કર્મયોગને ઉપકારક દેહાત્મપૃથક્કરણ – (67)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય તેરમો : આત્માનાત્મવિવેક
પ્રકરણ ૬૭ – કર્મયોગને ઉપકારક દેહાત્મપૃથક્કરણ

1. વ્યાસે પોતના જીવનનો સાર ભગવદગીતામાં રેડ્યો છે. વ્યાસે વિસ્તારપૂર્વક બીજાં લખાણો ઘણાં કર્યાં છે. એકલી મહાભારતની સંહિતાના શ્લોકો લાખ સવાલાખ છે. સંસ્કૃત ભાષામાં વ્યાસ શબ્દનો અર્થ જ મૂળમાં ‘ વિસ્તાર ’ એવો થઈ ગયો છે. પણ ભગવદગીતામાં વ્યાસની વિસ્તાર કરવાની વૃત્તિ નથી. ભૂમિતિમાં યુક્લિડે જેમ તત્વો બતાવ્યાં, સિદ્ધાંતો જણાવ્યા તેમ વ્યાસદેવે જીવનને ઉપયોગી તત્વો નોંધ્યા છે. ભગવદગીતામાં વિશેષ ચર્ચા નથી, વિસ્તાર, ફેલાવો, કશું નથી. એનું મુખ્ય કારણ એવું છે કે ગીતામાં જે બાબતો રજુ કરવામાં આવી છે તેમનો જીવનમાં હરેક જણ જાતે તપાસી તાળો મેળવી શકે છે. એ બાબતો એ રીતે ચકાસીને તાળો મેળવવાને ખાતર કહેવામાં આવી છે. જીવનને ઉપયોગી જેટલી ચીજો છે તેટલી જ ગીતામાં કહી છે. એ બાબતો કહેવાનો ઉદ્દેશ આટલો જ હતો. તેથી ટૂંકમાં તત્વો નોંધી ભગવાન વ્યાસે સંતોષ માન્યો છે. એમની એ સંતોષવૃત્તિમાં સત્ય પરનો અને આત્માનુભવ પરનો એમનો ભારે વિશ્વાસ આપણને જોવાનો મળે છે. જે ચીજ સત્ય છે તેના મંડનને સારૂ ખાસ દલીલ કે વધારે યુક્તિની જરૂર રહેતી નથી.

2. જે જે વખતે આપણને ગીતાની મદદની જરૂર પડે તે તે વખતે ગીતા પાસેથી આપણને મદદ મળી રહે એ મુખ્ય ઉદ્દેશથી આપણે અત્યારે ગીતા તરફ જોઈએ છીએ. એવી મદદ આપણને હંમેશ મળી રહે તેવી છે. ગીતા જીવનોપયોગી શાસ્ત્ર છે. તેથી જ ગીતામાં સ્વધર્મની વાત પર ભાર મૂક્યો છે. સ્વધર્માચરણ માણસના જીવનનો મોટો પાયો છે. જીવનની આખીયે ઈમારત આ સ્વધર્માચરણરૂપ પાયા પર ઊભી કરવાની છે. એ પાયો જેટલો દ્રઢ હશે તેટલી ઈમારત ટકી રહેશે. આ સ્વધર્માચરણને ગીતાએ કર્મ કહ્યું છે. એ સ્વધર્માચરણરૂપ કર્મની ફરતે અનેક વસ્તુઓ ગીતાએ ઊભી કરી છે; તેના રક્ષણને માટે અનેક વિકર્મો રચ્યાં છે. સ્વધર્માચરણને શણગારવા ને તેને રૂડું રૂપાળું, સુંદર બનાવવાને માટે, તેને સફળ કરવાને માટે જે જે મદદની અપેક્ષા હોય તે બધી મદદ, તે બધો આધાર, બધો ટેકો આ સ્વધર્માચરણરૂપ કર્મને આપવો જરૂરી છે. એથી આપણે અત્યાર સુધીમાં ઘણી બાબતો જોઈ ગયા. તેમાંની ઘણીખરી ભક્તિના સ્વરૂપની છે. આજે તેરમા અધ્યાયમાં જે બાબત જોવાની છે તે પણ સ્વધર્માચરણને ઘણી ઉપયોગી છે. એ બાબત વિચારના ક્ષેત્રની છે.

3. સ્વધર્માચરણ કરવાવાળાએ ફળનો ત્યાગ કરવો એ મુખ્ય વાત ગીતામાં બધે ઠેકાણે કહી છે. કર્મ કરવું ને તેનું ફળ છોડવું. ઝાડને પાણી પાવું, તેને માવજત કરી ઉછેરવું પણ તેના છાંયડાની, તેનાં ફૂલોની, તેનાં ફળની પોતાને માટે અપેક્ષા ન રાખવી. આવો એ સ્વધર્માચરણરૂપ કર્મયોગ છે. કર્મયોગનો અર્થ કેવળ કર્મ કરવું એટલો નથી. કર્મ આ સૃષ્ટિમાં સર્વત્ર ચાલી રહેલું છે. તે કહેવાની જરૂર નથી; પણ ખાલી કર્મ નહીં, સ્વધર્માચરણરૂપ કર્મ બરાબર કરતા રહી તેનું ફળ છોડી દેવું એ વાત બોલવામાં સહેલી છે, સમજવામાંય સહેલી હશે પણ આચરવી અઘરી છે. કારણકે ફળની વાસનાને જ મૂળમાં કાર્યને પ્રેરનારી શક્તિ માનેલી છે. ફળની વાસના છોડી કર્મ કરવું એ ઊલટો રસ્તો છે. વહેવારમાં, સંસારમાં જે વર્તન છે તેનાથી આ અવળી ક્રિયા છે. જે કોઈ પુષ્કળ કર્મ કરે છે તેના જીવનમાં ગીતાનો કર્મયોગ છે એમ આપણે ઘણી વાર કહીએ છીએ. પુષ્કળ કર્મ કરી છૂટનારનું જીવન કર્મયોગમય છે એવું આપણે બોલીએ છીએ. પણ આવો શબ્દપ્રયોગ આપણી ભાષાના ઢીલાપણાને લીધે આપણે કરીએ છીએ. ગીતાની વ્યાખ્યા મુજબનો એ કર્મયોગ નથી. કર્મ કરવાવાળા લાખો લોકોમાંથી, માત્ર કર્મ નહીં, સ્વધર્માચરણરૂપ કર્મ કરવાવાળા લાખોમાંથી પણ ગીતામાં કહેલા કર્મયોગનું આચરણ કરનારો બહુ તો એકાદ મળશે. કર્મયોગના સૂક્ષ્મ અને સાચા અર્થમાં જોઈએ તો એવો સંપૂર્ણ કર્મયોગી મળવો વિરલો છે. કર્મ કરવું અને તેનું ફળ છોડી દેવું, એ વસ્તુ તદ્દન અસામાન્ય છે. ગીતામાં અત્યાર સુધી આ જ પૃથક્કરણ રજૂ થયું છે.

4. એ જ પૃથક્કરણને ઉપયોગી એવું બીજું એક પૃથક્કરણ આ તેરમા અધ્યાયમાં બતાવ્યું છે. કર્મ કરવું અને ફળની આસક્તિ છોડવી એ જે પૃથક્કરણ છે તેને ઉપયોગી એવું બીજું મહાન પૃથક્કરણ દેહ ને આત્માનું છે. એ પૃથક્કરણ આ તેરમા અધ્યાયમાં કર્યું છે. આંખ વડે આપણે રૂપ જોઈએ છીએ. તે રૂપને આપણે મૂર્તિ, આકાર, દેહ કહીને ઓળખાવીએ છીએ. બાહ્ય મૂર્તિ અથવા આકારનો પરિચય આપણને આંખ વડે થાય છે ખરો પણ વસ્તુના અંતરમાંયે આપણે પ્રવેશ કરવો પડે છે. ફળની ઉપરની છાલ કાઢીને અંદરનો ગર આપણે ચાખવો પડે છે. નાળિયેરમાં પણ તેને ફોડીને અંદર શું છે તે જોવું પડે છે. ફણસની બહારની છાલ પર કાંટા દેખાય છે પણ અંદર મજાનાં રસાળ મીઠાં ચાંપાં હોય છે. પોતાની જાત તરફ જોવાનું હોય કે બીજાના તરફ જોવાનું હોય, પણ આ અંદરનું ને બહારનું પૃથક્કરણ જરૂરી હોય છે અને કર્યા વગર ચાલતું નથી. ઉપરની છાલ અથવા કાચલી દૂર કરવી એ વાતનો અર્થ શો ? એનો અર્થ એટલો કે દરેક ચીજનું બાહ્ય રૂપ અને અંદરના ગરનું પૃથક્કરણ કરવું. બહારનો દેહ અને અંદરનો આત્મા એવું હરેક ચીજનું બેવડું રૂપ હોય છે. કર્મનું પણ એવું જ છે. બહારનું ફળ એ કર્મનો દેહ છે. કર્મ વડે જે ચિત્તશુદ્ધિ થાય છે તે એ કર્મનો આત્મા છે. સ્વધર્માચરણનું બહારનું ફળ એવો આ જે દેહ તે ફેંકી દેવો, છોડવો જોઈએ અને અંદરનો ચિત્તશુદ્ધિરૂપ, સારભૂત જે આત્મા તેનો સ્વીકાર કરવો જોઈએ, તેને વહાલો કરવો જોઈએ. આ પ્રમાણે જોવાની ટેવ, દેહને બાજુએ કરીને હરેક ચીજમાં રહેલો સાર પકડવાની સારગ્રાહી દ્રષ્ટિ આપણે કેળવવી જોઈએ. આંખને, મનને, વિચારને આવી કેળવણી આપવી જોઈએ, આવી ટેવ પાડવી જોઈએ, આવો મહાવરો પાડવો જોઈએ. હરેક ઠેકાણે આપણે દેહને જુદો પાડી આત્માની પૂજા કરીએ. વિચારને માટે આ પૃથક્કરણ તેરમા અધ્યાયમાં રજૂ કર્યું છે.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: