ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય – ૧૪
પ્રકરણ ૮૦ – સત્વગુણ અને તેનો ઈલાજ
21.હવે રહ્યો સત્વગુણ. એની સાથે સાવધ રહીને કામ લેવું જોઈએ. એનાથી આત્માને અળગો કેવી રીતે પાડવો ? આ વાત સૂક્ષ્મ વિચારની છે. સત્વગુણનો છેક નિકાલ લાવવાનો નથી. રજ-તમનો છેક ઉચ્છેદ કરવો પડે છે. પણ સત્વગુણની ભૂમિકા જરા જુદી છે. માણસોનું મોટું ટોળું એકઠું મળ્યું હોય અને તેને વિખેરી નાખવું હોય તો ‘ કમ્મપની ઉપર ગોળી ન છોડતાં નીચે પગ તરફ ગોળી છોડો, ’ એવો હુકમ સિપાઈઓને આપવામાં આવે છે. એથી માણસ મરતો નથી પણ ઘાયલ થાય છે. તે પ્રમાણે સત્વગુણને ઘાયલ કરવાનો છે, ઠાર મારવાનો નથી. રજોગુણ અને તમોગુણ જતા રહ્યા પછી શુદ્ધ સત્વગુણ બાકી રહે છે. શરીર છે ત્યાં સુધી કોઈ ને કોઈ ભૂમિકા પર રહેવું જ પડે છે. રજ-તમ જતા રહે પછી જે સત્વગુણ રહે છે તેનાથી અળગા થવું એટલે શું? સત્વગુણનું અભિમાન ઘર કરી જાય છે. તે અભિમાન આત્માને તેના શુદ્ધ સ્વરૂપ પરથી નીચો પાડે છે. ધારો કે ફાનસ બળે છે. તેની જ્યોતનું અજવાળું સ્વચ્છ, ચોખ્ખું બહાર પડે તેટલા ખાતર અંદરની મેસ બરાબર લૂછીને સાફ કરવી પડે છે. અંદરથી મેસ તો લૂછી કાઢી પણ કાચની ચીમની પર બહાર ધૂળ લાગી હોય તેને પણ લૂછી નાખવી પડે છે. તેવી જ રીતે આત્માની પ્રભાની ફરતે તમોગુણની જે મેસ ચડી હોય તેને ઘસીને લૂછી સાફ કરવી જ જોઈએ. પછી રજોગુણની ધૂળ પણ બરાબર લૂછી નાખવી જોઈએ. તમોગુણને ધોઈ કાઢયો અને રજોગુણને સાફ કર્યો. હવે શુદ્ધ સત્વગુમની ચીમની રહી. એ સત્વગુણને પણ દૂર કરવો જોઈએ. એટલે શું પેલી કાચની ચીમની પણ ફોડી નાખવી ? ના. ચીમની ફોડી નાખવાથી દીવાનું કામ થતું નથી. જ્યોતનું અજવાળું ફેલાય તે માટે ચીમનીની જરૂર રહે જ છે. એ શુદ્ધ, ચકચકતા કાચને ફોડી ન નાખતાં આંખ તેને લીધે અંજાઈ ન જાય તેટલા ખાતર નાનોસરખો કાગળનો કકડો આડો રાખવો. આંખને અંજાવા દેવી નથી. સત્વગુણને જીતવો એટલે તેને માટેનું અભિમાન, તેને વિષેની આસક્તિ દૂર કરવી. સત્વગુણ પાસેથી કામ લેવું જ છે. પણ સાવધ રહીને, યુક્તિથી લેવું છે. સત્વગુણને નિરહંકારી કરવો છે.
22. સત્વગુણના આ અહંકારને કેવી રીતે જીતવો ? એ માટે એક ઉપાય છે. સત્વગુણને આપણામાં સ્થિર કરવો. સત્વગુણનું અભિમાન સાતત્યથી જાય છે. સત્વગુણનાં કર્મો એકધારાં કરતા રહી તેને આપણો સ્વભાવ બનાવવો. સત્વગુણ જાણે ઘડીભર આપણે ત્યાં પરોણો આવ્યો હોય એવી સ્થિતિ રહેવા ન દેતાં, તેને આપણા ઘરનો બનાવી દેવો. જે ક્રિયા કોઈ કોઈ વાર આપણે હાથે થાય છે તેનું આપમને અભિમાન આવે છે.પણે રોજ ઊંઘીએ છીએ તેની વાત બીજાને કહેવા દોડતા નથી. પણ કોઈ માંદા માણસને પંદર દહાડા સુધી ઊંઘ ન વી હોય અને પછી જો થોડી આવી ગઈ તો તે સૌ કોઈને કહેતો ફરે છે કે, ‘ કાલ તો ભાઈ થોડી ઊંઘ આવી ! ’ તેને તે વાત ઘણી મહત્વની લાગે છે અથવા એથીયે વધારે સારો દાખલો લેવો હોય તો શ્વાસોચ્છવાસનો લઈ શકાય. ચોવીસ કલાક એકધારો શ્વાસોચ્છવાસ ચાલ્યા કરે છે. પણ આપણે આવતા જતા સૌને તેની વાત કહેવા બેસતા નથી. ‘ હું શ્વાસોચ્છવાસ કરનારો મહાન જીવ છું, ’ એવી બડાઈ કોઈ મારતું નથી. હરિદ્વાર આગળ ગંગામાં છોડી દીધેલી સળી કલકત્તા સુધી પંદરસો માઈલ વહેતી વહેતી જાય છે પણ તે તેની બડાઈ મારવા બેસતી નથી. તે સહેજે પ્રવાહની સાથે વહેતી વહેતી આવે છે. પણ કોઈ માણસ ભર રેલમાં પાણીના પ્રવાહની સામે દસ હાથ તરીને જાય તો કેવી બડાઈ મારશે ? સારાંશ કે જે સ્વાભાવિક વસ્તુ છે તેનો અહંકાર થતો નથી.
23. એકાદું સારૂં કામ આપણે હાથે થાય છે તો તેનું આપણને અભિમાન ચડે છે. શાથી ? કારણ તે વાત સહેજે બની નથી, તેથી. છોકરાને હાથે કંઈક એકાદ સારૂં કામ થાય છે ત્યારે મા તેના વાંસા પર હાથ ફેરવે છે. નહીં તો સાધારણ રીતે તેની પીઠ પર માની સોટી જ ફરતી હોય છે. રાતના ઘાડા અંધારામાં એકાદ આગિયો ચમકારા મારતો હશે તો તેની એંટ કેવી હોય તે પૂછશો મા. પોતાનો બધો ચમકારો તે એકી વખતે બતાવી દેતો નથી. વચ્ચે ટમટમે છે ને પાછો અટકી જાય છે. વળી ટમટમે છે. અજવાળાની તે ઉઘાડઢાંક કર્યા કરે છે. તેનો પ્રકાશ એકધારો રહે તો તેનું તેને અભિમાન નહીં રહે. સાતત્યમાં ખાસ લાગવાપણું રહેતું નથી. તે જ પ્રમાણે સત્વગુણ આપણી ક્રિયાઓમાં સતત પ્રગટ થતો રહેતો હોય તો પછી તે આપણો સ્વભાવ બની જશે. સિંહને શૌર્યનું અભિમાન હોતું નથી, તેનું તેને ભાન સરખું હોતું નથી. તે પ્રમાણે સાત્વિક વૃત્તિ એટલી સહજ થવા દો કે આપણે સાત્વિક છીએ એનું આપણને સ્મરણ સરખું ન રહે. અજવાળું આપવાની સૂરજની નૈસર્ગિક ક્રિયા છે. તેનું તેને અભિમાન થતું નથી. એ માટે સૂર્યને માનપત્ર આપવા જશો તો તે કહેશે, ‘ હું પ્રકાશ આપું છું એટલે શું કરૂં છું ? પ્રકાશ આપવો એ જ મારી હયાતી છે. અજવાળું ન આપું તો હું મરી જાઉં. મને એ સિવાય બીજી વાતની ખબર જ નથી. ’ આ જેવું સૂર્યનું છે, તેવું સાત્વિક માણસનું થવું જોઈએ. સત્વગુણ રોમેરોમમાં ઊતરી જવો જોઈએ. સત્વગુણનો આવો સ્વભાવ બની જશે પછી તેનું અભિમાન નહીં ચડે. સત્વગુણને ફીકો પાડવાની, તેને જીતવાની આ એક યુક્તિ થઈ.
24. હવે બીજી યુક્તિ સત્વગુણની આસક્તિ સુદ્ધાં છોડી દેવી તે છે.અહંકાર અને આસક્તિ એ બંને જુદી જુદી ચીજો છે. આ થોડો સૂક્ષ્મ વિચાર છે. દાખલાથી ઝટ સમજાશે. સત્વગુણનો અહંકાર ગયો હોવા છતાં આસક્તિ રહી જાય છે. શ્વાસોચ્છવાસનો જ દાખલો લઈએ. શ્વાસોચ્છવાસનું આપણને અભિમાન થતું નથી, પણ તેમાં આસક્તિ ઘણી હોય છે. પાંચ મિનિટ શ્વસોચ્છવાસ ચલાવશો નહીં એમ કોઈ કહે તો તે બની શકતું નથી. નાકને શ્વાસોચ્છવાસનું અભિમાન નહીં હોય પણ હવા તે એકધારી લેતું રહે છે. પેલી સૉક્રેટિસની મજાક જાણો છો ને ? સૉક્રેટિસનું નાક હતું ચીબું. લોકો તેને હસતા. પણ રમૂજી સૉક્રેટિસ કહેતો, ‘ મારૂં જ નાક સુંદર છે. મોટાં નસકોરાંવાળું નાક અંદર ભરપૂર હવા ખેંચે છે માટે તે જ સુંદર છે. તાત્પર્ય કે નાકને શ્વાસોચ્છવાસનો અહંકાર નથી પણ આસક્તિ છે. સત્વગુણની પણ એવી જ આસક્તિ થાય છે. દાખલા તરીકે ભૂતદયાની વાત લો. આ ગુણ અત્યંત ઉપયોગી છે. પણ તેની આસક્તિથીયે અળગા થતાં આવડવું જોઈએ. ભૂતદયા જોઈએ પણ આસક્તિ ન જોઈએ. સંતો સત્વગુણને લીધે બીજાં લોકોને માર્ગદર્શક થાય છે. તેમનો દેહ ભૂતદયાને લીધે સાર્વજનિક બને છે. માખીઓ જેમ ગોળને ઢાંકી દે છે તેમ આખી દુનિયા સંતોને પ્રેમના આવરણમાં વીંટી લે છે. સંતોમાં પ્રેમનો એટલો બધો પ્રકર્ષ થાય છે કે આખુંયે વિશ્વ તેમના પર પ્રેમ રાખે છે. સંતો પોતાના દેહની આસક્તિ છોડી દે છે. પણ આખા જગતની આસક્તિ તેમને વળગે છે. આખું જગત તેમનો દેહ સંભાળવા મંડે છે. પરંતુ એ આસક્તિ પણ સંતોએ દૂર કરવી જોઈએ. જગતનો આ જે પ્રેમ છે, આ જે મોટું ફળ છે તેનાથી પણ આત્માને અળગો પાડવો જોઈએ. હું કંઈક વિશેષ છું, એવું કદી લાગવું ન જોઈએ. આ રીતે સત્વગુણને પોતાનામાં પચાવવો જોઈએ.
25. પહેલાં અભિમાન જીતી લેવું ને પછી આસક્તિને જીતવી. સાતત્યવડે અહંકારને જીતી શકાશે. ફળની આસક્તિ છોડી, સત્વગુણને લીધે મળનારૂં ફળ પણ ઈશ્વરને અર્પણ કરી આસક્તિ જીતી લેવી. જીવનમાં સત્વગુણને સ્થિર કરી લીધા પછી કોઈક વાર સિદ્ધિના રૂપમાં તો કોઈક વાર કિર્તિના રૂપમાં ફળ સામું આવી ઊભું રહે છે. પણ તે ફળનેયે તુચ્છ લેખજો. ફળ ગમે તેવું મોહક હોય, રસાળ હોય તોયે આંબાનું ઝાડ પોતાનું એક પણ ફળ જાતે ખાતું નથી. એ ફળ ખાવા કરતાં ન ખાવામાં જ તેને વધારે મીઠાશ લાગે છે. ઉપભોગના કરતાં ત્યાગ મીઠો છે.
26. જીવનનાં બધાંયે પુણ્યના પ્રતાપે મળનારા પેલા સ્વર્ગસુખના મોટા ફળનેયે ધર્મરાજાએ છેવટે લાત મારી. જીવનમાં કરેલા બધા ત્યાગો પર તેમણે આ કામથી કળશ ચડાવ્યો. સ્વર્ગનાં પેલાં મીઠાં ફળ ચાખવાનો તેમને હક હતો. પણ એ ફળ તે ચાખવા બેઠા હોત તો બધું પુણ્ય પરવારી જાત.
क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति
– પુણ્યો ખૂટ્યે મર્ત્ય વિષે પ્રવેશે
એ ચકરાવો પાછો તેમની પાછળ પડયો હોત. ધર્મરાજાનો આ કેવડો મોટો ત્યાગ ! તે હંમેશ મારી નજર આગળ તર્યા કરે છે. આવી રીતે સત્વગુણના આચરણમાં એકધારા મંડયા રહી અહંકારને જીતી લેવો. તટસ્થ રહી સર્વ ફળો ઈશ્વરને અર્પી તેની આસક્તિને પણ જીતી લેવી એટલે સત્વગુણને જીતી લીધો જાણવો.