ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય પંદરમો – પૂર્ણયોગ : સર્વત્ર પુરૂષોત્તમ-દર્શન
પ્રકરણ ૮૩ – ભક્તિથી પ્રયત્ન સુતરો થાય છે
6. જીવનના કકડા હું કરી શકતો નથી. કર્મ, જ્ઞાન અને ભક્તિ એ ત્રણને મારાથી જુદાં પાડી શકાતાં નથી અને તે ત્રણે જુદાં પણ નથી. દાખલા તરીકે આ જેલમાંનું રસોઈનું કામ જુઓ. પાંચસોથી સાતસો માણસો માટેની રસોઈનું કામ આપણામાંથી થોડા લોકો મળીને પાર પાડે છે. જેને રસોઈનું પાકું જ્ઞાન નથી એવો માણસ આ કામમાં હશે તો રસોઈ બગાડી નાખશે. રોટલા કાચા રહેશે, નહીં તો બળીને રાખ થઈ જશે. પણ રસોઈનું બરાબર પાકું જ્ઞાન છે એમ માનીને આપણે ચાલીએ. એમ છતાં માણસના દિલમાં તે કર્મને માટે પ્રેમ નહીં હોય, ભક્તિની ભાવના નહીં હોય, આ રોટલા મારા ભાઈઓને, એટલે કે નારાયણને ખાવાને માટે છે તે સારૂ તે મારે બરાબર કરવા જોઈએ, આ પ્રભુની સેવા છે, એવી ભાવના તેના દિલમાં નહીં હોય તો જ્ઞાન હોવા છતાં પણ તે માણસ એ કામને માટે લાયક ઠરતો નથી. એ રસોઈના કામમાં જ્ઞાન જોઈએ અને તે જ પ્રમાણે પ્રેમ પણ જોઈએ. ભક્તિતત્વનો રસ હ્રદયમા નહીં હોય તો રસોઈ સુરસ નહીં થાય. એથી તો મા વગર એ કામ થતું નથી. મા વગર કામ પૂરી આસ્થાથી અને પૂરા પ્રેમથી કોણ કરશે ? વળી, એ કામને માટે તપસ્યા પણ જોઈએ. તાપ વેઠ્યા વગર, મહેનત કર્યા વગર, એ કામ થાય કેવી રીતે ? એટલે એક જ કાર્યમાં પ્રેમ, જ્ઞાન અને કર્મ એ ત્રણે ચીજોની જરૂર છે એમ સાફ દેખાઈ આવે છે. જીવનમાં થનારાં બધાંયે કર્મો આ ત્રણ ગુણ પર ઊભાં છે. ત્રિપાઈનો એક જ પાયો તૂટી જાય તો પણ તે ઊભી રહેતી નથી. ત્રણે પાયા જોઈએ. તેના નામમાં જ તેનું સ્વરૂપ સ્પષ્ટ થયેલું છે. જીવનનું પણ એવું જ છે. જ્ઞાન, ભક્તિ અને કર્મ એટલે શ્રમસાતત્ય એ જીવનના ત્રણ પાયા છે. એ ત્રણ થાંભલા પર જીવનની દ્વારકા ઊભી કરવાની છે. એ ત્રણે પાયા મળીને એક જ ચીજ બને છે. ત્રિપાઈનો દાખલો અક્ષરશઃ લાગુ પડે છે. તર્કથી તમે ભક્તિ, જ્ઞાન અને કર્મને ભલે એકબીજાથી અલગ માનો પણ પ્રત્યક્ષ તેમને અલગ પાડવાનું બને એવું નથી. ત્રણે મળીને એક જ વિશાળ વસ્તુ બને છે.
7. આમ હોવા છતાં ભક્તિનો વિશેષ એવો ગુણ નથી એવું નથી. કોઈ પણ કામમાં ભક્તિતત્વ દાખલ થાય તો તે સહેલું લાગે છે. સહેલું લાગે છે એટલે મહેનત નહીં પડે એવું ન સમજશો. પણ એ મહેનત મહેનત જેવી નહીં લાગે. મહેનત પણ આનંદરૂપ લાગશે. બધી મહેનત હલકી ફૂલ થઈ જશે. ભક્તિમાર્ગ સહેલો છે એ વાતમાંનો મુદ્દો શો છે ? તેનો મુદ્દો એ કે ભક્તિને લીધે કર્મનો ભાર લાગતો નથી. કર્મનું કઠણપણું જતું રહે છે.ગમે તેટલું કામ કરો તોયે કર્યા જેવું લાગતું નથી. ભગવાન ખ્રિસ્ત એક ઠેકાણે કહે છે, ‘ તું ઉપવાસ કરે તો તારો ચહેરો ઉપવાસ કર્યા જેવો દેખાવો ન જોઈએ. ગાલને સુગંધી પદાર્થ લગાડ્યો હોય તેવો તારો ચહેરો પ્રફુલ્લિત તેમ જ આનંદી દેખાવો જોઈએ. ઉપવાસ કરવામાં કષ્ટ પડે છે એવું દેખાય તે ન ચાલે. ’ ટૂંકમાં, વૃત્તિ એટલી ભક્તિમય થઈ જવી જોઈએ કે કરેલી મહેનત વિસારે પડી જાય. આપણે કહીએ છીએ ને કે શૂરો દેશભક્ત હસતો હસતો ફાંસીએ ચડયો. સુધન્વા ઊકળતા તેલની કડાઈમાં હસતો હતો. મોઢેથી કૃષ્ણ, વિષ્ણુ, હરિ, ગોવિંદ બોલતો હતો. આમ કહેવાનો અર્થ એટલો જ છે કે પાર વગરની પીડા થવા છતાં ભક્તિને લીધે તે તેને વરતાઈ નહોતી. પાણી પર તરતી હોડી ખેંચવી કઠણ નથી. પણ તેને જમીન પરથી, ખડક પરથી, પથરાળી ભોંય પરથી ખેંચીને લઈ જવાની હોય તો કેટલી બધી મહેનત પડે છે તે જોજો ! હોડીની નીચે પાણી હોય તો સહજતાથી આપણે તરી જઈએ છીએ. તે જ પ્રમાણે આપણી જીવનનૌકાની નીચે ભક્તિનું પાણી હશે તો તે હોડી આનંદથી હલેસાં મારીને આગળ લઈ જવાશે. પણ જીવન લૂખું હશે, સૂકું હશે, રસ્તામાં રણવગડો હશે, પથરા ને ખડક હશે, ખાંચા ને ખાડાટેકરા હશે તો એ હોડીને ખેંચીને લઈ જવાનું કામ ઘણું વિકટ થઈ જશે. ભક્તિતત્વ જીવનનૌકાને પાણીની માફક સરળપણું મેળવી આપે છે. ભક્તિમાર્ગથી સાધના સહેલી થાય છે પણ આત્મજ્ઞાન વગર ત્રિગુણોની પેલી પાર કાયમનું જવાય એવી આશા નથી. તો પછી આત્મજ્ઞાનને માટે સાધન કયું ? સત્વ-સાતત્યથી, સત્વગુણ પચાવી તેનો અહંકાર અને તેના ફળની આસક્તિને જીતી લેવાનો ભક્તિરૂપી પ્રયત્ન એ જ સાધન છે. આ સાધન વડે સતત અને અખંડ પ્રયત્ન કરતાં કરતાં એક દિવસ આત્મદર્શન થશે. ત્યાં સુધી પ્રયત્નને છેડો નથી. પરમપુરૂષાર્થની આ વાત છે. આત્મદર્શન એ બે ઘડી મૉજનો ખેલ નથી. સહેજે મોજથી આત્મદર્શન થઈ જાય, એવું નથી. તે માટે સતત પ્રયત્નધારા ચાલુ રહેવી જોઈએ. પરમાર્થને માર્ગે જવાની શરત જ મૂળમાં એ છે કે, ‘ હું એક ક્ષણ પણ નિરાશાને અવકાશ આપીશ નહીં. એક ક્ષણ પણ નિરાશ થઈને જંપીને નિરાંતે બેસીશ નહીં. ’ પરમાર્થનું બીજું સાધન નથી. કોઈ કોઈ વાર સાધકને થાક ચડે ને તેને મોંએથી,
तुम कारन तप संयम किरिया, कहो कहांलौ कीजे !
‘ હે ઈશ્વર, ક્યાં સુધી તારે અર્થે આ તપસ્યા કરૂં ? ’ એવા ઉદ્ગાર નીકળી જાય છે. પણ એ ઉદ્ગાર ગૌણ છે. તપસ્યા અને સંયમનું જાતને એવું વળણ પડી જવા દો કે તે તમારો સ્વભાવ થઈ જાય. ક્યાં સુધી સાદના કરૂં ? આ વચન ભક્તિમાં શોભતું નથી. અધીરાઈ, નિરાશાની ભાવના એ બધું ભક્તિ કદી ઉત્પન્ન થવા નહીં દે. આવો કંટાળો કદી ન આવે, ભક્તિમાં ઉત્તરોત્તર, વધારે ને વધારે ઉલ્લાસ ને ઉત્સાહ આવે તે માટે ઘણો મજાનો વિચાર આ અધ્યાયમાં રજૂ કર્યો છે.