વિશ્વરૂપદર્શનની અર્જુનને થયેલી હોંસ (55)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય અગિયારમો : વિશ્વરૂપ-દર્શન
પ્રકરણ ૫૫ – વિશ્વરૂપદર્શનની અર્જુનને થયેલી હોંસ

1. ગયે વખતે આ વિશ્વમાંની અનંત વસ્તુઓમાં ભરેલ પરમાત્માને કેવી રીતે ઓળખવો, આ જે વિરાટ પ્રદર્શન આંખે દેખાય છે તેને કેમ પચાવી પોતાનું કરવું એ વાતનો આપણે અભ્યાસ કર્યો. પહેલાં સહેજે વરતાઈ આવે એવો મોટો, પછી નાનો, પહેલાં સાદો ને પછી ભેગવાળો, એમ સર્વ વસ્તુઓમાં રહેલો પરમાત્માને જોવો, તેનો સાક્ષાત્કાર કરવો, રાત ને દિવસ અભ્યાસ જારી રાખી આખાયે વિશ્વને આત્મરૂપ જોતાં શીખવું એમ પાછલા અધ્યાયમાં આપણે જોયું. આજે આપણે અગિયારમો અધ્યાય જોવાનો છે. આ અધ્યાયમાં ભગવાને પ્રત્યક્ષ પોતાનું રૂપ બતાવી અર્જુન પર પરમ કૃપા પ્રગટ કરી છે. અર્જુને ભગવાનને કહ્યું, ‘ હે ઈશ્વર, તારૂં પેલું સંપૂર્ણ રૂપ જોવું, એમ મને થાય છે. જે રૂપમાં તારો બધોયે મહાન પ્રભાવ પ્રગટ થયો છે એવું રૂપ મને નજરોનજર જોવાનું મળો. ’ અર્જુનની આ વિશ્વરૂપદર્શનની માગણી હતી.

2. આપણે વિશ્વ, જગત, એ શબ્દો વાપરીએ છીએ. આ જગત વિશ્વનો એક નાનો સરખો ભાગ છે. આ નાના રખા ટુકડાનું પણ આપણને બરાબર આકલન થતું નથી. વિશ્વને હિસાબે જોઈએ તો આપણને ઘણું મોટું લાગનારૂં આ જગત અત્યંત તુચ્છ વસ્તુ છે એમ જણાઈ આવશે. આકાશમાં રાતને વખતે ઊંચે જરા નજર ફેંકશો તો પેલા અનંત ગોળાઓ દેખાશે. આકાશના આંગણામાં પૂરેલા એ સાથિયા, એ નાનાં નાનાં સુંદર ફૂલ, એ ઝબકઝબક ઝબકારા મારતા લાખો તારા, એ બધાનું અસલ સ્વરૂપ કેવું છે તે જાણો છો ? નાના નાના તારાઓ હકીકતમાં પ્રચંડ છે. અનંત સૂર્યો તેમાં સમાઈ જશે. રસમય, તેજોમય, બળબળતી ધાતુઓના એ ગોળા છે. આવા એ અનંત ગોળાનો હિસાબ કોણ કાઢશે ? ન અંત, ન પાર. નરી આંખે હજારો ગોળા દેખાય છે. દૂરબીનમાંથી જુઓ તો કરોડો દેખાય છે. વધારે મોટું દૂરબીન મેળવીને જોશો તો પરાર્ધોના પરાર્ધ દેખાશે. અને આખરે એમનો અંત ક્યાં છે ને કેવો છે તે સમજાશે નહીં. આ જે અનંત સૃષ્ટિ ઉપર નીચે, સર્વત્ર ફેલાયેલી છે તેનો નાનો સરખો ટુકડો તે આ જગત છે. પરંતુ એ જગત પણ કેટલું બધું વિશાળ દેખાય છે !

3. આ વિશાળ સૃષ્ટિ એ પરમેશ્વરી સ્વરૂપની એક બાજુ થઈ. હવે બીજી બાજુ છે તે જોઈએ. તે છે કાળની બાજુ. પાછળનો કાળ ધ્યાનમાં લઈએ તો ઈતિહાસની મર્યાદામાં બહુ બહુ તો દસ હજાર વરસ આપણે પાછળ જઈએ છીએ, અને આગળનો કાળ તો ધ્યાનમાં બેસતો જ નથી. ઈતિહાસનો ગોળો દસ હજાર વરસનો અને આપણું પોતાનું જે જીવન તેનો કાળ બહુ બહુ તો સો વરસ ! હકીકતમાં કાળનો વિસ્તાર અનાદિ અને અનંત છે. કેટલો કાળ ગયો તેનો હિસાબ નથી. આગળ હજી કેટલો હશે તેનો ખ્યાલ આવતો નથી. વિશ્વની સરખામણીમાં આપણું આ જગત જેવું તુચ્છ છે તે પ્રમાણે ઈતિહાસનાં આ દસ હજાર વરસ અનંત કાળને મુકાબલે કંઈ જ નથી. ભૂતકાળ અનાદિ છે. ભવિષ્યકાળ અનંત છે. નાનકડો વર્તમાનકાળ વાત કરતાં કરતાં ભૂતકાળમાં જતો રહે છે. વર્તમાનકાળ ખરેખર ક્યાં છે એ બતાવવા જાઓ ત્યાં તો તે ભૂતકાળમાં ડૂબી જાય છે. આવો અત્યંત ઝડપથી સરી જનારો ચપળ વર્તમાનકાળ તેટલો આપણો છે. હું હમણાં બોલું છુ પણ મોઢામાંથી શબ્દ બહાર પડ્યો ન પડ્યો ત્યાં તો તે ભૂતકાળમાં ગડપ થઈ જાય છે. આવી મહા કાળનદી એકધારી વહ્યા કરે છે. તેના ઉગમની ખબર પડતી નથી, અંતની ખબર પડતી નથી. વચગાળાનો થોડો સરખો પ્રવાહ માત્ર નજરે પડે છે.

4. આમ એક બાજુ પર સ્થળનો પ્રચંડ વિસ્તાર અને બીજી બાજુ પર કાળનો પ્રચંડ ઓઘ એમ બંને દ્રષ્ટિથી સૃષ્ટિ તરફ જોઈએ છીએ તો કલ્પનાને ગમે તેટલી તાણવા છતાં તેનો અંત હાથ આવતો નથી એવું જણાઈ આવે છે. ત્રણે કાળમાં અને ત્રણે સ્થળમાં, ભૂત, ભવિષ્ય ને વર્તમાનમાં અને તે જ પ્રમાણે ઉપર, નીચે ને અહીં એમ સર્વત્ર ભરેલો વિરાટ પરમેશ્વર એકદમ એકી વખતે જોવાનો મળે, પરમેશ્વરનું તે રૂપમાં દર્શન થાય એવી અર્જુનને ઈચ્છા થઈ છે. એ ઈચ્છામાંથી આ અગિયારમો અધ્યાય પ્રગટ થયો છે.

5. અર્જુન ભગવાનને અત્યંત પ્રિય હતો. કેટલો ? એટલો પ્રિય હતો કે દસમા અધ્યાયમાં કયે કયે સ્વરૂપે મારૂં ચિંતન કરવું એ બતાવતાં પાંડવોમાં પોતે અર્જુન છે અને તેનામાં મારૂં ચિંતન કરતો જા એમ ભગવાન કહે છે. पांडवानां धनंजयः એવું શ્રીકૃષ્ણે કહ્યું છે. આના કરતાં પ્રેમનું બીજું વધારે પાગલપણું, પ્રેમની આધારે ઘેલછા ક્યાં હશે ? પ્રેમ કેટલો બધો ઘેલો થઈ શકે છે તેનો આ નમૂનો છે. અર્જુન પર ભગવાનની પ્રીતિનો કંઈ પાર નહોતો. તે પ્રીતિને ખાતર આ અગિયારમો અધ્યાય પ્રસાદરૂપે છે. દિવ્ય રૂપ નીરખવાની અર્જુનની ઈચ્છા તેને દિવ્ય દ્રષ્ટિ આપી ભગવાને પૂરી કરી. અર્જુનને તેમણે પ્રેમનો પ્રસાદ આપ્યો.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: