ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય નવમો – માનવસેવાની રાજવિદ્યા : સમર્પણયોગ
પ્રકરણ ૪૭ – પાપનો ડર નથી
29. બધે હરિભાવના રાખવી એ વાત એક વાર ચિત્તમાં બરાબર ઠસી ગયા પછી એકબીજાએ એકબીજાની સાથે કેવી રીતે વર્તવું તેનું બધુંયે નીતિશાસ્ત્ર આપોઆપ સહેજે અંતઃકરણમાં સ્ફુરવા માંડશે. બલ્કે, તેની જરૂર જ નહીં રહે. પછી દોષો દૂર થશે, પાપો નાસી જશે, અને દુરિતોનું અંધારૂં હઠી જશે. તુકારામે કહ્યું છે,
चाल केलासी मोकळा । बोल विठ्ठल वेळोवेळां ।
तुज पाप चि नाहीं ऐसें । नाम धेतां जवलीं वसे ।।
ચાલ, તને છૂટ આપી છે. વારે વારે વિઠ્ઠલનું નામ લે. તારૂં એવું એકે પાપ નથી જે નામ લીધા પછી પાસે ઊભું રહે. ચાલ, પાપ કરવાની તને પૂરી છૂટ છે. તું પાપ કરતો થાકે છે કે પાપોને બાળતાં હરિનામ થાકે છે એ એક વાર જોઈ લઈએ. હરિનામની આગળ ટકી શકે એવું ધીંગું, દાંડ પાપ છે ક્યાં ? करीं तुजसी करवती – તારાથી થાય તેટલાં પાપ કર. તને સદર પરવાનગી છે. નામની અને તારાં પાપની એક વખત કુસ્તી થવા દે. અરે, એ નામમાં આ જન્મનાં તો શું, અનંત જન્મનાં પાપા એક જ ક્ષણમાં બાળીને ખાક કરવાનું સામર્થ્ય છે. ગુફામાં અનંત યુગોથી અંધારૂં ભરેલું હશે તોયે એક દિવાસળી ઘસી કે થયું, તે બધુંયે પળવારમાં હઠી જશે. અંધારાનો પ્રકાશ થઈ જાય છે. પાપો જેટલાં જૂનાં તેટલાં વહેલાં મરે છે. તે મરવાને વાંકે જ જીવી રહેલાં હોય છે. જૂનાં લાકડાંની રાખ થતાં જરાયે વાર લાગતી નથી.
30. રામનામની પાસેપાપ રહી જ શકતું નથી. છોકરાંઓ કહે છે ને કે, ‘ રામ બોલતાંની સાથે ભૂતો ભાગી જાય છે. ’ નાનપણમાં અમે છોકરાઓ સ્મશાનમાં જઈને પાછા આવતા. સ્મશાનમાં જઈ ત્યાં ખૂંટી મારી આવવાની અમે શરતો બકતા. રાતને વખતે સાપસાપોલિયાં હોય, કાંટાઝાંખરાં હોય, બહાર અંધારૂં ઘોર, અને છતાં અમને કશું લાગતું નહીં, ભૂત કદી જોવાનું મળ્યું નહીં. આખરે ભૂત બધાં કલ્પનાનાં જ ને ? તે ક્યાંથી દેખાય ? એક દશ વરસના બાળકમાં રાત્રે મસાણમાં જઈ આવવાનું આ સામર્થ્ય ક્યાંથી આવ્યું ? રામનામથી. તે સામર્થ્ય સત્યરૂપ પરમાત્માનું હતું. પરમેશ્વર પાસે છે એવી ભાવના હોય પછી આખી દુનિયા સામી આવીને ઊભી રહેતાં હરિનો દાસ ડરતો નથી. તેને કયો રાક્ષસ ખાઈ શકશે ? રાક્ષસ બહુ તો તેનું શરીર ખાઈ જશે ને પચાવી શકશે. પણ રાક્ષસને સત્ય પચવાનું નથી. સત્યને પચાવી જઈ શકે એવી શક્તિ જગતમાં કોઈ નથી. ઈસ્વરી નામની સામે પાપ ટકી જ શકતું નથી. તેથી ઈશ્વરને મેળવો, તેની કૃપા મેળવો. બધાંયે કર્મો તેને અર્પણ કરો. તેના થઈને રહો. સર્વ કર્મોનું નૈવેદ્ય પ્રભુને અર્પણ કરવાનું છે એ ભાવના ઉત્તરોત્તર વધારે ને વધારે ઉત્કટ કરતા જશો એટલે ક્ષુદ્ર જીવન દિવ્ય બનશે, મલિન જીવન સુંદર થશે.