ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય નવમો – માનવસેવાની રાજવિદ્યા : સમર્પણયોગ
પ્રકરણ ૪૨ – સહેલો રસ્તો
૪. જે ધર્મનો ગીતા સાર છે તેને વૈદિક ધર્મ કહે છે. વૈદિક ધર્મ એટલે વેદમાંથી નીકળેલ ધર્મ. પૃથ્વીના પડ પર જે કંઈ પ્રાચીન લખાણ મોજૂદ છે તેમાંનું વેદ પહેલું લખાણ મનાય છે. તેથી ભાવિક લોક તેને અનાદિ માને છે. આથી વેદ પૂજ્ય ગણાયા. અને ઈતિહાસની દ્રષ્ટિથી જોઈએ તો પણ વેદ આપણા સમાજની પ્રાચીન ભાવનાઓનું જૂનું નિશાન છે. તામ્રપટ, શિલાલેખ, જૂના સિક્કા, વાસણો, પ્રાણીઓના અવશેષ એ બધાંના કરતાં આ લેખિત સાધન અત્યંત મહત્વનું છે. પહેલવહેલો ઐતિહાસિક પુરાવો એ વેદ છે. આવા એ વેદમાં જે ધર્મ બીજરૂપે હતો તેનું વૃક્ષ વધતાં વધતાં છેવટે તેને ગીતાનું દિવ્ય મધુર ફળ બેઠું. ફળ સિવાય ઝાડનું આપણે શું ખાઈ શકીએ ? ઝાડને ફળ બેસે પછી જ તેમાંથી ખાવાનું મળે. વેદધર્મના સારનોયે સાર તે આ ગીતા છે.
5. આ જે વેદધર્મ પ્રાચીન કાળથી રૂઢ હતો તેમાં તરેહતરેહના યજ્ઞયાગ, ક્રિયાકલાપ, વિવિધ તપશ્ચર્યાઓ, નાના પ્રકારની સાધનાઓ બતાવેલી છે. એ બધું કર્મકાંડ નિરૂપયોગી નહીં હોય તો પણ તેને સારૂ અધિકારની જરૂર રહેતી હતી. તે કર્મકાંડની સૌ કોઈને છૂટ નહોતી. નાળિયેરી પર ઊંચે રહેલું નાળિયેર ઉપર ચડીને તોડે કોણ ? તેને પછી છોલે કોણ ? અને તેને ફોડે કોણ ? ભૂખ તો ઘણીયે લાગી હોય. પણ એ ઊંચા ઝાડ પરનું નાળિયેર મળે કેવી રીતે ? હું નીચેથી ઊંચે નાળિયેર તરફ તાકું ને નાળિયેર ઉપરથી મારા તરફ જોયા કરે. પણ એથી મારા પેટની આગ થોડી હોલવાવાની હતી ? એ નાળિયેર અને મારી સીધી મુલાકાત ન થાય ત્યાં સુધી બધું નકામું. વેદમાંની એ વિવિધ ક્રિયાઓમાં અત્યંત સૂક્ષ્મ વિચારો હોય. સામાન્ય જનતાને તે કેવી રીતે સમજાય ? વેદમાર્ગ વગર મોક્ષ ન મળે પણ વેદનો તો અધિકાર નહીં! પછી બીજાંઓનું શું થાય ?
6. તેથી કૃપાળુ સંતોએ આગળ પડી કહ્યું, ‘ લાવો, આપણે આ વેદોનો રસ કાઢીએ. વેદોનો સાર ટૂંકામાં કાઢી દુનિયાને આપીએ. ’ એથી તુકારામ મહારાજ કહે છે,
वेद अनंत बोलला । अर्थ ईतुका चि सादला ।
વેદે પાર વગરની વાતો કરી પણ તેમાંથી અર્થ આટલો જ સધાયો. એ અર્થ કયો ? હરિનામ. હરિનામ એ વેદનો સાર છે. રામનામથી મોક્ષ અવશ્ય મળે છે. સ્ત્રીઓ, છોકરાં, શૂદ્ર, વૈશ્ય, અણઘડ, દૂબળાં, રોગી, પાંગળાં સૌ કોઈને માટે મોક્ષની છૂટ થઈ. વેદના કબાટમાં પુરાઈ રહેલો મોક્ષ ભગવાને રાજમાર્ગ પર આણીને મૂક્યો. મોક્ષની સાદીસીધી યુક્તિ તેમણે બતાવી. જેનું જે સાદું જીવન, જે સ્વધર્મકર્મ, તેને જ યજ્ઞમય કાં ન કરી શકાય ? બીજા યજ્ઞયાગની જરૂર શી ? તારૂં રોજનું સાદું જે સેવાકર્મ છે તેને જ યજ્ઞરૂપ કર.
7. એ આ રાજમાર્ગ છે.
‘ यानास्थाय नरो राजन् न प्रमाद्येत कर्हिचित् ।
धावन्निमील्य वा नेत्रे न स्खलेन्न पतेदिह ।। ’
જેનો આધાર લેવાથી માણસની કદીયે ભૂલ થવાનો ડર નથી, આંખો મીંચીને દોડે તોયે પડશે નહીં. બીજો રસ્તો ‘ क्षुरस्य धारा निशिता दुरत्यया ’ – અસ્ત્રાની ધાર જેવો તીક્ષ્ણ, મુશ્કેલીથી તે પર ચલાય એવો છે. તરવારની ધાર કદાચ થોડી બૂઠી હશે પણ આ વૈદક માર્ગ મહાવિકટ છે. રામના ગુલામ થઈને રહેવાનો રસ્તો સહેલો છે. કોઈને ઈજનેર ધીમે ધીમે ઊંચાઈ વધારતો વધારતો રસ્તો ઉપર ને ઉપર લેતો લેતો આપણને શિખર પર લઈ જઈને પહોંચાડે છે. અને આપણને આટલા બધા ઊંચે ચડયા એનો ખ્યાલ સરખો આવતો નથી. એ જેવી પેલા ઈજનેરની તેવી જ આ રાજમાર્ગની ખૂબી છે. જે માણસ જ્યાં કર્મ કરતો ઊભો છે ત્યાં જ, તે જ સાદા કર્મ વડે પરમાત્માને પહોંચી શકાય એવો આ માર્ગ છે.
8. પરમેશ્વર શું ક્યાંક છુપાઈ રહેલો છે ? કોઈ ખીણમાં, કોઈ કોતરમાં, કોઈ નદીમાં, કોઈ સ્વર્ગમાં, એમ તે ક્યાંક લપાઈ બેઠો છે? હીરામાણેક, સોનું ચાંદી પૃથ્વીના પેટાળમાં છુપાયેલાં પડયાં છે. તેની માફક શું આ પરમેશ્વરરૂપી લાલ રતન છૂપું છે ? ઈશ્વરને શું ક્યાંકથી ખોદીને કાઢવાનો છે ? આ બધે સામો ઈશ્વર જ ઊભો નથી કે ? આ તમામ લોકો ઈશ્વરની મૂર્તિ છે. ભગવાન કહે છે, ‘ આ માનવરૂપે પ્રગટ થયેલી હરિમૂર્તિનો તુચ્છકાર કરશો મા. ’ ઈશ્વર પોતે ચરાચરમાં પ્રગટ થઈને રહ્યો છે. તેને શોધવાના કૃત્રિમ ઉપાયો શા સારૂ ? સીધોસાદો ઉપાય છે. અરે ! તું જે જે સેવા કરે તેનો સંબંધ રામની સાથે જોડી દે એટલે થયું. રામનો ગુલામ થા. પેલો કઠણ વેદમાર્ગ, પેલો યજ્ઞ, પેલાં સ્વાહા ને સ્વધા, પેલું શ્રાદ્ધ, પેલું તર્પણ, એ બધું મોક્ષ તરફ લઈ તો જશે, પણ તેમાં અધિકારી ને અનધિકારીની ભાંજગડ ઊભી થાય છે. આપણે એમાં જરાયે પડવું નથી. તું એટલું જ કર કે જે કંઈ કરે તે પરમેશ્વરને અર્પણ કર. તારી હરેક કૃતિનો સંબંધ તેની સાથે જોડી દે. નવમો અધ્યાય એવું કહે છે. અને તેથી ભક્તોને તે બહુ મીઠો લાગે છે.