પ્રાણીઓમાં રહેલો પરમેશ્વર (53)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય દસમો : વિભૂતિ-ચિંતન
પ્રકરણ ૫૩ – પ્રાણીઓમાં રહેલો પરમેશ્વર

15. અને આપણું કામકાજ કરનારાં પેલાં ઢોર ! પેલી ગાય ! કેટલી બધી વત્સલ, માયાળુ અને પ્રેમાળ છે ! પોતાનાં વાછરડાંને સારૂ બબ્બે ત્રણત્રણ માઈલ પરથી સીમમાંથી ને વગડામાંથીતે દોડતી આવે છે. વેદમાંના ઋષિઓને વનોમાંથી ને ડુંગરોમાંથી સ્વચ્છ પાણીવાળી ધમધમાટ દોડી આવતી નદીઓને જોઈને, વાછરડાંને માટે દૂધથી ફાટફાટ થતાં આંચળવાળી ભાંભરતી આવતી ગાયોની યાદ આવે છે. નદીને તે ઋષિ કહે છે, ‘ હે દેવી, દૂધના જેવું પવિત્ર, પાવન અને મધુર એવું પાણી લઈને આવનારી તું ધેનુના જેવી છે. ગાયથી અને મધુર એવું પાણી લઈને આવનારી તું ધેનુના જેવી છે. ગાયથી જેમ વનમાં રહેવાતું નથી તેમ તમે નદીઓ પણ ડુંગરોમાં રહી શકતી નથી. તમે કૂદકા મારતી તરસ્યાં બાળકોને મળવાને આવો છો ! वाश्रा ईव धेनवः स्यंदमानाः – વત્સલ ગાયને રૂપે ભગવાન આંગણામાં ઊભો છે. ’

16. અને પેલો ઘોડો ! કેટલો ઉમદા, કેટલો પ્રમાણિક અને ધણીને કેટલો વફાદાર છે ! અરબ લોકોનો ઘોડા પર કેટલો બધો પ્રેમ હોય છે ! પેલી અરબ અને તેના ઘોડાની વાર્તા તમે જાણો છો ને ? મુશ્કેલીમાં વીંટળાઈ પડેલો અરબ પોતાનો ઘોડો સોદાગરને વેચવાને તૈયાર થાય છે. હાથમાં મહોરની થેલી લઈ તે તબેલામાં જાય છે. પણ ત્યાં તેની નજર ઘોડાની પેલી ગંભીર પ્રેમાળ આંખો તરફ જાય છે. એટલે થેલી ફેંકી દઈ તે કહે છે, ‘ જીવ જાય તો પણ આ ઘોડો હું વેચવાનો નથી. મારૂં જે થવાનું હોય તે થાઓ. ખાવાનું ન મળે તો ભલે ન મળતું. હજાર હાથવાળો દેનારો બેઠો છે ! ’ પીઠ પર થાપ મારતાંની સાથે એ ઉમદા જાનવર કેવું આનંદથી હણહણે છે ! તેની પેલી કેશવાળી કેવી રૂપાળી છે ! ખરેખર ઘોડામાં કીમતી ગુણો છે. પેલી સાઈકલમાં શું છે ? ઘોડાને ખરેરો કરો, તે તમારે માટે જીવ આપશે. તે તમારો મિત્ર થઈને રહેશે. મારો એક મિત્ર ઘોડા પર બેસતાં શીખતો હતો. ઘોડો તેને પાડી નાખે. તેણે મને આવીને કહ્યું, ‘ ઘોડો પીઠ પર બેસવા જ દેતો નથી. ’ મેં તેને કહ્યું, ‘ તમે ઘોડા પર કેવળ બેસવા પૂરતા તેની પાસે જાઓ છો, પણ તેની સેવા કરો છો ખરા ? તેની સેવા બીજો કરે અને તમે તેની પીઠ પર બેસો એ બે વાતનો મેળ ક્યાંથી ખાય ? તમે જાતે તેનાં દાણાપાણી કરો, તેને ખરેરો કરો ને પછી સવાર થાઓ. ’ તે મિત્રે તેમ કરવા માંડયું. થોડા દિવસ રહીને મારી પાસે આવી તેણે કહ્યું, ‘ હવે ઘોડો પાડી નાખતો નથી. ’ ઘોડો પરમેશ્વર છે. તે ભક્તને શું કામ પાડી નાખે ? પેલાની ભક્તિ જોઈ ઘોડો નમ્યો. આ ભક્ત છે કે ત્રાહિત છે તે ઘોડો જોયા કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ જાતે ખરેરો કરતા અને પીતાંબરમાંથી ચંદી ખવડાવતા. ટેકરી આવી, નાળું આવ્યું, કાદવ વ્યો કે સાઈકલ અટકી જાણવી. પણ ઘોડો એ બધાં પરથી કૂદકો મારીને આગળ જાય છે. સુંદર પ્રેમાળ ઘોડો ટલે પરમેશ્વરની મૂર્તિ જાણો!

17. અને પેલો સિંહ ! હું વડોદરામાં રહેતો હતો. ત્યાં સવારના પહોરમાં તેની ગર્જનાનો પેલો ગંભીર ધ્વનિ કાનમાં અથડાતો. તે અવાજ એટલો ગંભીર અને ઉત્કૃષ્ટ હતો કે મારૂં દિલ હાલી ઊઠતું. દેવળના ગભારામાં જેવો અવાજ ઘૂમે છે તેવો હ્રદયના ગભારામાંથી ઘૂમીને ઊઠતો ઊંડો ઘેરો એ અવાજ હતો. સિંહની તે ધીરોદાત્ત અને દિલદાર મુદ્રા કેવી ! તેની તે બાદશાહી એંટ કેવી અને તે બાદશાહી વૈભવ કેવો ! અને તેની ભવ્ય સુંદર કેશવાળી કેવી ! કેમ જાણે તે વનરાજને કુદરતી ચમરી ઢાળવામાં આવતી ન હોય ! વડોદરામાં સિંહ બગીચામાં હતો. ત્યાં તે છૂટો નહોતો. પીંજરામાં આંટા માર્યા કરતો. તેની આંખોમાં ક્રૂરતાનું નામ સરખું નહોતું. તે ચહેરામાં ને તે નજરમાં કારૂણ્ય ભરેલું દેખાતું. તેને જાણે કે દુનિયાની પરવા નહોતી. પોતાના જ ધ્યાનમાં તે મશગુલ હતો ! સિંહ એ પરમેશ્વરની પાવન વિભૂતિ છે એમ ખરેખર લાગે છે. ઍન્ડ્રૉક્લિસ અને સિંહની વાત મેં બચપણમાં વાંચેલી. કેવી મજાની એ વાર્તા છે ! તે ભૂખ્યો સિંહ ઍન્ડ્રૉક્લિસના પહેલાંના ઉપકાર યાદ કરી તેનો દોસ્ત બની જાય છે અને તેના પગ ચાટવા મંડે છે. આ શું છે ? ઍન્ડ્રૉક્લિસે સિંહમાંના પરમેશ્વરને જોયો હતો. શંકરની પાસે સિંહ હંમેશ હોય છે. સિંહ ભગવાનની દિવ્ય વિભૂતિ છે.

18. અને વાઘની મજા શું ઓછી છે ? તેનામાં ઘણું ઈશ્વરી તેજ પ્રગટ થયું છે. તેની સાથે મૈત્રી રાખવાનું અશક્ય નથી. ભગવાન પાણિનિ અરણ્યમાં શિષ્યોને શીખવતા બેઠા હતા. એટલામાં વાઘ આવ્યો. છોકરાંઓ ગભરાઈને કહેવા લાગ્યાં, व्याघ्रः व्याघ्रः – વાઘ, વાઘ. પાણિનિએ કહ્યું, ‘ હા, વ્યાઘ્ર એટલે શું ? व्याजिघ्रतीति व्याघ्रः – જેની ઘ્રાણેન્દ્રિય તીક્ષ્ણ છે તે વ્યાઘ્ર. ’ છોકરાંઓને વાગનો જે ડર લાગ્યો હોય તે ખરો ભગવાન. પાણિનિને સારૂ વ્યાઘ્ર એક નિરૂપદ્રવી આનંદમય શબ્દ બની ગયો હતો. વાઘને જોઈ તેને માટેના શબ્દની વ્યુત્પત્તિ તેમણે આપવા માંડી. વાઘ પાણિનિને ખાઈ ગયો. પણ વાઘ ખાઈ ગયો તેથી શું થયું? પાણિનિના દેહની તેને મીઠી વાસ આવી હતી. એટલે તે તેનો કોળિયો કરી ગયો. પણ પાણિનિ તેની આગળથી નાઠા નહીં. આખરે તેઓ શબ્દબ્રહ્મની ઉપાસના કરવાવાળા રહ્યા ! તેમણે બધું યે અદ્વૈતમય કરી નાખ્યું હતું. વાઘમાં પણ તેઓ શબ્દબ્રહ્મનો અનુભવ કરતા હતા. પાણિનિની જે આ મહત્તા છે, તેને લીધે જ્યાં જ્યાં ભાષ્યમાં તેમનો ઉલ્લેખ આવે છે ત્યાં ભગવાન પાણિનિ એમ પૂજ્યભાવપૂર્વક સંબોધવામાં આવે છે. પાણિનિનો અત્યંત ઉપકાર માનવામાં આવે છે.

अज्ञानांधस्य लोकस्यज्ञर्नांजनशलाकया ।
चक्षुरून्मीलितं येन तस्मै पाणिनये नमः ।।

જ્ઞાનાંજનની સળીથી જેમણે અજ્ઞાનથી અંધ એવા લોકોની આંખો ઉઘાડી તે પાણિનિને નમસ્કાર હો ! એવા ભગવાન પાણિનિ વાઘમાં પરમાત્મા જોઈ રહ્યા છે. જ્ઞાનદેવે કહ્યું છે,

घरा येवा पां स्वर्ग । कां वरि पडो व्याघ्र
परी आत्मबुद्धीसी भंग । कदा नोहे

ઘર આંગણે સ્વર્ગ આવીને ઊભું રહે અથવા સામો વાઘ ખડો થાય તો પણ આત્મબુદ્ધિમાં કદાપિ ભંગ ન થાય એવી મહર્ષિ પાણિનિની સ્થિતિ થયેલી હતી. વ્યાઘ્ર દૈવી વિભુતિ છે એ વાત તેઓ બરાબર સમજ્યા હતા.

19. તેવો જ પેલો સાપ ! લોકો સાપથી બહુ ડરે છે. પણ સાપ ચુસ્ત અને શુદ્ધ બ્રાહ્મણ છે. કેટલો સ્વચ્છ ને કેટલો બધો સુંદર ! જરા સરખો ગંદવાડ તેનાથી સહેવાતો નથી. મેલાઘેલા બ્રાહ્મણો કેટલાયે જોવાના મળે છે. પણ મેલો સર્પ કદી કોઈએ જોયો છે કે ? એકાંતમાં રહેનારો જાણે કે ઋષિ ! નિર્મળ, સતેજ, મનોહર હાર જેવા એ સાપથી બીવાનું કેવું ? આપણા પૂર્વજોએ તો તેની પૂજા કરવાનું કહ્યું છે. હિંદુધર્મમાં કેવાં કેવાં તૂત છે એમ તમે ભલે કહો પણ નાગપૂજા કરવાની કહી છે એટલી વાત સાચી. નાનપણમાં હું માને કંકુનો સાપ ચીતરી આપતો. હું માને કહેતો, ‘ બજારમાં ચિત્ર મજાનું મળે છે. ’ મા કહેતી, ‘તે રદ્દી. તે આપણને ન જોઈએ. છોકરાના હાથનું કાઢેલું જ સારૂં. ’ પછી તે પેલા નાગની પૂજા કરતી. આ તે શું પાગલપણું છે ? પણ જરા વિચાર કરો. તે સર્પ શ્રાવણ મહિનામાં અતિથિ તરીકે આપણે ત્યાં આવે છે. તે બિચારાનું ઘર વરસાદના પાણીથી ભરાઈ ગયેલું હોય છે.પછી તે બિચારો શું કરે ? દૂર એકાંતમાં રહેનારો એ ઋષિ છે. તમને નકામો વધારે પડતો ત્રાસ ન થાય તેટલા ખાતર છેક ઉપરના કાતરિયામાં લાકડામાં પડી રહે છે. ઓછામાં ઓછી જગ્યા રોકે છે. પણ આપણે લાકડી લઈને દોડીએ છીએ. આફતમાં ઘેરાવાથી અતિથિ આપણે ઘેર આવે તો શું તેને મારવા દોડવું ? સંત ફ્રાન્સિસ વિષે કહેવાય છે કે જંગલમાં સાપ દેખાય એટલે તે પ્રેમથી કહેતા, ‘ આવ ભાઈ આવ. ’ તે સાપ તેમના ખોળામાં રમતા, શરીર પર વીંટળાઈને ફરતા. આ વાતને ખોટી ગણી કાઢશો મા. પ્રેમમાં એ શક્તિ છે. કહે છે સાપ ઝેરી છે. અને માણસ શું ઓછો ઝેરી છે કે ? સાપ કરડતો હશે તોયે કોઈક વાર કરડે છે. જાણીબૂજીને ખાસ કરડવાને તે આવતો નથી. સેંકડે નેવું ટકા સાપ તો ઝેરી હોતા જ નથી. તે તમારી ખેતીનું રખવાળું કરે છે. ખેતીનો નાશ કરનારાં અસંખ્ય જીવડાં ને જંતુઓ પર તે જીવે છે. આવો ઉપકાર કરનારો, શુદ્ધ, તેજસ્વી, એકાંતપ્રિય સાપ ભગવાનનું સ્વરૂપ છે. આપણા બધા દેવોમાં સાપને ક્યાંક ને ક્યાંક ગોઠવેલો છે. ગણપતિની કમરે આપણે નાગનો કંદોરો મૂક્યો છે. શંકરને ગળે નાગને વીંટાળ્યો છે. અને ભગવાન વિષ્ણુને તો પથારી જ નાગની આપી છે ! આ બધી કલ્પનાઓમાં રહેલી મીઠાશ તો જુઓ ! એ બધી વાતનો ભાવાર્થ ભાવાર્થ એવો છે કે નાગમાં ઈશ્વરની મૂર્તિ પ્રગટ થયેલી છે. સાપમાં રહેલા ઈશ્વરને ઓળખો.

20. આવી આવી કેટલી વાતો કહું ? હું તમને કલ્પના આપું છું. રામાયણનો આખો સાર આવી જાતની રમણીય કલ્પનામાં સમાયેલો છે. રામાયણમાં પિતા-પુત્રનો પ્રેમ, મા-દીકરાનો પ્રેમ, ભાઈ-ભાઈ વચ્ચેનો પ્રેમ, પતિ-પત્નીનો પ્રેમ, એ બધું છે.પણ રામાયણ મને પ્રિય છે તે એટલા ખાતર નથી. રામની વાનરો સાથે દોસ્તી થઈ તેટલા ખાતર મને રામાયણ ખાસ ગમે છે. હમણાં કહેવાવા માંડયું છે કે વાનરો નાગ લોકો હતા. જૂનું જૂનું શોધી કાઢી ઉખેળવાનું ઈતિહાસ જાણવાવાળાનું કામ છે. મારે તેમના કામની સાથે તકરાર નથી કરવી. પણ રામે સાચેસાચી વાનરો સાથે મૈત્રી બાંધી તેમાં અશક્ય શું છે ? રામ વાનરોના દોસ્ત બન્યા એમાં જ રામનું સાચું રામત્વ છે, રમણીયત્વ છે. તેવો જ શ્રીકૃષ્ણનો ગાયો સાથેનો સંબંધ જુઓ. આખીયે કૃષ્ણપૂજા આ વાત પર ઊભી કરી છે. શ્રીકૃષ્ણનું ચિત્ર હોય તેમાં તેની ફરતે ગાયો હોય જ. ગોપાળ કૃષ્ણ ! ગોપાળકૃષ્ણ ! કૃષ્ણથી ગાયોને જૂદી પાડો તો કૃષ્ણમાં રહે છે શું ? અને વાનરોથી રામને અળગા પાડો તો પછી રામમાં પણ શા રામ રહે છે ? રામે વાનરોમાં વસતા પરમાત્માને જોયો અને તેમની સાથે પ્રેમની ઊંડી મમતાનો સંબંધ બાંધ્યો. રામાયણની એ ચાવી છે. એ ચાવી છોડી દેશો તો રામાયણની બધી મીઠાશ ગુમાવી બેસશો. પિતા-પુત્રના, મા-દીકરાના સંબંધો બીજે પણ જોવાના મળશે. પણ નર-વાનરની બીજે ક્યાંય જોવાની મળતી નથી એવી મૈત્રી રામાયણમાં છે. વાનરોમાં રહેલો ઈશ્વર રામાયણે પોતાનો કર્યો. વાનરોને જોઈને ઋષિઓને કૌતુક થતું. રામટેકથી માંડીને ઠેઠ કૃષ્ણાના કાંઠા સુધી જમીનને પગ ન અડાડતાં ઝાડ પર ને ઝાડ પર કૂદકાં મારતાં મારતાં એ વાનરો રમતા ફરતા. એવાં એ ઘનઘોર જંગલો અને તેમાં રમતા તે વાનરોને જોઈને પ્રેમાળ ઋષિઓને કવિતાની પ્રેરણા થતી અને કૌતુક થતું. ઉપનિષદમાં બ્રહ્માની આંખો કેવી હોય છે તેનું વર્ણન કરતાં તે વાનરોની આંખો જેવી હોય છે એમ કહ્યું છે. વાનરોની આંખો ચંચળ છે. તેમની નજર ચારેકોર ફર્યા કરે. બ્રહ્માની આંખો એવી જ હોવી જોઈએ. ઈશ્વરને આંખો સ્થિર રાખ્યે ચાલે નહીં. તમે કે હું ધ્યાનસ્થ થઈને બેસીએ તે ચાલે, પણ ઈશ્વર ધ્યાનસ્થ થઈને બેસી જાય તો સૃષ્ટિનું શું થાય ? વાનરોમાં સૌ કોઈની ફિકર રાખનારા બ્રહ્માની આંખો ઋષિઓને દેખાય છે. વાનરમાં ઈશ્વરને જોતાં શીખો.

21. અને પેલો મોર ! મહારાષ્ટ્રમાં મોર ઝાઝા નથી. પણ ગુજરાતમાં ઘણા છે. હું ગુજરાતમાં રહેતો હતો. મેં રોજ દસબાર માઈલ ફરવા જવાની ટેવ પાડી હતી. ફરવા નીકળું ત્યાં મને મોર જોવાના મળે. આકાશમાં વાદળાં છવાયેલાં હોય, વરસાદ પડું પડું થઈ રહ્યો હોય, આકાશને કાળો ઘેરો રંગ ચડ્યો હોય અને ત્યાં મોર પોતાનો ટહુકો કરે છે. હ્રદયને નિચોવીને નીકળેલો એ ટહુકો એક વાર સાંભળો તો તેની ખૂબી સમજાય. આપણું આખું સંગીતશાસ્ત્ર મોરના એ ધ્વનિ પર ઊભું થયેલું છે. મોરનો અવાજ એટલે षड्जं रौति. આ પહેલો ‘ ખરજનો ’ સૂર મોરે આપ્યો અને પછી વત્તાઓછા પ્રમાણમાં આપણે બીજા સૂર બેસાડ્યા છે. તેની પેલી મેઘ પર ઠરેલી નજર, તેનો એ ઊંડો ઘેરો અવાજ, અને વાદળાંનો ધિમધિમ ગડગડ અવાજ શરૂ થયાંની સાથે તેણે ફેલાવેલાં પોતાનાં પીંછાંનો કલાપ; અહાહા ! તેની એ કળાની આગળ માણસની એંટ ફીકી પડે છે. બાદશાહ શણગાર કરે છે. પણ મોરની કળાની સરખામણીમાં તે કેટલોક શણગાર કરવાનો હતો ? કેવી તે પીંછાના કલાપની ભવ્યતા, કેવા તેના હજારો ચાંલ્લા, કેવા તે જુદા જુદા રંગ, તે અનંત છટા, તે અદભૂત સુંદર મૃદુ રમણીય રચના, તે વેલબુટ્ટા ! જુઓ, જુઓ એ કળા; અને ત્યાં પરમાત્માને પણ જુઓ. આ આખી સૃષ્ટિએ આવો વેશ લીધો છે. સર્વત્ર પરમાત્મા દર્શન આપતો ઊભો છે, પણ આપણે ન જોઈ શકનારા ખરેખર અભાગી છીએ. તુકારામે કહ્યું છે, देव आहे सुकाळ देगीं, अभाग्यासी દુર્ભિક્ષ – હે ઈશ્વર, દેશમાં ચારેકોર સુકાળ છે પણ અભાગિયાના કપાળમાં દુકાળ છે. સંતોને સર્વત્ર સુકાળ છે પણ આપણે માટે બધે દુકાળ છે.

22. અને પેલી કોકિલાને હું કેમ વિસરૂં ? તે કોને સાદ પાડે છે ? ઉનાળામાં નદીનાળાં બધાં સુકાયાં. પણ ઝાડવાંને નવા પાંદડાં ફૂટ્યાં. કોણે આ વૈભવ આપ્યો, એ વૈભવનો આપનારો ક્યાં છે એમ તે પૂછતી હશે ? અને કેવો તેનો ઉત્કટ મીઠો અવાજ છે ! હિન્દુધર્મમાં કોકિલાનું વ્રત જ કહ્યું છે. કોયલનો અવાજ સાંભળ્યા વગર જમવું નહીં એવું વ્રત સ્ત્રીઓ લે છે. એ કોયલને રૂપે પ્રગટ થનારા પરમાત્માને જોતાં શીખવનારૂં એ વ્રત છે. એ કોયલ કેવો સુંદર ધ્વનિ કાઢે છે, જાણે ઉપનિષદ ગાય છે ! તેનો અવાજ કાને પડે છે પણ તે પોતે દેખાતી નથી. પેલો અંગ્રેજ કવિ વર્ડ્ઝવર્થ તેને સારૂ પાગલ બની તેને શોધતો વનવગડામાં ભટકે છે. ઈંગ્લંડનો મોટો કવિ કોકિલાને શોધે છે પણ ભારતમાં તો ઘરઘરની સામાન્ય સ્ત્રીઓ કોયલ જોવાની ન મળે તે દિવસે જમવાનું જતું કરે છે ! કોકિલ-વ્રતને કારણે ભારતીય સ્ત્રીઓએ મહાન કવિનો દરજ્જો મેળવ્યો છે. કોકિલા પરમ આનંદનો મધુરો અવાજ સંભળાવે છે. તેને રૂપે ખુદ પરમાત્મા પ્રગટ થયો છે.

23. કોયલ સુંદર છે તો શું પેલો કાગડો નકામો, રદ્દી છે ? કાગડાની પણ કદર કરતાં શીખો. મને પોતાને તે બહુ ગમે છે. તેનો કેવો મજાનો કાળો ચળકતો રંગ છે ! અને કેવો તીવ્ર અવાજ છે ! એ અવાજ શું ભૂંડો છે કે ? તે પણ મીઠો છે. પાંખ ફફડાવતો આવે છે ત્યારે એ કાગડો કેવો મજાનો દેખાય છે ! નાનાં છોકરાંનાં ચિત્તને હરી લે છે. નાનું છોકરૂં બંધ ઘરમાં જમતું નથી. તેને બહાર આંગણામાં લઈ જઈને જમાડવું પડે છે, અને કાગડાં-ચકલાં બતાવતાં કોળિયા ભરાવવા પડે છે. કાગડાને માટે પ્રેમ રાખનારૂં તે બાળક શું ઘેલું છે ? તે ઘેલું નથી. તેનામાં જ્ઞાન ભરેલું છે. કાગડાને રૂપે પ્રગટ થયેલા પરમાત્મા સાથે તે બાળક ઝટ એકરૂપ થઈ જાય છે. મા ભાતમાં દહીં મેળવે, દૂધ મેળવે કે ખાંડ મેળવે, તેમાં તે છોકરાને મીઠાશ આવતી નથી. કાગડાની પાંખોનો ફડફડાટ અને તેના ભાતભાતના ચાળા, એ બધામાં તે બાળકને આનંદ પડે છે. સૃષ્ટિની બાબતમાં નાનાં છોકરાંને જે આ કૌતુક થયા કરે છે તેના પર તો આખીયે ઈસપનીતિ ઊભી કરવામાં આવી છે. ઈસપને બધે ઠેકાણે ઈશ્વર દેખાતો હતો. મને ગમતી ચોપડીઓની યાદીમાં હું ઈસપનીતિને પહેલી લઈશ, કદી નહીં ભૂલું. ઈસપના રાજ્યમાં આ બે હાથવાળું ને બે પગવાળું એકલું મનુષ્યપ્રાણી નથી; તેમાં શિયાળિયાં, કૂતરાં, સસલાં, વરૂ, કાગડા, કાચબા બધાંયે છે. બધાં હસે છે, બોલે છે. એ એક ખાસું મોટું સંમેલન છે. ઈસપની સાથે આખીયે ચરાચર સૃષ્ટિ વાતો કરે છે. તેને દિવ્ય દર્શન થયું છે. રામાયણની રચના પણ આ જ તત્ત્વના, આ જ દ્રષ્ટિના પાય ઉપર થયેલી છે. તુલસીદાસે રામના બાળપણનું વર્ણન કર્યું છે. રામચંદ્ર આંગણામાં રમે છે. પાસે જ એક કાગડો છે. રામ આસ્તે રહીને તેને પકડવા માગે છે. કાગડો આઘો સરી જાય છે. આખરે રામ થાકે છે. પણ તેને એક તરકીબ સૂઝે છે. બરફીનો કકડો હાથમાં લઈ તે કાગડાની પાસે જાય છે. રામ કાગડાને તે કકડો દેખાડે છે. કાગડો જરા પાસે આવે છે. આવા આ વર્ણનમાં તુલસીદાસજીએ લીટીઓની લીટી ભરી છે. કારણ, પેલો કાગડો પરમેશ્વર છે. રામની મૂર્તિમાં રહેલો જે અંશ તે જ કાગડામાં પણ છે.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: