ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય બાર: સગુણ-નિર્ગુણ ભક્તિ
પ્રકરણ ૬૬ – સગુણ – નિર્ગુણ કેવળ દ્રષ્ટિભેદ, માટે ભક્તલક્ષણો પચાવવાં
29. છેવટે મારે વળી કહેવાનું છે કે સગુણ કયું અને નિર્ગુણ કયું એ ચોક્કસ નક્કી કરવું પણ સહેલું નથી. એક દ્રષ્ટિથી જે સગુણ છે તે બીજી દ્રષ્ટિથી નિર્ગુણ સાબિત થઈ શકે. સગુણની સેવા કરવાની હોય ત્યારે પથરો લઈને કરવામાં આવે છે. તે પથ્થરમાં પરમાત્મા કલ્પી લેવાય છે. પણ માતામાં અને સંતોમાં પ્રત્યક્ષ ચૈતન્ય પ્રગટ થયેલું હોય છે. ત્યાં જ્ઞાન, પ્રેમ, અંતરની ઊંડી મમતા પ્રગટ છે, ખુલ્લાં છે. છતાં ત્યાં પરમાત્મા નીરખીને પૂજા કરવામાં નથી આવતી. ચૈતન્યમય એવાં આ લોકો સૌ કોઈને દેખાય છે. તેમની સેવા કરવાને બદલે, તેમનામાં સગુણ પરમાત્મા જોવાને બદલે પથ્થરમાં પરમાત્મા જોવાય છે ! હવે પથ્થરમાં ઈશ્વરને જોવો એ એક રીતે જોઈએ તો નિર્ગુણની પરાકાષ્ઠા છે. સંત, માબાપ, પડોશી એ બધાંમાં જ્ઞાન, પ્રેમ, ઉપકારબુદ્ધિ વગેરે પ્રગટ થયેલાં છે. તેમનામાં ઈશ્વરને માનવાનું સહેલું છે. પથ્થરમાં ઈશ્વર માની લેવો અઘરો છે. પેલા નર્મદામાંથી નીકળતા પથ્થરને ગણપતિ માની દેવ ગણવામાં આવે છે. આ નિર્ગુણ પૂજા નથી કે ?
30. એથી ઊલટું એમ લાગે છે કે પથ્થરમાં ઈશ્વર ન માનવો તો બીજે ક્યાં માનવો ? ઈશ્વરની મૂર્તિ થવાને પેલો પથ્થર જ લાયક છે. તે નિર્વિકાર છે, શાંત છે. અંધારૂં હોય કે અજવાળું હોય, તાપ હોય કે ટાઢ હોય, એ પથ્થર તેવો ને તેવો રહે છે. આવો આ નિર્વિકારી પથ્થર જ પરમેશ્વરનું પ્રતીક બનવાને લાયક છે. માબાપ, જનતા, અડોશીપડશી એ બધાં વિકારોથી ભરેલાં છે. એટલે કે તે બધાંમાં કંઈ ને કંઈ વિકાર જોવાને મળ્યા વગર રહે નહીં. તેથી પથ્થરની પૂજા કરવા કરતાં એ બધાંની સેવા કરવાનું એક રીતે જોઈએ તો અઘરૂં છે.
31. ટૂંકમાં, સગુણ અને નિર્ગુણ એકબીજાનાં પૂરક છે. સગુણ સુલભ છે, નિર્ગુણ અઘરૂં છે. પરંતુ સગુણ પણ અઘરૂં છે અને નિર્ગુણ પણ સહેલું છે. બંને વડે પ્રાપ્ત થનારૂં ધ્યેય એક જ છે. પાંચમા અધ્યાયમાં જેમ કહ્યું છે કે ચોવીસે કલાક કર્મ કરવા છતાં લેશમાત્ર કર્મ ન કરનારા યોગીઓ અને ચોવીસ કલાકમાં જરા સરખું કર્મ ન કરવા છતાં બધાંયે કર્મ કરનારા સંન્યાસીઓ એકરૂપ જ છે તેવું જ અહીં પણ છે. સગુણ કર્મદશા અને નિર્ગુણ સંન્યાસયોગ એકરૂપ જ છે. સંન્યાસ ચડે કે યોગ એ સવાલનો જવાબ આપવામાં જેવી ભગવાનને મુશ્કેલી પડી હતી તેવી જ તેમને અહીં પણ પડી છે. છેવટે સહેલાપણું અને અઘરાપણું, વધારે ને ઓછું શામાં એ વાત ધ્યાનમાં રાખી તેમણે જવાબ આપ્યો છે. બાકી યોગ ને સંન્યાસ અને સગુણ ને નિર્ગુણ બધાં એકરૂપ જ છે.
32. છેવટે ભગવાન કહે છે, ‘ હે અર્જુન, તું સગુણ હો કે નિર્ગુણ હો પણ ભક્ત થા એટલે થયું. કોરો પથરા જેવો રહીશ મા. ‘ આટલું કહીને છેવટે ભગવાને ભક્તોનાં લક્ષણો ગણાવ્યાં છે. અમૃત મીઠું છે પણ તેની મીઠાશ આપણે ચાખી નથી. આ લક્ષણો પ્રત્યક્ષ મદુર છે. અહીં કલ્પનાની જરૂર નથી. એ લક્ષણોનો જાતે અનુભવ કરવો. બારમા અધ્યાયમાં ગણાવેલાં આ ભક્ત-લક્ષણોનું સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોની માફક આપણે રોજ સેવન કરીએ, તેમનું રોજ મનન કરીએ અને તેમાંનાં થોડાં થોડાં આપણા આચરણમાં ઉતારી પુષ્ટિ મેળવીએ; અને એ રીતે ધીમે ધીમે આપણે આપણું જીવન પરમેશ્વર તરફ લઈ જઈએ.