Daily Archives: 06/02/2009

સેવાની ત્રિપુટી : સેવ્ય, સેવક, સેવાનાં સાધન – (84)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય પંદરમો – પૂર્ણયોગ : સર્વત્ર પુરૂષોત્તમ-દર્શન
પ્રકરણ ૮૪ – સેવાની ત્રિપુટી : સેવ્ય, સેવક, સેવાનાં સાધન

8. આ વિશ્વમાં આપણને અનંત વસ્તુઓ દેખાય છે. એ બધી વસ્તોના ત્રણ ભાગ પાડવા. કોઈક ભક્ત સવારે ઊઠે છે ત્યારે ત્રણ જ ચીજ તેની નજરે પડે છે. પહેલું ધ્યાન ઈશ્વર તરફ જાય છે. પછી તે ઈશ્વરની પૂજાની તૈયારી કરે છે. હું સેવક, ભક્ત છું, તે સેવ્ય એવો ઈશ્વર, સ્વામી છે. આ બંને વાતો તેની સામે હમેશ હાજર હોય છે. બાકી રહેલી આખી સૃષ્ટિ તે પૂજાનાં સાધનો છે. ફૂલ, ચંદન, ધૂપદીપ, એને માટે બધી સૃષ્ટિ છે. ત્રણ જ વસ્તુ છે. સેવક ભક્ત, સેવ્ય પરમાત્મા ને સેવાનાં સાધનો માટે આ સૃષ્ટિ. આ શીખ આ અધ્યાયમાં છે. પણ એકાદો, મૂર્તિની સેવાપૂજા કરવાવાળો જે સેવક છે તેને સૃષ્ટિમાંની બધી ચીજો પૂજાનાં સાધન લાગતી નથી. તે બગીચામાંથી ચારપાંચ ફૂલો તોડી લાવે છે, ક્યાંકથી ધૂપસળી લાવે છે, અને કંઈક ને કંઈક નૈવેદ્ય ધરાવે છે. તેને પસંદગી કરી કંઈ લેવાનું ને કંઈ છોડી દેવાનું મન થાય છે. પણ પંદરમા અધ્યાયમાં જે ઉદ્દાત્ત શીખ છે તેમાં પસંદગીની, કંઈ લેવાની ને કંઈ છોડી દેવાની વાત નથી. જે જે કંઈ તપસ્યાનાં સાધનો છે, કર્મનાં સાધનો છે, તે બધાંયે પરમેશ્વરની સેવાનાં સાધનો છે. તેમાંનાં થોડાંને નૈવેદ્ય ગણીને ચાલીશું. આમ યચ્ચયાવત્ એટલે કે જે છે તેટલાં બધાં કર્મોને પૂજાદ્રવ્યો બનાવવાં એવી દ્રષ્ટિ છે. જગતમાં ફક્ત ત્રણ ચીજ છે. જે વૈરાગ્યમય સાધન-માર્ગ ગીતા આપણા મનમાં ઠસાવવા માગે છે તે માર્ગને ગીતા ભક્તિમય સ્વરૂપ આપે છે. તેમાંનું કર્મપણું તે કાઢી નાખે છે અને તેને લીધે તેમાં સુલભતા, સરળતા લાવી આપે છે.

9. આશ્રમમાં કોઈક એક જણને માથે ખૂબ કામ આવે છે ત્યારે ‘ મારે માથે જ વધારે કામ કેમ આવ્યું ? ’ એવો વિચાર તેના મનમાં ફરકતો નથી એ વાતનો ઊંડો સાર છે. પૂજા કરવાવાળાને બે કલાકને બદલે ચાર કલાક પૂજા કરવાની મળે તો ‘ અરે આ શું ? ’ આજે ચાર ચાર કલાક પૂજા કરવી પડશે ! ’ એવું કંટાળીને તે કહેશે ખરો કે ? ઊલટું, તેને એથી વધારે આનંદ થશે. આશ્રમમાં અમને આવો અનુભવ થાય છે. એવો અનુભવ આખાયે જીવનમાં બધે થવો જોઈએ. જીવન સેવાપરાયણ બનવું જોઈએ. સેવ્ય એવો જે પેલો પુરૂષોત્તમ છે તેની સેવાને માટે હમેશ ખડો રહેનારો હું અક્ષર પુરૂષ છું. અક્ષર પુરૂષ એટલે કદી પણ ન થાકનારો, ઠેઠ સૃષ્ટિના આરંભથી સેવા કરનારો, સનાતન સેવક. જાણે કે રામની સામે સદા હાથ જોડીને હનુમાન જ ઊભેલો છે. તેને આળસ શું તેની ખબર સરખી નથી. હનુમાનની માફક ચિરંજીવ એવો આ સેવક ખડો છે. આવો આજન્મ સેવક તે જ અક્ષર પુરૂષ છે. પરમાત્મા એ સંસ્થા જીવંત છે અને હું સેવક પણ કાયમનો છું. તે સેવા લેતો થાકે છે કે હું સેવા કરતો થાકું છું એ મોજ એક વાર જોઈ લેવી છે. તેણે દસ અવતાર લીધા તો મારા પણ દસ છે જ. તે રામ થયો તો હું હનુમાન થયો જ છું. તે કૃષ્ણ થયો તો હું ઉદ્ધવ થયો જ છું. જેટલા તેના અવતાર તેટલા મારા પણ છે જ. એવી મીઠી હરીફાઈ એક વાર થવા દે. એક પછી એક એમ બધાયે યુગોમાં, પરમેશ્વરની આવી સેવા કરવાવાળો, કદીયે નાશ ન પામનારો એવો આ જીવ તે આ અક્ષર પુરૂષ છે. પેલો પુરૂષોત્તમ સ્વામી અને હું તેનો સેવક, તેનો બંદો એવી ભાવના કાયમ હ્રદયમાં રાખવાની છે. અને આ હરઘડી બદલાતી જતી, અનંત વેશ લેનારી જે સૃષ્ટિ છે તે બધીને પૂજાનાં સાધનો, સેવાનાં સાધનો બનાવવાનાં છે. એકેએક ક્રિયા પુરૂષોત્તમની પૂજા છે.

10. સેવ્ય આ પરમાત્મા પુરૂષોત્તમ અને સેવક જીવ અક્ષર પુરૂષ છે. પણ આ સાધનરૂપ સૃષ્ટિ ક્ષર છે. તે ક્ષર હોવામાં ભારે અર્થ સમાયેલો છે. સૃષ્ટિનું એ દૂષણ નથી પણ ભૂષણ છે. તેને લીધે સૃષ્ટિમાં નિત્ય નવીનતા છે. ગઈ કાલનાં ફૂલો આજે કામ નહીં આવે. તે નિર્માલ્ય બન્યાં. સૃષ્ટિ નાશવંત છે એ માણસનું મોટું ભાગ્ય છે, એ સેવાનો વૈભવ છે. સેવાને માટે રોજ નવાં, તાજાં ફૂલ જોઈએ. તે જ પ્રમાણે આ શરીર પણ નવું નવું ધારણ કરી હું પરમેશ્વરની સેવા કરીશ. મારાં સાધનોને હું રોજ નવું સ્વરૂપ આપીશ અને તેમનાથી તેની પૂજા કરીશ. નાશવંતપણાને લીધે સૌંદર્ય છે.

11. ચંદ્રની કળા આજે હોય છે તે કાલે હોતી નથી. ચંદ્રનું લાવણ્ય રોજ જુદું. બીજનો પેલો પાછળથી વધતો જનારો ચંદ્ર જોઈને કેટલો બધો આનંદ થાય છે ! શંકરના ભાલપ્રદેશ પર એ બીજની ચંદ્રશોભા પ્રગટ થયેલી છે. આઠમના ચંદ્રનું સૌંદર્ય વળી વિશેષ હોય છે. આઠમના આકાશમાં વીણેલાં મોતી જોવાનાં મળે છે. પૂનમના ચંદ્રના તેજમાં તારા દેખાતા જ નથી. પૂર્ણિમાએ પરમેશ્વરના મુખચંદ્રનું દર્શન થાય છે. અમાસનો આનંદ વળી જુદો ને ઘણો ગંભીર હોય છે. અમાવાસ્યાની રાતે કેટલી બધી નિઃસ્તબ્ધ શાંતિ હોય છે ! ચંદ્રનો જુલમી પ્રકાશ ન હોવાથી નાનામોટા અગણિત તારાઓ પૂરી છૂટથી ચમકે છે. અમાસે સ્વતંત્રતાનો પૂરેપૂરો વિલાસ જોવાને મળે છે. પોતાના અજવાળાનો દમામ બતાવનારો ચંદ્ર આજે આકાશમાં નતી. પોતાને પ્રકાશ પનારા સૂર્યની સાથે આજે તે એકરૂપ થયેલો છે, પરમેશ્વરમાં સમાઈ ગયેલો હોય છે. જીવે સ્વાત્માર્પણ કરી પોતાને કારણે જગતને જરા સરખોયે ત્રાસ ન થવા દેવો એવું જાણે કે તે દિવસે તે બતાવી રહેલો છે. ચંદ્રનું સ્વરૂપ ક્ષર છે, બદલાયા કરે છે. પણ તે નિત્ય નવો આનંદ આપે છે.

12. સૃષ્ટિનું નાશવંતપણું એ જ તેનું અમરપણું છે. સૃષ્ટિનું રૂપ ખળખળ વહ્યા કરે છે. એ રૂપગંગા વહેતી ન રહે તો તેનું ખાબોચિયું થઈ જાય. નદીનું પાણી એકધારૂં વહ્યા કરે છે. પાણી કાયમ બદલાયા કરે છે. આ એક ટીપું ગયું, પેલું બીજું આવ્યું ! એમ તે પાણી જીવતું રહે છે. વસ્તુમાંનો આનંદ નવીનતાને લીધે વરતાય છે. ઉનાળાની મોસમમાં ઈશ્વરને અમુક ફૂલ ચડાવવાનાં હોય છે. ચોમાસામાં પેલી લીલીછમ દરોઈ ચડાવવાની હોય છે. શરદઋતુમાં પેલાં રમણીય કમળો ચડાવવાનાં હોય છે. તત્ તત્ ઋતુકાલોદ્ભવ ફળફૂલો વડે ઈશ્વરની પૂજા કરવાની છે. એથી એ પૂજા તાજી, નિત્ય નવી લાગે છે અને તેનો કંટાળો આવતો નથી. નાનાં છોકરાંને પાટી પર ‘ ક ’ કાડી આપીને પછી આપણે કહીએ છીએ, “ આને ઘૂંટીને જાડો કર. ” એ ‘ ક ’ ચીતરવાની માથાફોડથી બાળકને કંટાળો આવે છે. અક્ષર ઘૂંટીને જાડો શા માટે કરવો તે તેને સમજાતું નથી. પેન આડી પકડીને તે ઝટઝટ અક્ષરને જાડો કરવાનું પતાવે છે. પણ પછી આગળ ઉપર તે નવા અક્ષરો જુએ છે, અક્ષરોના સમુદાય જુએ છે. નવાં નવાં પુસ્તકો તે વાંચતો થાય છે. સાહિત્યમાં નિર્માણ થયેલી જાતજાતની સુમનમાળાનો તે અનુભવ લેતો થાય છે. થી તેને અપાર આનંદ થાય છે. તેવું જ સેવાના ક્ષેત્રમાં છે. નવાં નવાં સાધનોને લીધે સેવા માટેની હોંશ વધ્યા કરે છે. અને સેવાવૃત્તિનો વિકાસ થાય છે. સૃષ્ટિનું નાશવંતપણું રોજરોજ નવાં ફૂલો ખીલવતું રહે છે. ગામની પાસે સ્મશાન છે તેથી ગામ રળિયામણું છે. જૂનાં માણસો જાય છે ને નવાં બાળકો જન્મે છે. નવી સૃષ્ટિ વધતી જાય છે. બહારના પેલા મસાણનો નાશ કરશો તો તે ઘરમાં આવી અડ્ડો જમાવશે. તેનાં તે માણસોને કાયમ જોવાં પડશે એટલે તમે કંટાળી જશો. ઉનાળામાં ગરમી હોય છે. પૃથ્વી તપી જાય છે. પણ તેથી અકળાશો મા. એ રૂપ પલટાયા વગર રહેવાનું નથી. વરસાદનું સુખ અનુભવવાને માટે પહેલાં તાપ ખમવો જોઈએ. જમીન બરાબર તપી નહીં હોય તો વરસાદ પડતાંની સાથે એકલો કાદવ કાદવ થઈ રહેશે. જમીન ઘાસ અને ધાન્યની કૂંપળોથી છવાઈ નહીં જાય. એક વખત ઉનાળામાં હું ફરતો હતો. માથું તપતું હતું. તેથી મને આનંદ થતો હતો. મને એક મિત્રે કહ્યું, “ માથું તપી જશે, ઉકળાટ થશે. ” મેં કહ્યું, “ આ નીચેની માટી તપે છે. તો આ માટીના ગોળાને પણ થોડો તપવા દીધેલો સારો. ” માથું તપેલું હોય ને તેના પર પેલી વરસાદની ધાર પડે એટલે શું આનંદ થાય છે ! પણ જે તડકામાં બહાર નીકળી તપતો નથી, તે વરસાદ આવશે તોયે ચોપડીમાં માથું ઘાલીને બેઠો રહેશે. ઘરની ઓરડીમાં, એક કબરમાં પુરાઈ રહેશે. બહારના આ વિશાળ અભિષેકપાત્ર નીચે ઊભા રહી નાચવાનું તેના નસીબમાં નથી. પણ પેલો આપણો મહર્ષિ મનુ બહુ રસિક અને સૃષ્ટિપ્રેમી હતો. સ્મૃતિમાં તે લખે છે કે, “ વરસાદ પડવા માંડે એટલે રજા પાડવી. ” વરસાદ પડતો હોય ને આશ્રમમાં પાઠ ગોખતાં ગોંધાઈ રહેવાનું હોય ખરૂં કે ? વરસાદમાં નાચવું, ગાવું અને સૃષ્ટિ સાથે એકરૂપ થવું. ચોમાસામાં જમીન અને આસમાન એકબીજાને ભેટે છે. તે ભવ્ય દેખાવ કેવો આનંદ પનારો હોય છે ! સૃષ્ટિ જાતે આપણને કેળવણી આપી રહેલી છે. સારાંશ કે સૃષ્ટિનું ક્ષરપણું, નાશવંતપણું છે એટલે સાધનોની નવીનતા છે. એવી નવી નવી ચીજોને જન્મ આપનારી અને નવ નવાં સાધનો પૂરાં પાડનારી આ સૃષ્ટિ, કમર કસીને સેવાને માટે ખડો પેલો સનાતન સેવક, અને પેલો સેવ્ય પરમાત્મા ત્રણે સામે મોજૂદ છે. હવે ચાલવા દો આખો ખેલ. પેલો પરમપુરૂષ પુરૂષોત્તમ જુદાં જુદાં સેવાસાધનો પૂરાં પાડી મારી પાસેથી પ્રેમમૂલક સેવા લઈ રહેલો છે. તરેહતરેહનાં સાધન આપીને તે મને રમાડી રહેલો છે. મારી પાસેથી તે જુદા જુદા પ્રયોગ કરાવે છે. આવી વૃત્તિ જીવનમાં કેળવાય તો કેટલો બધો આનંદ મળે !

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

Create a free website or blog at WordPress.com.