Daily Archives: 08/02/2009

જ્ઞાનલક્ષણ : હું પુરૂષ, તે પુરૂષ, આ પણ પુરૂષ – (86)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય પંદરમો – પૂર્ણયોગ : સર્વત્ર પુરૂષોત્તમ-દર્શન
પ્રકરણ ૮૬ – જ્ઞાનલક્ષણ : હું પુરૂષ, તે પુરૂષ, આ પણ પુરૂષ

15. આ રીતે કર્મમાં ભક્તિને ભેળવવાની છે એ આપણે અત્યાર લગી જોયું. પરંતુ તેમાં જ્ઞાન પણ જોઈએ. એ વગર ગીતાને સમાધાન નથી. પણ આ વાતનો અર્થ એવો નથી કે એ બધી ચીજો જુદી જુદી છે. બોલવામાં આપણે જુદી જુદી ભાષાનો પ્રયોગ કરીએ છીએ એટલો જ એનો અર્થ છે. કર્મ એટલે જ ભક્તિ છે. ભક્તિ કંઈક જુદી વસ્તુ છે અને તેને કર્મમાં ભેળવવાની છે એવું નથી. એવી જ વાત જ્ઞાનની છે. એ જ્ઞાન કેમ મળે ? ગીતા કહે છે, ‘ સર્વત્ર પુરૂષ-દર્શનથી જ્ઞાન મળશે. ’ તું સેવા કરનારો જે સનાતન સેવક છે તે તું સેવા-પુરૂષ છે; પેલો જે પુરૂષોત્તમ છે તે સેવ્ય-પુરૂષ છે; અને નાના રૂપ ધારણ કરવાવાળી, વિવિધ પ્રકારનાં સાધનો પૂરાં પાડનારી આ નિત્ય વહેતી સૃષ્ટિ તે પણ પુરૂષ છે.

16. આ દ્રષ્ટિ રાખવી એટલે શું કરવું ? બધે ઠેકાણે અવ્યંગ એટલે ખામી વગરનો પૂરેપૂરો સેવાભાવ રાખવો. તારા પગમાંની ચંપલ ચમચમ અવાજ કરે છે; તેને થોડું તેલ ચોપડ. ત્યાં પરમાત્માનો જ અંશ છે. એ ચંપલને બરાબર રાખ. પેલો સેવાનું સાધન એવો રેંટિયો છે. તેમાં તેલ પૂર. તે બૂમ પાડે છે, ‘ नेति नेति ’ – ‘ હું સૂતર કાંતવાનો નથી. ’ એ રેંટિયો, એ સેવાનું સાધન, એ પણ પુરૂષ જ છે. તેની માળ, તેની જનોઈ, તેને પણ બરાબર રાખ. આખી સૃષ્ટિને ચૈતન્યમય માન. તેને જડ ગણીશ મા. ૐકારનું સુંદર ગીત ગાનારો એ રેંટિયો શું જડ છે ? તે ખુદ પરમાત્માની મૂર્તિ છે. શ્રાવણની અમાસે આપણે पोळाનો ઉત્સવ ઉજવીએ છીએ. તે દિવસે અહંકાર છોડી આપણે બળદની પૂજા કરીએ છીએ. આ બહુ મોટી વાત છે. પોળાનો ખ્યાલ રોજ મનમાં રાખી, બળદની બરાબર માવજત કરી, તેની પાસેથી જે લાયક હોય તે કામ લો. પોળાને દિવસે જે ભક્તિ આપણે બતાવીએ છીએ તે, તે દહાડે જ પૂરી થઈ જાય એવું ન થવા દો. બળદ પણ પરમાત્માની જ મૂર્તિ છે. પેલું હળ, પેલાં ખેતીનાં બીજાં ઓજારો, એ બધાંને પણ બરાબર સંભાળો, સેવાનાં બધાંયે સાધનો પવિત્ર છે. આ દ્રષ્ટિ કેટલી વિશાળ છે તેનો ખ્યાલ કરો ! પૂજા કરવી એટલે ગુલાલ, કંકુ, ગંધ, ચોખા અને ફૂલો ચડાવવાં એટલું જ નથી. પેલાં વાસણોને માંજીને અરીસા જેવાં ચકચકતાં રાખવાં એ વાસણોની પૂજા થઈ. ફાનસને બરાબર લૂછીને સાફ રાખવું એ તેની પૂજા છે. દાતરડાની ધાર કાઢી ખેતીના કામને માટે હમેશ તૈયાર રાખવું એ તેની પૂજા છે. બારણાનું મિજાગરૂં કાટ ખાઈ ગયું છે. તેને તેલ મૂકીને સંતોષવું એ તેની પૂજા છે. જીવનમાં બધે આ દ્રષ્ટિ લાવવી, કેળવવી. સેવાદ્રવ્યને ઉત્તમ સ્થિતિમાં અને ચોખ્ખું, નિર્મળ રાખવું. ટૂંકમાં, હું અક્ષર પુરૂષ, પેલો પુરૂષોત્તમ અને આ સાધનરૂપ સૃષ્ટિ બધાંયે પુરૂષ છે, પરમાત્મા છે. સર્વત્ર, એક જ ચૈતન્ય ખેલી રહ્યું છે. આ દ્રષ્ટિ આવી એટલે આપણા કર્મમાં જ્ઞાન પણ આવ્યું જાણવું.

17. કર્મમાં ભક્તિ રેડી, અને હવે જ્ઞાન પણ રેડ્યું અને અપૂર્વ એવું જીવનનું દિવ્ય રસાયણ બનાવ્યું. છેવટે ગીતાએ અદ્વૈતમય સેવાના માર્ગ પર આપણને લાવી મૂક્યા. આખી સૃષ્ટિમાં ત્રણ પુરૂષો ઊભા છે. એક જ પુરૂષોત્તમે એ ત્રણે રૂપો લીધાં છે. ત્રણે મળીને એક જ પુરૂષ છે. કેવળ અદ્વૈત છે. ગીતાએ ઊંચામાં ઊંચા, પરમોચ્ચ શિખર પર અહીં આણીને આપણને મૂકી દીધા. કર્મ, ભક્તિ અને જ્ઞાન એકરૂપ થયાં. જીવ, શિવ અને સૃષ્ટિ એકરૂપ થયાં. કર્મ, ભક્તિ અને જ્ઞાન એ ત્રણેમાં કશો વિરોધ ન રહ્યો.

18. જ્ઞાનદેવે अमृतानुभवમાં મહારાષ્ટ્રને ગમતો દાખલો આપ્યો છે,

देव देऊळ परिवारु । कीजे कोरूनि डोंगरु ।
तैसा भक्तिचा वेव्हारु । कां न होआवा ।।

‘ દેવ, મંદિર અને પરિવાર, એ બધાંને ડુંગર કોરીને બનાવ્યાં. ભક્તિનો એવો વહેવાર કેમ ન થાય ? ’ એક જ પથ્થરને કોર્યો, ત્યાં પથ્થરનું જ મંદિર, તે મંદિરમાં પથ્થરમાંથી જ કોરી કાઢેલો દેવ બેસાડ્યો, અને દેવની સામે પથ્થરનો જ એક ભક્ત, અને તેની પાસે પથ્થરમાંથી જ કોરી કાઢેલાં ફૂલો. આ બધો શણગાર જેમ પેલા એક જ પથ્થરના ખડકમાંથી બનાવે છે, એક જ અખંડ પથ્થર ત્યાં બધાં રૂપોમાં જુદા જુદા વેશ લઈને ઊભો હોય છે, તેવું ભક્તિના વહેવારમાં પણ કેમ ન થાય ? સ્વામી-સેવક સંબંધ કાયમ રહે છતાં એકતા કેમ ન થાય ? આ બાહ્યસૃષ્ટિ, આ પૂજાદ્રવ્ય અલગ હોવા છતાં પણ આત્મરૂપ શા સારૂ ન બને ? ત્રણે પુરૂષ એક જ છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ એ ત્રણે મળીને એક વિશાળ જીવન-પ્રવાહ નિર્માણ કરવાનો છે. આવો આ પરિપૂર્ણ પુરૂષોત્તમયોગ છે. સેવક, સ્વામી અને સેવાદ્રવ્ય એકરૂપ હોઈ ને ભક્તિ-પ્રેમની રમત રમવાની છે.

19. આવો આ પુરૂષોત્તમયોગ જેના હ્રદયમાં પાકો ઠસી ગયો છે તે જ સાચી ભક્તિ કરે છે.

स सर्वविद् भजति मां सर्वभावे भारत
‘ તે સર્વ સારનો જ્ઞાની સર્વભાવે મને ભજે ’

આવો પુરૂષ જ્ઞાની હોવા છતાં સંપૂર્ણ ભક્ત હોય છે. જેનામાં જ્ઞાન છે તેનામાં પ્રેમ પણ છે જ. પરમેશ્વરનું જ્ઞાન અને પરમેશ્વરનો પ્રેમ એ બે જુદી ચીજો નથી. ‘ કારેલું કડવું ’ એવું જ્ઞાન ઉત્પન્ન થાય તો પ્રેમ ઉત્પન્ન થતો નથી. કોઈક અપવાદ હોય એમ બને. પણ કડવાશ જણાઈ કે તેનો અણગમો થયા વગર રહેતો નથી. પણ સાકરનું જ્ઞાન થતાંની સાથે તે ઓગળવા માંડે છે. એકદમ પ્રેમનો ઝરો ઉત્પન્ન થાય છે. પરમેશ્વરની બાબતમાં જ્ઞાન થવું અને પ્રેમ ઉત્પન્ન થવો એ બંને વાતો એકરૂપ છે. પરમેશ્વરના રૂપની જે મીઠાશ છે તેને શું આ રદ્દી સાકરની ઉપમા આપવી ? તે મધુર પરમાત્માનું જ્ઞાન થતાંની સાથે તાબડતોબ પ્રેમભાવ પણ ઉત્પન્ન થશે. જ્ઞાન થવું અને પ્રેમ થવો એ બે ક્રિયા જાણે કે ભિન્ન ક્રિયા જ રહેતી નથી. અદ્વૈતમાં ભક્તિ છે કે નથી એ વાદાવાદ છોડો. જ્ઞાનદેવે કહ્યું છે કે,

हें चि भक्ति हें चि ज्ञान । एक विठ्ठल चि जाण ।।

‘ એ જ ભક્તિ, એ જ જ્ઞાન, એક વિઠ્ઠલને જ જાણ. ’ ભક્તિ અને જ્ઞાન એક જ ચીજનાં બે નામ છે.

20. પરમભક્તિ જીવનમાં આવે એટલે તે પછી થતું કર્મ, ભક્તિ તેમ જ જ્ઞાનથી જુદું હોતું નથી. કર્મ, ભક્તિ અને જ્ઞાન મળીને એક જ રમણીય, રૂડું રૂપાળું રૂપ બને છે. આ રમણીય રૂપમાંથી અદભૂત પ્રેમમય, જ્ઞાનમય સેવા સહેજે નિર્માણ થાય છે. મા પર મારો પ્રેમ છે પણ તે પ્રેમ કર્મમાં પ્રગટ થવો જોઈએ. પ્રેમ હંમેશાં મહેનત કરે છે, સેવામાં પ્રગટ થાય છે. પ્રેમનું બાહ્ય રૂપ તે જ સેવા છે. પ્રેમ અનંત સ્વા કર્મોનો વેશ લી નાચે છે. પ્રેમ હોય ત્યાં જ્ઞાન પણ આવે છે. જેની સેવા કરવાની છે તેને કઈ સેવા ગમશે એ વાતનું મને જ્ઞાન હોવું જોઈએ. નહીં તો સેવા કુસેવા ગણાશે. સેવ્ય વસ્તુનું જ્ઞાન પ્રેમને હોવું જોઈએ. પ્રેમનો પ્રભાવ કાર્ય મારફતે ફેલાય તેટલા ખાતર જ્ઞાનની જરૂર છે. પણ મૂળમાં પ્રેમ જોઈએ. તે ન હોય તો જ્ઞાન નિરૂપયોગી છે. પ્રેમથી થનારૂં કર્મ સાદા કર્મથી જુદું હોય છે. ખેતરમાં કામ કરી ઘેર આવેલા દીકરા તરફ ઘરડી મા પ્રેમથી જુએ છે અને ‘ થાક્યો છે બેટા ! ’ એમ કહે છે. પણ એ નાના સરખા કર્મમાં કેટલું બધું સામર્થ્ય હોય છે ! જીવનનાં સર્વ કર્મોમાં જ્ઞાન અને ભક્તિ રેડો. એને જ પુરૂષોત્તમયોગ કહે છે.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

Blog at WordPress.com.