ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય બાર: સગુણ-નિર્ગુણ ભક્તિ
પ્રકરણ ૬૪ – બંને એકબીજાનાં પૂરક – કૃષ્ણચરિત્રમાંથી દાખલો
2૪. હરિભક્તિની લાગણીની ભીનાશ અવશ્ય જરૂરી છે. તેટલા ખાતર અર્જુનને પણ मय्यासक्तमनाः पार्थ – અર્જુન મારામાં આસક્ત રહે, મારે માટે ભાવભીનો રહે, અને પછી કર્મ કર એમ ભગવાને ફરી ફરીને કહ્યું છે. જે ભગવદગીતાને આસક્તિ શબ્દ સૂઝતો નથી, રૂચતો નથી; જે ભગવદગીતામાં અનાસક્ત રહીને કર્મ કર, રાગદ્વેષ છોડીને કર્મ કર, નિરપેક્ષ કર્મ કર એમ ફરી ફરીને કહેવામાં આવ્યું છે; અનાસક્તિ, નિઃસંગપણું, એ જેનું ધ્રુપદ તેમ જ પાલુપદ એકસરખું બોલાયા કરે છે; તે ભગવદગીતા પણ કહે છે કે, ‘ અર્જુન, મારી આસક્તિ રાખ. ‘ પણ અહીં કદી ન વિસરાવું જોઈએ કે ભગવાન પરની આસક્તિ બહુ ઊંચી વસ્તુ છે. એ આસક્તિ કોઈક પાર્થિવ વસ્તુ માટેની થોડી જ છે ? સગુણ અને નિર્ગુણ બંને એકબીજામાં ગૂંથાઈ રહેલાં છે. સગુણ ને નિર્ગુણનો આધાર સમૂળગો તોડી નાખવાનું પરવડે એવું નથી અને નિર્ગુણને સગુણમાં રહેલી હ્રદયમાં રહેલી ભીનાશની જરૂર છે. હરહમેશ કર્તવ્યકર્મ કરવાવાળો કર્મરૂપે પૂજા જ કરે છે. પણ પૂજાની સાથે લાગણીની ભીનાશ જોઈએ. मामनुस्मर युध्य च – મારૂં સ્મરણ રાખીને કર્મ કર. કર્મ પોતે એક પૂજા છે. પણ અંતરંગમાં ભાવના જીવંત હોવી જોઈએ. ખાલી ફૂલ માથે ચડાવ્યાં એ કંઈ પૂજા નથી. તે ભાવના જોઈએ. માથે ફૂલ ચડાવવાં એ પૂજાનો એક અને સત્કર્મો વડે પૂજા કરવી એ બીજો પ્રકાર છે. પણ બંનેમાં ભાવની ભીનાશ જોઈએ. ફૂલ ચડાવીએ છતાં ભાવ ન હોય તો તે પથ્થર પર ફેંકી દીધાં જાણવાં. એટલે આ સવાલ ભાવનાનો છે. સગુણ અને નિર્ગુણ, કર્મ અને પ્રીતિ, જ્ઞાન અને ભક્તિ, એ બધી વસ્તુઓ એકરૂપ છે. બંનેનો અંતિમ અનુભવ એક જ છે.
25. અર્જુન અને ઉદ્ધવ એ બંનેની વાત જુઓ. રામાયણ પરથી કૂદકો મારીને હું મહાભારત પર ચાલ્યો. પણ એવા કૂદકો મારવાનો મને અધિકાર છે. કારણ રામ અને કૃષ્ણ બંને એકરૂપ છે. જેવી ભરત અને લક્ષ્મણની જોડી છે તેવી જ ઉદ્ધવ ને અર્જુનની છે. જ્યાં કૃષ્ણ હોય ત્યાં ઉદ્ધવ હોય જ. ઉદ્ધવથી કૃષ્ણનો વિયોગ ક્ષણભર પણ સહન ન થાય. હંમેશ તે કૃષ્ણની પાસે રહે ને સેવા કરે. કૃષ્ણ વગરનો આખો સંસાર તેને ફીકો લાગે છે. અર્જુન પણ કૃષ્ણનો સખા, મિત્ર હતો. પણ તે આઘે દિલ્હીમાં રહેતો. અર્જુન કૃષ્ણનું કામ કરવાવાળો હતો પણ કૃષ્ણ દ્વારકામાં તો અર્જુન હસ્તિનાપુરમાં એવું બંનેનું ચાલતું હતું.
26. ભગવાનને જ્યારે દેહ છોડવાની જરૂર જણાઈ ત્યારે તેમણે ઉદ્ધવને બોલાવીને કહ્યું, ‘ ઉદ્ધવ, હવે હું જાઉં છું. ‘ ઉદ્ધવે કહ્યું, ‘ મને સાથે કેમ નથી લઈ જતા ? આપણે સાથે જ જઈએ ! ‘ પણ ભગવાને કહ્યું, ‘ એ મને પસંદ નથી. સૂર્ય પોતાનું તેજ અગ્નિમાં મૂકીને જાય છે તેમ મારી જ્યોત તારામાં મૂકીને હું જવાનો છું. ‘ આવી છેવટની સોંપણનોંધણ કરૂ કૃષ્ણે જ્ઞાન આપીને ઉદ્ધવને વિદાય કર્યો. પાછળથી મુસાફરીમાં મૈત્રેય ઋષિ તરફથી ઉદ્ધવને ખબર પડી કે ભગવાન નિજધામ પધાર્યા છે. એ ખબરની તેના મન પર જરા સરખી અસર ન થઈ. કેમ જાણે કશું જ બન્યું નથી ! – मरका गुरू, रडका चेला, दोहींचा बोध वाया गेला – ગુરૂ મૂઓ ને ચેલો રડ્યો બંનેનો બોધ ફોગટ ગયો, એવું આ નહોતું. જાણે કે વિયોગ થયો જ નથી ! ઉદ્ધવે જન્મભર સગુણ ઉપાસના કરી હતી; તે પરમેશ્વરની નજીક હતો. હવે તેને નિર્ગુણમાં આનંદ લાગવા માંડ્યો. નિર્ગુણ સુધી તેને પહોંચવું પડ્યું. સગુણ પહેલાં પણ નિર્ગુણ તેની પાછળ આવવું જ જોઈએ. એ વગર પરિપૂર્ણતા નથી.
27. અર્જુનનું આથી ઊલટું થયું. કૃષ્ણે તેને શું કરવાનું કહ્યું હતું ? પોતાની પાચળ બધી સ્ત્રીઓના સંરક્ષણનું કામ તેમણે અર્જુનને ભાળવ્યું હતું. અર્જુન દિલ્હીથી આવ્યો અને દ્વારકાથી શ્રીકૃષ્ણની ઘરની સ્ત્રીઓને લઈને નીકળ્યો. રસ્તામાં હિસાર પાસે પંજાબમાંના ચોરોએ તેને લૂંટી લીધો. તે જમાનામાં જે એકમાત્ર નર તરીકે, સર્વોત્તમ વીર તરીકે પ્રસિદ્ધ હતો; પરાજય શું તે જાણતો ન હોવાથી જેની ‘ જય ‘ નામથી ખ્યાતિ ચાલતી હતી; ખુદ શંકર સાથે ટક્કર લઈ જેણે તેમને પણ નમાવ્યા હતા; એવા એ અર્જુનને અજમેર પાસે નાસતાં નાસતાં ભોય ભારે પડી ને તે માંડ બચી ગયો. કૃષ્ણ જતા રહ્યા તેની તેના મન પર બહુ મોટી અસર થઈ હતી. જાણે તેનામાંથી જીવ નીકળી ગયો હતો ને તેનું નિસ્ત્રાણ ને નિષ્પ્રાણ ખોળિયું માત્ર રહી ગયું હતું. સારાંશ કે, સદોદિત કર્મ કરનારા, કૃષ્ણથી દૂર રહેનારા નિર્ગુણ ઉપાસક અર્જુનને વિયોગ છેવટે ખૂબ વરતાયો. તેનું નિર્ગુણ આખરે નકામું ગયું. તેનું બધું કર્મ જાણે કે પૂરૂં થયું. તેના નિર્ગુણને છેવટે સગુણનો અનુભવ થયો. ટૂંકમાં સગુણને નિર્ગુણમાં જવું પડે છે, નિર્ગુણને સગુણમાં આવવું પડે છે. એકબીજાથી એકબીજામાં પરિપૂર્ણતા આવે છે.