ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય પંદરમો – પૂર્ણયોગ : સર્વત્ર પુરૂષોત્તમ-દર્શન
પ્રકરણ ૮૭ – સર્વ વેદનો સાર મારા જ હાથમાં છે
21. આ સર્વ વેદનો સાર છે. વેદ અનંત છે. પણ અનંત વેદનો ટૂંકમાં ચોખ્ખોચટ સાર આ પુરૂષોત્તમયોગ છે. આ વેદ ક્યાં છે ? વેદની બડી ખૂબી છે. વેદનો સાર ક્યાં છે ? અધ્યાયના આરંભમાં જ કહ્યું છે,
“ छंदांसि यस्य पर्णानि ” — “ શ્રુતિઓ પાંદડાં કહ્યાં. ”
અરે, એ વેદ આ સંસાર વૃક્ષને પાંદડે પાંદડે ભરેલો છે. વેદ પેલી સંહિતામાં, તારી પોથીમાં લપાયેલો નથી. તે વિશ્વમાં બધે ફેલાયેલો છે. પેલો અંગ્રેજ કવિ શેકસપિયર કહી રહ્યો છે કે, ‘ વહેતાં ઝરણાંઓમાં સદગ્રંથ મળે છે, પથ્થરોમાંથી પ્રવચનો સંભળાય છે. ’ ટુંકમાં વેદ સંસ્કૃતમાં નથી, સંહિતામાં નથી. તે સૃષ્ટિમાં છે. સેવા કરશો એટલે નજરે પડશે.
22. प्रभाते करदर्शनम् । સવારે ઊઠતાંની સાથે પહેલી આપણી હથેળી જોવી. બધા વેદ એ હાથમાં છે. “ સેવા કર ” એમ તે વેદ તને કહે છે. ગઈ કાલે હાથ થાક્યા હતા કે નહીં, આજે મહેનત કરીને થાકવાને તૈયાર છે કે નથી, તેને આંટણ પડ્યાં છે કે નથી એ જુઓ. સેવા કરતાં કરતાં હાથ ઘસાય છે ત્યારે બ્રહ્મલિખિત ખુલ્લું થાય છે એવો प्रभाते करदर्शनम् । નો અર્થ છે.
23. કહે છે, વેદ ક્યાં છે ? અરે, તે તારી પાસે જ છે ! તમને ને અમને, આ વેદ જન્મથી જ આવી મળેલો છે. હું જ જીવંત વેદ છું. અત્યાર સુધીની આખીયે પરંપરા મને પચી ગઈ છે. હું તે પરંપરાનું ફળ છું. વેદબીજનું જે ફળ તે જ હું છું. મારા એ ફળમાં અનંત વેદોનું બીજ મેં સંઘરેલું છે. મારા પેટમાં વેદ પાંચપચાસગણો મોટો થયો છે.
24. ટૂંકમાં વેદનો સાર આપણા હાથમાં છે. સેવા, પ્રેમ અને જ્ઞાન પર જીવનની રચના કરવાની છે. એટલું કરો કે વેદ હાથમાં જ છે. હું જે અર્થ કરીશ તે જ વેદ છે. વેદ ક્યાંયે બહાર નથી. वेदांचा तो अर्थ आम्हांस्त्री च ठावा – વેદના તે અર્થને અમે જ જાણીએ છીએ એમ સેવામૂર્તિ સંતો કહે છે. “ સર્વ વેદો મને જ એકને જાણે છે, ઓળખે છે. હું જ બધા વેદનો સાર પુરૂષોત્તમ છું.” એમ ભગવાન કહી રહ્યા છે. આવો આ વેદનો સાર, આ પુરૂષોત્તમયોગ આપણે જીવનમાં પચાવી શકીએ તો કેટલો બધો આનંદ ઊપજે ! પછી તે પુરૂષ જે જે કંઈ કરે છે, તેમાથી વેદ પ્રગટ થાય છે એમ ગીતા સૂચવી રહી છે. આ અધ્યાયમાં આખીયે ગીતાનો સાર છે. ગીતાની શીખ અહીં પૂર્ણપણે પ્રગટ થઈ છે. તેને જીવનમાં ઉતારવાને સારૂ સૌ કોઈએ રાત ને દિવસ મથ્યા કરવું, બીજું શું ?