Daily Archives: 01/02/2009

સ્વધર્મ કેવી રીતે નક્કી કરવો – (79)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય – ૧૪
પ્રકરણ ૭૯ – સ્વધર્મ કેવી રીતે નક્કી કરવો

17. આ સ્વધર્મ નક્કી કેવી રીતે કરવો એવો કોઈ સવાલ કરે તો તેનો જવાબ એટલો એક જ છે કે, ‘ તે સ્વાભાવિક હોય છે. ’ સ્વધર્મ સહજ હોય છે. તેને શોધવાનો ખ્યાલ જ વિચિત્ર લાગે છે. માણસ જન્મે છે તે જ વખતે તેની સાથે તેનો સ્વધર્મ પણ જન્મે છે. છોકરાને મા જેમ શોધવી પડતી નથી તે જ પ્રમાણે સ્વધર્મ પણ શોધવાનો રહેતો નથી. તે આગળથી આવી મળેલો હોય છે. આપણા જન્મ પહેલાં આ દુનિયા હતી, અને આપણી પાછળ પણ રહેવાની છે. આપણી પાછળ મોટો પ્રવાહ હતો. આગળ પણ તે જ વહે છે. આવા ચાલુ પ્રવાહમાં આપણે જન્મ લઈએ છીએ. જે માબાપને પેટે જન્મ થયો તેમની સેવા, જે આડોશી-પાડોશીની વચ્ચે જન્મ્યો તેમની સેવા, એ વાતો કુદરતી રીતે જ મને આવી મળેલ છે. વળી, મારી પોતાની વૃત્તિઓ તો મારા અનુભવની જ છે ને ? મને ભૂખ લાગે છે, તરસ લાગે છે, એટલે ભૂખ્યાંને ખવડાવવું, તરસ્યાંને પાણી પાવું એ ધર્મ મને સ્વાભાવિક રીતે ચાલુ પ્રવાહમાંથી આવી મળ્યો છે. આવી જાતનો આ સેવારૂપ, ભૂતદયારૂપ સ્વધર્મ આપણે શોધવો પડતો નથી. જ્યાં સ્વધર્મની શોધ ચાલે છે ત્યાં કંઈક પરધર્મ અથવા અધર્મ ચાલે છે એમ ચોક્કસ જાણવું. સેવકને સેવા ઢૂંઢવી પડતી નથી, તે તેની મેળે તેની પાસે આવીને ઊભી રહે છે. પણ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે અનાયાસે આવી મળેલું કર્મ હમેશ ધર્મ્ય જ હોય છે એવું નથી. કોઈક ખેડૂત રાતના આવીને મને કહે કે, ‘ ચાલો, પેલી વાડ આપણે ચારપાંચ હાથ આગળ ખસેડીએ. મારૂં ખેતર એટલું વધશે. વગર ધાંધલે ચૂપચાપ કામ થઈ જશે. ’ આવું કામ પડોશી મને બતાવે છે, તે કુદરતી રીતે મને આવી મળતું દેખાય છે તો પણ અસત્ય, ખોટું હોવાથી મારૂં કર્તવ્ય બનતું નથી.

18. ચાતુર્વર્ણ્યની વ્યવસ્થા મને રૂડી લાગે છે તેનું કારણ એ છે કે તેમાં સ્વાભાવિકતા અને ધર્મ છે. એ સ્વધર્મ ટાળ્યે ચાલે એવું નથી. જે માબાપ મને મળ્યાં તે જ મારાં માબાપ છે. તે મને ગમતાં નથી એમ કહ્યે કેમ ચાલશે ? માબાપનો ધંધો સ્વભાવથી જ છોકરાને પ્રાપ્ત થાય છે. જે ધંધો પરાપૂર્વથી ચાલતો આવેલો છે તે નીતિવિરૂદ્ધ ન હોય તો કરવો, તે જ ઉદ્યોગ આગળ ચાલુ રાખવો એ ચાતુર્વર્ણ્યની વ્યવસ્થામાં રહેલી એક મોટી વિશેષતા છે. ચાતુર્વર્ણ્યની વ્યવસ્થા જે બગડી ગઈ છે, તેનો અમલ કરવો અઘરો થઈ ગયો છે. પણ તેની વ્યવસ્થા બરાબર ઊભી કરી શકાય, તેની ગડી બરાબર બેસાડી શકાય તો બહુ સારું થાય એમ છે.નહી તો આજે માણસનાં શરૂઆતનાં પચ્ચીસ ત્રીસ વરસ નવો ધંધો શીખવામાં જાય છે. ધંધો શીખી લીધા પછી માણસ સેવાનાં, કર્મનાં ક્ષેત્ર ઢૂંઢવા નીકળે છે. આમ તે જિંદગીનાં શરૂઆતનાં પચ્ચીસ વરસ શીખતો જ રહે છે. આ શીખવાની વાતનો જીવન સાથે જરાયે સંબંધ નથી. કહે છે, આગળ જીવવા માટેની તે તૈયારી કરે છે ! એટલે સરવાળે શીખે છે ત્યારે જીવતો નથી હોતો એમ ને ? જીવવાનું પછી એમ ને ? કહે છે,પહેલાં એક વાર બધું બરાબર શીખી લેવું. તે પછી જીવવું. જીવવાનું અને શીખવાનું એ બે વાતો જાણે કે જુદી પાડી નાખવામાં આવી છે ! પણ જ્યાં જીવવાની વાતનો સંબંધ નથી તે મરણ કે બીજું કંઈ ? હિંદુસ્તાનમાં માણસની સરેરાશ આવરદા તેવીસ વરસ ગણાય છે. અને આ તો પચ્ચીસ વરસ તૈયારી કરવામાંથી પરવારતો નથી ! આમ પહેલાં નવો ધંધો શીખવામાં દિવસો નીકળી જાય છે. પછી ક્યાંક ધંધો શરૂ કરવાની વાત ! આને લીધે ઉમેદનાં, મહત્વનાં વરસો ફોગટ જાય છે. જે ઉત્સાહ, જે ઉમેદ, જે હોંસ જનસેવામાં ખરચી આ દેહનું સાર્થક કરવાનું છે તે બધાં આમ નકામાં જાય છે. જીવન એ કંઈ રમત નથી; પણ જીવનને માટે ધંધો ઢૂંઢવામાં જ શરૂઆતનું કીમતી આયુષ્ય વહી જાય છે એ દુઃખની વાત છે. હિંદુધર્મે આટલા જ ખાતર વર્ણધર્મની વ્યવસ્થાની યુક્તિ કાઢી હતી.

19. પણ ચાતુર્વર્ણ્યની કલ્પના એક વાર બાજુએ રાખીએ તોયે બધાં રાષ્ટ્રોમાં બધે ઠેકાણે, જ્યાં ચાતુર્વર્ણ્ય નથી ત્યાં પણ સ્વધર્મ સૌ કોઈને પ્રાપ્ત થયેલો છે. આપણે સૌ એક પ્રવાહમાં કોઈક એક પરિસ્થિતિ સાથે લઈને જન્મ્યા હોવાથી સ્વધર્માચરણરૂપ કર્તવ્ય આપણને સૌને આપોઆપ પ્રાપ્ત થયેલું હોય છે. તેથી દૂરનાં કર્તવ્યો, જેમને નામનાં જ કર્તવ્ય કહી શકાય, તે ગમે તેટલાં રૂડાંરૂપાળાં દેખાતાં હોય તો પણ માથે લેવાં એ બરાબર નથી. ઘણી વાર આઘેનું સારૂં દેખાય છે. ડુંગરા દૂરથી રળિયામણા. માણસ આઘેનું જોઈને ભુલાવામાં પડે છે. માણસ ઊભો હોય છે ત્યાં પણ ધૂમસ ઘાડું હોય છે. પણ પાસેનું તેને દેખાતું નથી અને તે આઘે આંગળી બતાવીને કહે છે, ‘ ત્યાં પણે ધૂમસ ઘાડું છે. ’ ત્યાં આઘે જે માણસ ઊભો હોય છે તે આના તરફ આંગળી બતાવીને કહે છે, ‘ ત્યાં પણે ધૂમસ ઘાડું છે. ’ ધૂમસ તો બધે છે. પણ પાસેનું નજરમાં આવતું નથી. માણસને હંમેશ દૂરનું આકર્ષણ રહે છે. પાસેનું ખૂણામાં રહે છે અને આઘેનું સમણામાં દેખાય છે ! પણ એ મોહ છે. એને ટાળવો જ જોઈએ. પ્રાપ્ત એટલે કે આવી મળેલો સ્વધર્મ સાદો હોય, ઓછો લાગે, નીરસ ભાસે, તોયે મને જે સહેજે આવી મળ્યો છે તે જ સારો, તે જ સુંદર છે. દરિયામાં ડૂબતા માણસને ધારો કે એકાદ ગડગૂમડિયો લાકડાનો ટોલો મળ્યો; પાલીસ કરેલો, સુંવાળો, સુંદર નહીં હોય તો પણ તે જ તેને તારશે. સુથારના કારખાનામાં ઘણા સફાઈદાર, સુંવાળા, નકસીદાર લાકડાના ટોલા પડયા હશે. પણ તે બધા રહ્યા કારખાનામાં ને આ તો અહીં દરિયામાં ડૂબવા બેઠો છે. એને માટે પેલો ગડગૂમડિયો ટોલો જેમ તારનારો નીવડે છે, તેને જ તેણે વળગવું જોઈએ, તેમ જે સેવા મને પ્રાપ્ત થઈ છે તે ઊતરતી લાગતી હોય તો પણ તે જ મારે સારૂ ઉપયોગી છે. તેમાં જ મશગૂલ થઈ રહેવાનું મને શોભે. તેમાં જ મારો ઉદ્ધાર છે. બીજી સેવા ઢૂંઢવા નીકળું તો આ હાથમાં છે તે જાય અને પેલી પણ જાય. આમ કરવા જતાં સેવાવૃત્તિને જ હું ગુમાવી બેસું છું. એથી માણસે સ્વધર્મરૂપી કર્તવ્યમાં મશગૂલ રહેવું જોઈએ.

20. સ્વધર્મમાં મગ્ન રહેવાથી રજોગુણ ફીકો પડી જાય છે કારણકે ચિત્ત એકાગ્ર થાય છે. સ્વધર્મ છોડીને તે બીજે ક્યાંક ભટકવા નીકળતું નથી. તેથી ચંચળ રજોગુણનું બધુંયે જોર ગળી જાય છે. નદી શાંત અને ઊંડી હોય તો ગમે તેટલું પાણી આવે તેને પોતાના ઉદરમાં સમાવી લે છે. સ્વધર્મની નદી માણસનું બધુંયે બળ, તેનો બધોયે વેગ, તેની બધી શક્તિ પોતાનામાં સમાવી શકે છે. સ્વધર્મમાં જેટલી શક્તિ ખરચો તેટલી ઓછી છે. સ્વધર્મમાં બધી શક્તિ રેડો એટલે રજોગુણની દોડધામ કરવાની વૃત્તિ નાબૂદ થશે. ચંચળપણું ચાલ્યું જશે. આ રીતે રજોગુણને જીતવો જોઈએ.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

Create a free website or blog at WordPress.com.