ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય આઠમો – પ્રયાણસાધના : સાતત્યયોગ
પ્રકરણ 40 – શુકલ-કૃષ્ણ ગતિ
18. પરમેશ્વર પર શ્રદ્ધા રાખી મન, વચન ને કાયાથી દિવસ ને રાત લડતા રહેશો તો અંતકાળની ઘડી અત્યંત રૂડી થશે. તે વખતે બધાયે દેવતાઓ અનુકૂળ થઈ રહેશે. આ અધ્યાયને છેડે આ વાત રૂપકમાં કહી છે. એ રૂપક બરાબર સમજી લો. જેના મરણ વખતે અગ્નિ સળગેલો છે, સૂર્ય પ્રકાશે છે, શુકલપક્ષના ચંદ્રમાની કળા વધતી જાય છે, ઉત્તરાયણનું વાદળાં વગરનું, નિરભ્ર, સુંદર આકાશ માથે ફેલાયેલું છે, તે બ્રહ્મમાં વિલીન થાય છે. અને જેના મરણ વખતે ધુમાડો ધુમાયા કરે છે, અંતર્બાહ્ય અંધારૂં છે, કૃષ્ણપક્ષનો ચંદ્રમા ક્ષીણ થતો જાય છે, દક્ષિણાયનમાંનું પેલું અભ્રાચ્છાદિત મલિન આકાશ માથે ફેલાયેલું છે, તે પાછો જન્મમરણના ફેરામાં પડશે.
19. ઘણા લોકો આ રૂપકથી ગોટાળામાં પડી જાય છે. પવિત્ર મરણ મળે એવી ઈચ્છા હોય તો અગ્નિ, સૂર્ય, ચંદ્ર, આકાશ એ બધા દેવતાઓની કૃપા હોવી જોઈએ. અગ્નિ કર્મનું ચિહ્ન છે, યજ્ઞની નિશાની છે. અંતકાળે પણ યજ્ઞની જ્વાળા સળગતી હોવી જોઈએ. ન્યાયમૂર્તિ રાનડે કહેતા, ‘ એકધારૂં કર્તવ્ય કરતાં કરતાં આવનારૂં મરણ ધન્ય છે. કંઈક વાંચતો હોઉં, કર્મ કરતો હોઉં, એમ કામ કરતાં કરતાં મને મરણ આવી મળે એટલે થયું. ’ સળગતા અગ્નિનો આ અર્થ છે. મરણકાળે પણ કર્મ કરતા રહેવાય એ અગ્નિની કૃપા છે. સૂર્યની કૃપા એટલે બુદ્ધિની પ્રભા છેવટ સુધી ઝગમગતી રહે. ચંદ્રની કૃપા એટલે મરણ વખતે પવિત્ર ભાવના વધતી જાય. ચંદ્ર મનનો, ભાવનાનો દેવતા છે. શુકલપક્ષના ચંદ્રની માફક મનમાંની પ્રેમ, ભક્તિ, ઉત્સાહ, પરોપકાર, દયા વગેરે શુદ્ધ ભાવનાઓનો પૂરેપૂરો વિકાસ થાય. આકાશની કૃપા એટલે હ્રદયાકાશમાં આસક્તિનાં વાદળાંનું પૂમડું સરખું ન હોય. એક વાર ગાંધીજીએ કહેલું, ‘ હું એકસરખો રેંટિયો રેંટિયો કર્યા કરૂં છું. રેંટિયાને હું પવિત્ર વસ્તુ માનું છું. પણ અંતકાળે તેનીયે વાસના ન જોઈએ. જેણે મને રેંટિયો સુઝાડયો તે તેની ફિકર રાખવાને પૂરેપૂરો સમર્થ છે. રેંટિયો હવે બીજા સારા માણસોના હાથમાં પહોંચ્યો છે. રેંટિયાની ફિકર છોડી મારે પરમેશ્વરને મળવાને તૈયાર રહેવું જોઈએ. ’ ટૂંકમાં, ઉત્તરાયણનું હોવું એટલે હ્રદયમાં આસક્તિનાં વાદળ ન હોવાં.
20. છેવટના શ્વસેચ્છવાસ સુધી હાથપગ વડે સેવા ચાલુ છે, ભાવનાની પૂર્ણિમા સોળે કળાએ ખીલી છે, હ્રદયાકાશમાં જરા જેટલીયે આસક્તિ નથી, બુદ્ધિ પૂરેપૂરી સતેજ છે, એવી રીતે જેને મરણ આવી મળે તે પરમાત્મામાં ભળી ગયો જાણવો. આવો પરમ મંગળ અંત આવે તે સારૂ જાગતા રહીને રાત ને દિવસ ઝૂઝતા રહેવું જોઈએ, ક્ષણભર પણ અશુદ્ધ સંસ્કારની છાપ મન પર પડવા ન દેવી જોઈએ. અને એવું બળ મળે તે માટે પરમેશ્વરની પ્રાર્થના કરતા રહેવું જોઈએ, નામસ્મરણ, તત્વનું રટણ ફરી ફરીને કરવું જોઈએ.