પ્રત્યક્ષ અનુભવની વિદ્યા (41)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય નવમો – માનવસેવાની રાજવિદ્યા : સમર્પણયોગ
પ્રકરણ ૪૧ – પ્રત્યક્ષ અનુભવની વિદ્યા

૧. આજે મારૂં ગળું દુખે છે, મારો અવાજ સંભળાશે કે નહીં એ બાબતમાં થોડી શંકા રહે છે. આ પ્રસંગે સાધુચરિત મોટા માધવરાવ પેશવાના અંતકાળની વાત યાદ આવે છે. એ મહાપુરૂષ મરણપથારીએ પડયા હતા. ખૂબ કફ થયો હતો. કફનું પર્યાવસન અતિસારમાં કરી શકાય છે. માધવરાવે વૈદ્યને કહ્યું, ‘ મારો કફ મટી મને અતિસાર થાય એવું કરો એટલે રામનામ લેવાને મોઢું છૂટું થાય.’ હું પણ આજે પરમેશ્વરની પ્રાર્થના કરતો હતો. ઈશ્વરે કહ્યું, ‘ જેવું ગળું ચાલે તેવું બોલજે. ’ હું અહીં ગીતા વિષે બોલું છું તેમાં કોઈને ઉપદેશ કરવાનો હેતુ નથી. લાભ લેનારને તેમાંથી લાભ થયા વગર રહેવાનો નથી. પણ હું ગીતા વિષે બોલું છું તે રામનામ લેવાને બોલું છું. ગીતા વિષે કહેતી વખતે મારી હરિનામ લેવાની ભાવના હોય છે.

2. આ હું જે કહું છું તેનો આજના નવમા અધ્યાય સાથે સંબંધ છે. હરિનામનો અપૂર્વ મહિમા આ નવમા અધ્યાયમાં કહેલો છે. આ અધ્યાય ગીતાની મધ્યમાં ઊભો છે. આખા મહાભારતની મધ્યમાં ગીતા અને ગીતાની મધ્યમાં નવમો અધ્યાય છે. અનેક કારણોને લઈને આ અધ્યાયને પાવનત્વ પ્રાપ્ત થયેલું છે. કહેવાય છે કે જ્ઞાનદેવે છેવટે સમાધિ લીધી તે વખતે આ અધ્યાય જપતાં જપતાં તેમણે પ્રાણ છોડ્યા હતા. આ અધ્યાયના સ્મરણમાત્રથી મારી આંખો છલકાઈ જાય છે ને હ્રદય ભરાઈ આવે છે. વ્યાસનો આ કેવડો મોટો ઉપકાર ! એકલા ભરતખંડ પર નહીં, આખી માનવજાત પર આ ઉપકાર છે. જે વસ્તુ ભગવાને અર્જુનને કહી તે અપૂર્વ વસ્તુ શબ્દથી કહેવાય એવી નહોતી. પણ દયાથી પ્રેરાઈને વ્યાસજીએ સંસ્કૃત ભાષામાં પ્રગટ કરી.ગુહ્ય વસ્તુને વાણીનું રૂપ આપ્યું.

3. આ અધ્યાયના આરંભમાં જ ભગવાન કહે છે,

‘ राज-विद्या महा-गुह्य उत्तमोत्तम पावन ’

આ જે રાજવિદ્યા છે, આ જે અપૂર્વ વસ્તુ છે તે અનુભવવાની વાત છે. ભગવાન તેને પ્રત્યક્ષાવગમ કહે છે. શબ્દમાં ન સમાય એવી પણ પ્રત્યક્ષ અનુભવની કસોટી આ વાત આ અધ્યાયમાં કહેલી હોવાથી તેમાં ઘણી મીઠાશ આવેલી છે. તુલસીદાસે કહ્યું છે,

को जाने को जैहै जम-पुर को सुर-पुर पर-धाम को
तुलसिहि बहुत भलो लागत जग जीवन रामगुलाम को ।

મરણ પછી મળનારૂં સ્વર્ગ, તેની બધી કથા અહીં શા કામની ? સ્વર્ગમાં કોણ જાય છે, યમપુર કોણ જાય છે તે કોણ કહી શકે ? અહીં ચાર દહાડા કાઢવાના છે તો તેટલો વખત રામના ગુલામ થઈને રહેવામાં જ મને આનંદ છે એમ તુલસીદાસજી કહે છે. રામના ગુલામ થઈને રહેવાની મીઠાશ આ અધ્યાયમાં છે. પ્રત્યક્ષ આ જ દેહમાં, આ જ આંખો વડે અનુભવાય એવું ફળ, જીવતાંજીવ અનુભવમાં આવે એવી વાતો આ અધ્યાયમાં કહેલી છે. ગોળ ખાતાં તેનું ગળપણ પ્રત્યક્ષ સમજાય છે તે જ પ્રમાણે રામના ગુલામ થઈને રહેવામાં જે મીઠાશ છે તે અહીં છે. આવી મૃત્યુલોકના જીવનમાંની મીઠાશનો પ્રત્યક્ષ અનુભવ કરાવનારી રાજવિદ્યા આ અધ્યાયમાં છે. એ રાજવિદ્યા ગૂઢ છે, પણ ભગવાન સૌ કોઈને સુલભ અને ખુલ્લી કરી આપે છે.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: