સુધારણાનો મૂળ આધાર – (68)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય તેરમો : આત્માનાત્મવિવેક
પ્રકરણ ૬૮ – સુધારણાનો મૂળ આધાર

5. સારગ્રાહી દ્રષ્ટિ રાખવાનો અને કેળવવાનો વિચાર ઘણો મહત્વનો છે. બચપણથી એ ટેવ પાડવામાં આવે તો કેટલું સારૂં થાય ! આ વિષય પચાવવા જેવો છે, આ દ્રષ્ટિ સ્વીકારવા જેવી, કેળવવા લાયક છે. ઘણા લોકોને એમ લાગે છે કે અધ્યાત્મવિદ્યાનો જીવનના વહેવાર સાથે કશો સંબંધ નથી. અને કેટલાક લોકોને એમ લાગે છે કે સંબંધ હોય તોયે હોવો ન જોઈએ. દેહથી આત્માને અળગો પાડવાની કેળવણીની બાળપણથી યોજના કરવામાં આવે તો બહુ આનંદની વાત થાય. એ કેળવણીના ક્ષેત્રની બાબત છે. અત્યારે કુશિક્ષણથી બહુ ખોટા સંસ્કાર પડયા કરે છે. ‘ કેવળ દેહરૂપ હું છું ’ એ સંસ્કારમાંથી આ કેળવણી આપણને બહાર લાવતી નથી. દેહને જ બધાયે લાડ લડાવવામાં આવે છે. આટલાં આટલાં લાડ લડાવવા છતાં તે દેહને જે સ્વરૂપ મળવું જોઈએ, જે સ્વરૂપ અપાવું જોઈએ તે ક્યાંયે જોવાનું નથી મળતું તે નથી જ મળતું. આ દેહની આજે આવી ફોગટ પૂજા ચાલી રહેલી છે. આત્માની મીઠાશ તરફ ધ્યાન જરાયે નથી. કેળવણીને લીધે એટલે કે આજની કેળવણીની અવળી રીતને લીધે આવી આ સ્થિતિ થયેલી છે. દેહની દેરીઓ ઊભી કરી તેની પૂજા કરવાનો અભ્યાસ રાત દહાડો કરવામાં આવે છે. છેક નાનપણથી આ દેહદેવની પૂજાઅર્ચા કરવાની કેળવણી આપવાનું શરૂ થાય છે. પગને સહેજ ક્યાંક ઠોકર વાગે તો ધૂળ ભભરાવવાથી કામ સરે છે, છોકરાંઓને તો એટલાથી પણ ચાલે છે, અથવા તેમને તો ધૂળ ભભરાવવાનીયે જરૂર લાગતી નથી. જરા છોલાય તો તેની તે ફિકર કરતાં નથી; અરે, તેની તેમને ખબર સરખી રહેતી નથી. પણ છોકરાંના જે વાલી હોય છે, પાલક હોય છે તેમને એટલાથી ચાલતું નથી. વાલી છોકરાને પાસે બોલાવીને કહેશે, ‘ ભાઈ, કેમ છે ? કેટલું વાગ્યું ? અરે, બહુ વાગ્યું લાગે છે ! લોહી નીકળ્યું, ખરૂં ! ’ આવી શરૂઆત કરીને તે છોકરો રડતો નહીં હોય તેને રડાવશે. ન રડનારા છોકરાને રડાવવાનાં આ જે લક્ષણો છે તેને માટે શું કહેવું ? કૂદકા મારીશ નહીં, રમવા જઈશ નહીં, તને વાગશે, છોલાશે, એવું એક બાજુનું, ફક્ત દેહ તરફ જોવાનું શિક્ષણ આપવામાં આવે છે.

6. છોકરાંની કદર કરવાની હોય તો તે પણ તેના દેહની બાજુ પૂરતી જ થાય છે. તેની નિંદા કરવાની હોય તો પણ તે જ, દેહની બાજુની જ. ‘ કેમ અલ્યા લીંટિયા ! ’ એવું કહીને તેને વઢે છે. એથી તે બાળકને કેટલો બધો આઘાત થાય છે ! તેના પર કેટલો ખોટો આરોપ મૂકવામાં આવે છે ! તેના નાકમાં લીંટ હોય છે એ વાત સાચી. અને તે કાઢવું જોઈએ અથવા તેની પાસે કઢાવવું જોઈએ એ વાત પણ સાચી. પણ તે સહેજે ન સાફ કરતાં તેને બદલે એ બાળકને આઘાત લગાડવાનો કેવો ભૂંડો પ્રયોગ કરવામાં આવે છે ! તે બિચારાથી તે સહન થઈ શક્તો નથી. તેને ખેદ થાય છે. તે બાળકના અંતરંગમાં, તેના આત્મામાં સ્વચ્છતા, નિર્મળતા ભરેલી હોવા છતાં તે બિચારા પર આ કેટલો બધો ખોટો નાહકનો આરોપ ! ખરૂં જોતાં તે છોકરો લીંટિયો નથી. અત્યંત સુંદર, મધુર, પવિત્ર, પ્રિય એવો જે પરમાત્મા છે તે જ તે છે. તેનો અંશ તેનામાં છે. પણ તેને કહે છે ‘ લીંટીયો ! ’ એ લીંટની સાથે તેનો એવો શો સંબંધ છે ? તે છોકરાને તે સમજાતુંયે નથી. આવી તેની સ્થિતિ હોવાથી આ આઘાત તેનાથી સહેવાતો નથી. તેના ચિત્તમાં ક્ષોભ પેદા થાય છે. અને ક્ષોભ પેદા થયો એટલે સુધારાની વાત ભૂલી જવી. તેને બરાબર સમજ પાડી સ્વચ્છ કરવો જોઈએ.

7. પણ આથી ઊલટાં કૃત્યો કરીને આપણે તે બાળકના મન પર તું કેવળ દેહ છે એવી ખોટી વાત ઠસાવીએ છીએ. શિક્ષણશાસ્ત્રમાં આને મહત્વનો સિદ્ધાંત ગણવો જોઈએ. હું જેને શીખવું છું તે સર્વંગસુંદર છે એવી ગુરૂની ભાવના હોવી જોઈએ. દાખલો કરતાં ન આવડે તો છોકરાને મારે છે. તેને મારવાની વાતને અને તેનો દાખલો ખોટો પડ્યો એ વાતને શો સંબંધ છે ? નિશાળમાં છોકરો મોડો આવે છે તો તેને ગાલ પર તમાચો પડે છે. તેને તમાચો મારવાથી તેના ગાલ પરનું લોહી જોરથી ફરતું થશે તેથી શું તે નિશાળે વહેલો આવતો થશે ? રક્તનું એ જોરથી થતું ભિસરણ કેટલા વાગ્યા છે તેની તેને ખબર આપશે એવું કંઈ છે ખરૂં કે ? વાસ્તવિક રીતે જોતાં એ મારવાની ક્રિયાથી તે બાળકની પશુવૃત્તિને હું વધારૂં છું. આ દેહ એટલે તું એવી તેની ભાવના પાકી કરી આપું છું. એથી તેનું જીવન ભયની, દહેશતની લાગણી પર ઊભું કરવામાં આવે છે. સાચો સુધારો થવાનો હશે, તો તે આવી જબરજસ્તીથી, દેહાસક્તિ વધારીને કદી થઈ શકવાનો નથી. આ દેહથી હું જુદો છું એ વાત મને પાકી સમજાશે ત્યારે જ હું સુધારો કરી શકીશ.

8. દેહમાં અથવા મનમાં રહેલા દોષોનું ભાન હોય તેમાં કશું ખોટું નથી. એથી એ દોષો દૂર કરવામાં મદદ થાય છે. પણ હું એટલે દેહ નથી એ વાત સાફ સમજાવી જોઈએ. ‘ હું ’ જે છું તે દેહથી તદ્દન ભિન્ન, અત્યંત સુંદર, ઉજ્જવળ, પવિત્ર, અવ્યંગ એટલે કે ખામી વગરનો એવો છું. પોતાના દોષ સુધારવાને માટે જે કોઈ આત્મપરીક્ષણ કરે છે તે આત્મપરીક્ષણ પણ દેહને પોતાનાથી જુદો પાડીને જ કરે છે. કોઈ તેની ખામી બતાવે તેનો તેને ગુસ્સો આવતો નથી. ગુસ્સો ન કરતાં આ શરીરરૂપી અથવા આ મનરૂપી યંત્રમાં દોષ છે કે શું એનો વિચાર કરી ખામીને તે દૂર કરે છે. જે દેહને પોતાની જાતથી અલગ માનતો નથી તે કદી સુધારો કરી શકતો નથી. આ દેહ, આ ગોળો, આ માટી તે જ હું એવો જેનો ખ્યાલ હશે તે સુધારો કેવી રીતે કરશે? દેહ મને મળેલું એક સાધન છે એવું પાકું ધ્યાનમાં ઊતરશે ત્યારે જ સુધારો થશે. મારા રેંટિયામાં કોઈ ખામી બતાવે તો હું તેના પર ચિડાઉં ખરો કે ? ખામી હોય તો તે હું દૂર કરૂં છું. એવું જ આ દેહનું છે. જેવાં ખેતીનાં ઓજારો હોય છે તેવો આ દેહ છે. પરમેશ્વરના ઘરની ખેતી કરવાનું દેહ એક ઓજાર છે. એ ઓજારમાં બગાડો થાય તો તેને સુધારવું જ જોઈએ. દેહ સાધનરૂપે ખડો છે. આ દેહથી અળગા રહીને દોષમાંથી છૂટવાની કોશિશ મારે કરવી જોઈએ. આ દેહરૂપી સાધનથી હું નિરાળો છું. હું સ્વામિ છું, માલિક છું. આ દેહ પાસે વૈતરૂં કરાવનારો, તેની પાસેથી સારામાં સારૂં કામ લેનારો છું. છેક નાનપણથી દેહથી અળગા થવાની આ વૃત્તિ કેળવવી જોઈએ.

9. રમતથી અળગો રહેનારો ત્રયસ્થ જેમ રમતમાં રહેલી ખામી-ખૂબી બરાબર જોઈ શકે છે તે જ પ્રમાણે દેહ, મન ને બુદ્ધિથી અળગા રહેવાથી આપણને તે બધામાં રહેલા ગુણદોષ સમજાશે. કોઈ માણસ કહે છે, ‘ હમણાં મારી યાદદાસ્ત જરા બગડી છે. એનો શો ઈલાજ કરવો ? ’ માણસ આવું કહે છે ત્યારે એ સ્મરણશક્તિથી તે જુદો છે એ વાત સ્પષ્ટ થાય છે. તે કહે છે, ‘ મારી સ્મરણશક્તિ બગડી છે. ’ એટલે કે તેનું કોઈક સાધન, કોઈક હથિયાર બગડેલું હોય છે. કોઈકનો છોકરો ખોવાઈ જાય છે, કોઈકની ચોપડી ખોવાઈ જાય છે ; પણ કી જાતે ખોવાઈ જાય એવું બનતું નથી. છેવટે મરણની ઘડીએ પણ તેનો દેહ છેક બગડી જાય છે, નકામો થઈ જાય છે, પણ તે પોતે અંદરથી નામનોયે બગડ્યો હોતો નથી ; તે અવ્યંગ હોય છે, નીરોગી હોય છે. આ વાત ખરેખર સમજવા જેવી છે અને એ બરાબર સમજાય તો ઘણીખરી ભાંજગડનો અંત આવે.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: