ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય તેરમો : આત્માનાત્મવિવેક
પ્રકરણ ૭૨ – પરમાત્મશક્તિ પર ભરોસો
20. સારાંશ કે જ્યાં લગી દેહની આસક્તિ છે, જ્યાં સુધી દેહની બાબતમાં ડર છે ત્યાં સુધી સાચો બચાવ થવાનો નથી, ત્યાં સુધી કાયમ ધાસ્તી રહેવાની છે. જરા સૂતા એટલે સાપ આવીને ડંખ તો નહીં મારી જાય, ચોર આવીને મારો નિકાલ તો નહીં લાવે એવું લાગ્યા કરશે. માણસ સૂતી વખતે ઓશીકા આગળ લાકડી રાખે છે. શા માટે ? કહે છે, ‘ પાસે રાખવી સારી. ચોરબોર આવે તો કામ આવે. ’ અરે ભલા માણસ, ચોરે જ તે દંડો તારા માથામાં ઝીંક્યો તો ? ચોર લાઠી ભૂલી ગયો હોય એટલે તેને માટે તેં આગળથી તૈયારી રાખી છે એમ સમજ ! અરે, તું કોને ભરોસે ઊંઘી જાય છે તેનો તો વિચાર કર. ઊંઘતી વખતે તું કેવળ દુનિયાના હાથમાં હોય છે. તું જાગતો હશે તો પોતાનો બચાવ કરશે ને ? ઊંઘમાં તારો બચાવ કોણ કરશે?
21. હું કોઈ એક શક્તિ પર ભરોસો મૂકીને ઊંઘી જાઉં છું. જે શક્તિને ભરોસે વાઘ, ગાય વગેરે બધાં ઊંઘી જાય છે તે જ શક્તિ પર ભરોસો રાખીને હું પણ ઊંઘું છું. વાઘને પણ ઊંઘ આવે છે. આખી દુનિયાની સાથે જેણે વેર બાંધ્યું છે અને જે ઘડી ઘડી પાછું ફરીને જોતો રહે છે તે સિંહ પણ ઊંઘી જાય છે. પેલી શક્તિ પર વિશ્વાસ ન હોત તો થોડા સિંહ સૂઈ જાય અને થોડા જાગતા રહી પહેરો ભરે એવો કંઈક બંદોબસ્ત સિંહોને કરવો પડયો હોત. જે શક્તિ પર ભરોસો રાખી ક્રૂર એવા વાઘ, વરૂ, સિંહ વગેરે પણ નિરાંતે ઊંઘી જાય છે તે જ વિશ્વવ્યાપક શક્તિને ખોળે હું પણ સૂતો છું. માના ખોળામાં બાળક સુખેથી નિરાંતે ઊંઘી જાય છે. તે બાળક તે વખતે જાણે આખી દુનિયાનો બાદશાહ હોય છે ! આ વિશ્વંભર માતાને ખોળે તમારે, મારે પણ એવી જ રીતે પ્રેમથી, વિશ્વાસથી અને જ્ઞાનપૂર્વક ઊંઘતાં શીખવું જોઈએ. જેના ધાર પર મારૂં આ આખું જીવન છે તે શક્તિનો મારે વધારે ને વધારે પરિચય કેળવવો જોઈએ. તે શક્તિ ઉત્તરોત્તર મને પ્રતીત થતી જવી જોઈએ. એ શક્તિને વિષે મને જેટલી ખાતરી થયેલી હશે તેટલું મારૂં રક્ષણ વધારે થશે. જેમ જેમ એ શક્તિનો મને અનુભવ થતો જશે તેમ તેમ મારો વિકાસ થતો જશે. આ તેરમા અધ્યાયમાં આ વાતનો થોડો ક્રમ બતાવવો પણ શરૂ કરેલો છે.