બંને એકબીજાનાં પૂરક – રામચરિત્રમાંથી દાખલો – (63

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય બાર: સગુણ-નિર્ગુણ ભક્તિ
પ્રકરણ ૬3 – બંને એકબીજાનાં પૂરક – રામચરિત્રમાંથી દાખલો

17. સગુણ સુલભ અને સલામત છે. પણ સગુણને નિર્ગુણની જરૂર છે. સગુણ જોમથી વધતું જાય તેની સાથે તેને નિર્ગુણનો, તત્વનિષ્ઠાનાં ફૂલનો ગુચ્છો ફૂટવો જોઈએ. નિર્ગુણ અને સગુણ એકબીજાનાં પૂરક છે. એકબીજાનાં વિરોધી નથી. સગુણમાંથી શરૂ કરીને તેની મારફતે નિર્ગુણ સુધીના મુકામ પર પહોંચવું જોઈએ અને ચિત્તના સૂક્ષ્મ મળ ધોવાને પણ સગુણની ભીનાશ જોઈએ. બંનેને એકબીજાથી શોભા મળે છે.

18. આ બંને પ્રકારની ભક્તિ રામાયણમાં બહુ સુંદર રીતે બતાવી છે. અયોધ્યા-કાંડમાં ભક્તિના એ બંને પ્રકાર જોવાના મળે છે. અને એ જ બે ભક્તિનો આગળ ઉપર રામાયણમાં વિસ્તાર કરેલો છે. પહેલો પ્રકાર ભરતની ભક્તિનો અને બીજો લક્ષ્મણની ભક્તિનો છે. સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ એ બંનેનું સ્વરૂપ આ દાખલાઓ પરથી બરાબર સમજાશે.

19. રામ વનમાં જવાને નીકળ્યા ત્યારે લક્ષ્મણને સાથે લઈ જવાને તૈયાર નહોતા. રામને લાગ્યું કે લક્ષ્મણને સાથે લઈ જવાનું કંઈ કારણ નથી. તેમણે લક્ષ્મણને કહ્યું, ‘ લક્ષ્મણ, હું વનમાં જાઉં છું. મને પિતાની આજ્ઞા થઈ છે. તું અહીં ઘરે રહી જા. મારી સાથે આવી આપણાં દુઃખી માતાપિતાને વધારે દુઃખી કરીશ મા. મા-બાપની અને પ્રજાની સેવા કરજે. તું તેમની પાસે હશે તો પછી મને ફિકર નહીં થાય. મારો પ્રતિનિધિ થઈને તું રહે. હું વનમાં જાઉં છું તે કંઈ સંકટમાં જતો નથી. હું ઋષિઓના આશ્રમમાં જાઉં છું. આમ રામચંદ્ર લક્ષ્મણને સમજાવતા હતા. પણ લક્ષ્મણે રામની બધી વાત એકી તડાકે, એક જ બોલથી વાળી કાઢી; એક ઘા ને બે કટકા કર્યા. તુલસીદાસે આ ચિત્ર ખૂબ મજાનું રંગ્યું છે. લક્ષ્મણે કહ્યું, ‘ તમે મને ઉત્તમ પ્રકારની નિગમનીતિનો ઉપદેશ કરો છો. ખરૂં જોતાં એ નીતિ મારે પાળવી જોઈએ. પણ મારાથી રાજનીતિનો આ બધો ભાર સહેવાશે નહીં. તમારા પ્રતિનિધિ થવાનું બળ મારામાં નથી. હું તો નાદાન બાળક છું. ‘

दीन्हि मोहि सिख नीकि गुसांई । लागि अगम अपनी कदराई
नरवर धीर धरमधुरधारी । निगम-नीतिके ते अधिकारी
मैं शिशु प्रभुसनेह प्रतिपाला । मंदरमेरू कि लेहिं मराला ।।

”હંસ પક્ષી મેરૂમંદરનો ભાર ઊંચકી શકશે કે? રામચંદ્ર, હું તમારા પ્રેમ પર પોસાયો છું. તમારી આ રાજનીતિ બીજાને બતાવો. હું નાનું બાળક છું.” આમ કહીને લક્ષ્મણે તે આખી વાત એકી તડાકે ઉડાવી દીધી.

20. માછલી જેમ પાણીથી અળગી રહી શક્તી નથી તેવું જ લક્ષ્મણનું હતું. રામથી અળગા રહેવાની તેનામાં શક્તિ નહોતી. તેના રોમેરોમમાં સહાનુભૂતિ ભરેલી હતી. રામ સૂતા હોય ત્યારે પોતે જાગતા રહી તેમની સેવા કરવામાં જ તેનો બધો આનંદ સમાયેલો હતો. આપણી આંખને તાકીને કોઈ આપણા પર પથરો ફેંકે ત્યારે હાથ આગળ પડીને જેમ તે પથ્થરનો ઘા ઝીલી લે છે તેવી રીતે લક્ષ્મણ રામનો હાથ બન્યો હતો. રામ પર થનારો ઘા આગળ પડીને લક્ષ્મણ ઝીલી લે. તુલસીદાસે લક્ષ્મણને માટે બહુ મજાનો દાખલો આપ્યો છે. પેલો ઝંડો ઊંચે ફરકે છે, બધાં ગીત તે ઝંડાનાં ગવાય છે. તેનો રંગ, તેનો આકાર, એ બધાનું વર્ણન કરવામાં આવે છે. પણ સીધી, ટટાર ઊભી રહેનારી ઝંડાની કાંઠીની વાત કોઈ કરે છે કે? રામના યશની એ પતાકા ફરકતી હતી તેનો લક્ષ્મણ ધ્વજના દંડાની માફક આધાર હતો. તે કાયમ સીધો, ટટાર ઊભો હતો. ધ્વજનો દંડ જેમ વાંકો વળતો નથી તેમ રામના યશની પતાકા બરાબર ફરકતી રહે તે સારૂ લક્ષ્મણ હંમેશ ટટાર રહ્યો છે, કદી વાંકો વળ્યો નથી. યશ કોનો ? તો કે રામનો. દુનિયાની પતાકા દેખાય છે. દંડ વિસારે પડે છે. શિખર પરનો કળશ દેખાય છે, નીચેનો પાયો નજરે પડતો નથી. રામનો યશ ફરકી રહ્યો છે, લક્ષ્મણનો ક્યાંયે પત્તો નથી. ચૌદ ચૌદ વરસ સુધી આ દંડ જરાયે વાંકો થયો નથી. પોતે પાછળ રહી, અણછતા રહીરામનો યશ તેણે ફરકાવ્યો. રામ કઠણમાં કઠણ એવાં કામો લક્ષ્મણ પાસે કરાવે. સીતાને વનમાં મૂકી આવવાનું કામ પણ છેવટે તેમણે લક્ષ્મણને જ સોંપ્યું. લક્ષ્મણ બિચારો સીતાને વનમાં મૂકી આવ્યો. લક્ષ્મણની પોતાની એવી હયાતી જ રહી નહોતી. તે રામની આંખ, રામનો હાથ, રામનું મન બન્યો હતો. નદી સમુદ્રમાં મળી જાય તેમ લક્ષ્મણની સેવા રામમાં મળી ગી હતી. તે રામની છાયા બન્યો હતો. લક્ષ્મણની સગુણ-ભક્તિ હતી.

21. ભરત નિર્ગુણ-ભક્તિ કરનારો હતો. તેનું ચિત્ર પણ તુલસીદાસજીએ મજાનું રંગ્યું છે. રામચંદ્ર વનમાં ગયા ત્યારે ભરત અયોધ્યામાં નહોતો. ભરત પાછો આવ્યો ત્યારે દશરથનું અવસાન થયું હતું. વસિષ્ઠગુરૂ તેને રાજ્ય કરવાને કહેતા હતા. ભરતે કહ્યું, ‘ મારે રામને મળવું જોઈએ. ‘ રામને મળવાની તેના અંતરમાં તાલાવેલી થતી હતી. પણ રાજનો બંદોબસ્ત તે ગોઠવતો જતો હતો. આ રાજ રામનું છે અને તેની વ્યવસ્થા કરવી એ રામનું જ કામ છે એવી તેની ભાવના હતી. બધી સંપત્તિ સ્વામીની હતી અને તેની વ્યવસ્થા કરવાનું તેને પોતાનું કર્તવ્ય લાગ્યું. લક્ષ્મણની માફક ભરતથી માથા પરનો ભાર ફેંકી દઈ છૂટા થવાય તેવું નહોતું. આવી ભરતની ભૂમિકા હતી. રામની ભક્તિ એટલે કે રામનું કામ કરવું જોઈએ; નહીં તો તે ભક્તિ શા કામની ? બધો બંદોબસ્ત બરાબર ગોઠવીને ભરત વનમાં રામને મળવાને આવ્યો છે. ‘ હે રામ, તમારૂં આ રાજ્ય છે. તમે… ‘ એટલું તે બોલે છે ત્યાં જ રામે વચ્ચે પડીને તેને કહ્યું, ‘ ભરત, તું જ રાજ ચલાવ ‘. ભરત સંકોચથી ઊભો રહે છે ને કહે છે, ‘ તમારી આજ્ઞા મને પ્રમાણ છે. ‘ રામ કહે તે પ્રમાણ. તેણે બધું જ રામને સોંપી દીધું હતું.

22. પછી તે ગયો ને રાજ ચલાવવા લાગ્યો. પણ હવે આ વાતમાંની મજા જુઓ. અયોધ્યાથી બે માઈલ પર તે તપ કરતો રહેવા લાગ્યો. તપસ્વી રહીને તેણે રાજ ચલાવ્યું. આખરે રામ જ્યારે ભરતને મળ્યા ત્યારે વનમાં ગયેલો અસલ તપસ્વી કયો એ ઓળખવાનું બને તેવું નહોતું. બંનેના ચહેરા સરખા, થોડી ઉંમરનો ફેર, તપનું તેજ પણ સરખું, બેમાંથી રામ કયા ને ભરત કયો તે ઓળખાતું પણ નથી, એવું ચિત્ર કોઈ દોરે તો બહુ પાવન ચિત્ર થાય. મ ભરત દેહથી રામથી આઘો હતો પણ મનથી તે રામથી ક્ષણભર પણ અળગો થયો નહોતો. એક બાજુથી તે રાજ ચલાવતો હતો તો પણ મનથી તે રામની પાસે હતો. નિર્ગુણમાંસગુણ-ભક્તિ ઠાંસીને ભરેલી હોય છે. ત્યાં વિયોગની ભાષા શી બોલવી? તેથી ભરતને વિયોગ લાગતો નહોતો. ઈશ્વરનું કામ તે કરતો હતો.

23. ‘રામનું નામ, રામની ભક્તિ, રામની ઉપાસના, એ બધું અમે કંઈ ન સમજીએ; અમે તો ઈશ્વરનું કામ કરીશું; ‘ એમ આજકાલના જુવાન કહે છે. ઈશ્વરનુંકામ કેમ કરવું તે ભરત બતાવે છે. ઈશ્વરનું કામ કરીને ભરતે વિયોગ બરાબર મનમાં સમાવી દીધો છે.ભગવાનનું કામ કરતાં કરતાં તેના વિયોગનું ભાન થાય એટલો વખત પણ ન મળે એ વાત જુદી છે ને ભગવાન શું છે ને કોણ છે તેની જેને જાણ સરખી નથી, તેનું બોલવાનું જુદું છે. ઈશ્વરનું કામ કરતાં કરતાં સંયમી જીવન ગાળવું એ બહુ દુર્લભ વસ્તુ છે. ભરતની આ વૃત્તિ નિર્ગુણ કાર્ય કરતા રહેવાની હતી. છતાં સગુણનો આધાર ત્યાં તૂટી ગયો નથી. ‘ હે રામ, તમારો શબ્દ મને પ્રમાણ છે. તમે જે કહેશો તેમાં મને જરાયે શંકા નથી, ‘ આમ કહીને ભરત અયોધ્યા જવાને નીકળ્યો તો પણ તે જરા આગળ જઈને પાછો ફર્યો અને રામને કહેવા લાગ્યો, ‘ રામ, સમાધાન થતું નથી. મનમાં કંઈક ગડમથલ થયા કરે છે. ‘ રામ સમજી ગયા અને તેમણે કહ્યું, ‘ આ પાદુકા લઈ જા. ‘ આમ સગુણ માટેનો આદર આખરે તો રહ્યો જ. નિર્ગુણને સગુણે છેવટે પલાળ્યું તો ખરૂં જ. લક્ષ્મણને પેલી પાદુકાથી સમાધાન થયું ન હોત. તેની નજરે તે દૂધની ભૂખ છાશથી ભાંગવા જેવું થાત. ભરતની ભૂમિકા જુદી હતી. બહારથી તે દૂર રહીને કર્મ કરતો દેખાતો હતો પણ મનથી રામમય હતો. ભરત કર્તવ્ય બજાવવામાં રામભક્તિ માનતો હતો, તો પણ પાદુકાની જરૂર તેને લાગ્યા વગર ન રહી. એ પાદુકા વગર તે રાજકારભારનું ગાડું હાંકી શક્યો ન હોત. પેલી પાદુકાની આજ્ઞા સમજીને તે પોતાની ફરજ અદા કરતો રહ્યો. લક્ષ્મણ જેવો રામનો ભક્ત છે તેવો જ ભરત પણ છે. બંનેની ભૂમિકા બહારથી, દેખાવમાં જુદી છે. ભરત કર્તવ્યનિષ્ઠ હતો, તત્વનિષ્ઠ હતો, છતાં તેની તત્વનિષ્ઠાને પણ પાદુકાની ભીનાશની જરૂર લાગી હતી.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: