Daily Archives: 07/02/2009

અહંશૂન્ય સેવા તે જ ભક્તિ – (85)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય પંદરમો – પૂર્ણયોગ : સર્વત્ર પુરૂષોત્તમ-દર્શન
પ્રકરણ ૮૫ – અહંશૂન્ય સેવા તે જ ભક્તિ

13. આપણી એકેએક કૃતિ ભક્તિમય થાય વી ગીતાની ઈચ્છા છે. ઘડી અધઘડી પરમેશ્વરની પૂજા કરો છો તે સારૂં છે. સવારે ને સાંજે સૂર્યની સુંદર પ્રભા ફેલાયેલી હોય ત્યારે ચિત્ત સ્થિર કરી, કલાક અરધો કલાક સંસારને વિસારે પાડી અનંતનું ચિંતન કરવું એ વિચાર ઘણો સારો છે. એ સદાચાર આપણે કદી ન છોડીએ. પણ ગીતાને એટલાથી સંતોષ નથી. સવારથી માંડીને તે સાંજ સુધી જે જે બધી ક્રિયાઓ આપણે હાથે થાય તે બધીયે ભગવાનની પૂજાને નિમિત્તે થવી જોઈએ. સ્નાન કરતી વખતે, જમતી વખતે, કચરો વાળતી વખતે એમ હરેક વખતે તેનું સ્મરણ રહેવું જોઈએ. કચરો વાળતી વખતે આપણને એમ થવું જોઈએ કે હું મારા પ્રભુનું, મારા જીવન-રાજનું આંગણું વાળું છુ. બધાં કર્મો આ રીતે પૂજાનાં કર્મો થવાં જોઈએ. આ દ્રષ્ટિ આપણામાં કેળવાય તો આપણા વર્તનમાં કેવો ફરક પડી જાય છે તે જોજો. પૂજાને માટે આપણે કેટલી કાળજીથી ફૂલ વીણીએ છીએ, તેમને છાબડીમાં કેવાં બરાબર ગોઠવીએ છીએ, તે બધાં દબાઈને બગડી ન જાય તેની કેવી સંભાળ રાખીએ છીએ, તે મેલાં ન થાય તેટલા ખાતર નાકે લગાડી સૂંઘતા સુદ્ધાં નથી. તે જ પ્રમાણે જીવનમાં રોજેરોજ કરવાનાં કર્મોમાં પણ તેવી જ દ્રષ્ટિ રહેવી જોઈએ. આ મારૂં ગામ છે અને અહીં પડોશીના રૂપમાં મારો નારાયણ રહે છે. એ ગામને હું સ્વચ્છ કરીશ, નિર્મળ રાખીશ. ગીતા આપણામાં આવી દ્રષ્ટિ કેળવવા માગે છે. પ્રત્યેક કર્મ પ્રભુની પૂજા છે એવી ભાવના સૌ કોઈની થાય એવી ગીતાને હોંશ છે. ગીતા જેવા ગ્રંથરાજને ઘડી અધઘડીની પૂજાથી સમાધાન નથી. સમગ્ર જીવન હરિમય થાય, પૂજારૂપ થાય એવી ગીતાની ઉત્કટ ઈચ્છા છે.

14. પુરૂષોત્તમયોગ બતાવી ગીતા કર્મમય જીવનને પૂર્ણતા આપે છે. પેલો સેવ્ય પુરૂષોત્તમ, હું તેનો સેવક ને સેવાનાં સાધનો આ સૃષ્ટિ છે. આ વાતનું એકવાર દર્શન થાય પછી બીજું શું જોઈએ ? તુકારામ કહી રહ્યા છે,

झालिया दर्शन करीन मी सेवा । आणिक कांहीं देवा न लगे दुजें ।।

‘ આવું દર્શન થયું એટલે તે મુજબ હું સેવા કરીશ; એ સિવાય હે ઈશ્વર, મારે બીજું કંઈ જોઈતું નથી. ’

પછી આપણે હાથે અખંડ સેવા થતી રહેશે. ‘ હું ’ જેવું કંઈ રહેશે નહીં. હું-પણું, મારા-પણું, ભૂંસાઈ જશે. બધુંયે તે ભગવાનને સારૂ છે, એવી વૃત્તિ થશે. પરાર્થે ઘસાઈ જવા સિવાય બીજું કશું જ રહેશે નહીં. ‘ હું ’ કાઢી નાખી મારે મારૂં જીવન હરિપરાયણ કરવું, ભક્તિમય કરવું, એમ ગીતા ફરીફરીને કહે છે. સેવ્ય પરમાત્મા, હું સેવક અને સાધનરૂપ આ સૃષ્ટિ છે. આમ પરિગ્રહનું નામ સુદ્ધાં ભૂંસી નાખ્યું છે. પછી જીવનમાં બીજા કશાનીયે ફિકર જ રહેતી નથી.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

Blog at WordPress.com.