ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય નવમો – માનવસેવાની રાજવિદ્યા : સમર્પણયોગ
પ્રકરણ ૪૮ – થોડું પણ મીઠાશભર્યું
31. ‘ पत्रं पुष्पं फलं तोयम् ’ – ગમે તે હો, ભક્તિ હોય એટલે થયું. કેટલું આપ્યું એ પણ સવાલ નથી. કઈ ભાવનાથી આપો છો એ મુદ્દો છે. એક વાર એક પ્રોફેસર ભાઈની સાથે મારે ચર્ચા થઈ. એ હતી શિક્ષણશાસ્ત્રને વિષે. અમારા બેની વચ્ચે વિચારભેદ હતો. આખરે પ્રોફેસરે કહ્યું, ‘ અરે, હું અઢાર અઢાર વરસોથી કામ કરૂં છું. ’ તે પ્રોફેસરે સમજાવીને કે દલીલથી પોતાની વાત મારે ગળે ઉતારવી જોઈતી હતી. પણ તેમ ન કરતાં હું આટલાં વરસોથી શિક્ષણમાં કામ કરૂં છું એવું તેમણે કહ્યું. ત્યારે મેં વિનોદમાં કહ્યું, ‘ અઢાર વરસ સુધી બળદ બળદ યંત્રની સાથે ફર્યો હોય તેથી શું તે યંત્રશાસ્ત્રજ્ઞ થઈ જશે કે ? ’ યંત્રશાસ્ત્રજ્ઞ જુદો છે ને પેલો ચક્કર ચક્કર ફરનારો બળદ જુદો છે. શિક્ષણશાસ્ત્રજ્ઞ જુદો છે ને શિક્ષણની હમાલી કરનારો વેઠિયો જુદો છે. સાચો શાસ્ત્રજ્ઞ હશે તે છ જ મહિનામાં એવો એનુભવ મેળવશે કે જે અઢાર અઢાર વરસ સુધી મજૂરી કરનાર વેઠિયાને સમજાશે પણ નહીં. ટૂંકમાં, તે પ્રોફસરે દાઢી બતાવી કે મેં આટલાં વરસ કામ કર્યું છે. પણ દાઢીથી કંઈ સત્ય સાબિત થાય છે ? તેવી રીતે પરમેશ્વરની આગળ કેટલા ઢગલા કર્યા તે વાતનું કશું મહત્વ નથી. માપનો, આકારનો કે કિંમતનો અહીં સવાલ નથી. મુદ્દો ભાવનાનો છે. કેટલું ને શું અર્પણ કર્યું એ મુદ્દો ન હોઈ કેવી રીતે અર્પણ કર્યું એ મુદ્દો છે. ગીતામાં માત્ર સાતસો શ્લોક છે. દસ દસ હજાર શ્લોકવાળા બીજા ગ્રંથો પણ છે. પણ ચીજ મોટી હોય તેથી તેનો ઉપયોગ પણ ઘણો હોય જ એવું નથી. વસ્તુમાં તેજ કેટલું છે, સામર્થ્ય કેટલું છે તે જોવાનું હોય છે. જીવનમાં કેટલી ક્રિયાઓ કરી એ વાતનું મહત્વ નથી. પણ ઈશ્વરાર્પણ બુદ્ધિથી એક જ ક્રિયા કરી હોય તો તે એક જ ક્રિયા ભરપૂર અનુભવ આપશે. એકાદ પવિત્ર ક્ષણમાં કોઈક વાર એટલો બધો અનુભવ મળી જાય છે કે તેટલો બાર બાર વરસમાં સુદ્ધાં મળતો નથી.
32. ટૂંકમાં જીવનમાં થતાં સાદાં કર્મો, સાદી ક્રિયાઓ પરમેશ્વરને અર્પણ કરો. એટલે જીવનમાં સામર્થ્ય કેળવાશે, મોક્ષ હાથમાં આવશે. કર્મ કરવું અને તેનું ફળ ફેંકી ન દેતાં તે ઈશ્વરને અર્પણ કરવું એવો આ રાજયોગ કર્મયોગથીયે એક ડગલું આગળ જાય છે. કર્મયોગ કહે છે, ‘ કર્મ કરો ને તેનું ફળ છોડો, ફળની આશા ન રાખો, ’ કર્મયોગ આટલેથી અટકી જાય છે. રાજયોગ આગળ વધીને કહે છે, ‘ કર્મનાં ફળ ફેંકી ન દઈશ. બધાં કર્મો ઈશ્વરને અર્પણ કર. એ ફૂલો છે. તેના તરફ આગળ લઈ જનારાં સાધનો છે. તે તેની મૂર્તિ પર ચડાવી દે. એક તરફથી કર્મ અને બીજી તરફથી ભક્તિ એવો મેળ બેસાડીને જીવનને સુંદર કરતો કરતો આગળ જા. ફળનો ત્યાગ ન કરીશ. ફળને ફેંકી દેવાનું નથી પણ તેને ઈશ્વરની સાથે જોડી આપવાનું છે. કર્મયોગમાં તોડી લીધેલું ફળ રાજયોગમાં જોડી દેવામાં આવે છે. વાવવું ને ફેંકી દેવું એ બે વાતમાં ફેર છે. વાવેલું થોડું સરખું અનંતગણું થઈને, ભરપૂર થઈને મળશે, ફેંકેલું ફોગટ જશે. ઈશ્વરને જે કર્મ અર્પણ થયું તે વવાયું જાણવું. તેથી જીવનમાં અપાર આનંદ ઊભરાશે અને પાર વગરની પવિત્રતા આવશે. ’