Daily Archives: 12/02/2009

અહિંસાના વિકાસના ચાર તબક્કા – (90)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય સોળમો : પરિશિષ્ટ ૧ — દૈવી અને આસુરી વૃત્તિઓનો ઝઘડો
પ્રકરણ ૯૦ – અહિંસાના વિકાસના ચાર તબક્કા

8. આમ એક બાજુ દૈવી સંપત્તિ અને બીજી બાજુ આસુરી સંપત્તિ એવાં બે લશ્કર ઊભાં છે. તેમાંની આસુરી સંપત્તિને ટાળવી, અળગી કરવી અને દૈવી સંપત્તિને પોતાની કરી તેને વળગવું. સત્ય અહિંસા વગેરે દૈવી ગુણોનો વિકાસ અનાદિ કાળથી થયા કરે છે. વચગાળામાં જે વખત ગયો તેમાં પણ ઘણો વિકાસ થયો છે. તોયે હજી વિકાસની મર્યાદા આવી ગઈ છે એવું નથી. જ્યાં સુધી આપણને સામાજીક શરીર છે ત્યાં સુધી વિકાસને પાર વગરનો અવકાશ છે. વ્યક્તિગત વિકાસ થયો હશે પણ સામાજિક, રાષ્ટ્રીય અને જાગતિક વિકાસ થવો બાકી છે. વ્યક્તિએ પોતાના વિકાસનું ખાતર પૂરી પછી સમાજ, રાષ્ટ્ર વગેરેમાં સમાતી લાખો વ્યક્તિઓના વિકાસની શરૂઆત કરવાની છે. દાખલા તરીકે માણસ અહિંસાનો વિકાસ અનાદિ કાળથી કરતો આવ્યો છે છતાં આજે પણ તે વિકાસ ચાલુ છે.

9. અહિંસાનો વિકાસ કેમ થતો ગયો તે જોવા જેવું છે. તે પરથી પારમાર્થિક જીવનનો વિકાસ ઉત્તરોત્તર કેમ થતો જાય છે અને તેને હજી પૂરેપૂરો અવકાશ કઈ રીતે છે એ વાત સમજાશે. હિંસકોના હુમલાઓ સામે બચાવ કેવી રીતે કરવો એ બાબતનો અહિંસક માણસે વિચાર કરવા માંડ્યો. પહેલાં સમાજના રક્ષણને સારૂ ક્ષત્રિયવર્ગ રાખ્યો પણ પછી તે જ સમાજનું ભક્ષણ કરવા લાગ્યો. વાડે ચીભડાં ગળવા માંડ્યાં. ત્યારે હવે આ ઉન્મત્ત ક્ષત્રિયોથી સમાજનો બચાવ કેમ કરવો તેનો અહિંસક બ્રાહ્મણો વિચાર કરવા લાગ્યા. પરશુરામે જાતે અહિંસક હોવા છતાં હિંસાનો આધાર લીધો અને તે જાતે હિંસક બન્યો. આ પ્રયોગ અહિંસાનો હતો પમ તે સફળ ન થયો. એકવીસ એકવીસ વખત શ્રત્રિયોનો સંહાર કરવા છતાં તે બાકી રહ્યા જ. કારણ એ કે આ અખતરો મૂળમાં જ ભૂલભરેલો હતો. જે ક્ષત્રિયોનો સમૂળગો નાશ કરવાને ખાતર મેં તેમનામાં ઉમેરો કર્યો તે ક્ષત્રિયવર્ગનો નાશ થાય ક્યાંથી ? હું જાતે જ હિંસક ક્ષત્રિય બન્યો. એ બીજ કાયમ રહ્યું. બી રહેવા દઈને ઝાડો તોડી પાડનારને ફરી ફરી ઝાડ પેદા થયેલાં દેખાયા વગર કેમ રહે ? પરશુરામ સારો માણસ હતો. પણ પ્રયોગ ઘણો વિચિત્ર નીવડ્યો. પોતે ક્ષત્રિય બનીને તે પૃથ્વી નક્ષત્રિય કરવા માગતો હતો. ખરૂં જોતાં પોતાની જાતથી જ તેણે અખતરાની શરૂઆત કરવી જોઈતી હતી. પોતાનું માથું તેણે પહેલું ઉડાવવું જોઈતું હતું. પરશુરામના કરતાં હું ડાહ્યો છું એટલે તેની ભૂલ બતાવું છું એમ ન માનશો. હું બાળક છું, પણ તેના ખભા પર ઊભો છું. તેથી કુદરતી રીતે મને વધારે દેખાય છે. પરશુરામના પ્રયોગનો પાયો જ મૂળમાં ભૂલભરેલો હતો. હિંસામય થઈને હિંસાને દૂર કરવાનું બને નહીં. ઊલટું તેથી હિંસકોની સંખ્યામાં માત્ર વધારો થાય છે. પણ તે વખતે એ વસ્તુ ધ્યાનમાં ન આવી. તે જમાનાના ભલા માણસોએ, તે વખતની મહાન અહિંસામય વ્યક્તિઓએ જે વિચાર સૂઝ્યો તે પ્રમાણે પ્રયોગ કર્યા. પરશુરામ તે જમાનાનો મોટો અહિંસાવાદી હતો. હિંસાના ઉદ્દેશથી તેણે હિંસા કરી નહોતી. અહિંસાની સ્થાપનાને માટે એ હિંસા હતી.

10. એ અખતરો એળે ગયો. પછી રામનો જમાનો આવ્યો. તે વખતે ફરીથી બ્રાહ્મણોએ વિચાર શરૂ કર્યો. તેમણે હિંસા છોડી દીધી હતી. પોતે હિંસા ન જ કરવી એવું તેમણે નક્કી કર્યું હતું. પણ રાક્ષસોના હુમલા પાછા કેમ વાળવા ? તેમણે જોયું કે ક્ષત્રિયો તો હિંસા કરવાવાળા જ છે. તેમની પાસે બારોબાર રાક્ષસોનો સંહાર કરાવવો. કાંટાથી કાંટો કાઢવો. પોતે જાતે એમાંથી તદ્દન અળગા રહેવું. વિશ્વામિત્રે યજ્ઞના બચાવને સારૂ રામલક્ષ્મણને લઈ જઈ તેમને હાથે રાક્ષસોનો સંહાર કરાવ્યો. ‘ જે અહિંસા સ્વસંરક્ષિત નથી, જે અહિંસાને પોતાના પગ નથી, એવી લૂલી-પાંગળી અહિંસા ઊભી કેવી રીતે રહે ? ’ આવો વિચાર આજે આપણે કરીએ છીએ. પણ વસિષ્ઠ-વિશ્વામિત્ર સરખાને ક્ષત્રિયોના જોર પર પોતાનો બચાવ કરવામાં નાનમ લાગી નહોતી. પરંતુ રામ જેવો ક્ષત્રિય ન મળ્યો હોત તો ? તો વિશ્વામિત્ર કહેત કે, “ હું મરી જઈશ પણ હિંસા નહીં કરૂં. ” હિંસક બનીને હિંસા દૂર કરવાનો પ્રયોગ થઈ ચૂક્યો હતો. હવે પોતાની અહિંસા તો ન જ છોડાય ટલું નક્કી થઈ ગયું હતું. ક્ષત્રિય ન મળ્યો તો અહિંસક મરી જશે પણ હિંસા નહીં કરે એવી હવેની ભૂમિકા હતી. અરણ્યકાંડમાં એક પ્રસંગ છે. વિશ્વામિત્રની સાથે રામ જતા હતા. રામે પૂછ્યું, “ આ બધા ઢગલા શાના ? ” વિશ્વામિત્રે જવાબ આપ્યો, “ એ બ્રાહ્મણોનાં હાડકાંના ઢગલા છે. અહિંસ બ્રાહ્મણોએ પોતાના પર હલ્લો કરનારા હિંસક રાક્ષસોનો સામનો ન કર્યો. તે મરી ગયા. તેમનાં હાડકાંના એ ઢગલા છે. ” બ્રાહ્મણોની આ અહિંસામાં ત્યાગ હતો ને બીજા પાસે બચાવ કરાવવાની અપેક્ષા પણ હતી. આવી લાચારીથી અહિંસાની પૂર્ણતા ન થાય.

11. સંતોએ પછી ત્રીજો અખતરો કર્યો. સંતોએ નક્કી કર્યું કે “ બીજાની મદદ માગવી જ નહીં. મારી અહિંસા જ મારો બચાવ કરશે. એમાં જે બચાવ થશે તે જ સાચો બચાવ છે.” સંતોનો આ પ્રયોગ વ્યક્તિનિષ્ઠ હતો. આ વ્યક્તિગત પ્રયોગને તેઓ પૂર્ણત્વ સુધી લઈ ગયા. પણ એ પ્રયોગમાં વ્યક્તિગતપણું રહી ગયું. સમાજ પર હિંસકોનો હુમલો થયો હોત અને સમાજે આવીને સંતોને પૂછ્યું હોત કે “ અમારે શું કરવું ? ” તો એ સવાલનો ચોક્કસ જવાબ કદાચ સંતો ન આપી શક્યા હોત. વ્યક્તિગત જીવનમાં પરિપૂર્ણ અહિંસા ઉતરનારા સંતોએ સમાજને સલાહ આપતાં કહ્યું હોત કે “ અમે લાચાર છીએ. ” સંતોની હું ભૂલ કાઢવા બેઠો છું એ મારૂં બાળસાહસ છે. પણ હું તેમના ખભા પર ઊભો છું તેથી જે દેખાય છે તે કહું છું. તેઓ મને ક્ષમા કરશે. અને કેમ નહીં કરે ? તેમની ક્ષમા મોટી છે. અહિંસાના સાધન વડે સામુદાયિક અખતરાઓ કરવાનું સંતોને સૂઝ્યું નહીં હોય એવું નથી. પણ પરિસ્થિતિ તેમને એટલી અનુકૂળ ન લાગી. તેમને જાત પૂરતા છૂટા છૂટા પ્રયોગ કર્યા, પણ આમ છૂટા છૂટા થયેલા પ્રયોગોમાંથી જ શાસ્ત્ર રચાય છે. સંમિલિત અનુભવમાંથી શાસ્ત્ર બને છે.

12. સંતોના પ્રયોગ પછીનો ચોથો પ્રયોગ આજે આપણે કરીએ છીએ. આખાયે સમાજે અહિંસાત્મક સાધનો વડે હિંસાનો પ્રતિકાર કરવાનો આજનો પ્રયોગ આપણે ચલાવીએ છીએ. આ રીતે ચાર અખતરાઓ આપણે જોયા. દરેક પ્રયોગમાં અપૂર્ણતા હતી અને છે. વિકાસક્રમમાં આ વાત અપરિહાર્ય છે. પણ તે તે જમાનામાં તે તે પ્રયોગો પૂર્ણ હતા એમ જ કહેવું જોઈએ. બીજાં દસ હજાર વરસ જશે પછી આજના આપણા અહિંસક યુદ્ધમાં પણ શોધનારને ઘણી હિંસા જડશે. શુદ્ધ અહિંસાના પ્રયોગ હજીયે બીજા થતા જશે. જ્ઞાન, કર્મ અને ભક્તિ એ ત્રણેનો જ નહીં, બધા સદ્ગુણોનો વિકાસ થઈ રહેલો છે. એક જ વસ્તુ પૂર્ણ છે. અને તે પરમાત્મા. ભગવદ્ ગીતામાં બતાવેલો પુરૂષોત્તમયોગ પૂર્ણ છે. પણ વ્યક્તિ અને સમુદાય એ બંનેના જીવનમાં તેનો પૂર્ણ વિકાસ હજી બાકી છે. વચનોનો પણ વિકાસ થાય છે. ઋષિઓને મંત્રના દ્રષ્ટા માનવામાં આવ્યા છે તે તેના કર્તા નથી. કેમકે તેમને મંત્રનો અર્થ દેખાયો. પણ તે જ એનો અર્થ છે એવું નથી. ઋષિઓને એક દર્શન થયું. હવે પછી આપણને તેનો વધારે ખીલેલો અર્થ દેખાય એમ બને. તેમના કરતાં આપણને વધારે દેખાય છે એ કંઈ આપણી વિશેષતા નથી. તેમને જ આધારે આપણે આગળ જઈએ છીએ. હું અહીં એકલી અહિંસાના વિકાસ પર બોલું છું કેમકે બધા સદ્ગુણોનો સાર કાઢશો તો અહિંસા એ જ નીકળશે. અને તે યુદ્ધમાં આજે આપણે ઝુકાવ્યું છે યે ખરૂં. તેથી આ તત્વનો કેમ વિકાસ થતો જાય છે તે આપણે જોયું.

Categories: ગીતા પ્રવચનો | 2 Comments

Create a free website or blog at WordPress.com.