Daily Archives: 10/02/2009

પુરૂષોત્તમયોગની પૂર્વપ્રભા : દૈવી સંપત્તિ – (88)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય સોળમો : પરિશિષ્ટ ૧ — દૈવી અને આસુરી વૃત્તિઓનો ઝઘડો

પ્રકરણ ૮૮ – પુરૂષોત્તમયોગની પૂર્વપ્રભા : દૈવી સંપત્તિ

1. ગીતાના પહેલા અધ્યાયમાં જીવનની એકંદર યોજના કેવી છે ને આપણો જન્મ કેમ સફળ થાય તે આપણે જોયું. ત્યાર બાદ છઠ્ઠા અધ્યાયથી માંડીને અગિયારમા અધ્યાય સુધી આપણે ભક્તિનો જુદી જુદી રીતે વિચાર કર્યો. અગિયારમા અધ્યાયમાં આપણને ભક્તિનું દર્શન થયું. બારમા અધ્યાયમાં સગુણભક્તિ અને નિર્ગુણભક્તિ એ બંનેની તુલના કરી ભક્તનાં મહાન લક્ષણ આપણે જોયાં. બારમા અધ્યાયના અંત સુધીમાં કર્મ અને ભક્તિ એ બે તત્વો તપાસાઈ ગયાં. ત્રિજો જ્ઞાનનો વિભાગ બાકી રહ્યો હતો તે આપણે તેરમા, ચૌદમા અને પંદરમા અધ્યાયમાં જોયો. આત્માને દેહથી જુદો પાડવો, તેમ કરવાને ત્રણે ગુણોને જીતી લેવાના છે અને છેવટે પ્રભુને જોવાનો છે. પંદરમા અધ્યાયમાં આપણે જીવનનું સંપૂર્ણ શાસ્ત્ર જોયું. પુરૂષોત્તમયોગમાં જીવનની પરિપૂર્ણતા થાય છે. તે પછી કશું બાકી રહેતું નથી.

2. કર્મ, જ્ઞાન અને ભક્તિ એ ત્રણને એકબીજાંથી જુદાં પાડવાની વાત મારાથી સહન થતી નથી. કેટલાક સાધકોની નિષ્ઠા એવી હોય છે કે તેમને ફક્ત કર્મ સૂઝે છે. કોઈ વળી ભક્તિનો સ્વતંત્ર માર્ગ કલ્પે છે અને તેના પર બધો ભાર દે છે. કેટલાકનું વલણ જ્ઞાન એવો કેવળવાદ હું માનવા ઈચ્છતો નથી. એથી ઊલટું કર્મ, ભક્તિ અને જ્ઞાન એ ત્રણનો સરવાળો કરવાનો સમુચ્ચયવાદ પણ હું માનતો નથી. થોડી ભક્તિ, થોટું જ્ઞાન અને થોડું કર્મ એવો ઉપયોગિતાવાદ પણ મારે ગળે ઉતરતો નથી. પહેલું કર્મ, પછી ભક્તિ અને તે પછી જ્ઞાન એવો ક્રમવાદ પણ હું સ્વીકારતો નથી. ત્રણે વસ્તુઓનો મેળ બેસાડવાનો સામંજસ્યવાદ પણ મને પસંદ નથી. કર્મ તે જ ભક્તિ અને તે જ જ્ઞાન એવો મને અનુભવ થાય એમ હું ઈચ્છું છું. બરફીના ચોસલામાં રહેલી મીઠાશ, તેનો ઘાટ અને તેનું વજન એ ત્રણ વાતો જુદી જુદી નથી. જે ક્ષણે બરફીનો કકડો હું મોંમાં મૂકું છું તે જ ક્ષણે એકી વખતે તેનો આકાર હું ખાઉં છું, તેનું વજન પણ હું પચાવી લઉં છું અને તેની મીઠાશ પણ હું ચાખું છું. ત્રણે ચીજો એક જ ઠેકાણે છે. બરફીના એકેએક કણમાં તેનો આકાર, વજન અને મીઠાશ છે. તેના અમુક એક કકડામાં માત્ર આકાર છે, અમુક એક કકડામાં ફક્ત મીઠાશ છે અને અમુક એક કકડામાં એકલું વજન છે એવું નથી. તે જ રીતે જીવનમાં થતી એકેએક ક્રિયામાં પરમાર્થ ભરેલો હોય, હરેક કૃત્ય સેવામય, પ્રેમમય અને જ્ઞાનમય થાય, જીવનનાં બધાંયે અંગપ્રત્યાંગમાં કર્મ, ભક્તિ અને જ્ઞાન ભરેલાં હોય, એને જ પુરૂષોત્તમયોગ કહે છે. આખુંયે જીવન કેવળ પરમાર્થમય કરવું એ વાત બોલવી સહેલી છે. પણ એના ઉચ્ચારમાં જે ભાવ છે, તેનો જરા વિચાર કરવા બેસીએ છીએ ત્યારે કેવળ નિર્મળ એવી સેવા આપણે હાથે થાય તેટલા સારૂ અંતઃકરણમાં શુદ્ધ જ્ઞાન-ભક્તિની ઊંડી લાગણી ધારી લેવી પડે છે. એથી કર્મ, ભક્તિ અને જ્ઞાન અક્ષરશઃ એકરૂપ હોય એવી પરમદશાને પુરૂષોત્તમયોગ કહે છે. જીવનની અંતિમ સીમા ત્યાં આવી ગઈ.

3. હવે આજે આ સોળમા અધ્યાયમાં શું કહ્યું છે ? સૂર્યોદય થવાનો હોય છે ને જેમ પહેલાં તેની પ્રભા ફેલાય છે તેમ જીવનમાં કર્મ, ભક્તિ અને જ્ઞાન એ ત્રણેથી પૂર્ણ એવો પુરૂષોત્તમયોગ ઉદય પામે તે પહેલાં સદગુણોની પ્રભા બહાર ફેલાવા માંડે છે. પરિપૂર્ણ જીવનની આગળથી આવનારી આ જે પ્રભા છે તેનું વર્ણન આ સોળમા અધ્યાયમાં કર્યું છે. જે અંધારાની સામે ઝઘડીને એ પ્રભા પ્રગટ થાય છે તે અંધારાનું વર્ણન પણ અહીં કર્યું છે. કોઈક વાતની સાબિતીને માટે કંઈક વસ્તુ પ્રત્યક્ષ પુરાવા તરીકે આપણે જોવાને માગીએ છીએ. સેવા, ભક્તિ અને જ્ઞાન જીવનમાં ઊતર્યાં છે એ શેના પરથી જાણવું ? આપણે ખેતરમાં મહેનત કરીએ છીએ અને છેવટે અનાજનો ઢગલો તોળી લઈએ છીએ. તેવી રીતે આપણે જે સાધના કરીએ છીએ તેમાંથી આપણને શો અનુભવ થયો, સદ્વૃત્તિ કેટલી ઊંડી ઊતરી, કેટલા સદ્ગુણ આપણામાં કેળવાયા, જીવન ખરેખર સેવામય કેટલું બન્યું, તે બધું તપાસી જવાને આ અધ્યાય કહે છે. જીવનની કળા કેટલી ખીલી તે જોવાનું આ અધ્યાય કહે છે. જીવનની આ ચડતી કળાને ગીતા દૈવી સંપત્તિ નામ આપે છે. એની વિરૂદ્ધની જે વૃત્તિઓ છે તેમને આસુરી કહીને ઓળખાવી છે. સોળમા અધ્યાયમાં દૈવી અને આસુરી સંપત્તિનો જઘડો વર્ણવી બતાવ્યો છે.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

Blog at WordPress.com.