Daily Archives: 19/02/2009

આહારશુદ્ધિ – (97)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય સત્તરમો – સુબદ્ધ વર્તનથી વૃત્તિ મોકળી રહે છે
પ્રકરણ ૯૭ – આહારશુદ્ધિ

15. આવી સેવા આપણે હાથે થાય માટે આહારશુદ્ધિ પણ જોઈએ. જેવો આહાર તેવું મન. આહાર પરિમિત, માપસરનો હોવો જોઈએ. આહાર કયો અને કેવો હોવો જોઈએ તેના કરતાંયે તે કેટલો હોવો જોઈએ એ વાત વધારે મહત્વની છે. ખોરાકની પસંદગીની વાત મહત્વની નથી એવું નથી. પણ આપણે જે ખોરાક લઈએ તે પ્રમાણમાં લઈએ છીએ કે નહીં એ સવાલ વધારે મહત્વનો છે.

16. આપણે જે કંઈ ખીએ છીએ તેની અસર થયા વગર રહેતી નથી. આપણે શા સારૂ ખાઈએ છીએ ? આપણે હાથે સારામાં સારી સેવા થાય તે માટે. આહાર પણ યજ્ઞનું અંગ છે. સેવારૂપ યજ્ઞ ફળદાયી થાય માટે આહાર છે. આહાર તરફ આવી ભાવનાથી જોવાનું રાખો. તે સ્વચ્છ અને શુદ્ધ હોવો જોઈએ. વ્યક્તિ પોતાના જીવનમાં આહારશુદ્ધિ કેટલી કરે એ વાતને મર્યાદા જ નથી આપણા સમાજે આહારશુદ્ધિને માટે તપસ્યા કરેલી છે. આહારશુદ્ધિને માટે હિંદુસ્તાનમાં બહોળા પ્રયત્ન થયા છે. એ પ્રયોગમાં હજારો વર્ષ ગયાં. એ અખતરાઓમાં કેટલી તપસ્યા થઈ હશે તે કહેવું મુશ્કેલ છે. દુનિયાના પડ પર એક હિંદુસ્તાન દેશ જ એવો છે કે જ્યાં આખી જાતિની જાતિઓ માંસાહારમુક્ત છે. જે જાતિઓ માંસાહાર કરે છે તેમના આહારમાં પણ માંસનો ખોરાક હંમેશનો મુખ્ય હોય છે એવું નથી. અને જે માંસ ખાય છે તેમને પણ પોતે કંઈ બહુ સારૂં કરે છે એમ લાગતું નથી. મનથી તેમણે માંસ છોડી દીધું હોય છે. માંસાશન પર અંકુશ મૂકવાને ખાતર યજ્ઞ રૂઢ થયો. અને તેટલા જ ખાતર યજ્ઞ બંધ પણ થયો. શ્રીકૃષ્ણ ભગવાને તો યજ્ઞની વ્યાખ્યા જ પલટી નાખી. કૃષ્ણે દૂધનો મહિમા વધાર્યો. કૃષ્ણે અસામાન્ય વાતો કંઈ ઓછી કરી બતાવી નથી. પણ હિંદી પ્રજાને કયા કૃષ્ણનું ઘેલું લાગ્યું હતું ? ‘ ગોપાળકૃષ્ણ, ગોપાળકૃષ્ણ ’ એ જ નામ હિંદી જનતાને વહાલું છે. પેલો કૃષ્ણ, તેની પાસે બેઠેલી પેલી ગાય, પેલી અધર પર વિરાજતી મોરલી, એવા ગાયની સેવા કરવાવાળા ગોપાળકૃષ્ણને જ નાનાં બાળકોથી માંડીને ઘરડાં સુધી સૌ ઓળખે છે. ગૌરક્ષાનો મોટામાં મોટો ઉપયોગ માંસાહાર બંધ પાડવામાં થયો. ગાયના દૂધનો મહિમા વધ્યો અને માંસાશન ઓછું થયું.

17. તો પણ આહારશુદ્ધિ પૂરેપૂરી થઈ ગઈ છે એવું ન સમજશો. આપણે તેને આગળ લઈ જવાની છે. બંગાળી લોકો મચ્છી ખાય છે તેની કેટલાક લોકોને નવાઈ લાગે છે. પણ તે માટે તેમનો વાંક કાઢવો બરાબર નથી. બંગાળમાં ખોરાકમાં એકલો ભાત હોય છે. તેનાથી શરીરને પૂરેપૂરૂં પોષણ મળતું નથી. એને માટે પ્રયોગો કરવા પડશે. મચ્છી ન ખાતાં કઈ વનસ્પતિ ખાવાથી તેવી ને તેટલી પુષ્ટિ મળે એ બાબતનો વિચાર શરૂ થશે. અસામાન્ય ત્યાગ કરવાવાળી વ્યક્તિઓ નીકળશે અને આવા એક પછી એક અખતરા થતા જશે. આવી વ્યક્તિઓ જ સમાજને આગળ લઈ જાય છે. સૂર્ય જાતે બળે છે. ત્યારે માંડ જીવવા પૂરતી અઠ્ઠાણુ ડિગ્રી ગરમી આપણા શરીરમાં રહે છે. સમાજમાં વૈરાગ્યના ધગધગતા સૂર્ય જ્યારે નિર્માણ થાય છે, શ્રદ્ધાથી પરિસ્થિતિને હઠાવી દઈ વગર પાંખે તેઓ ધ્યેયાકાશમાં ઊંચે ને ઊંચે ઊડે છે, ત્યારે માંડ સંસારને ઉપયોગી એવો થોડો સરખો વૈરાગ્ય આપણામાં આવે છે. માંસાહાર બંધ કરવાને ઋષિઓને કેટકેટલી તપસ્યા કરવી પડી હશે, કેવાં કેવાં પ્રાણાર્પણ કરવા પડયાં હશે તેનો આવે વખતે મને વિચાર આવે છે.

18. સારાંશ કે આજે આપણી સામુદાયિક આહારશુદ્ધિ આટલે સુધી થઈ છે. અનંત ત્યાગ કરી પૂર્વજોએ કરેલી એ કમાણી ગુમાવશો મા. ભારતીય સંસ્કૃતિમાં રહેલી આ વસ્તુ ડુબાવી મારશો મા. આપણે ફાવે તેમ જીવવું નથી. જેને ફાવે તેમ જીવવું છે તેનું કામ સહેલું છે. પશુઓ પણ ફાવે તેમ તો જીવે છે. પણ જેવા પશું તેવા જ શું આપણે છીએ ? જાનવરો અને આપણી વચ્ચે ફેર છે. એ ફેરને વધારતા રહેવું એને જ સંસ્કૃતિવર્ધન કહે છે. આપણા રાષ્ટ્રે માંસાહારત્યાગનો મોટો અખતરો કરી બતાવ્યો. તેને આગળ વધારો. કંઈ નહીં તો જે ભૂમિકા પર છો ત્યાંથી પાછા હઠશો મા. આ સૂચના કરવાનું કારણ છે. હમણાં હમણાં કેટલાક લોકોને માંસાહારમાં ઈષ્ટતા દેખાવા માંડી છે, માંસાહાર કરવો જોઈએ એવું લાગવા માંડયું છે. આજે પૌરસ્ત્ય અને પાશ્ચાત્ય સંસ્કૃતિની પરસ્પર અસર પડે છે. એમાંથી છેવટે ભલું જ થવાનું છે એવી મને શ્રદ્ધા છે. પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરથી આપણામાં રહેલી જડ શ્રદ્ધા ડગવા માંડી છે. અંધશ્રદ્ધા ડગી જાય તેથી કશુંયે નુકસાન નથી. સારૂં હશે તે ટકશે. ખરાબ બળી જશે. પણ અંધશ્રદ્ધા જાય તેની જગ્યાએ અંધ અશ્રદ્ધા પેદા થાય તે ન ચાલે. એકલી શ્રદ્ધા આંધળી હોય છે એવું ન માનશો. અંધ વિશેષણનો ઈજારો એકલી શ્રદ્ધાએ રાખ્યો નથી. અશ્રદ્ધા પણ આંધળી હોઈ શકે. માંસાહરાની બાબતમાં આજે ફરી વિચાર શરૂ થયો છે. એ જે હોય તે ખરું, પરંતુ કોઈ પણ નવો વિચાર નીકળે છે એટલે મને આનંદ થાય છે. લોકો જાગતા છે, જૂની વાતોને ધક્કો દેતા થયા છે એટલું એથી ખસૂસ જણાય છે. જાગ્રૃતિનાં લક્ષણ જોવાનાં મળે તેથી સારૂં લાગે છે. પણ જાગ્યા પછી આંખ ચોળતા ચોળતા ચાલવા જઈશું તો પડી જવાય એવો સંભવ છે. તેથી પૂરેપૂરી જાગૃતિ આવે ત્યાં સુધી, પૂરૂં ચોખ્ખું દેખાય એટલા જાગતા થાઓ ત્યાં સુધી હાથપગને મર્યાદામાં રાખવા સારા. ખૂબ વિચાર કરો, વાંકાચૂકા ચારે બાજુથી વિચાર કરો. ધર્મ પર વિચારની કાતર ચલાવો. આ વિચાર રૂપ કાતરથી જેટલો ધર્મ કપાઈ જશે તે નકામો હતો એમ સમજવું જોઈએ. જે ટુકડા એમ તૂટી પડે તેને જવા દો. તારી કાતરથી જે તૂટે નહીં, ઊલટું તારી કાતર જ જ્યાં તૂટી જાય તે જ ધર્મ ખરો. ધર્મને વિચારનો ડર નથી. વિચાર જરૂર કરો પણ કૃતિ એકદમ કરશો મા. અરધીપરધી જાગૃતિમાં કૃતિ કરવા જશો તો અથડાઈ પડશો. વિચારો જોરથી ભલે ચાલે પણ હાલ તુરત આચાર સંભાળો, કૃતિ પર સંયમ રાખો. પહેલાંની પુણ્યની કમાણી ગુમાવી બેસશો મા.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

Blog at WordPress.com.