Daily Archives: 17/02/2009

તે સારૂ ત્રિવિધ ક્રિયાયોગ – (95)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય સત્તરમો – સુબદ્ધ વર્તનથી વૃત્તિ મોકળી રહે છે
પ્રકરણ ૯૫ – તે સારૂ ત્રિવિધ ક્રિયાયોગ

4. આ અર્થ સમજવાને સારૂ પહેલાં યજ્ઞ એટલે શું તે આપણે જોઈએ. સૃષ્ટિ-સંસ્થાને આપણે રોજ વાપરીએ છીએ. સો માણસ એક ઠેકાણે રહે તો બીજે દિવસે ત્યાંની સૃષ્ટિ બગડેલી દેખાય છે. ત્યાંની હવા આપણે બગાડીએ છીએ, ત્યાંની જગ્યા ગંદી કરી નાખીએ છીએ. અનાજ ખાઈએ છીએ અને સૃષ્ટિને ઘસારો પહોંચાડીએ છીએ. સૃષ્ટિ-સંસ્થાને પહોંચતો ઘસારો આપણે ભરી કાઢવો જોઈએ. એટલા ખાતર યજ્ઞ-સંસ્થા નિર્માણ થઈ. યજ્ઞનો ઉદ્દેશ શો છે ? સૃષ્ટિને જે ઘસારો વેઠવો પડે છે તે ભરી કાઢવો તેનું નામ યજ્ઞ છે. આજે હજારો વરસથી આપણે જમીન ખેડતા આવ્યા છીએ. એથી જમીનનો કસ ઓછો થતો જાય છે. આપણે તેને ઘસારો પહોંચાડીએ છીએ. યજ્ઞ કહે છે, ‘ પૃથ્વીનો કસ તેને પાછો મેળવી આપ. તેમાં ખેડ કર. સૂર્યની ગરમી તેમાં સંઘરાય એવો બંદોબસ્ત કર, તેમાં ખાતર પૂર.’ પહોંચેલો ઘસારો ભરી કાઢવો એ યજ્ઞનો એક હેતુ છે. બીજો હેતુ વાપરેલી ચીજનું શુદ્ધીકરણ કરવાનો છે. આપણે કૂવાનો ઉપયોગ કરીએ છીએ. તેથી તેની આજુબાજુ ગંદવાડ થાય છે. પાણી ભરાઈ રહે છે. કૂવાની પાસેની જે આ સૃષ્ટિ બગડી તેને શુદ્ધ કરવાની છે. ત્યાં ભરાયેલું પાણી ઉલેચી કાઢવાનું છે. કાદવ પડ્યો હોય તો સાફ કરવાનો છે. ઘસારો ભરી કાઢવો, શુદ્ધિ કરવી એ વાતોની સાથે પ્રત્યક્ષ કંઈક નિર્માણ કરવું એ ત્રીજી વાત પણ યજ્ઞમાં સમાયેલી છે. કપડું વાપર્યું તો રોજ ફરી સૂતર કાંતી તે પેદા કરવાનું છે. કપાસ પકવવો, અનાજ પેદા કરવું, સૂતર કાંતવું, એ બધી પણ યજ્ઞક્રિયાઓ જ છે. યજ્ઞમાં જે પેદા કરીએ તે સ્વાર્થને ખાતર પેદા કરવાનું નથી. આપણે જે ઘસારો પહોંચાડયો, તે ભરી કાઢવાની કર્તવ્યભાવના એમાં હોવી જોઈએ. આ કંઈ પરોપકાર નથી. આપણે આગળથી જ દેવાદાર છીએ. જન્મથી દેવું માથે લઈને આપણે આવ્યા છીએ. એ દેવું ફેડવાને સારૂ જે નવું પેદા કરવાનું છે, જે નિર્મિતિ કરવાની છે તે યજ્ઞ એટલે સેવા છે, પરોપકાર નથી. એ સેવા મારફતે ઋણ ફેડવાનું છે. ડગલે ને પગલે સૃષ્ટિ-સંસ્થાને આપણે વાપરીએ છીએ. તેને વેઠવો પડતો ઘસારો ભરી કાઢવાને ખાતર, તેની શુદ્ધિ કરવાને સારૂ અને નવું પેદા કરવાને માટે યજ્ઞ કરવાનો છે.

5. બીજી સંસ્થા માણસનો સમાજ છે. માબાપ, ગુરૂ, મિત્ર એ બધાં આપણે માટે મહેનત કરે છે. એ સમાજનું રૂણ ફેડવાને માટે દાન બતાવ્યું છે. સમાજનું ઋણ ચૂકવવાને કરેલો પ્રયોગ તે દાન છે, દાન એટલે પરોપકાર નથી. સમાજ પાસેથી પાર વગરની સેવા મેં લીધી છે. હું આ જગતમાં અસહાય અને દૂબળો હતો. આ સમાજે મને નાનેથી મોટો કર્યો. એટલા ખાતર મારે સમાજની સેવા કરવાની છે, કરવી જોઈએ. સામા પાસેથી કશું ન લેતાં તેની હું જે સેવા કરૂં તે પરોપકાર છે. પણ અહીં તો સમાજ પાસેથી આગળથી ભરપૂર લીધેલું છે. સમાજના આ ઋણમાંથી છૂટવાને માટે જે સેવા કરવાની છે તે દાન છે. મનુષ્યસમાજને આગળ જવાને માટે જે મદદ કરવાની છે તે દાન છે. સૃષ્ટિને પહોંચેલો ઘસારો ભરી કાઢવાને કરેલી મહેનત તે યજ્ઞ છે. સમાજનું ચડેલું ઋણ ફેડવાને શરીરથી, ધનથી અથવા બીજાં સાધનથી કરેલી મદદ તે દાન છે.

6. આ ઉપરાંત ત્રીજી એક સંસ્થા છે. તે આ શરીર. શરીર પણ રોજરોજ ઘસાય છે. આપણે મન, બુદ્ધિ, ઈંદ્રિય એ બધાંને વાપરીએ છીએ અને તેમને ઘસારો પહોંચાડીએ છીએ. આ શરીરરૂપી સંસ્થામાં જે વિકાર, જે દોષ પેદા થાય તેમની શુદ્ધિને માટે તપ કહ્યું છે.

7. આમ સૃષ્ટિ, સમાજ અને શરીર એ ત્રણે સંસ્થાનું કામ સારામાં સારી રીતે ચાલે એ રીતે વર્તવાની આપણી ફરજ છે. આપણે યોગ્ય અથવા અયોગ્ય અનેક સંસ્થા ઊભી કરીએ છીએ. પણ આ ત્રણ સંસ્થા આપણી ઊભી કરેલી નથી. તે સ્વભાવતઃ આપણને આવી મળી છે. એ સંસ્થાઓ કૃત્રિમ નથી. એવી એ ત્રણ સંસ્થાઓને લાગેલો ઘસારો યજ્ઞ, દાન અને તપ એ સાધન વડે ભરી કાઢવાનો મારો સ્વભાવપ્રાપ્ત ધર્મ છે. આ પ્રમાણે આપણે વર્તવું હોય તો આપણી જે હશે તે બધીયે શક્તિની એમાં જરૂર પડશે. બીજી વાતો કરવાની વધારાની શક્તિ આપણી પાસે ફાજલ નહીં રહે. આ ત્રણે સંસ્થા સુંદર રીતે ચાલે તેટલા ખાતર આપણી બધીયે શક્તિ વાપરવી પડશે. કબીરની માફક પણે પણ જો કહી શકીએ કે “ હે ઈશ્વર ! તેં મને જે ચાદર આપી હતી તે જેવી ને તેવી પાછી આપી, આ હું ચાલ્યો. એ તારી ચાદર બરાબર તપાસી લે, ” તો કેવડી મોટી સફળતા ગણાય ! પણ એવી સફળતા મળે તે માટે યજ્ઞ, દાન અને તપનો ત્રિવિધ કાર્યક્રમ અમલમાં મૂકવો જોઈએ. યજ્ઞ, દાન અને તપ એ ત્રણેમાં આપણે ભેદ જોયો, પણ ખરૂં જોતાં ભેદ નથી. કારણકે સૃષ્ટિ, સમાજ અને શરીર એ પણ તદ્દન જુદી સંસ્થાઓ નથી. આ સમાજ સૃષ્ટિની બહાર નથી. આ શરીર પણ સૃષ્ટિની બહાર નથી. ત્રણે મળીને એક જ ભવ્ય સૃષ્ટિ-સંસ્થા બને છે. તેથી જે ઉત્પાદક શ્રમ કરવાનો છે, જે દાન કરવાનું છે, અને જે તપ આચરવાનું છે તે બધાંયને વ્યાપક અર્થમાં યજ્ઞ જ કહી શકાશે. ગીતાએ ચોથા અધ્યાયમાં દ્રવ્યયજ્ઞ, તપોયજ્ઞ વગેરે યજ્ઞો કહ્યા છે. ગીતાએ યજ્ઞનો વિશાળ અર્થ કર્યો છે. આ ત્રણે સંસ્થાને માટે જે જે સેવા આપણે કરીશું તે સેવા યજ્ઞરૂપ જ હશે. માત્ર એ સેવા નિરપેક્ષ હોય એટલે થયું. આ સેવામાં ફળની અપેક્ષા રાખી શકાશે જ નહીં, કેમકે ફળ આપણે આગળથી લઈ લીધેલું છે. પહેલાંનું દેવું માથે છે. જે લીધું છે તે પાછું આપવાનું છે. યજ્ઞથી સૃષ્ટિ-સંસ્થામાં સામ્યાવસ્થા પ્રાપ્ત થાય છે, દાનથી સમાજમાં સામ્યાવસ્થા પ્રાપ્ત થાય છે અને તપથી શરીરમાં સામ્યાવસ્થા રહે છે. આમ આ ત્રણ સંસ્થાઓમાં સામય્વસ્થા રાખવાને માટેનો આ કાર્યક્રમ છે. એથી શુદ્ધિ થશે, દૂષિત ભાવ નીકળી જશે.

8. આ જે સેવા કરવાની છે તે માટે કંઈક ભોગ પણ લેવો પડશે. ભોગ એ પણ યજ્ઞનું જ એક અંગ છે. આ ભોગને ગીતાએ आहार કહ્યો છે. આ શરીરરૂપી યંત્રને ખોરાકરૂપી કોલસો પૂરો પાડવો જરૂરી છે. એ આહાર પોતે યજ્ઞ નહીં હોય, તો પણ યજ્ઞ પાર પાડવાની ક્રિયાનું એક અંગ છે. તેથી उदरभरण नोहे जाणिजे यज्ञकर्म – ‘ આ ખાલી પેટ ભરવાપણું નથી, એને યજ્ઞકર્મ જાણ ’ એમ આપણે કહીએ છીએ. બગીચામાંથી ફૂલ વીણી આણી ઈશ્વરને માથે ચડાવ્યાં તે પૂજા થઈ. પણ ફૂલ ઉગાડવાને માટે બગીચામાં જે મહેનત કરી છે તે પણ પૂજા જ છે. યજ્ઞ પૂરો પાર પાડવાને જે જે ક્રિયા કરવી જરૂરી છે તે એક પ્રકારની પૂજા જ છે. દેહને આહાર આપીએ તો જ તે કામ આપે. યજ્ઞનાં સાધનરૂપ થનારાં કર્મો તે બધાં પણ યજ્ઞ જ છે. ગીતા એ કર્મને तदर्थीय कर्म, યથાર્થ કર્મ એવું નામ આપે છે. આ શરીર સેવાને માટે હંમેશ ખડું રહે તે માટે તેને હું જે આહુતિ આપું છું તે આહુતિ યજ્ઞરૂપ છે. સેવાર્થે કરેલો હાર પવિત્ર છે.

9. આ બધી વાતોના મૂળમાં વળી શ્રદ્ધા જોઈએ. સર્વ સેવા પરમેશ્વરને અર્પણ કરવાની છે એવો ભાવ જોઈએ. આ ઘણી જ મહત્વની વાત છે. ઈશ્વરાર્પણ બુદ્ધિ સિવાય સેવામયતા આવી શકતી નથી. ઈશ્વરાર્પણતાની આ પ્રધાન વસ્તુને વીસર્યે ચાલે એમ નથી.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

Blog at WordPress.com.