Daily Archives: 04/02/2009

પ્રયત્નમાર્ગથી ભક્તિ જુદી નથી – (82)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય પંદરમો – પૂર્ણયોગ : સર્વત્ર પુરૂષોત્તમ-દર્શન
પ્રકરણ ૮૨ – પ્રયત્નમાર્ગથી ભક્તિ જુદી નથી

1. આજે એક રીતે આપણે ગીતાને છેડે આવી પહોંચ્યા છીએ. પંદરમા અધ્યાયમાં બધાયે વિચારોની પરિપૂરિણતા થયેલી છે. સોળમો અને સત્તરમો અધ્યાય પરિશિષ્ટરૂપ છે અને અઢારમો ઉપસંહાર છે. એથી આ અધ્યાયને છેડે ભગવાને આ અધ્યાયને શાસ્ત્ર એવું નામ આપ્યું છે.

इति गुह्यतमं शास्त्रमिदमुक्तं मयानध
અત્યંત ગૂઢ આ શાસ્ત્ર તને નિષ્પાપ મેં કહ્યું

એમ ભગવાન છેવટે કહે છે. આ છેવટનો અધ્યાય છે તેથી ભગવાને એમ કહ્યું છે એવું નથી, પણ અત્યાર સુધી જીવનનું જે શાસ્ત્ર કહ્યું, જીવનના જે સિદ્ધાંત કહ્યા તેમની પૂર્ણતા આ અધ્યાયમાં કરી છે તેથી કહ્યું છે.

આ અધ્યાયમાં પરમાર્થની વાત પૂરી થાય છે. વેદનો બધોયે સાર એમાં આવી જાય છે. પરમાર્થનું ભાન માણસને કરાવવું એ જ વેદનું કામ છે. તે આ અધ્યાયમાં છે અને તેથી ‘વેદોનો સાર ’ એવી ગૌરવભરી પદવી એને મળી છે. તેરમા અધ્યાયમાં આપણે દેહથી આત્માને અળગો કરવાની જરૂર શી છે તે જોયું. ચૌદમામાં તે બાબતનો થોડો પ્રયત્નવાદ આપણે તપાસ્યો. રજોગુણ અને તમોગુણનો નિગ્રહથી ત્યાગ કરવો, સત્વગુણનો વિકાસ કરી, તેની આસક્તિને જીતી લઈ, તેના ફળનો ત્યાગ કરવો, એ રીતે પ્રયત્ન ચલાવવા. એ પ્રયત્નો સંપૂર્ણપણે ફળદાયી થાય તેટલા માટે આત્મજ્ઞાનની આવશ્યકતા છે, એમ છેવટે કહ્યું. આત્મજ્ઞાન ભક્તિ વિના શક્ય નથી.

2. પણ ભક્તિમાર્ગ પ્રયત્નમાર્ગથી જુદો નથી એ વાત સૂચવવાને આ પંદરમા અધ્યાયની શરૂઆતમાં જ સંસારને એક મહાન વૃક્ષની ઉપમા આપી છે. ત્રિગુણ વડે પોષાયેલી મોટી મોટી ડાળીઓ એ વૃક્ષને ફૂટેલી છે. અનાસક્તિ અને વૈરાગ્ય એ શસ્ત્ર વડે આ ઝાડને છેદી નાખવું એમ શરૂઆતમાં જ કહ્યું છે. પાછલા અધ્યાયમાં જે સાધનમાર્ગ બતાવ્યો તે જ અહીં આરંભમાં ફરીને કહ્યો છે એ સ્પષ્ટ છે. રજ-તમને મારવાના છે અને સત્વગુણનું પોષણ કરી તેની ખીલવણી કરવાની છે. એક વિનાશક અને બીજું વિધાયક કામ છે. બંને મળીને એક જ માર્ગ બને છે. ઘાસ નીંદી કાઢવું અને બી રોપવું એ બે કામ એક જ ક્રિયાનાં બે અંગો છે. તેવું જ છે.

3. રામાણમાં રાવણ, કુંભકર્ણ અને વિભીષણ એ ત્રણ ભાઈઓ છે. કુંભકર્ણ તમોગુણ છે, રાવણ રજોગુણ ચે અને વિભીષણ સત્વગુણ છે. આપણા શરીરમાં એ ત્રણનું રામાયણ રચાયા કરે છે. એ રામાયણમાં રાવણ-કુંભકર્ણનો નાશ જ વિહિત છે. ફક્ત વિભીષણતત્વ જો તે હરિશરણ થાય તો ઉન્નતિસાધક અને તેને પોષક થઈ શકે એવું હોવાથી સંઘરવા લાયક છે. ચૌદમા અધ્યાયમાં આપણે આ વાત જોઈ ગયા છીએ. આ પંદરમા અધ્યાયના આરંભમાં ફરીને તે જ વાત કરવામાં આવી છે. સત્વ-રજ-તમથી ભરેલો સંસાર અસંગ શસ્ત્રથી છેદી નાખો. રજતમનો વિરોધ કરો. સત્વગુણનો વિકાસ કરી પવિત્ર થાઓ અને તેની આસક્તિને પણ જીતી લઈ અલિપ્ત રહો એવો કમળનો આદર્શ ભગવદગીતા રજૂ કરે છે.

4. ભારતીય સંસ્કૃતિમાં જીવનમાંની આદર્શ વસ્તુઓને, ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓને કમળની ઉપમા આપેલી છે. કમળ ભરતીય સંસ્કૃતિનું પ્રતિક છે. ઉત્તમમાં ઉત્તમ વિચાર પ્રગટ કરવાનું ચિહ્ન કમળ છે. કમળ સ્વચ્છ અને પવિત્ર હોય છે અને અલિપ્ત રહે છે. પવિત્રતાની અને અલિપ્તતાની એવી બેવડી શક્તિ કમળમાં રહેલી છે. ભગવાનના જુદા જુદા અવયવોને કમળની ઉપમા અપાય છે. જેમકે નેત્ર-કમળ, પદ-કમળ, કર-કમળ, મુખ-કમળ, નાભિ-કમળ, હ્રદય-કમળ, શિર-કમળ; બધેયે સૌંદર્ય અને પવિત્રતા છે, છતાં અલિપ્તતા પણ છે એ આ ઉપમાઓથી બતાવાય છે અને આપણા મન પર ઠસાવવામાં આવે છે.

5. પાછલા અધ્યાયમાં બતાવેલી સાધનાની પૂર્ણતા કરવાને સારૂ આ અધ્યાય છે. પ્રયત્નમાં ભક્તિ અને આત્મજ્ઞાન ભળે એટલે આ પૂર્ણતા આવે છે. પ્રયત્નમાર્ગનો જ ભક્તિ પણ એક ભાગ છે. આત્મજ્ઞાન, ભક્તિ એ તે જ સાદનાનાં અંગો છે. વેદમાં ઋષિ કહે છે –

यो जागार तं ऋचः कामयन्ते
यो जागार तमु सामानि यान्ति

જે જાગ્રત હોય છે તેમના પર વેદો પ્રેમ રાખે છે; તેમને મળવાને તેઓ આવે છે. ’ એટલે કે જે જાગૃત છે તેના તરફ વેદનારાયણ આવે છે. તેની પાસે ભક્તિ આવે છે, જ્ઞાન આવે છે. પ્રયત્નમાર્ગથી ભક્તિ અને જ્ઞાન જુદાં નથી. પ્રયત્નમાં જ મીઠાશ પૂરનારાં એ તત્વો છે એવું આ અધ્યાયમાં કહેવાનું છે. એકાગ્ર ચિત્તથી ભક્તિ-જ્ઞાનનું એ સ્વરૂપ શ્રવણ કરો.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

Create a free website or blog at WordPress.com.