Daily Archives: 16/02/2009

પરિશિષ્ટ ૨ — સાધકનો કાર્યક્રમ – (94)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય સત્તરમો – સુબદ્ધ વર્તનથી વૃત્તિ મોકળી રહે છે
પ્રકરણ ૯૪ – પરિશિષ્ટ ૨ — સાધકનો કાર્યક્રમ

1. આપણે ધીરે ધીરે છેડે પહોંચતા જઈએ છીએ. પંદરમા અધ્યાયમાં આપણે જીવનનું સંપૂર્ણ શાસ્ત્ર જોયું. સોળમા અધ્યાયમાં એક પરિશિષ્ટ જોયું. માણસના મનમાં અને તેના મનનું પ્રતિબિંબ એવો જે સમાજ છે તે સમાજમાં બે વૃત્તિઓનો અથવા બે સંસ્કૃતિઓનો, અથવા બે સંપત્તિઓનો ઝઘડો ચાલી રહેલો છે. તે પૈકી દૈવી સંપત્તિનો વિકાસ કરવાની શીખ સોળમા અધ્યાયના પરિશિષ્ટમાં આપણને મળી. આજે સત્તરમા અધ્યાયમાં બીજું પરિશિષ્ટ જોવાનું છે. આ અધ્યાયમાં કાર્યક્રમ-યોગ બતાવ્યો છે એમ એક રીતે કહી શકાશે. ગીતા આ અધ્યાયમાં રોજને માટે કાર્યક્રમ સૂચવે છે. નિત્ય ક્રિયાઓ આજના અધ્યાયમાં આપણે જોવાની છે.

2. આપણી વૃત્તિ પ્રસન્ન તેમ જ મોકળી રહે એમ આપણે ઈચ્છતા હોઈએ તો આપણે આપણા વર્તનને બાંધી લેવું જોઈએ. આપણો નિત્ય કાર્યક્રમ કોઈ પણ એક ચોક્કસ નક્કી કરેલી ભૂમિકા પરથી ચાલવો જોઈએ. તે મર્યાદામાં રહીને, તે એક ચોક્કસ કરેલી નિયમિત રીતથી આપણું જીવન ચાલે તો જ મન મોકળું રહી શકે. નદી છૂટથી, મોકળાશથી વહે છે પણ તેનો પ્રવાહ બંધાયેલો છે. બંધાયેલો ન હોય તો તે મોકળાપણું, તેની સ્વતંત્રતા એળે જાય. જ્ઞાની પુરૂષના દાખલા પર આપણે નજર નાખી જઈએ. સૂર્ય જ્ઞાની પુરૂષોનો આચાર્ય છે. ભગવાને સૌથી પહેલાં કર્મયોગ સૂરજને શીખવ્યો, પછી સૂર્ય પાસેથી મનુને એટલે વિચાર કરવાવાળા એવા માણસને મળ્યો. સૂર્ય સ્વતંત્ર અને મોકળો છે. તે નિયમિત છે એ હકીકતમાં જ તેની સ્વતંત્રતાનો સાર છે. ઠરાવેલે ચોક્કસ રસ્તે ફરવા જવાની આપણને ટેવ પડી હોય તો રસ્તા તરફ ધ્યાન ન આપવા છતાં મનમાં વિચાર કરતાં કરતાં આપણે ફરી શકીએ છીએ એ આપણા અનુભવની વાત છે. ફરવાને માટે આપણે રોજ નવો નવો રસ્તો લઈએ તો બધું ધ્યાન તે રસ્તા તરફ રોકવું પડે છે. મનને પછી છૂટ રહેતી નથી. સારાંશ, જીવન બોજારૂપ ન લાગતાં જીવનમાં આનંદ લાગે તેટલા સારૂ આપણે આપમા વહેવારને બાંધી લેવો જોઈએ.

3. આને સારૂ આ ધ્યાયમાં ભગવાન કાર્યક્રમ બતાવી રહ્યા છે. આપણે જન્મીએ છીએ ત્યારે ત્રણ સંસ્થાઓ સાથે લઈને જન્મીએ છીએ. એ ત્રણ સંસ્થાઓનું કામ સારામાં સારી રીતે ચલાવી સંસાર આપણે સુખમય કરીએ તેટલા ખાતર ગીતા કાર્યક્રમ બતાવે છે. એ ત્રણ સંસ્થા કઈ ? આપણી આજુબાજુ વીંટળાયેલું શરીર એ એક સંસ્થા; આપણી આસપાસ ફેલાયેલું આ વિશાળ બ્રહ્માંડ, આ અપાર સૃષ્ટિ, જેના આપણે એક અંશ છીએ તે બીજી સંસ્થા; અને જે સમાજમાં આપણે જન્મ્યા તે સમાજ, આપણા જન્મની વાટ જોઈ રહેલાં આપણાં માબાપ, આપણાં ભાઈબહેન, આપણી આસપાસનાં આપણાં આડોશીપાડોશી એ ત્રીજી સંસ્થા છે. આ ત્રણે સંસ્થાઓને આપણે રોજ વાપરીએ છીએ અને તેમને ઘસારો પહોંચાડીએ છીએ. ગીતાની એવી ઈચ્છા છે કે આ સંસ્થાઓ આપણે માટે જે ઘસારો વેઠે છે તે ઘસારો ભરી કાઢવાને આપણે સતત પ્રયત્ન કરી આપણું જીવન સફળ કરીએ. અહંકારને અળગો રાખી આ સંસ્થાઓને લગતું જન્મથી આપણને જે કર્તવ્ય પ્રાપ્ત થયું છે તે આપણે અદા કરવું જોઈએ. આ કર્તવ્ય અદા કરવાનું છે એ વાત સાચી, પણ તે માટે યોજના શી ? યજ્ઞ, દાન અને તપ એ ત્રણ મળીને એ યોજના બને છે. આ શબ્દો પણા પરિચયના હોવા છતાં, તેમાં રહેલો અર્થ આપણે બરાબર સમજીએ છીએ એવું નથી. એ અર્થ બરાબર સમજી લેવાય અને એ ત્રણે વાતો જીવનમાં ભરેલી રહે તો ત્રણે સંસ્થા સાર્થક થાય અને આપણું જીવન પણ પ્રસન્ન તેમ જ મોકળું રહે.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

Blog at WordPress.com.