ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય તેરમો : આત્માનાત્મવિવેક
પ્રકરણ ૭૪ – નમ્રતા, નિર્દંભપણું વગેરે પાયાની જ્ઞાન-સાધના
30. આ બધું પાર પાડવાને નૈતિક સાધનાનો મજબૂત, પાકો પાયો જોઈએ. સત્યાસત્યનો વિવેક કરી, સત્ય પકડી લઈ તેને વળગવું જોઈએ. સારાસાર જોઈ લઈ સાર પકડવો જોઈએ. છીપો ફેંકી દઈ મોતી એકઠાં કરી લેવાં જોઈએ. આ રીતે જીવનની શરૂઆત કરવી જોઈએ. પછીથી આત્મપ્રયત્ન અને ઈશ્વરી કૃપા એ બંનેને જોરે ઉપર ચડતા જવું જોઈએ. આ આખી સાધનામાં દેહથી આત્માને અળગો પાડતાં આપણે શીખ્યા હોઈશું તો ખૂબ મદદ થશે. આવે પ્રસંગે મને ઈશુ ખ્રિસ્તનું બલિદાન યાદ આવે છે. તેને ક્રૂસની સાથે ખીલાથી જડીને મારતા હતા. તે વખતે ઈશુના મોઢામાંથી ‘ હે ઈશ્વર, આ બધા આમ શા સારૂ જુલમ કરતા હશે, ’ એવાં વેણ બહાર પડ્યાં કહેવાય છે. પણ પછી તરત જ ભગવાન ઈશુએ પોતાનું સમતોલપણું સાચવી લીધું અને તેમણે કહ્યું, ‘‘ હે ઈશ્વર, તારી ઈચ્છા પાર પડો. એ લોકોને ક્ષમા કર. પોતે શું કરે છે તેનું એમને ભાન નથી. ’’ ઈશુના આ દાખલામાં ઘણો ઊંડો મર્મ રહેલો છે. દેહથી આત્માને કેટલો અળગો પાડવો જોઈએ તેની એ નિશાની છે. કેટલી મજલ કાપવાની છે અને કેટલી કાપવાનું શક્ય છે એ વાત ઈશુના જીવન પરથી જાણવાની મળે છે. દેહ છોતરાની માફક ખરી પડે ત્યાં સુધી આ મજલ પહોંચી. આત્માને દેહથી અળગો પાડવાનો વિચાર જ્યારે જ્યારે મારા મનમાં આવે છે તે બધે વખતે ઈશુનું જીવન મારી નજર સામે ખડું થાય છે. દેહથી તદ્દન અળગા થઈ ગયાનો, તેનો સંબંધ છૂટી ગયાનો અનુભવ થયાની એ વાત ખ્રિસ્તનું જીવન બરાબર બતાવે છે.
31. દેહ અને આત્મા એ બેનું પૃથક્કરણ સત્યાસત્યવિવેક વગર થઈ શકે એવું નથી. એ વિવેક, એ જ્ઞાન બરાબર પચવું જોઈએ. જ્ઞાનનો અર્થ આપણે જાણવું એવો કરીએ છીએ. પણ બુદ્ધિથી જાણવું એ જ્ઞાન નથી. મોંમાં બુક્કા મારવાથી ભોજન થતું નથી. મોંમાં ભરેલું બરાબર ચવાઈને ગળે ઊતરવું જોઈએ, ત્યાંથી આગળ હોજરીમાં પહોંચવું જોઈએ, અને ત્યાં તે પચીને તેનો રસ થાય એટલે આખા શરીરને લોહીરૂપે પહોંચી તેનાથી પુષ્ટિ મળવી જોઈએ. આટલું થાય ત્યારે સાચું ભોજન થયેલું જાણવું. તે જ પ્રમાણે એકલી બુદ્ધિથી જાણવાથી કામ સરતું નથી. જાણ્યા પછી જાણેલું જીવનમાં ઊંડું ઊતરવું જોઈએ, હ્રદયમાં પચવું જોઈએ. તે જ્ઞાન હાથ, પગ, આંખો એ બધાંમાંથી પ્રગટ થતું રહેવું જોઈએ. સર્વ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો વિચારપૂર્વક કર્મ કરતી હોય એવી સ્થિતિ થવી જોઈએ. એથી આ તેરમા અધ્યાયમાં ભગવાને જ્ઞાનની ઘણી સુંદર વ્યાખ્યા કરી છે. સ્થિતપ્રજ્ઞના લક્ષણોની માફક આ જ્ઞાનનાં લક્ષણો છે.
नम्रता दंभ-शून्यत्व अहिंसा ऋजुता क्षमा
નિર્માનતા, અહિંસા, ને અદંભ, આર્જવ, ક્ષમા
વગેરે વીસ ગુણો ભગવાને ગણાવ્યા છે. એ ગુણોને જ્ઞાન કહીને જ ભગવાન અટક્યા નથી. તેમનાથી જે જે કંઈ ઊલટું છે તે બધું અજ્ઞાન છે એમ તેમણે સાફ કહ્યું છે. જ્ઞાનની જે સાદના બતાવી છે તે સાધના જ જ્ઞાન છે. સૉક્રેટિસ કહેતો, ‘ સદગુણને જ હું જ્ઞાન સમજું છું. ’ સાધના અને સાધ્ય બંને એકરૂપ છે.
32. ગીતામાં ગણાવેલાં આ વીસ સાધનોનાં જ્ઞાનદેવે અઢાર જ કર્યાં છે. જ્ઞાનદેવે એ સાધનોનું ઘણી ઊંડી લાગણીથી વર્ણન કર્યું છે. આ સાધનોના, આ ગુણોના પાંચ જ શ્લોક ભગવદગીતામાં છે. પણ જ્ઞાનદેવે વિસ્તાર કરી એ પાંચ શ્લોકો પર સાતસો ઓવી લખી છે. સદગુણોની ખિલવણી સમાજમાં થાય, સત્યસ્વરૂપ પરમાત્માનો મહિમા સમાજમાં વધે એ બાબતની જ્ઞાનદેવને તાલાવેલી લાગેલી હતી. આ ગુણોનું વર્ણન કરતાં જ્ઞાનદેવે પોતાનો બધો અનુભવ એ ઓવીઓમાં ઠાલવ્યો છે. મરાઠી ભાષા બોલનારા લોકો પર તેમનો એ અનંત ઉપકાર છે. જ્ઞાનદેવના રોમેરોમમાં એ ગુણો ઊંડા ઊતરેલા છે. પાડાને મારેલી ચાબુકના સોળ જ્ઞાનદેવની પીઠ પર દેખાયા હતા. ભૂતમાત્રને માટે તેમની આવી ઊંડી કરૂણા હતી. આવા કારૂણ્યથી ભરેલા હ્રદયમાંથી જ્ઞાનદેવે જ્ઞાને શ્વરી પ્રગટ કરી. એ ગુણનું તેમણે વિવેચન કર્યું. તેમણે લખેલું એ ગુણવર્ણન વાંચવું, તેનું મનન કરવું અને તેને અંતરમાં ઠસાવવું. જ્ઞાનદેવની મીઠી બોલી મને ચાખવાની મળી તે સારૂ હું ધન્યતા અનુભવું છું. જ્ઞાનદેવની મીઠી ભાષા મારા મોંમાં બેસે તેટલા ખાતર મને ફરી જન્મ મળે તોયે હું ધન્યતા અનુભવું. ખેર, ઉત્તરોત્તર વિકાસ કરતાં કરતાં, આત્માથી દેહને અળગો કરતાં કરતાં સૌ કોઈએ આખુંયે જીવન પરમેશ્વરમય કરવાના પ્રયત્નમાં મંડયા રહેવું.