Daily Archives: 15/02/2009

કામ-ક્રોધ-લોભ, મુક્તિનો શાસ્ત્રીય સંયમ માર્ગ – (93)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય સોળમો : પરિશિષ્ટ ૧ — દૈવી અને આસુરી વૃત્તિઓનો ઝઘડો
પ્રકરણ ૯૩ – કામ-ક્રોધ-લોભ, મુક્તિનો શાસ્ત્રીય સંયમ માર્ગ

21. આસુરી સંપત્તિને આઘી રાખવાની કોશિશ કરવી જોઈએ. આસુરી સંપત્તિ એટલે ટૂંકમાં કામ, ક્રોધ ને લોભ.આખાયે જગતને આ કામ-ક્રોધ-લોભ નચાવે છે. આ નાચ હવે બહુ થયા. એ છોડવા જ જોઈએ. ક્રોધ અને લોભ કામમાંથી ઉત્પન્ન થાય છે. કામને અનુકૂળ સંજોગો મળે એટલે લોભ પેદા થાય છે અને પરિસ્થિતિ પ્રતિકૂળ હોય તો ક્રોધ ઉત્પન્ન થાય છે. આ ત્રણેથી આઘા રહેજો એવું ગીતામાં ડગલે ને પગલે કહ્યું છે. સોળમા અધ્યાયને છેડે પણ એ જ કહ્યું. કામ, ક્રોધ અને લોભ એ નરકના ત્રણ ભવ્ય દરવાજા છે. એ દરવાજામાંથી પાર વગરની અવરજવર ચાલ્યા કરે છે. નરકનો રસ્તો ખાસો પહોળો છે. તેના પરથી મોટરો દોડે છે. રસ્તામાં ઘણા સોબતીઓ પણ મળી જાય છે. પણ સત્યનો રસ્તો સાંકડો છે.

22. આવા આ કામ-ક્રોધની સામે બચાવ કેવી રીતે કરવો ? સંયમનો માર્ગ સ્વીકારીને. શાસ્ત્રીય સંયમનો આધાર લેવો જોઈએ. સંતોનો જે અનુભવ છેતે જ શાસ્ત્ર છે. પ્રયોગો કરી કરીને સંતોને જે સિદ્ધાંતો જડ્યા તેમનું શાસ્ત્ર બને છે. આ સંયમના સિદ્ધાંતોનો આશરો લો. નાહકની શંકાઓ ઊભી કરવાનું છોડી દો. કામ-ક્રોધ જગતમાંથી જતા રહે તો જગતનું શું થશે, દુનિયા ચાલવી તો જોઈએ, થોડા પ્રમાણમાં પણ કામ-ક્રોધ રાખવા ન જોઈએ કે ? એવી એવી શંકા મહેરબાની કરી કાઢશો મા. કામ-ક્રોધ ભરપૂર છે, તમારે જોઈએ તેના કરતાંયે વધારે છે. નાહક બુદ્ધિભેદ શા સારૂ ઊભો કરો છો ? કામ-ક્રોધ-લોભ તમારી ઈચ્છા કરતાં થોડા વધારે જ છે. કામ મરી જાય તો સંતતિ કેમ પેદા થશે એવી ફિકર કરશો મા. ગમે તેટલી સંતતિ તમે પેદા કરો તો પણ એક દિવસ એવો ઊગવાનો છે કે જ્યારે માણસનું નામનિશાન પૃથ્વી પરથી સાફ ભૂંસાઈ જવાનું છે. વૈજ્ઞાનિકો આ વાત કહે છે. પૃથ્વી આસ્તે આસ્તે ઢંડી પડતી જાય છે. એક વખતે પૃથ્વી ખૂબ ઉષ્ણ હતી ત્યારે તેના પર જીવ નહોતો. એક કાળ એવો આવશે જ્યારે પૃથ્વી છેક ટાઢી પડી જશે અને બધી જીવસૃષ્ટિ લય પામશે. આને લાખો વરસો લાગશે. તમે સંતતિ ગમે તેટલી વધારો પણ છેવટે આ પ્રલય થયા વગર રહેવાનો નથી એ ચોક્કસ જાણજો. પરમેશ્વર અવતાર લે છે તે ધર્મના રક્ષણને સારૂ લે છે, સંખ્યાના રક્ષણને સારૂ નથી લેતો. ધર્મપરાયણ એવો એક પણ માણસ જ્યાં સુધી મોજૂદ હશે, જ્યાં સુધી એક પણ પાપભીરૂ તેમ જ સ્તયનિષ્ઠ માણસ હયાત હશે ત્યાં સુધી કશી ફિકર ન રાખશો. ઈશ્વરની તેના પર નજર રહેશે. જેમનો ધર્મ મરી પરવાર્યો છે એવા હજારો લોકો હોય તોયે શું ને ન હોય તોયે શું, બધું સરખું છે.

23. આ બધી વાતો બરાબર ધ્યાનમાં લઈ આ સૃષ્ટિમાં મર્યાદા સાચવીને રહો, સંયમપૂર્વક વર્તો. ફાવે તેમ બેફામ વર્તશો મા. લોકસંગ્રહ કરવો એનો અર્થ લોકો કહે તેમ ચાલવું એવો નથી. માણસોના સંઘ વધારવા, સંપત્તિના ઢગલા એકઠા કરવા એ સુધારો નથી. વિકાસ સંખ્યા પર આધાર રાખતો નથી. વસ્તી બેસુમાર વધશે તો માણસો એકબીજાનાં ખૂન કરશે. પહેલાં પશુપક્ષીઓને ખાઈને માણસોનો સમાજ માતશે. પછી પોતાનાં છૈયાંછોકરાંને કરડીને ખાવાનો વારો આવશે. કામ-ક્રોધમાં સાર છે એ કહેવું સ્વીકારીને ચાલીએ તો છેવટે માણસ માણસને ફાડીને ખાવા માંડશે એ બાબતમાં તલભાર શંકા ન રાખશો. એટલે સુંદર તેમ જ વિશુદ્ધ નીતિનો માર્ગ લોકોને બતાવવો તે. કામ-ક્રોધમાંથી મુક્ત થવાથી પૃથ્વી પરનો માણસ નાશ પામશે તો મંગળ પર ઉત્પન્ન થશે. એટલે તે વાતની ફિકર કરશો નહીં. અવ્યસ્ત પરમાત્મા સર્વત્ર વ્યાપેલો છે. તે તમારી સંભાળ રાખશે. પહેલો તું મુક્ત થા. આગળનું ઝાઝું જોવાની જરૂર નથી. સૃષ્ટિ અને માણસજાતની ફિકર કરવાની રહેવા દે. તારી નૈતિક શક્તિ વધાર. કામ-ક્રોધને ઝાડીને ખંખેરી નાખ. ‘ आपुला तुं गळाधेई उगबूनि ’ – ‘ પોતાની ગરદન તું પહેલી ઉગારી લે, તારૂં ગળું પકડાયું છે તેને પહેલું બચાવી લે. ’ આટલું કરશે તોયે બહુ થયું.

24. સંસારસમુદ્રથી દૂર તેના તીર પર ઊભા રહી સમુદ્રની લીલા જોવામાં આનંદ છે. જે સમુદ્રમાં ડૂબકાં ખાય છે, જેના નાકમાં ને મોંમાં પાણી ભરાય છે, તેને સમુદ્રના આનંદનો અનુભવ ક્યાંથી મળે ? સંતો સમુદ્રને તીરે ઊભા રહી આનંદ લૂંટે છે. સંસારના સમુદ્રથી અલિપ્ત રહેવાની આ જે સંતોની વૃત્તિ છે તે બરાબર કેળવાઈને પચે નહીં ત્યાં સુધી આનંદ નથી. કમળના પાંદડાની માફક અલિપ્ત રહે. બુદ્ધે કહ્યું છે, “ સંતો ઊંચે પર્વતનાં શિખરો પર ઊભા રહી ત્યાંથી નીચે સંસાર તરફ જુએ છે. પછી એ સંસાર તેમને ક્ષુદ્ર દેખાય છે. ” તમે પણ ઉપર ચડીને જોતાં શીખો એટલે આ અફાટ ફેલાવો ક્ષુદ્ર લાગશે. પછી સંસારમાં ચિત્ત ચોંટશે નહીં. સારાંશ કે આસુરી સંપત્તિ દૂર રાખી દૈવી સંપત્તિને વળગવાનું આ અધ્યાયમાં ભગવાને ઊંડી લાગણીથી કહ્યું છે. તે પ્રમાણે યત્ન કરવો.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

Blog at WordPress.com.