ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય બાર: સગુણ-નિર્ગુણ ભક્તિ
પ્રકરણ ૬૨ – નિર્ગુણ વગર સગુણ પણ ખામી ભરેલું
13. સગુણ ઉપાસનાના પલ્લામાં સહેલાપણું અને સલામતી એ બે વજન મેં મૂક્યાં તેવી જ રીતે નિર્ગુણના પલ્લામાં પણ બીજાં વજન હું મૂકી શકું એમ છું. નિર્ગુણમાં મર્યાદા જળવાય છે. દાખલા તરીકે જુદાં જુદાં કામો કરવાને મટે, સેવાને માટે આપણે સંસ્થાઓ કાઢીએ છીએ. સંસ્થા સ્થાપન થાય છે તે શરૂઆતમાં વ્યક્તિને લીધે થાય છે. તે વ્યક્તિતેનો મુખ્ય આધાર હોય છે. સંસ્થા શરૂઆતમાં વ્યક્તિનિષ્ઠ હોય છે. પણ જેમ જેમ સંસ્થાનો વિકાસ થતો જાય તેમ તેમ તે વ્યક્તિનિષ્ઠ ન રહેતાં તત્વનિષ્ઠ થવી જોઈએ. આવી તત્વનિષ્ઠા ઉત્પન્ન ન થાય તો પેલી પ્રેરણા આપનારી વ્યક્તિ દૂર થતાં તે સંસ્થામાં અંધારૂં ફેલાય છે. મને ગમતો દાખલો આપું. રેંટિયાની માળ તૂટી જતાંની સાથે કાતવાની વાત તો આઘી રહી, કંતાયેલું સૂતર વીંટવાનું પણ બની શકતું નથી. તેવી જ પેલી વ્યક્તિનો આધાર ખસી જતાં સંસ્થાની દશા થાય છે. તે સંસ્થા માબાપ વગરના બાળક જેવી અનાથ થઈ જાય છે. વ્યક્તિનિષ્ઠામાંથી તત્વનિષ્ઠા પેદા થાય તો એવું ન થાય.
14. સગુણને નિર્ગુણની મદદ જોઈએ. ગમે ત્યારે પણ વ્યક્તિમાંથી, આકારમાંથી બહાર નીકળવાનું, છૂટવાનું શીખવું જોઈએ. ગંગા હિમાલયમાંથી, શંકરના જટાજૂટમાંથી નીકળી, પણ ત્યાં જ રહી નથી. એ જટાજૂટ છોડી, હિમાલયનાં પેલાં ખીણો ને કોતરો છોડી, જંગલ ને વન છોડી સપાટ મેદાન પર ખળખળ વહેતી થઈ ત્યારે વિશ્વજનને ઉપયોગી થઈ શકી. એ જ પ્રમાણે વ્યક્તિનો આધાર છૂટી જાય તો પણ તત્વના પાકા મજબૂત આધાર પર ઊભી રહેવાને સંસ્થા તૈયાર થવી જોઈએ. કમાન બાંધતી વખતે તેને આધાર આપવામાં આવે છે. પણ તે આધાર પાછળથી, કમાન પૂરી બંધાઈ ગયા પછી કાઢી લેવાનો હોય છે. આધાર કાઢી લીધા પછી કમાન સાબૂત ટકી રહે તો જાણવું કે પહેલાં ગોઠવેલો આધાર સાચો હતો. શરૂમાં પ્રેરણાનો ઝરો સગુણમાંથી ફૂટ્યો એ સાચું; પણ છેવટે પરિપૂર્ણતા તત્વનિષ્ઠામાં, નિર્ગુણમાં થવી જોઈએ. ભક્તિની અંદરથી જ્ઞાન પેદા થવું જોઈએ. ભક્તિની વેલને જ્ઞાનનાં ફૂલ બેસવાં જોઈએ.
15. બુદ્ધદેવે આ વાત બરાબર ઓળખી હતી. તેથી તેમણે ત્રણ પ્રકારની નિષ્ઠા કહી છે. શરૂઆતમાં વ્યક્તિનિષ્ઠા હોય તો પણ તેમાંથી તત્વનિષ્ઠા અને એકદમ તત્વનિષ્ઠા નહીં તોયે ઓછામાં ઓછી સંઘનિષ્ઠા કેળવાવી જોઈએ. એક વ્યક્તિને માટે જે અંદરની લાગણી હતી તે દસપંદર વ્યક્તિઓને માટે થવી જોઈએ. સંઘને માટે સામુદાયિક પ્રેમ નહીં હોય તો અંદરઅંદર અણબનાવ થશે અને પછી ટંટા જાગશે. વ્યક્તિશરણતા છૂટી જવી જોઈએ ને તેને ઠેકાણે સંઘશરણતા નિર્માણ થવી જોઈએ, અને તે પછી સિદ્ધાંતશરણતા આવવી જોઈએ. તેથી બૌદ્ધોમાં बुद्धं शरणं गच्छामि, संघं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि – બુદ્ધને શરણે જાઉં છું, સંઘને શરણે જાઉં છું, ધર્મને શરણે જાઉં છું એવી ત્રણ પ્રકારની શરણઆગતિ કહી છે. પહેલાં વ્યક્તિને માટે પ્રેમ, પછી સંઘને માટે પ્રેમ. એ બંને નિષ્ઠા પણ જો કે આખરે ડગી જનારી છે. છેવટે સિદ્ધાંતનિષ્ઠા પેદા થાય તો જ સંસ્થા લાભદાયી થાય. પ્રેરણાનું ઝરણું સગુણમાંથી નિર્માણ થાય પણ છેવટે તે નિર્ગુણના સાગરમાં જઈને મળવું જોઈએ. નિર્ગુણને અભાવે સગુણ સદોષ થાય છે, નિર્ગુણ વગર સગુણમાં ખામી પેસી જાય છે. નિર્ગુણની મર્યાદા સગુણને સમતોલ રાખે છે અને તે માટે સગુણ નિર્ગુણનું આભારી છે.
16. હિંદુ, ખ્રિસ્તી, ઈસ્લામ વગેરે બધાયે ધર્મોમાં કોઈને કોઈ પ્રકારની મૂર્તિપૂજા છે. મૂર્તિપૂજા ઊતરતા દરજ્જાની ગણાય તો પણ તે માન્ય થયેલી છે, શ્રેષ્ઠ છે. જ્યાં લગી મુર્તિપૂજાને નિર્ગુણની મર્યાદા હોય છે ત્યાં લગી તે નિર્દોષ રહે છે. પણ એ મર્યાદા છૂટી જતાંની સાથે સગુણ સદોષ થાય છે. બધા ધર્મોમાંનું સગુણ, નિર્ગુણની મર્યાદાને અભાવે અવનત દશાએ પહોંચ્યું છે. પહેલાં યજ્ઞયાગમાં જાનવરોની હત્યા થતી. આજે પણ શક્તિદેવીને ભોગ ધરાય છે. મૂર્તિપૂજાનો આ અત્યાચાર થયો. મર્યાદા છોડી મૂર્તિપૂજા આડે રસ્તે ચડી ગઈ. નિર્ગુણનિષ્ઠાની મર્યાદા હોય તો આ ધાસ્તી રહેતી નથી.