રાગઃ- પ્રભાતી
હે જાગજે જન જાગજે, તું સાહેબને સંભારજે
ધ્યાન ધણીનું ધારજે તું, અલખને આરાધજે –ટેક
હું ને મારૂં તું ને તારૂં, ટાળી શકે તો ટાળજે
કામ ક્રોધ મોહ માયા, મારી શકે તો મારજે –1
ભલા બુરાનો ભાવ છોડી, તારી મોટપને તું મારજે
અભિમાનને અળગું કરી, કારીંગાને કાઢજે –2
સંતોના તું સંગે રહેજે, ભુંડાથી તું ભાગજે
રામચરણમાં રતિ રાખી, અલખને આરાધજે –3
મોહ માયાનો બંધ મોટો, એને કાપી શકે તો કાપજે
ભજનમાં ભરપૂર રહેજે, ગોવિંદના ગુણ ગાવજે –4
મોંઘા મૂલો મનખો એને, એળે ના ગુમાવજે
ભજનપ્રકાશ ભવસાગર ભર્યો, તરે તો નાવ તારજે –5