Daily Archives: 13/02/2009

અહિંસાનો એક મહાન પ્રયોગ : માંસાહારપરિત્યાગ – (91)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય સોળમો : પરિશિષ્ટ ૧ — દૈવી અને આસુરી વૃત્તિઓનો ઝઘડો
પ્રકરણ ૯૧ – અહિંસાનો એક મહાન પ્રયોગ : માંસાહારપરિત્યાગ

13. હિંસકોનો હુમલો થાય ત્યારે અહિંસકોએ બચાવ કેમ કરવો એ અહિંસાનું એક પાસું આપણે જોયું. માણસ માણસ વચ્ચેના ઝઘડામાં અહિંસાનો વિકાસ કેવી રીતે થતો ગયો એ આપણે જોયું. પરંતુ માણસોનો અને જાનવરોનો ઝઘડો પણ છે. માણસે હજી પોતાના અંદરઅંદરના ઝઘડા શમાવ્યા નથી અને પોતાના પેટમાં જાનવરોને ઠાંસીને તે જીવે છે. માણસને હજી પોતાના ઝઘડા શમાવતાં આવડતું નથી અને પોતાનાથીયે દૂબળાં જે જાનવરો છે તેમને ખાધા વગર જીવતાંયે આવડતું નથી. હજારો વર્ષથી તે જીવતો આવ્યો છે પણ કેમ જીવવું જોઈએ તેનો વિચાર તેણે હજી કર્યો નથી. માણસને માણસની માફક જીવતાં આવડતું નથી. પણ આ વસ્તુઓનો વિકાસ થયા કરે છે. આદિમાનવ ઘણુંખરૂં કંદમૂલફલાહારી જ હશે. પરંતુ આગળ જતાં દુર્મતિવશ માનવસમાજનો મોટો ભાગ માંસાહારી બન્યો. ડાહ્યા ઉત્તમ માણસોને એ વાત ખપી નહીં. માંસ ખાવાનું જ થાય તો યજ્ઞમાં હલાલ કરેલાં પશુનું જ ખાવું એવું તેમણે બંધન મૂક્યું. આ બંધનનો હેતુ હિંસા પર અંકુશ મૂકવાનો હતો. કેટલાક લોકોએ તો માંસનો પૂરેપૂરો ત્યાગ કર્યો. પણ જેમનાથી પૂરેપૂરો ત્યાગ થઈ શકે એમ નહોતું તેમને યજ્ઞમાં પરમેશ્વરને અર્પણ કરી, કંઈક તપસ્યા કરી માંસ ખાવું એવી પરવાનગી મળી. યજ્ઞમાં જ માંસ ખાજો એમ કહેવાથી હિંસા પર અંકુશ આવશે એમ લાગતું હતું. પણ પછી તો યજ્ઞ પણ સામાન્ય વાત બની ગઈ. જેને ફાવે તે યજ્ઞ કરવા નીકળી પડે, યજ્ઞ કરે અને માંસ ખાય એવું ચાલવા માંડ્યું. એટલે ભગવાન બુદ્ધ આગળ આવ્યા. તેમણે કહ્યું, “ માંસ ખાવું હોય તો ભલે ખાઓ, પણ કંઈ નહીં તો ઈશ્વરને નામે ન ખાશો. ” એ બંને વચનોનો હેતુ એક જ હતો કે હિંસા પર અંકુશ આવે, ગાડું ગમે ત્યાંથી આખરે સંયમને રસ્તે ચડે. યજ્ઞયાગ કરો અગર ન કરો, બંનેમાંથી આપણે માંસ ખાવાનું છોડવાનું જ શીખ્યા છીએ. આમ ધીમે ધીમે આપણે માંસ ખાવાનું છોડતા ગયા.

14. જગતના ઈતિહાસમાં એકલા ભારતવર્ષમાં આ મોટો પ્રયોગ થયો. કરોડો લોકોએ માંસ ખાવાનું છોડયું. અને આજે આપણે માંસ ખાતા નથી એમાં આપણે ઝાઝું ફુલાવાનું નથી. પૂર્વજોના પુણ્યને પરિણામે આપણું વલણ એવું બંધાયું છે. પણ પહેલાંના ઋષિઓ માંસ ખાતા હતા એમ આપણે કહીએ કે વાંચીએ છીએ ત્યારે આપણને નવાઈ થાય છે ખરી. ઋષિ માંસ ખાય? છટછટ, કંઈ ભળતી જ વાત છે ! પણ માંસાશન કરતાં કરતાં સંયમથી તેમણે તેનો ત્યાગ કર્યો એનું શ્રેય તેમને આપવું જોઈએ. એ મહેનત આપણે કરવી પડતી નથી. તેમનું પુણ્ય આપણને મફતમાં મળ્યું છે. પહેલાં એ લોકો માંસ ખાતા અને આજે આપણે ખાતા નથી એટલે તેમના કરતાં આપણે મોટા થઈ ગયા એવો અર્થ નથી. તેમના અનુભવોનો ફાયદો આપણને મફતમાં મળ્યો. તેમના અનુભવનો હવે આપણે આગળ વિકાસ કરવો જોઈએ. દૂધ છેક છોડી દેવાના પ્રયોગો પણ કરવા જોઈએ. માણસ બીજાં જાનવરોનું દૂધ પીએ એ વાત પણ ઊતરતા દરજ્જાની છે. દસ હજાર વરસ બાદ આવનારા લોકો આપણે વિષે કહેશે, “ શું એ લોકોને દૂધ ન પીવાનું પણ વ્રત લેવું પડતું હતું ? અરે બાપરે ! એ લોકો દૂધ કેવી રીતે પીતા હશે? એવા કેવા જંગલી ! ” સારાંશ કે નિર્ભયતાથી અને નમ્રતાથી આપણે પ્રયોગ કરતાં કરતાં કાયમ આગળ વધવું જોઈએ. સત્યની ક્ષિતિજ આપણે વિશાળ કરતા જવું જોઈએ. વિકાસને માટે હજી ઘણો અવકાશ છે. કોઈ પણ ગુણનો પૂરેપૂરો વિકાસ હજી થયો નથી.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

Blog at WordPress.com.