કર અચેતન, જાણે પથરો જ! તેને આમથી તેમ ને તેમથી આમ ગબડાવી શકાય. વ્યક્તિ ચૈતન્યમય છે. સમાજ જડ છે. એ વાતનો અનુભવ અહીં પણ થાય છે. મારી સામે બસો ત્રણસો લોકો છે, પણ તેમને ગમે કે ન ગમે તોયે હું બોલ્યા કરૂં છું. મને જ સૂઝે તે હું કહેતો જાઉં છું. જાણે તમે બધા જડ ન હો ! પણ મારી સામે એક વ્યક્તિ આવે તો તે વ્યક્તિનું મારે સાંભળવું પડે અને તેને વિચારપૂર્વક જવાબ આપવો પડે. અહીં જો કે તમને કલાક – કલાક થોભાવી રાખ્યા છે. સમાજ જડ છે અને વ્યક્તિ ચૈતન્યમય છે એવા વ્યક્તિ-ચૈતન્યવાદનું કોઈ કોઈ પ્રતિપાદન કરે છે, તો બીજા વળી સમુદાયને મહત્વ આપે છે. મારા વાળ ખરી જાય, હાથ તૂટી જાય, એક આંખ જાય, દાંત પડી જાય એટલું જ નહીં, એક ફેફસું પણ જતું રહે તોયે હું જીવતો રહું છું. એક એક છૂટો અવયવ જડ છે. તેમાંના એકાદ અવયવના નાશથી સર્વનાશ થતો નથી, સામુદાયિક શરીર ચાલ્યા કરે છે. આવી આ બે પરસ્પર વિરૂદ્ધ વિચારસરણી છે. જેવી દ્રષ્ટિથી તમે જોશો તેવું અનુમાન કાઢશો. જે રંગનાં ચશ્માં તે રંગની સૃષ્ટિ દેખાય છે.

21. કોઈ વ્યક્તિને મહત્વ આપે છે, કોઈ સમાજને આપે છે. આનું કારણ એ છે કે સમાજમાં જીવનને માટેના કલહનો ખ્યાલ ફેલાયેલો છે. પણ જીવન શું કલહને માટે છે? તેના કરતાં મરી કેમ નથી જતા? કલહ એ મરવાને માટે છે. એથી જ સ્વાર્થ અને પરમાર્થ વચ્ચે આપણે ભેદ પાડીએ છીએ. સ્વાર્થ અને પરમાર્થ વચ્ચે ભેદ છે એ ખ્યાલ જે માણસે પહેલવહેલો ઊભો કર્યો તેની બલિહારી છે ! જે ચીજની મૂળમાં હયાતી જ નથી, તેની હયાતીનો ભાસ ઊભો કરવાનું સામર્થ્ય જેની અક્કલમાં હતું તેની કદર કરવાનું મન થાય છે. જે ભેદ નથી તે તેણે ઊભો કર્યો અને જનતાને શીખવ્યો એ વાતની ખરેખર નવાઈ થાય છે. ચીનની પેલી જાણીતી દીવાલના જેવી આ વાત થઈ. ક્ષિતિજની હદ બાંધી લેવી અને તેની પેલી પાર કશું નથી એમ માનવું તેના જેવી એ વાત થઈ. એ બધાનું કારણ આજે યજ્ઞમય જીવનનો અભાવ છે તે છે. તેને લીધે વ્યક્તિ અને સમાજ વચ્ચે ભેદ પડયા છે. વ્યક્તિ અને સમાજ એ બેની વચ્ચે વાસ્તવિક રીતે ભેદ પાડી શકાય એમ નથી. એકાદ ઓરડીના બે ભાગ કરવાને પડદો ટાંગ્યો હોય અને તે પડદો પવનથી આઘોપાછો થાય તેથી કોઈક વાર આ ભાગ મોટો ને કોઈક વાર પેલો મોટો એવું લાગે છે. પવનની લહેર પર તે ઓરડીના ભાગનાં કદ આધાર રાખે છે. તે ભાગ પાકા નથી. ગીતા આ ઝઘડા જાણતી નથી. એ કાલ્પનિક ઝઘડા છે. અંતઃશુદ્ધિનો કાનૂન પાળો એમ ગીતા કહે છે. પછી વ્યક્તિહિત અને સમાજહિતની વચ્ચે વિરોધ પેદા નહીં થાય, એકબીજાના હિતને બાધા નહીં આવે. આ બાધા દૂર કરવામાં, આ વિરોધ દૂર કરવામાં તો ગીતાની ખૂબી છે. ગીતાનો આ કાનૂન અમલમાં મૂકનારી એક વ્યક્તિ પણ નીકળે તો તેને લીધે રાષ્ટ્ર સંપન્ન થાય. રાષ્ટ્ર એટલે રાષ્ટ્રમાંની વ્યક્તિઓ. જે રાષ્ટ્રમાં આવી જ્ઞાનસંપન્ન તેમજ આચારસંપન્ન વ્યક્તિઓ નથી તેને રાષ્ટ્ર કેવી રીતે માનવું ? હિંદુસ્તાન એટલે શું ? હિંદુસ્તાન એટલે રવીન્દ્રનાથ, હિંદુસ્તાન એટલે ગાંધીજી અથવા એવાં જ બીજાં પાંચદસ નામો. બહારની દુનિયા હિંદુસ્તાનનો ખ્યાલ આ પાંચદસ વ્યક્તિ પરથી જ બાંધે છે. પ્રાચીન જમાનાની બેચાર, મધ્યકાળમાંની ચારપાંચ આજની વ્યક્તિ લીધી અને તેમાં હિમાલય અને ગંગાને ઉમેરી આપ્યાં એટલે થયું હિંદુસ્તાન. આ હિંદુસ્તાનની વ્યાખ્યા થઈ. બાકી બધું આ વ્યાખ્યા પરનું ભાષ્ય છે. ભાષ્ય એટલે સૂત્રનો વિસ્તાર. દૂધનું દહીં, અને દહીંના છાશ-માખણ. દૂધ, દહીં, છાશ, માખણ એમની વચ્ચે ઝઘડો નથી. દૂધનો કસ તેમાં માખણ જેટલું હોય તેના પરથી કાઢે છે. તે જ પ્રમાણે સમાજનો કસ વ્યક્તિ પરથી મપાય છે. વ્યક્તિ અને સમાજ એ બે વિરોધ નથી. વિરોધ હોય ક્યાંથી ? વ્યક્તિ વ્યક્તિ વચ્ચે પણ વિરોધ ન હોવો જોઈએ. એક વ્યક્તિના કરતાં બીજી વ્યક્તિ વધારે સંપન્ન હોય તોયે બગડયું શું ? કોઈ પણ વિપન્ન અવસ્થામાં ન હોય અને સંપત્તિવાનની સંપત્તિ સમાજને માટે વપરાય એટલે થયું. તેથી મારા જમણા ખીસામાં પૈસા હોય તોયે શું ને ડાબા ખીસામાં હોય તોયે શું, બંને ખીસાં મારાં જ છે. કોઈ પણ વ્યક્તિ સંપન્ન થાય એટલે તેને લીધે હું સંપન્ન થાઉં, રાષ્ટ્ર સંપન્ન થાય એવી યુક્તિ સાધી શકાય છે. પણ આપણે ભેદ કરીએ છીએ. ધડ ને માથાં જુદાં થશે તો બંને મરશે. વ્યક્તિ અને સમાજ એ બે વચ્ચે ભેદ ન કરશો. એક જ ક્રિયાને સ્વાર્થ તેમ જ પરમાર્થને અવિરોધી કેમ કરવી તે ગીતા શીખવે છે. મારી ઓરડીમાંની હવા અને બહારની અનંત હવા એ બે વચ્ચે વિરોધ નથી. વિરોધ કલ્પીને ઓરડી બંધ રાખીશ તો હું માત્ર ગૂંગળાઈને મરી જઈશ. અવિરોધ કલ્પીને હું ઓરડી ખુલ્લી મૂકીશ એટલે અનંત હવા અંદર આવશે. જે ક્ષણે હું પોતાની જમીન, પોતાનો ઘરનો ટુકડો જુદો કરૂં છું તે જ ક્ષણે હું અનંત સંપત્તિથી અળગો થાઉં છું. મારૂં પેલું નાનું સરખું ઘર બળી જાય, પડી જાય એટલે મારૂં સર્વસ્વ ગયું એમ કહીને હું રડવા બેસું છું. પણ એમ કહેવું શા સારૂ ને રડવું શા સારૂ ? સાંકડી કલ્પના કરવી ને પછી રડવું ! આ પાંચસો રૂપિયા મેં મારા કહ્યા એટલે સૃષ્ટિમાંની પાર વગરની સંપત્તિથી હું અળગો થયો. આ બે ભાઈ મારા એવો ખ્યાલ કર્યો કે અસંખ્ય ભાઈઓ દૂર ગયા, એ વાતનું આપણને ભાન રહેતું નથી. માણસ આ પોતાનો કેટલો બધો સંકોચ કરે છે ! માણસનો સ્વાર્થ તે જ પરાર્થ હોવો જોઈએ. વ્યક્તિ અને સમાજ વચ્ચે જેનાથી ઉત્તમ સહકાર સધાય એવો સાદો સુંદર રસ્તો ગીતા બતાવે છે.

22. જીભ અને પેટ વચ્ચે શું વિરોધ છે ? પેટને જોઈએ તેટલો જ ખોરાક જીભે આપવો જોઈએ. પેટ બસ કહે એટલે જીભે બંધ કરવું જોઈએ. પેટ એક સંસ્થા છે, જીભ એક સંસ્થા છે. એ બધી સંસ્થાઓનો હું સમ્રાટ છું. એ સર્વ સંસ્થાઓમાં અદ્વૈત જ છે. ક્યાંથી આણ્યો છે આ અક્કરમી વિરોધ ! એક જ દેહમાંની આ સંસ્થાઓ વચ્ચે જેમ વાસ્તવિક વિરોધ ન હોઈ સહકાર છે તેવું જ સમાજનું છે. સમાજમાં એ સહકાર વધે તેટલા માટે ગીતા ચિત્તશુદ્ધિપૂર્વક યજ્ઞ-દાન-તપ-ક્રિયા બતાવે છે. એવા કર્મથી વ્યક્તિ અને સમાજ બંનેનું કલ્યાણ સાધી શકાશે. જેનું જીવન યજ્ઞમય હોય છે તે સર્વનો થાય છે. માનો પ્રેમ મારા પર છે એમ તેના હરેક દીકરાને લાગે છે. તે પ્રમાણે આવો પુરૂષ સૌ કોઈને પોતીકો લાગે ચે. આખી દુનિયાને તે જોઈતો હોય છે. આવો પુરૂષ આપણો પ્રાણ છે, મિત્ર છે, સખા છે એમ સૌ કોઈને લાગે છે.

ऐसा पुरूष तो पहावा । जनांस वाटे हा असावा ।।

આવા પુરૂષનાં દર્શન કરવાં. લોકોને થાય છે કે આ હોવો જોઈએ. એમ સમર્થે કહ્યું છે. જીવનને એવું કરવાની યુક્તિ ગીતાએ આપી છે.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

Blog at WordPress.com.