Daily Archives: 14/02/2009

આસુરી સંપત્તિની ત્રેવડી મહત્વાકાંક્ષા : સત્તા, સંસ્કૃતિ અને સંપત્તિ – (92)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય સોળમો : પરિશિષ્ટ ૧ — દૈવી અને આસુરી વૃત્તિઓનો ઝઘડો
પ્રકરણ ૯૨ – આસુરી સંપત્તિની ત્રેવડી મહત્વાકાંક્ષા : સત્તા, સંસ્કૃતિ અને સંપત્તિ

15. દૈવી સંપત્તિનો વિકાસ કરવાનો છે અને આસુરી સંપત્તિથી અળગા રહેવાનું છે. આઘા રહી શકાય તેટલા ખાતર એ આસુરી સંપત્તિનું ભગવાન વર્ણન કરે છે.એ આસુરી સંપત્તિના વર્ણનમાં ત્રણ જ બાબતો મુખ્ય છે.અસુરોના ચરિત્રનો સાર ‘ સત્તા, સંસ્કૃતિ અને સંપત્તિ ’ એ ત્રણ વાતોમાં સમાઈ જાય છે.પોતાની જ સંસ્કૃતિ સૌથી ચડિયાતી છે અને તે જ આખી દુનિયા પર લદાય એવી તેમની મહત્વાકાંક્ષા છે. પોતાની સંસ્કૃતિ જ શા સારૂ આખી દુનિયા પર લદાવી જોઈએ ? તો કહે છે તે સારી છે. તે સારી સાથી ? તો કહે છે તે અમારી છે માટે. આસુરી વ્યક્તિ શું કે એવી વ્યક્તિઓનાં બનેલાં સામ્રાજ્યો શું, તેમને આ ત્રણ ચીજો જોઈએ છે.

16. બ્રાહ્મણોને લાગે છે ને કે અમારી સંસ્કૃતિ સર્વશ્રેષ્ઠ છે ! તે લોકો માને છે કે બધુંયે જ્ઞાન અમારા વેદોમાં છે. વૈદિક સંસ્કૃતિનો વિજય દુનિયાભરમાં થવો જોઈએ.

अग्रश्चतुरो वेदान् पृष्ठतःसशरं धनुः

આગળ ચાર વેદો ચાલે ને તેમની પાછળ બાણ ચડાવેલું ધનુષ ચાલે. એમ કરી આખી પૃથ્વી પર અમારે અમારી સંસ્કૃતિનો ઝંડો ફરકાવવો છે. પણ પાછળ सशरं धनुः, બાણ ; ચડાવેલું ધનુષ ચાલતું હોય ત્યાં આગળ ચાલનારા બિચારા વેદોનો નિકાલ થઈ ગયો જાણવો. મુસલમાનોને એમ લાગે છે કે કુરાનમાં જે કંઈ છે તેટલું જ સાચું. ઈશુ ખ્રિસ્તના અનુયાયીઓને પણ એવું જ લાગે છે. બીજા ધર્મનો માણસ ગમે તેટલો ઊંચો ચડયો હોય, પણ ઈશુ પર ભરોસો ન હોય તો તેને સ્વર્ગ ન મળે ! ઈશ્વરના ઘરને તેમણે એક જ બારણું મૂક્યું છે, અને તે છે ખ્રિસ્તનું ! લોકો પોતપોતાનાં ઘરોને ઘણાં બારણાં ને બારી મુકાવે છે. પણ બિચારા ઈશ્વરના ઘરને એક જ બારણું રાખે છે.

17. आढ्योभिजनवानस्मि कोन्योस्ति सदशो मया — ‘ હું છું કુલીન, શ્રીમંત, બીજો મારા સમાન ના, ’ એમ એ સૌ કોઈને લાગે છે. કહે છે, હું ભારદ્વાજ કુળમાંનો ! મારી એ પરંપરા અખંડ ઊતરી આવી છે. પશ્ચિમના લોકોમાં પણ એવું જ છે. કહે છે, અમારી નસોમાં નૉર્મન સરદારોનું લોહી વહે છે ! આપણા તરફ ગુરૂપરંપરા હોય છે ને ? મૂળ આદિ ગુરૂ એટલે શંકર. પછી બ્રહ્મદેવ અથવા એવા બીજા કોઈકને પકડવાનો. પછી નારદ, પછી વ્યાસ, પછી વળી એકાદો ઋષિ, પછી વળી વચ્ચે પાંચદસ લોકોને ઘુસાડી દેવાના, પછી પોતાના ગુરૂ ને પછી હું – એવી પરંપરા બતાવવામાં આવે છે. અમે મોટા, અમારી સંસ્કૃતિ સૌથી ચડિયાતી એવું બધું વંશાવળી આપીને સાબિત કરવામાં આવે છે. અલ્યા, તારી સંસ્કૃતિ ઉત્તમ હોય તો તે તારા કામોમાં દેખાવા દે ને ! તેની પ્રભા તારા આચરમમાં પ્રગટ થવા દે ને ! પણ એ નહીં. જે સંસ્કૃતિ પોતાના જીવનમાં નથી, પોતાના ઘરમાં નથી, તે દુનિયાભરમાં ફેલાવવાની હોંશ રાખવી એ વિચારસરણીને આસુરી કહે છે.

18. જેમ મારી સંસ્કૃતિ સુંદર છે તેમ દુનિયામાંની બધીયે સંપત્તિ મેળવવાને લાયક પણ હું જ છું. બધીયે સંપત્તિ મારે જોઈએ અને હું તે મેળવીશ જ. એ બધી સંપત્તિ શા સારૂ મેળવવાની ? તો કહે છે બરાબર સરખી વહેંચણી કરવાને સારૂ ! એટલા માટે પોતાની જાતને સંપત્તિમાં દાટી દેવી એમ ને ? પેલો અકબર કહેતો હતો ને કે “ હજી રજપૂતો મારા સામ્રાજ્યમાં દાખલ કેમ થતા નથી ? એક સામ્રાજ્ય થશે ને બસ શાંતિ શાંતિ થઈ રહેશે ! ” અકબરને આમ પ્રમાણિકપણે લાગતું હતું. અત્યારના અસુરોને પણ એમ જ થાય છે કે બધી સંપત્તિ એક ઠેકાણે એકઠી કરવી. કેમ ? તો કહે છે, તેને ફરી પાછી વહેંચવા માટે.

19. એ માટે મારે સત્તા જોઈએ. બધી સત્તા એક હાતમાં કેંદ્રિત થવી જોઈએ. આ તમામ દુનિયા મારા તંત્ર નીચે રહેવી જોઈએ; સ્વ-તંત્ર, મારા તંત્ર પ્રમાણે ચાલવી જોઈએ. મારા તાબામાં જે હશે, મારા તંત્ર પ્રમાણે જે ચાલશે તે જ સ્વતંત્ર. આમ સંસ્કૃતિ, સત્તા અને સંપત્તિ એ મુખ્ય ત્રણ બાબતો પર આસુરી સંપત્તિમાં ભાર દેવામાં આવે છે.

20. એક જમાનો એવો હતો કે જ્યારે સમાજ પર બ્રહ્મણોનું વર્ચસ્વ હતું. શાસ્ત્રો તે લોકો લખે, કાયદા તે લોકો કરે, રાજાઓ તેમને નમે. એ જમાનો આગળ જતાં ઓસરી ગયો. પછી ક્ષત્રિયોનો જમાનો આવ્યો. ઘોડા છોડી મૂકવાનું અને દિગ્વિજયો કરવાનું ચાલ્યું. એ ક્ષત્રિય સંસ્કૃતિ પણ આવી અને ગઈ. બ્રાહ્મણ કહેતો, “ હું શીખવનાર બીજા બધા શીખનારા. મારા સિવાય ગુરૂ કોણ ? ” બ્રાહ્મણોને સંસ્કૃતિનું અભિમાન હતું. ક્ષત્રિય સત્તા પર ભાર મૂકતા. “ આને મેં આજે માર્યો, પેલાને કાલે મારીશ, ” એ વાત પર તેમનું બધું જોર. પછી વૈશ્યોનો યુગ આવ્યો. “ પીઠ પર મારજો પણ પેટ પર મારશો મા, ” એ સિદ્ધાંતમાં વૈશ્યોનું બધુંયે તત્વજ્ઞાન સમાયેલું છે. બધું પેટનું ડહાપણ શીખવવાનું. “ આ ધન મારૂં છે, અને પેલું પણ મારૂં થશે, ” એ જ રટણ અને એ જ સંકલ્પ. અંગ્રેજો આપણને કહે છે ને કે “ સ્વરાજ્ય જોઈએ તો લો, માત્ર અમારો પાકો માલ અહીં ખપ્યા કરે એટલી સગવડ રાખજો એટલે થયું. પછી તમારી સંસ્કૃતિનો તમારે જોઈએ તેટલો અભ્યાસ કરજો. લંગોટી ચડાવજો ને તમારી સંસ્કૃતિને બરાબર સંભાળજો. ” આજકાલ થનારાં યુદ્ધો પણ વેપારી યુદ્ધો હોય છે. આ યુગ પણ જશે; જવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. આવા આ બધા આસુરી સંપત્તિના પ્રકારો છે.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

Create a free website or blog at WordPress.com.