મરણનું સ્મરણ રહેવું જોઈએ – 37

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય આઠમો – પ્રયાણસાધના : સાતત્યયોગ
પ્રકરણ ૩૭ – મરણનું સ્મરણ રહેવું જોઈએ

4. આ આઠમા અધ્યાયમાં એવો સિદ્ધાંત રજૂ કર્યો છે કે જે વિચાર મરણ વખતે સ્પષ્ટ તેમ જ ઊંડો ઠસી ગયેલો હોય તે જ વિચાર પચીના જન્મમાં સૌથી જોરાવર ઠરે છે. એ ભાથું બાંધીને જીવ આગળની યાત્રાને માટે નીકળે છે. આજના દિવસની કમાણી લઈને ઊંઘી ઊઠ્યા પછી કાલના દિવસની આપણે શરૂઆત કરીએ છીએ. તે જ પ્રમાણે આ જન્મે મેળવેલું ભાથું બાંધીને મરણની મોટી ઊંઘમાંથી ઊઠ્યા પછી ફરી પાછી આપણી યાત્રા શરૂ થાય છે. આ જન્મનો અંત તે આગળના જન્મની શરૂઆત બને છે. એથી મરણનું સ્મરણ રાખી જીવનનો વહેવાર કરો.

5. મરણનું સ્મરણ રાખીને જીવવાની વળી વધારે જરૂર એટલા માટે છે કે મરણની ભયાનકતાનો સામનો કરી શકાય, તેમની સામે તોડ કાઢી શકાય. એકનાથના જીવનનો એક પ્રસંગ છે. એક ગૃહસ્થે નાથને પૂછ્યું, “ મહારાજ, તમારૂં જીવન કેટલું સાદું ને નિષ્પાપ ! અમારૂં એવું કેમ નથી ? તમે કદી કોઈના પર ગુસ્સે થતા નથી, તમારે કોઈ સાથે ટંટો નહીં, તકરાર નહીં. તમે કેવા શાંત, પવિત્ર અને પ્રેમાળ છો ! ” નાથે કહ્યું, “ મારી વાત હમણાં રહેવા દે. તારી બાબતમાં મને એક વાતની ખબર પડી છે. તારૂં આજથી સાત દિવસ રહીને મરણ છે.” નાથે કહેલી વાત ખોટી કોણ માને ? સાત દિવસ રહીને મરવાનું ! ફક્ત એકસો ને અડસઠ કલાલ બાકી ! અરેરે ! હવે શું થાય ? તે માણસ ઝટપટ ઘેર ગયો. તેને કંઈ સૂઝે નહીં. બધી મેલમૂકની વાત, સોંપણનોંધણ પણ કરવા માંડી. પછી તે માંદો પડયો. પથારીએ પડયો. છ દહાડા એમ ને મ જતા રહ્યા. સાતમે દહાડે નાથ તેની પાસે આવ્યા. તેણે નમસ્કાર કર્યા. નાથે પૂછ્યું, “ કેમ છે ? ” તેણે કહ્યું, “ જાઉં છું હવે. ” નાથે પૂછ્યું, “ આ છ દિવસમાં કેટલું પાપ થયું ? પાપના કેટલા વિચાર મનમાં ઊઠયા ? ” તે આસન્નમરણ માણસે જવાબ આપ્યો, “ નાથ ! પાપનો વિચાર કરવાનો વખત જ ક્યાં હતો ? નજર સામે મરણ એકસરખું ઘૂમ્યા કરતું હતું. ” નાથે કહ્યું “ અમારૂં જીવન નિષ્પાપ કેમ હોય છે તેનો જવાબ તને હવે મળી ગયો ” મરણનો વાઘ હમેશા સામે ઘૂરકતો ઊભો હોય ત્યારે પાપ કરવાનું સૂઝે ક્યાંથી ? પાપ કરવું હોય તો તેને માટે પણ એક જાતની નિરાંત જોઈએ. મરણનું હમેશ સ્મરણ રાખવું એ પાપમાંથી મુક્ત રહેવાનો ઈલાજ છે. મરણ સામું દેખાતું હોય ત્યારે કઈ હિંમતે માણસ પાપ કરશે ?

6. પણ મરણનું સ્મરણ માણસ હંમેશ ટાળતો ફરે છે. પાસ્કલ નામનો એક ફ્રેંચ ફિલસૂફ થઈ ગયો છે. તેનું ‘ पांसे ’ નામનું એક પુસ્તક છે. पांसे એટલે વિચાર. જુદા જુદા સ્ફુટ વિચારો એ પુસ્તકમાં તેણે રજૂ કર્યા છે. તેમાં તે એક ઠેકાણે લખે છે, “ મૃત્યુ સતત પીઠ પાછળ ઊભું છે પણ મૃત્યુને ભૂલવું કેવી રીતે તેના પ્રયાસમાં માણસ કાયમ મંડ્યો રહે છે. મૃત્ને યાદ રાખીને કેમ વર્તવું એ વાત તે નજર સામે રાખતો નથી. ” માણસથી મરણ શબ્દ સુધ્ધાં સહેવાતો નથી. જમતી વખતે કોઈ મરણ શબ્દનો ઉચ્ચાર કરે તો કહે છે, ‘ અરે ! કેવું અભદ્ર બોલે છે ! ’ પણ તેમ છતાં, મરણ તરફની મજલ હરેક પગલે અચૂક કપાતી જાય છે. મુંબઈની ટિકિટ કપાવીને એક વાર રેલગાડીમાં બેઠા પછી તમે બેઠા રહેશો તો પણ ગાડી તમને મુંબઈમાં લઈ જઈને નાખશે. આપણે જન્મ્યા ત્યારથી જ મરણની ટિકિટ કપાવેલી છે. તમારે જોઈએ તો બેસો કે દોડો. બેઠા રહેશો તો પણ મૃત્યુ છે, દોડશો તો પણ મૃત્યુ છે. તમે મરણના વિચારને પકડી રાખો કે છોડી દો. પણ તે ટાળ્યો ટળતો નથી. બીજું બધું કદાચ અનિશ્ચિત હોય પણ મરણ નિશ્ચિત છે. સૂર્ય અસ્ત પામે છે તેની સાથે માણસના આવરદાનો એક કકડો ખાતો જાય છે. જીવનના ટુકડા એક પછી એક કરડાતા જાય છે. આવરદા ઘસાતી જાય છે, ઘટતી જાય છે. તો પણ માણસને તેનો વિચાર આવતો નથી. જ્ઞાનદેવ કહે છે, कौतुक दिसतसे – કૌતુક દેખાય છે. માણસને આટલી નિરાંત ક્યાંથી રહે છે એ વાતનું જ્ઞાનદેવને આશ્ચર્ય થાય છે. મરણનો વિચાર સુધ્ધાં સહન ન થાય એટલી હદ સુધી માણસને મરણનો ડર લાગે છે. એ વિચારને તે ટાળતો ફરે છે. જાણીબૂજીને તે આંખ મીંચી જાય છે. લડાઈમાં જનારા સિપાઈ મરણનો વિચાર ટાળવાને સારૂ રમતગમત કરશે, નાચશે, ગાશે, સિગારેટ પીશે. પાસ્કલ લખે છે, ‘ પ્રત્યક્ષ મરણ સામે દેખાતું હોવા છતાં આ ટૉમી, આ સિપાઈ તેને વીસરી જવાને માટે ખાશે, પીશે ને રાગડા તાણશે.’

7. આપણે બધા આ ટૉમી જેવા જ છીએ. ચહેરો ગોળ, હસતો રાખવાના, સૂકો હોય તો તેલ, પોમેડો લગાડવાના. વાળ પાકીને ધોળા થઈ ગયા હોય તો કલપ લગાડવાના પ્રયાસોમાં માણસ મંડ્યો રહે છે. છાતી પર સાક્ષાત્ મૃત્યુ નાચતું હોવા છતાં તેને વિસારે પાડવાની કોશિશમાં આપણે બધા ટૉમીઓ જરાયે થાક્યા વગર મંડ્યા રહીએ છીએ. બીજી ગમે તે વાત કરશે પણ કહેશે મરણનો વિષય છેડશો મા. મૅટ્રિક પાસ થયેલા છોકરાને પૂછશો, ‘ હવે શું કરવા ધાર્યું છે ? ’ તો તે કહેશે, ‘ હમણાં પૂછશો મા. હમણાં ફર્સ્ટ ઈયરમાં છું. ’ પછીને વર્ષે પાછું પૂછશો તો કહેશે, ‘ પહેલાં ઈન્ટર તો પાસ થવા દો, પછી આગળ જોઈશું ! ’ એમ ને એમ તેનું ગબડે છે. આગળ શું છે તે પહેલેથી જોવું નહીં જોઈએ કે ? આગળના પગલાની પહેલેથી તજવીજ કરી રાખવી સારી, નહીં તો તે ક્યાંક ખાડામાં નાખી દેશે. પણ વિદ્યાર્થી એ બધું ટાળે છે. એ બિચારાનું શિક્ષણ જ એવું અંધકારમય હોય છે કે તેમાંથી પેલી પારનું ભવિષ્ય તેને મુદ્દલ દેખાતું નથી. એથી પછી શું કરવું એના વિચારને તે નજર સામે ફરકવા જ દેતો નથી. કારણ બધું જ અંધારૂં ઘોર છે. પણ એ આગળનું એમ ટાળી શકાતું નથી. તે બોચી પર આવીને બેઠા વગર રહેતું નથી.

8. કૉલેજમાં પ્રોફેસર તર્કશાસ્ત્ર શીખવે છે. ‘ માણસ મર્ત્ય છે. સૉક્રેટીસ માણસ છે. એટલે તે અચૂક મરવાનો. ’ આવું અનુમાન પ્રોફેસર શીખવે છે. સૉક્રેટીસનો દાખલો આપે છે. પોતાનો કેમ નથી આપતો ? પ્રોફેસર પોતે પણ મર્ત્ય છે. ‘ બધાં માણસ મર્ત્ય છે, માટે હું પ્રોફેસર પણ મર્ત્ય છું અને હે શિષ્ય, તું પણ મર્ત્ય છે, ’ એવું તે પ્રોફેસર શીખવશે નહીં. તે એ મરણને સૉક્રેટીસને માથે ધકેલી દે છે. કારણ સૉક્રેટીસ મરી પરવારેલ છે. તે તકરાર કરવાને હાજર નથી. શિષ્ય ને ગુરૂ બંને સૉક્રેટિસને મરણ અર્પણ કરી પોતાની બાબતમાં तेरी भी चूप, मेरी भी चूप જેવા રહે છે. તેમને જાણે એવું લાગે છે કે આપણે અત્યંત સલામત છીએ!

9. મૃત્યુને વીસરી જવાનો આવો આ પ્રયાસ સર્વત્ર રાત ને દિવસ જાણીબૂજીને ચલાવાય છે. પણ મૃત્યુ ટળે છે ખરૂં કે ? કાલે મા મરી ગઈ એટલે મૃત્યુ સામું આવીને ડોળા ઘુરકાવતું ઊભું જાણો. નિર્ભયપણે મરણનો વિચાર કરી તેનો તોડ કાઢવાની માણસ હિંમત કરતો જ નથી. હરણની પાછળ વાઘ પડયો છે. હરણું ચપળ છે. પણ તેનું જોર ઓછું પડે છે. તે આખરે થાકી જાય છે. પાચળ પેલો વાઘ, પેલું મરણ આવતું હોય છે. તે ક્ષણે તે હરણની કેવી સ્થિતિ થાય છે ? વાઘ તરફ તેનાથી જોઈ શકાતું નથી. જમીનમાં મોં ને શીંગડાં ખોસી તે આંખ મીંચીને ઊભું રહે છે. ‘ આવ ભાઈ ને માર હવે ઝડપ ’ એમ જાણે કે તે નિરાધાર થઈને કહે છે. આપણે મરણને સામું જોઈ શકતા નથી. તેને ચૂકવવાની ગમે તેટલી તરકીબો કરો તો પણ મરણનું જોર એટલું બધું હોય છે કે છેવટે તે આપણને પકડી પાડયા વગર રહેતું નથી.

10. અને મરણ આવે છે એટલે માણસ જીવનની સિલક તપાસવા બેસે છે. પરીક્ષામાં બેઠેલો આળસુ ઠોઠ વિદ્યાર્થી ખડિયામાં કલમ બોળે છે ને બહાર કાઢે છે. પણ ધોળા ઉપર કાળું થવા દે તો શરત. અલ્યા, થોડુંયે લખીશ કે નહીં ? કે પછી સરસ્વતી આવીને બધું લખી જવાની છે ? તે કોરો પેપર આપી આવે છે. અથવા છેવટે કંઈકનું કંઈક ચીતરી મારે છે. સવાલના જવાબ લખવાના છે, એનો કશો વિચાર નથી. આમ જુએ છે ને તેમ જુએ છે. એવું જ આપણું છે. જીવનનો બીજો છેડો મરણને અડે છે એ વાત ખ્યાલમાં રાખી તે છેવટની ઘડી પુણ્યમય, અત્યંત પાવન, રૂડી કેવી રીતે થાય એનો અભ્યાસ આયુષ્યભર રાખવો જોઈએ. ઉત્તમમાં ઉત્તમ સંસ્કાર મન પર કેમ ઠસે એનો વિચાર આજથી જ થવો જોઈએ. પણ સારા સંસ્કારનો અભ્યાસ કોને કરવો છે ? બૂરી વાતોનો મહાવરો માત્ર ડગલે ને પગલે થયા કરે છે. જીભ, આંખ, કાન એને આપણે સ્વાદ લગાડી લગાડી બહેકાવી મૂકીએ છીએ. પણ ચિત્તને જુદો મહાવરો પાડવો જોઈએ. સારી વાતો તરફ ચિત્તને દોરવું જોઈએ, તેનો તેને રંગ લગાડવો જોઈએ. જે ક્ષણે સમજાય કે આપણી ભૂલ થાય છે તે જ ક્ષણથી સુધારો કરવાને મંડી પડવું જોઈએ. ભૂલ જણાય છતાંયે તે પાછી કર્યા કરવી ? જે ક્ષણે ભૂલ સમજાય તે ક્ષણ પુનર્જન્મની ગણો. તે તારૂં નવું બાળપણ. તે તારા જીવનની બીજી નવી સવાર છે એમ સમજ. હવે તું ખરો જાગ્યો. હવે રાત ને દિવસ જીવનનું પરીક્ષણ કર, સંભાળીને ચાલ. એમ નહીં કરે તો પડીને પાછો અફળાઈશ, પાછો બૂરાનો અભ્યાસ ચાલુ થઈ જશે.

11. ઘણાં વરસ પહેલાં હું મારી દાદીને મળવા ગયો હતો. તે ખૂબ ઘરડી થઈ ગઈ હતી. તે મને કહે, ‘ વિન્યા, હમણાંનું કશું યાદ નથી રહેતું. ઘીનું વાસણ લેવાને જાઉં છું પણ લીધા વગર જ પાછી આવું છું. ’ પણ પચાસ વરસ પહેલાંની દાગીનાની એક વાત તે મને કહ્યા કરે. પાંચ મિનિટ પહેલાંનું યાદ રહેતું નથી. પણ પચાસ વરસ પહેલાંનો જોરાવર સંસ્કાર છેવટ સુધી જાગતો સતેજ રહે છે. એનું કારણ શું ? પેલી દાગીનાની વાત ત્યાર સુધીમાં તેણે હરેક જણને કરી હશે. તે વાતનો કાયમ ઉચ્ચાર ચાલુ રહ્યો હતો. તે વાત જીવનને ચોંટી ગઈ, જીવન સાથે એકરૂપ થઈ ગઈ. મેં મનમાં કહ્યું, ઈશ્વર કરે ને મરણ વખતે દાદીને દાગીના યાદ ન આવે એટલે થયું.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: