ઉધો ગમતુ નથી ગોવિંદ વિના, તમે કહેજો મથુરા જઇ
રાધીકાને દરશન દેવા, એકવાર આવો અહીં –ટેક
વિરહની વાતો વિરહી જાણે, જેણે કરી પ્રીત સાચી સઇ
નાતો ઘણો નાનપણાનો, તેને તોડી ગયા તહીં –1
શિદને તલસાવો શામળા, જરા દયા લાવો કંઇ
ગરીબ ગોવાલણ ગામડી અમને, સાચી સમજણ નહીં –2
શોભતું નથી શામળા તમને, તરછોડી જાવું તહીં
ભજનપ્રકાશ પ્રીત પૂરવની, તોડી તૂટે નહીં –3