સાધનાનું સાત્ત્વિકીકરણ – (96)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય સત્તરમો – સુબદ્ધ વર્તનથી વૃત્તિ મોકળી રહે છે
પ્રકરણ ૯૬ – સાધનાનું સાત્ત્વિકીકરણ

10. પણ આપણી ક્રિયાઓ આપણે ઈશ્વરને ક્યારે અર્પણ કરી શકીએ ? તે સાત્વિક થાય ત્યારે. આપણાં બધાં કર્મો જ્યારે સાત્વિક થાય ત્યારે તે ઈશ્વરને ર્પણ કરી શકાય. યજ્ઞ, દાન, તપ બધું સાત્વિક થવું જોઈએ. ક્રિયાઓને સાત્વિક કેમ કરવી તેનું રહસ્ય આપણે ચૌદમા અધ્યાયમાં જોયું. આ અધ્યાયમાં ગીતા તે તત્વનો અમલ શી રીતે કરવો તે બતાવે છે.

11. આ સાત્વિકતાની યજના કરવામાં ગીતાનો બેવડો ઉદ્દેશ છે. બહારથી યજ્ઞ-દાન-તપની મારી જે વિશ્વસેવા ચાલે છે તેને જ અંદરની આધ્યાત્મિક સાધનાનું નામ આપી શકાય. સૃષ્ટિની સેવા અને સાધના એ બંનેને માટે બે જુદા જુદા કાર્યક્રમની જરૂર નથી. સાધના અને સેવા મૂળમાં બે જુદી જુદી વસ્તુઓ જ નથી. બંનેને માટે ક જ પ્રયત્ન, એક જ કર્મ છે. એવું જે કર્મ કર્યું હોય તે આખરે ઈશ્વરને અર્પણ કરવાનું છે. સેવા+સાધના+ઈશ્વરાર્પણતા એ યોગ ક જ ક્રિયાથી સધાવો જોઈએ.

12. યજ્ઞ સાત્વિક થાય તે માટે બે વસ્તુની જરૂર છે. નિષ્ફળતાપણાનો અભાવ અને સકામપણાનો અભાવ એ બે બાબતો યજ્ઞમાં હોવી જોઈએ. યજ્ઞમાં સકામપણું હોય તો તે રાજસ યજ્ઞ થાય. નિષ્ફળપણું હોય તો તે તામસ યજ્ઞ થાય. સૂતર કાંતવું એ યજ્ઞ છે કાંતતાં કાંતતાં તેમાં આત્મા રેડયો ન હોય, ચિત્તની એકાગ્રતા ન હોય તો તે સૂત્રયજ્ઞ બોજારૂપ થશે. બહારથી કામ ચાલતું હોય ત્યારે અંદરથી મનનો મેળ ન હોય તો તે આખી ક્રિયા વિધિહીન થાય. વિધિહીન કર્મ બોજારૂપ થાય છે. વિધિહીન ક્રિયામાં તમોગુણ દાખલ થાય છે. તે ક્રિયા સારામાં સારી પેદાશ આપી શકાતી નથી. તેમાંથી ફળ નીપજતું નથી. યજ્ઞમાં સકામપણું ન હોય પણ તેમાંથી કારામાં સારૂં ફળ મળવું જોઈએ. કર્મમાં મન ન હોય, તેમાં આત્મા ન હોય તો તે બોજારૂપ થાય છે. પછી તેમાંથી સારામાં સારૂં ફળ મેળવવાની વાત કેવી ? બહારનું કામ બગડયું તો અંદર મનનો મેળ નહોતો એમ ચોક્કસ જાણવું. કર્મમાં આત્મા રેડો. અંદરથી મેળ રાખો. સૃષ્ટિ-સંસ્થાનું ઋણ ફેડવાને માટે આપણે ફળની સારામાં સારી પેદાશ કરવી જોઈએ. કર્મમાં ફળહીનતા ન આવે તેટલા સારૂ આંતરિક મેળનું આ વિધિયુક્તપણું હોવું જોઈએ.

13. આ રીતે નિષ્કામતા કેળવાશે એટલે આપણે હાથે વિધિયુક્ત સફળ કર્મ થશે અને ત્યારે જ ચિત્તશુદ્ધિ થવા માંડશે. ચિત્તશુદ્ધિની કસોટી શી છે ? બહારનું કામ તપાસી જોવું. તે નિર્મળ અને સુંદર નહીં હોય તો ચિત્તને મલિન માનવામાં વાંધો નથી. કર્મમાં સૌંદર્ય ક્યારે ઉત્પન્ન થાય ? ચિત્તશુદ્ધિપૂર્વક અને પરિશ્રમપૂર્વક કરેલા કર્મ પર પરમેશ્વર પોતાની પસંદગીની, પોતાની પ્રસન્નતાની મહોર મારે; પ્રસન્ન પરમેશ્વર કર્મના વાંસા પર પ્રેમથી હાથ ફેરવે, એટલે તેમાં સૌંદર્ય ઉત્પન્ન થાય છે. સૌંદર્ય એટલે પવિત્ર પરિશ્રમને મળેલો ઈશ્વરી પ્રસાદ. મૂર્તિ ઘડનારા શિલ્પીને એવો અનુભવ થવા માંડે છે કે આ સુંદર મૂર્તિ મારે હાથે બની નથી. મૂર્તિનો આકાર ઘડતાં ઘડતાં છેવટની ઘડીએ, છેલ્લી ક્ષણે ક્યાંકથી આપોઆપ સૌંદર્ય તેમાં આવીને ઊભું રહે છે. ચિત્તશુદ્ધિ વગર આ ઈશ્વરી કળા પ્રગટ થાય ખરી કે ? મૂર્તિનું બધુંયે સ્વારસ્ય જ એ છે કે આપણા અંતઃકરણમાં રહેલું સૌંદર્ય તેમાં રેડાયેલું હોય છે. મૂર્તિ આપણા ચિત્તની પ્રતિમા છે. આપણાં બધાંયે કર્મો આપણા મનની મૂર્તિઓ હોય છે. મન સુંદર હશે તો એ કર્મમય મૂર્તિઓ પણ સુંદર થશે. બહારના કર્મની શુદ્ધિનો મનની શુદ્ધિ પરથી અને મનની શુદ્ધિનો બહારના કર્મ પરથી તાળો મેળવી લેવો.

14. હજી એક વાત કહેવાની રહી છે. તે આ છે. આ બધાંયે કર્મોમાં મંત્ર પણ જોઈએ. મંત્રહીન કર્મ વ્યર્થ છે. સૂતર કાંતતી વખતે આ સૂતર વડે હું ગરીબ જનતાની સાથે જોડાઉં છું એ મંત્ર અંદર હોવો જોઈએ. આ મંત્ર હ્રદયમાં ન હોય ને કલાકોના કલાકો સુધી ક્રિયા કરી હોય છતાં તે વ્યર્થ છે. એ ક્રિયા ચિત્તને શુદ્ધ નહીં કરે. પેલી રૂની પૂણીમાં રહેલો અવ્યક્ત પરમાત્મા સૂતરને રૂપે પ્રગટ થાય છે એવો મંત્ર તે ક્રિયામાં રેડીને તે ક્રિયા તરફ જુઓ. એ ક્રિયા અત્યંત સાત્વિક અને સુંદર થશે. તે ક્રિયા પૂજા થશે, યજ્ઞરૂપ સેવા બનશે. એ નાનકડા કાચા સૂતરને તાંતણે તમે સમાજ સાથે, જનતાની સાથે અને ખુદ જગદીશ્વર સાથે બંધાશો. બાળકૃષ્ણના નાનકડા મોઢામાં જસોદામાને આખું વિશ્વ દેખાયું. તમારા એ મંત્રમય સૂતરના દોરામાં પણ તમને વિશાળ વિશ્વ દેખાવા માંડશે.

Categories: ગીતા પ્રવચનો | 1 Comment

Post navigation

One thought on “સાધનાનું સાત્ત્વિકીકરણ – (96)

  1. good wery wery GOOD

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: