ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય આઠમો – પ્રયાણસાધના : સાતત્યયોગ
પ્રકરણ ૩૯ – રાત ને દિવસ યુદ્ધનો પ્રસંગ
15. ટૂંકમાં, બહારથી એકધારૂં સ્વધર્માચરણ અને અંદરથી ચિત્તશુદ્ધિની, હરિસ્મરણની ક્રિયા એમ અંતર્બાહ્ય કર્મવિકર્મોના પ્રવાહ કામ કરશે ત્યારે મરણ આનંદની વાત લાગશે. તેથી ભગવાન કહે છે –
म्हणूनि सगळा काळ मज आठव झुंज तुं ।
‘ માટે અખંડ તું મારી સ્મૃતિને રાખતો લડ. ’ મારૂં અખંડ સ્મરણ કર અને લડતો રહે. सदा त्यांत चि रंगला. હમેશ ઈશ્વરમાં ભળી જઈને રહે. ઈશ્વરી પ્રેમથી જ્યારે તું અંતર્બાહ્ય રંગાશે, તે રંગ જ્યારે આખાયે જીવન પર ચડશે, ત્યારે પવિત્ર વાતોમાં હમેશ આનંદ આવશે. બૂરી વૃત્તિ પછી સામી ઊભી નહીં રહે. સુંદર મનોરથોના અંકુર મનમાં ફૂટવા માંડશે. અને સારી કૃતિઓ સહેજે તારે હાથે થવા માંડશે.
16. ઈશ્વરના સ્મરણથી સારી કૃતિઓ સહેજે થવા માંડશે એ વાત સાચી. પણ કાયમ લડતો રહે એવી ભગવાનની આજ્ઞા છે. તુકારામ મહારાજ કહે છે,
रात्री दिवस आम्हां युद्धाचा प्रसंग । अंतर्बाह्य जग आणि मन ।।
રાત ને દિવસ કાયમ અમારે લડાઈનો પ્રસંગ છે. એક બાજુ મન છે ને બીજી બાજુ અંદરનું ને બહારનું જગત છે. અંદરનું ને બહાર અનંત સૃષ્ટિ ભરેલી પડી છે. એ સૃષ્ટિની સાથે મનની એકધારી લડાઈ ચાલુ છે. એ લડાઈમાં દરેક ક્ષણે જીત જ થશે એવું નથી. જે આખરે જીત્યો તે ખરો. છેવટનો નિકાલ તે જ સાચો. સફળતા નિષ્ફળતા અનેક વાર મળશે. અપજશ મળે તેથી નિરાશ થવાનું જરાયે કારણ નથી. પથ્થર પર ઓગણીસ વાર ઘા કર્યા પણ તે ફૂટ્યો નહીં. પણ ધારો કે વીસમે ઘાએ ફૂટ્યો. તો શું પેલા આગળના ઘા નકામા ગયા ગણવા ? પેલા વીસમા ઘાની સફળતાની તૈયારી એ આગળના ઓગણીસ ઘા કરતા હતા.
17. નિરાશ થવું એટલે નાસ્તિક થવું. પરમેશ્વર સંભાળવાવાળો છે. ભરોસો રાખો. છોકરામાં હિંમત આવે તેટલા ખાતર મા તેને આમ તેમ છૂટું ફરવા દે છે. પણ તે તેને પડવા દે ખરી કે ? છોકરૂં પડતું દેખાશે કે આસ્તેથી આવીને તેને ઊંચકી લેશે. ઈશ્વર પણ તમારા તરફ જોયા કરે છે. તમારા જીવનના પતંગની દોરી તેના હાથમાં છે. એ પતંગની દોરી કોઈ વાર તે ખેંચી રાખે છે, ક્યારેક ઢીલી છોડે છે. પણ દોરી આખરે તેના હાથમાં છે એની ખાતરી રાખો. ગંગાના ઘાટ પર તરતાં શીખવે છે. ઘાટ પરના ઝાડની સાથે સાંકળ બાંધેલી હોય છે. તે કમરે બાંધીને શીખવનારને પાણીમાં ફેંકી દે છે. શીખવનાર તરવૈયા પાણીમાં તરતા જ હોય છે. પેલો શિખાઉ બેચાર ડૂબકી ખાય છે પણ આખરે તરવાની કળા હાથ કરે છે. જીવનની કળા ખુદ પરમેશ્વર આપણને શીખવી રહેલો છે.