ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય સોળમો : પરિશિષ્ટ ૧ — દૈવી અને આસુરી વૃત્તિઓનો ઝઘડો
પ્રકરણ ૮૯ – અહિંસાની અને હિંસાની સેના
4. પહેલા અધ્યાયમાં જેમ એક બાજુ કૌરવોને અને બીજી બાજુ પાંડવોને સામસામા ખડા કર્યા છે, તે પ્રમાણે સદ્ગુણોની દૈવી સેના અને દુર્ગુણોના આસુરી લશ્કરને અહીં સામસામાં ખડાં કર્યાં છે. માનવી મનમાં સત્ પ્રવૃત્તિઓનો અને અસત્ પ્રવૃત્તિઓનો જે ઝઘડો ચાલ્યા કરે છે તેનું રૂપકાત્મક વર્ણન કરવાનો ઘણા પ્રાચીન કાળથી રિવાજ પડયો છે. વેદમાં ઈંદ્ર ને વૃત્રનો, પુરાણમાં દેવ ને દાનવનો, તે જ પ્રમાણે રામ ને રાવણનો, પારસીઓના ધર્મગ્રંથમાં આહુરમઝદ ને અહરિમાનનો, ખ્રિસ્તી ધર્મમાં પ્રભુ ને સેતાનનો, મુસલમાની ધર્મમાં પરમેશ્વર ને ઈબ્લિસનો, એવી જાતના ઝઘડા બધા ધર્મોમાં છે. કવિતામાં સ્થૂળ વિષયોનું વર્ણન સૂક્ષ્મ વસ્તુઓનાં રૂપકથી કરવામાં આવે છે તો ધર્મગ્રંથોમાં સૂક્ષ્મ મનોભાવોને ભરાઉ, સ્થૂળ રૂપ આપીને વર્ણવે છે. કાવ્યમાં સ્થૂળનું સૂક્ષ્મ વર્ણન તો અહીં સૂક્ષ્મનું સ્થૂળ વર્ણન થાય છે. આમ કહીને એવું સૂચવવાનો આશય નથી કે ગીતાની શરૂઆતમાં જે યુદ્ધનું વર્ણન છે તે કેવળ કાલ્પનિક છે. તે ઈતિહાસમાં બનેલી ઘટના હોય પણ ખરી; પરંતુ કવિ એ ઘટનાનો પોતાના ઈષ્ટ હેતુને ખાતર ઉપયોગ કરી લે છે. કર્તવ્યની બાબતમાં મોહ થાય ત્યારે કેમ વર્તવું એ વાત યુદ્ધનું રૂપક આપીને રજૂ કરી છે. આ સોળમા અધ્યાયમાં સારાનો ને નરસાનો ઝઘડો બતાવ્યો છે. ગીતામાં યુદ્ધનું રૂપક પણ છે.
5. કુરૂક્ષેત્ર બહાર છે અને આપણા મનમાં પણ છે. સૂક્ષ્મ રીતે જોઈશું તો જણાશે કે જે ઝઘડો અંદર મનમાં ચાલે છે તે જ આપણને બહાર મૂર્તિમંત થયેલો જોવાનો મળે છે. બહાર જે શત્રુ ઊભો છે તે મારા જ મનમાં રહેલો વિકાર સાકાર થઈ ખડો થયો છે. આરસીમાં જેમ મારૂં પોતાનું સારૂં કે નરસું પ્રતિબિંબ દેખાય છે તેમ મારા મનમાં ઊઠતા સારાનરસા વિચાર મને બહાર શત્રુ કે મિત્રરૂપે દેખાય છે. જેમ હું જાગૃતિમાંનું સ્વપ્નામાં જોઉં છું તેમ મનમાંનું બહાર જોઉં છું. અંદરનું યુદ્ધ અને બહારનું યુદ્ધ એ બંનેની વચ્ચે જરાયે ફેર નથી. જે ખરું યુદ્ધ છે, તે અંદર જ છે.
6. આપણા અંતઃકરણમાં એક બાજુ સદગુણ ને બીજી બાજુ દુર્ગુણો ઊભા છે. બંનેએ પોતપોતાની વ્યવસ્થા બરાબર ગોઠવી છે. લશ્કરમાં જેમ સેનાપતિ જોઈએ છે તેમ અહીં પણ સદ્ગુણોએ પોતાનો સેનાપતિ નીમ્યો છે. એ સેનાપતિનું નામ છે – अभय. આ અધ્યાયમાં અભયને પહેલું સ્થાન આપ્યું છે. આ વાત અમસ્તી, સહેજે બની નથી. હેતુપુરઃસર અભય શબ્દ પહેલો યોજ્યો હોવો જોઈએ. અભય વિના કોઈ પણ ગુણ વધતો નથી. ખરાપણા વગર સદ્ગુણની કિંમત નથી. અને ખરાપણાને નિર્ભયતાની જરૂર રહે છે. ભયભીત વાતાવરણમાં સદ્ગુણો ખીલતા નથી. ભયભીત વાતાવરણમાં સદ્ગુણ પણ દુર્ગુણ બની બેસે છે, સત્ પ્રવૃત્તિ પણ દૂબળી પડી જાય છે. નિર્ભયતા સર્વ સદ્ગુણોનો નાયક છે. પણ લશ્કરને આગળની ને પાછળની બંને બાજુ સંભાળવી પડે છે. સીધો હુમલો સામેથી આવે છે પણ પાછલી બાજુથી છૂપો હુમલો થવાનો સંભવ રહે છે. સદ્ગુણોને આગળને મોખરે निर्भयता પોતાનું થાણું જમાવી ખડી છે અને પાછળનો મોરચો नम्रता સાચવે છે. આવી આ બહુ સુંદર રચના કરેલી છે. એકંદરે બધા મળીને છવ્વીસ ગુણો અહીં ગણાવ્યા છે. એમાંના પચ્ચીસ ગુણ આપણામાં બરાબર કેળવાયા હોય પણ તે વાતનો અહંકાર વળગ્યો તો એકદમ પાછળથી હલ્લો આવ્યો જાણવો અને મેળવેલું બધું એળે ગયું જાણવું. તેથી પાછળની બાજુએ नम्रता એ સદ્ગુણને રાખ્યો છે. નમ્રતા નહીં હોય તો જીત હારમાં ક્યારે પલટાઈ જાય છે તેની ખબર સરખી પડતી નથી. આમ આગળ निर्भयता અને પાછળ नम्रता રાખી બધા સદ્ગુણોનો વિકાસ કરી શકાય છે. આ બે ગુણોની વચ્ચે જે ચોવીસ ગુણો છે તે ઘણુંખરૂં અહિંસાના જ પર્યાય છે એમ કહીએ તો પણ ચાલશે. ભૂતદયા, માર્દવ, ક્ષમા, શાંતિ, અક્રોધ, અહિંસા, અદ્રોહ, એ બધા અહિંસાના જ જુદા જુદા પર્યાયી શબ્દો છે. અહિંસા ને સત્ય એ બે ગુણોમાં બધા ગુણ સમાઈ જાય છે. સર્વ સદ્ગુણનો સંક્ષેપ કરીએ તો છેવટે અહિંસા અને સત્ય બે જ વસ્તુ રહેશે. તે બંનેના પેટમાં બાકીના બધા સદ્ગુણો આવી જાય છે. પણ નિર્ભયતા અને નમ્રતા એ બેની વાત જુદી છે. નિર્ભયતાથી પ્રગતિ થઈ શકે છે, અને નમ્રતાથી બચાવ થાય છે. સત્ય અને અહિંસા એ બે ગુણોની મૂડી બાંધીને નિર્ભયપણે આગળ વધવું જોઈએ. જીવન વિશાળ છે. તેમાં અનિરૂદ્ધ, અટક્યા વગર આગળ સંચાર કરતા રહેવું જોઈએ. પગલું ચૂકી ન જવાય તેટલા ખાતર સાથમાં નમ્રતા હોય એટલે થયું. પછી સત્ય-અહિંસાના પ્રયોગો કરતાં કરતાં નિર્ભયપણે ખુશીથી આગળ ચાલો. તાત્પર્ય કે સત્ય ને અહિંસાનો વિકાસ નિર્ભયતા ને નમ્રતા એ બે વડે થાય છે.
7. એક બાજુ સદ્ગુણોની સેના ઊભી છે તેવી જ અહીં દુર્ગુણોની ફોજ પણ ઊભી છે. દંભ, અજ્ઞાન વગેરે દુર્ગુણોની બાબતમાં ઝાઝું કહેવાની જરૂર નથી. એ વાતો આપણા પરિચયની ક્યાં નથી ? દંભ તો જાણે આપણામાં પચી ગયો છે. આખુંયે જીવન દંભ પર ઊભું કર્યું હોય એવું થઈ ગયું છે. અજ્ઞાનની બાબતમાં કહેવાનું હોય તો એટલું કે એક રૂડારૂપાળા બહાના તરીકે આપણે અજ્ઞાનને હંમેશ ડગલે ને પગલે આગળ કરીએ છીએ. કેમ જાણે અજ્ઞાન એ કોઈ મોટો ગુનો જ નથી ! પણ ભગવાન કહે છે, “ અજ્ઞાન એ પાપ છે. ” સૉક્રેટિસે એથી ઊલટું કહ્યું છે. પોતાની સામે ચલાવવામાં આવેલા મુકદ્દમા વખતે તેણે કહ્યું હતું કે, “ જેને તમે પાપ સમજો છો તે અજ્ઞાન છે, અને અજ્ઞાન ક્ષમ્ય છે. અજ્ઞાન વગર પાપ સંભવે કેવી રીતે ? અને અજ્ઞાનને માટે સજા કેવી રીતે થાય ? ” પણ ભગવાન કહે છે, “ અજ્ઞાન એ પણ પાપ જ છે. ” કાયદાના અજ્ઞાનની વાત બચાવને માટે આગળ ધરી ન શકાય એમ કાયદામાં કહે છે. ઈશ્વરના કાનૂનનું અજ્ઞાન પણ બહુ મોટો ગુનો છે. ભગવાનનું જે કહેવું છે અને સૉક્રેટિસનું જે કહેવું છે તે બંનેનો ભાવાર્થ એક જ છે. પોતાના અજ્ઞાન તરફ કેવી દ્રષ્ટિથી જોવું તે ભગવાને બતાવ્યું છે અને બીજાના પાપ તરફ કેવી દ્રષ્ટિથી જોવું તે સૉક્રેટિસે કહ્યું છે. બીજાના પાપને માટે ક્ષમા કરવી. પણ પોતાના અજ્ઞાનને ક્ષમા કરવામાંયે પાપ છે. પોતાનું અજ્ઞાન બાકી રહેવા દેવાય જ નહીં.