ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય આઠમો – પ્રયાણસાધના : સાતત્યયોગ
પ્રકરણ ૩૮ – સદા તે ભાવથી ભર્યો
12. જે વાતનો અભ્યાસ રાત ને દિવસ ચાલુ રહેતો હોય તે ઠસી કેમ ન જાય ? પેલી અજામિલની વાતો વાંચીને ભ્રમમાં ન પડશો. તે ઉપરથી પાપી દેખાતો હતો પણ તેના જીવનમાં અંદરથી પુણ્યનો પ્રવાહ વહેતો હતો. તે પુણ્ય છેવટની ક્ષણે જાગ્યું. હમેશ પાપ કરતાં રહેવા છતાં છેવટે રામનું નામ અચૂક મોઢે આવીને ઊભું રહેશે એવા ભ્રમમાં રહીશ મા. નાનપણથી જ આદું ખાઈને અભ્યાસ પાછળ લાગ. એકેએક સારા સંસ્કારની છાપ મન પર બરાબર ઊઠે એની કાળજી રાખ. આથી શું થવાનું છે, પેલાથી શું બગડી જવાનું છે એવું કહીશ નહીં. ચાર વાગ્યે જ શા સારૂ ઊઠવું ? સાત વાગ્યે ઊઠવાથી શું બગડી જવાનું હતું ? એવું કહ્યે ચાલશે નહીં. મનને એમ ને એમ એકસરખી ચૂટ આપ્યા કરીશ તો છેવટે છેતરાઈશ. પછી સારા સંસ્કારની છાપ બરાબર ઊઠશે નહીં. કણ કણ કરીને લક્ષ્મી મેળવવી પડે છે. ક્ષણ ક્ષણ ફોગટ ન બગાડતાં વિદ્યા મેળવવામાં વાપરવી પડે છે. હરેક ક્ષણે પડતો સંસ્કાર સારો જ હોય છે કે નહીં એનો વિચાર કરતો રહે. ભૂંડો બોલ ઉચ્ચારતાંની સાથે ખોટો સંસ્કાર પડયા વગર નહીં રહે. હરેક કૃતિની છીણી જીવનના પથ્થરને ઘાટ આપે છે. દિવસ સારો ગયો હોય તો પણ ખરાબ કલ્પનાઓ સ્વપ્નામાં આવીને ખડી થાય છે. પાછલા પાંચદસ દિવસના વિચારો જ સ્વપ્નામાં દેખાય છે, એવું નથી. ઘણા ખરાબ સંસ્કાર બેસાવધપણામાં મન પર પડી ગયેલા હોય છે. કઈ ઘડીએ તે જાગી ઊઠે તે કહેવાય નહીં. એથી ઝીણી ઝીણી બોબતોમાં પણ સંભાળ રાખ. ડૂબનારાને તણખલાનો પણ આધાર થાય છે. સંસારમાં આપણે ડૂબીએ છીએ. જરા સારૂં બોલ્યો હોઈશ તો તેટલો જ આધાર થશે. સારૂં કરેલું કદી ફોગટ જવાનું નથી. તે તને તારશે. લેશમાત્ર પણ ખરાબ સંસ્કાર ન જોઈએ. હું આંખ પવિત્ર રાખીશ, કાન નિંદા સાંભળશે નહીં, સારૂં જ બોલીશ, એવી હમેશ મહેનત કરતા રહો. આવી સાવધાની રાખશો તો છેવટની ક્ષણે ધાર્યો દાવ પડશે અને આપણે જીવનના તેમ જ મરણના સ્વામી થઈશું.
13. પવિત્ર સંસ્કાર ઊઠે તેટલા સારૂ ઉદાત્ત વિચારો મનમાં વાગોળવા. હાથને પવિત્ર કામમાં રોકવા. અંદર ઈસ્વરનું સ્મરણ ને બહાર સ્વધર્માચરણ. હાથથી સેવાનું કર્મ અને મનમાં વિકર્મ એમ રોજ કરતા રહેવું જોઈએ. ગાંધીજીને જુઓ. રોજ કાંતે છે. રોજ કાંતવાની વાત પર તેમણે ભાર દીધો છે. રોજ શા સારૂ કાંતવું ? કપડાંજોગું ગમે ત્યારે કાંતી લીધું હોય તો ન ચાલે ? પણ એ વહેવાર થયો. રોજ કાતવામાં આધ્યાત્મિકતા છે. દેશને ખાતર મારે કંઈક કરવાનું છે એનું ચિંતન છે. એ સૂતર દરિદ્રનારાયણની સાથે આપણને રોજ જોડી આપે છે. તે સંસ્કાર દ્રઢ થાય છે.
14. દાક્તરે કહ્યું કે રોજ દવાનો ડોઝ લેજો. પણ આપણે તે બધી દવા એકસામટી પી જઈએ તો ? એ બેહૂદું થાય. એથી દવા લેવાનો હેતુ પાર નહીં પડે. દવાનો રોજેરોજ સંસ્કાર કરી પ્રકૃતિમાંની વિકૃતિ દૂર કરવાની છે. તેવું જ જીવનનું છે. શંકરની પિંડી પર ધીરે ધીરે અભિષેક કરવો જોઈએ. આ મને બહુ ગમી ગયેલું દ્રષ્ટાંત છે. નાનપણમાં એ ક્રિયા હું રોજ જોતો. ચોવીસ કલાકનું ભેગું કરો તો તે બધું પાણી માંડ બે બાલદી થાય. ઝટ બે બાલદી લિંગ પર સામટી રેડી દીધી હોય તો શું ? આ સવાલનો જવાબ મને બચપણમાં જ મળી ગયો હતો. પાણી એકદમ એક સામટું રેડી દેવાથી કર્મ સફળ નથી થતું. ટીપે ટીપે જે સતત ધાર થાય છે તેનું જ નામ ઉપાસના છે. સમાન સંસ્કારોની એક સરખી સતત ધાર ચાલવી જોઈએ. જે સંસ્કાર સવારે, તે જ બપોરે, તે જ પાછો સાંજે. જે દિવસે, તે જ રાતે. જે કાલે તે જ આજે, અને જે આજે તે જ આવતી કાલે. જે આ વરસે તે જ વતે વરસે, ને જે આ જન્મે તે આવતે જન્મે. અને જે જીવતાં, તે જ મરતાં. આવી એકેક સ્તસંસ્કારની દિવ્ય ધારા આખાયે જીવન દરમ્યાન સતત વહેતી રહેવી જોઈએ. આવો પ્રવાહ અખંડ ચાલુ રહે તો જ છેવટે આપણે જીતીએ. તો જ આપણે આપણો ધ્વજ છેવટના મુકામ પર રોપીને ફરકાવી શકીએ. એક જ દિશાએ સંસ્કારપ્રવાહ વહેવો જોઈએ. નહીં તો ડુંગર પર પડેલું પાણી જો બાર રસ્તે ફંટાઈ જાય તો તેની નદી બનતી નથી. પણ બધું પાણી એક દિશાએ વહેશે તો ધારમાંથી વહેણ થશે, વહેણમાંથી પ્રવાહ થશે, પ્રવાહની નદી બનશે અને નદીની ગંગા થઈને તે સાગરને મળશે. એક દિશાએ વહેતું પાણી સમુદ્રને મળ્યું. ચારેકોર વહી જતું પાણી સુકાઈ ગયું. સંસ્કારોનું પણ એવું જ છે. સંસ્કાર આવે ને જાય તેનો શો ઉપયોગ ? સંસ્કારોનો પવિત્ર પ્રવાહ જીવનમાં વહેતો રહેશે તો જ છેવટે મરણ મહા આનંદનો ભંડાર છે એવો અનુભવ થશે. જે પ્રવાસી રસ્તામાં ઝાઝું ન થોભતાં, રસ્તામાં આવતા મોહ દૂર કરી મહેનત કરીને પગલાં માંડતો માંડતો શિખર પર જઈ પહોંચ્યો, તે ઉપર જઈ છાતી પર લદાયેલાં સર્વ બંધનો ફેંકી દઈ ત્યાંના મોકળાશથી વાતા પવનનો અનુભવ કરશે. તેના આનંદનો બીજા લોકોને ખ્યાલ સરખો આવે એમ નથી. જે મુસાફર અધવચ્ચે અટકી જાય છે તેને માટે સૂર્ય થોડો જ થોભવાનો હતો ?