પરમાત્મશક્તિનો ઉત્તરોત્તર અનુભવ – (73)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય તેરમો : આત્માનાત્મવિવેક
પ્રકરણ ૭૩ – પરમાત્મશક્તિનો ઉત્તરોત્તર અનુભવ

22. જ્યાં સુધી દેહમાં રહેલા આત્માનો વિચાર આવ્યો નથી ત્યાં સુધી માણસ સામાન્ય ક્રિયાઓમાં ગૂંચવાયેલો રહે છે. ભૂખ લાગે એટલું ખાવું, તરસ લાગે એટલું પાણી પીવું અને ઊંઘ આવે એટલે સૂઈ જવું એથી વધારે બીજી કોઈ વાતની તેને ખબર હોતી નથી. એ બધી વાતોને માટે તે લડશે, તે બધીને માટે લોભ રાખશે. આમ દૈહિક ક્રિયાઓમાં જ તે મશગુલ રહે છે. વિકાસની શરૂઆત એ પછી થાય છે. આટલે સુધી આત્મા માત્ર જોયા કરે છે. ઘૂંટણિયે પડીને કૂવા તરફ જનારા નાના બચ્ચાની પાછળ સતત નજર રાખતી મા જેમ ઊભી હોય છે તે પ્રમાણે આત્મા ઊભો હોય છે. શાંતિથી તે બધી ક્રિયાઓ જોયા કરે છે. આને उपद्रष्टाની, સાક્ષીરૂપે બધું જોયા કરનારની સ્થિતિ કહી છે.

23. આત્મા જુએ છે પણ હજી સંમતિ આપતો નથી. પરંતુ પોતાને કેવળ દેહરૂપ માનીને ક્રિયા કરનારો આ જીવ આગળ ઉપર જાગે છે. પોતે પશુના જેવું જીવન વિતાવે છે એ વાતનું તેનામાં ભાન જાગે છે. જીવ આમ વિચારવા લાગે છે એટલે નૈતિક ભૂમિકા શરૂ થાય છે. પછી યોગ્ય કે અયોગ્ય એવો સવાલ ડગલે ને પગલે ઊભો થાય છે. પછી માણસ વિવેક કરવા માંડે છે.તેની પૃથક્કરણાત્મક બુદ્ધિ જાગતી થાય છે. તેની સ્વૈર ક્રિયાઓ અટકી જાય છે. તેનામાં સ્વચ્છંદ રહેતો નથી ને સંયમ આવે છે.

24. આ નૈતિક ભૂમિકા પર જીવ પહોંચે છે એટલે પછી આત્મા કેવળ શાંત બેસી રહીને જોયા કરતો નથી. તે અંદરથી અનુમોદન આપે છે. અંદરથી ‘ શાબાશ ’ એવો ધન્યવાદનો અવાજ ઊઠે છે. હવે આત્મા કેવળ उपद्रष्टा ન રહેતાં अनुमन्ता થાય છે. ભૂખ્યો અતિથિ બારણે આવે અને તમે તમારી સામેની પીરસેલી થાળી તેને આપી દો પછી રાત્રે એ સત્કૃત્યનું સ્મરણ થાય તે વખતે જોજો તમને કેટલો બધો આનંદ થાય છે ! અંદરથી આત્મા ધીમેથી કહે છે, ‘‘ બહુ સારૂં કર્યું. ’’ મા દીકરાના વાંસા પર હાથ ફેરવી કહે કે, ‘ સારૂં કર્યું બેટા ’ તો દુનિયાની બધીયે બક્ષિસ પોતાને મળી ગઈ એમ તેને લાગે છે. તે જ પ્રમાણેહ્રદયસ્થ પરમાત્માનો ‘ શાબાશ બેટા ’ શબ્દ આપણને પ્રોત્સાહન આપે છે, ઉત્સાહ આપે છે. આ વખતે જીવ ભૌતિક જીવનમ છોડી નૈતિક જીવનની ભૂમિકા પર ઊભો હોય છે.

25. એની આગળની ભૂમિકા આ પ્રમાણેની છે. નૈતિક જીવનમાં કર્તવ્ય કરતાં કરતાં, માણસ મનના બધાયે મળ ધોઈ કાઢવાની કોશિશ કરે છે. પણ એવી કરતો કરતો તે થાકે છે. એ વખતે જીવ પ્રર્થના કરે છે કે, ‘ હે ઈશ્વર, મારા પ્રયત્નોની હવે પરાકાષ્ઠા થઈ. મને વધારે શક્તિ આપ, બળ આપ. ’ જ્યાં સુધી બધીયે કોશિશ થઈ રહેતી નથી અને પોતે એકલે હાથે હવે પહોંચી વળી શકે એમ નથી એવો નુભવ માણસને થતો નથી ત્યાં સુધી પ્રાર્થનાનો મર્મ તેના ધ્યાનમાં ઊતરતો નથી. પોતાની બધીયે શક્તિ ખરચી નાખવા છતાં તે પૂ રી પડતી નથી એમ જોઈ આર્ત થઈ ઈશ્વરને આંગણે દ્રૌપદીની માફક ધા નાખવી. પરમેશ્વરી કૃપાનું ઝરણું, એની સહાયનો ઝરો કાયમ વહ્યા કરે છે. જેને જેને તરસ લાગે તે સૌને ત્યાં જઈને પાણી પીવાનો હક છે. જેને ખોટ પડે તેણે માગી લેવું. આ ત્રીજી ભૂમિકા પર આવી જાતનો સંબંધ હોય છે. પરમાત્મા વધારે નજીક આવે છે. હવે ખાલી શબ્દોથી શાબાશ ન કહેતાં તે સહાય કરવાને દોડી આવે છે.

26. પહેલાં પરમેશ્વર આઘો ઊભો હતો. ગુરૂ શિષ્યને ‘ દાખલો કર ’ એમ કહીને આઘે ઊભો રહી જોયા કરે છે તેમ ભોગમય જીવનમાં જીવ ગૂંથાયેલો હોય છે ત્યારે આઘે રહીને પરમાત્મા તેને કહે છે, ‘ ઠીક છે, ચાલવા દે ધમપછાડા. ’ એ બાદ જીવ નૈતિક ભૂમિકાએ પહોંચે છે. એ વખતે પરમાત્માથી કેવળ તટસ્થ રહી શકાતું નથી. જીવને હાથે સત્કર્મ થાય છે એવું જોતાંવેંત તે આસ્તે રહીને ડોકાય છે ને કહે છે ‘ શાબાશ. ’ આમ સત્કર્મો થતાં થતાં ચિત્તના સ્થૂળ મળ દૂર થાય છે ને સૂક્ષ્મ મળ ધોવાનો વખત આવે છે અને જ્યારે તે બાબતમાં બધા પ્રયત્ન અધૂરા પડે છે ત્યારે આપણે પરમેશ્વરને સાદ પાડીએ છીએ. અને તે આપણને ‘ આ આવ્યો ’ એવો સામો જવાબ આપે છે. તે દોડી આવે છે. ભક્તનો ઉત્સાહ અધૂરો પડે છે એવું જોતાંની સાથે તે આવીને ઊભો રહે છે. જગતનો સેવક સૂર્યનારાયણ તમારે આંગણે ઊભેલ જ છે. પણ સૂર્ય બંધ બારણું વીંધીને અંદર દાખલ થતો નથી કેમકે તે સેવક છે. તે સ્વામીની મર્યાદા રાખે છે. તે બારણાને ધક્કા મારતો નથી. અંદર માલિક સૂતેલા હશે તો આ સૂર્યરૂપી સેવક તેની મર્યાદા રાખી બારણા બહાર ચૂપચાપ ઊભો જ હશે. પણ બારણું જરાક જ ખોલો એટલે પોતાનો બધો પ્રકાશ સામટો સાથે લઈને તે અંદર આવશે અને અંધારાને નસાડી મૂકશે. પરમાત્મા પણ એવો જ છે. તેની પાસે મદદ માગો કે હાથ ઊંચા કરી દોડી આવ્યો જાણો. કેડ પર હાથ રાખી ભીમાને કાંઠે તે સજ્જ થઈને ઊભો જ છે.

उभारूनि बाहे विठो पालवीत आहे ।।

બંન્ને હાથ ફેલાવી વિઠોબા ભેટવાને ઈશારો કરી રહેલો છે. આવાં વર્ણનો તુકારામ વગેરેએ કરેલાં છે. નાક ખુલ્લું રાખો કે હવા અંદર ગયા વગર રહેતી નથી. બારણું જરાસરખું ખોલો કે પ્રકાશ અંદર પેઠો જ જાણો. હવા અને પ્રકાશ એ બેના દાખલા પણ મને અધૂરા લાગે છે. તેમના કરતાંયે પરમેશ્વર વધારે નજીક રહેવાવાળો છે, વધારે ઉત્સુક છે. હવે તે ઉપદ્રષ્ટા ને અનુમન્તા ન રહેતાં भर्ता, બધી રીતે મદદ કરનારો થાય છે. મનના મળ ધોવાને વખતે અગતિક થઈ આપણે કહીએ છીએ કે, ‘ મારી નાડ તમારે હાથે, હરિ સંભાળજો રે, ’ ‘ तू ही एक मेरा मददगार है, तेरा आसरा मुझको दरकार है । ’ એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. પછી તે દયાઘન આઘો ઊભો રહી જોયા કરશે ખરો કે ? ભક્તની વહારે ધાનારો પરમાત્મા, અધૂરૂં પૂરૂં કરવાવાળો તે પ્રભુ આગળ આવે છે. પછી તે રોહિદાસનાં ચામડાં ધોશે, સજન કસાઈનું માંસ વેચશે, કબીરનાં શેલાં વણશે અને જનાબાઈની ઘંટીએ બેસી તેને દળવા લાગશે.

27. આની આગળનું પગથિયું, પરમેશ્વરના કૃપાપ્રસાદથી કર્મનું જે ફળ મળ્યું હોય તે ફળ પણ આપણે સારૂ આપણી પાસે ન રાખતાં પરમેશ્વરને અર્પણ કરવાની ભૂમિકાનું આવે છે. જીવ ઈશ્વરને કહે છે, ‘ તારૂં ફળ તું જ લઈ લે. ’ ઈશ્વરે દૂધ પીવું જોઈએ વી નામદેવે હઠ પકડી. એ વાતમાં ખૂબ મીઠાશ રહેલી છે. એ બધુંયે કર્મફળરૂપી દૂધ નામદેવ ઈશ્વરને અર્પણ કરવા માગે છે. આ રીતે જીવનની આખીયે મૂડી, બધી કમાણી જેની કૃપાથી મળી તેને જ પાછી અર્પણ કરવાની છે. ધર્મરાજ સ્વર્ગમાં પગ મૂકવા જાય છે. ત્યાં તેમની સાથે ગયેલા કૂતરાને સ્વર્ગમાં દાખલ થવાની મનાઈ થાય છે. એટલે જીવનનાં બધાંયે પુણ્યના બદલામાં મળેલો સ્વર્ગલાભ ધર્મરાજ પલકવારમાં જતો કરે છે. એ જ પ્રમાણે ભક્ત પણ બધોયે ફળલાભ સામટો ઈશ્વરને અર્પણ કરે છે. उपद्रष्टा, अनुमन्ता અને भर्ता એ બધાં સ્વરૂપોએ પ્રતીત થનારો એ પરમાત્મા હવે भोक्ता બને છે. શરીરમાં રહીને તે ખુદ પરમાત્મા ભોગ ભોગવી રહેલો હોય એવી ભૂમિકા પર જીવ ચડે છે.

28. આ પછી સંકલ્પ કરવાનુંયે છોડી દેવાનું છે. કર્મનાં ત્રણ પગથિયાં છે. પહેલાં આપણે સંકલ્પ કરીએ છીએ, પછી કાર્ય કરીએ છીએ અને પછી ફળ આવે છે. કર્મને માટે પ્રભુની મદદ લઈ જે ફળ મળ્યું તે ફળ પણ તેને જ અર્પણ કર્યું. કર્મ કરનારો પરમેશ્વર, ફળ ચાખનારો પરમેશ્વર અને હવે તે કર્મનો સંકલ્પ કરનારો પણ પરમેશ્વરને જ થવા દે. આમ કર્મના આદિમાં, મધ્યમાં અને અંતમાં એમ બધે પ્રભુને જ રહેવા દે. જ્ઞાનદેવે કહ્યું છે,

‘ माळियें जेउतें नेलें । तेउतें निवांत चि गेलें
तया पाणिया ऐसें केलें । होआवें गा ।। ’

માળી જ્યાં લઈ જવા માગતો હોય ત્યાં શાંતિથી જનારા પાણી જેવો થા. માળીને પાણી જ્યાં જ્યાં લઈ જવું હોય ત્યાં તે વગર તકરારે જાય છે. માળીને ગમતાં ફૂલઝાડ અને ફળઝાડને તે પોષે છે. તે જ પ્રમાણે તારે હાથે શું થાય તે તેને , તે માળીને જ મક્કી કરવા દે. મારા ચિત્તમાં ઊઠતા બધાયે સંકલ્પોની જવાબદારી તેને જ સોંપવા દે. મારો પોતાનો ભાર મેં ઘોડાની પીઠ પર લાદ્યો છે તો પછી મારા બચકાનું વજન હું વળી મારે માથે લઈને શા સારૂ બેસું ? તેને પણ ઘોડાની પીઠ પર જ મૂકવા દે. મારે માથે વજન લઈ હું ઘોડા પર બેસું તોયે તેનો ભાર ઘોડાને જ છે. તો પછી ચાલ જીવ,બધો ભાર તેની પીઠ પર જ મૂકવા દે, મ જીવનની બધીયે ચળવળો, નાચકૂદ અને તેની બધીયે ખિલવણી કરનારો, બધું આખરે પરમેશ્વર જ થઈ રહે છે. તારા જીવનનો તે હવે ‘ महेश्वर ’ બને છે. આ રીતે વિકાસ પામતાં પામતાં આખુયે જીવન ઈશ્વરમય થાય છે. પછી માત્ર આ દેહનો પડદો આડો રહી જાય છે. તે પણ ઊડી જાય એટલે જીવ ને શિવ, આત્મા ને પરમાત્મા એક થઈ જાય છે.

29. આ રીતે ‘ उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः – સાક્ષીમાત્ર, અનુજ્ઞાતા, ભર્તા, ભોક્તા, મહેશ્વર, એવે સ્વરૂપે આપણે પરમેશ્વરનો વધારે ને વધારે અનુભવ કરવાનો છે. પ્રભુ પહેલાં કેવળ તટસ્થપણે જોયા કરે છે. પછી નૈતિક જીવનની શરૂઆત થતા આપણે હાથે સત્કર્મો થવા માંડે છે એટલે તે શાબાશી આપે છે. પછી ચિત્તના સૂક્ષ્મ મળ ધોઈ કાઢવાને પોતાના પ્રયાસ અધૂરા પડે છે અને ભક્ત ધા નાખે છે ત્યારે અનાથનાથ વહારે ધાય છે. તે પછી ફળ પણ ઈશ્વરને અર્પણ કરી તેને જ ભોક્તા બનાવવાનો છે અને પછી બધાયે સંકલ્પો પણ તેને જ સોંપી દઈ આખું જીવન હરિમય કરવાનું છે. આવું માનવીનું આ છેવટનું સાધ્ય છે. કર્મયોગ અને ભક્તિયોગની બે પાંખો વડે ઊડતાં ઊડતાં સાધકે આવા પ્રકારની આ છેવટની મજલ પૂરી કરી આખરને મુકામે પહોંચવાનું છે.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: