ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય આઠમો – પ્રયાણસાધના : સાતત્યયોગ
પ્રકરણ ૩૬ – શુભ સંસ્કારોનો સંચય
1. માણસનું જીવન અનેક સંસ્કારોથી ભરેલું હોય છે. આપણે હાથે અસંખ્ય ક્રિયાઓ થયા કરે છે. તેનો હિસાબ માંડવા બેસીએ તો અંત ન આવે. સ્થૂળ પ્રમાણમાં માત્ર ચોવીસ કલાકની ક્રિયાઓ લઈએ તો કેટલીયે જોવાની મળશે. ખાવું, પીવું, બેસવું, ઊંઘવું, ચાલવું, ફરવા જવું, કામ કરવું, લખવું, બોલવું, વાંચવું અને આ ઉપરાંત તરેહતરેહનાં સ્વપ્નાં, રાગદ્વેષ, માનાપમાન, સુખદુઃખ, એમ ક્રિયાના અનેક પ્રકાર આપણને જોવાના મળશે. મન પર એ બધી ક્રિયાઓના સંસ્કાર પડ્યા કરે છે. એથી જીવન એટલે શું એવો કોઈ સવાલ કરે તો જીવન એટલે સંસ્કારસંચય એવી વ્યાખ્યા હું કરૂં.
2. સંસ્કાર સારા-નરસા હોય છે. બંનેની માણસના જીવન પર અસર થયેલી હોય છે. બચપણની ક્રિયાઓનું તો સ્મરણ જ રહેતું નથી. પાટી પરનું લખાણ ભૂંસી નાખ્યું હોય તેવું આખા બચપણનું થઈ જાય છે. પૂર્વજન્મના સંસ્કારો તો છેક સાફ ભૂંસાઈ ગયેલા હોય છે, અને તે એટલે સુધી કે પૂર્વજન્મ હતો કે નહીં તેની પણ શંકા થઈ શકે છે. આ જન્મનું નાનપણ યાદ આવતું નથી તો પૂર્વજન્મની વાત શું કામ કરવી ? પણ પૂર્વજન્મની વાત રહેવા દઈએ. આપણે આ જન્મનો જ વિચાર કરીએ. આપણી જેટલી ક્રિયાઓ ધ્યાનમાં રહે છે તેટલી જ થઈ છે એવુંયે નથી. અનેક ક્રિયાઓ અને અનેક જ્ઞાન થતાં રહે છે. પણ એ ક્રિયાઓ ને એ બધાં જ્ઞાનો મરી પરવારે છે ને છેવટે થોડા સંસ્કાર માત્ર બાકી રહી જાય છે.
રાત્રે સૂતી વખતે આપણે દિવસ દરમ્યાનની બધી ક્રિયાઓ યાદ કરવા જઈએ તોયે પૂરી યાદ આવતી નથી. કઈ યાદ આવે છે ? જે કૃતિઓ બહાર તરી આવનારી હોય છે તે જ નજર સામે રહે છે. ખૂબ તકરાર કરી હોય તો તે જ યાદ આવ્યા કરે છે. તે દિવસની તે જ મુખ્ય કમાણી. બહાર તરી આવતી મોટી મોટી વાતોના સંસ્કારની છાપ મનમાં ઊંડી ઊતરી જાય છે. મુખ્ય ક્રિયા યાદ આવે છે, બાકીની ઝાંખી પડી જાય છે. રોજનીશી લખતા હોઈએ તો આપણે રોજ બેચાર મહત્તવની બાબતો નોંધીશું. દરેક દિવસના આવા સંસ્કારો લઈ એક અઠવાડિયાનું તારણ કાઢીશું તો એમાંથીયે ગળી જઈને અઠવાડિયા દરમ્યાનની થોડી બહાર તરી આવતી મોટી મોટી વાતો બાકી રહી જશે. પછી મહિનામાં આપણે શું શું કર્યું તે જોવા બેસીશું તો આખા મહિનામાં બનેલી જે મહત્વની વાતો હશે તેટલી જ નજર સામે આવશે. આમ પછી છ મહિનાનું, વરસનું, પાંચ વરસનું, યાદ કરતાં કરતાં તારણરૂપે બહુ થોડી મહત્વની વાતો ધ્યાનમાં રહે છે. અને તેમના સંસ્કાર બને છે. અસંખ્ય ક્રિયાઓ અને અનંત જ્ઞાનો થયાં છતાં છેવટે મનની પાસે બહુ થોડી સિલક બાકી રહેતી જણાય છે. જે તે કર્મો ને જે તે જ્ઞાન આવ્યાં અને પોતાનું કામ પતાવી મરી ગયાં. બધાં કર્મોના મળીને પાંચદસ દ્રઢ સંસ્કાર જેમ-તેમ સિલક રહે છે. આ સંસ્કારો એ જ આપણી મૂડી. જીવનનો વેપાર ખેડી જે કમાણી કરી તે આ સંસ્કારસંપત્તિની છે. એકાદ વેપારી જેમ રોજનું, મહિનાનું ને આખા વરસનું નામું માંડી છેવટે આટલો નફો થયો કે આટલી ખોટ ગઈ એવો આંકડો તારવે છે તેવું જ આબેહૂબ જીવનનું છે. અનેક સંસ્કારોની સરવાળા-બાદબાકી થતાં થતાં તદ્દન ચોખ્ખુંચટ અને માપસરનું કંઈક સિલક રહે છે. જીવનની છેલ્લી ક્ષણ આવે છે ત્યારે આત્મા જીવનની સિલક યાદ કરવા માંડે છે. આખા જન્મારામાં શું કર્યું તે યાદ કરતાં તેને કરેલી કમાણી બેચાર વાતોમાં દેખાય છે. આનો અર્થ એવો નથી કે જે તે કર્મો ને જ્ઞાનો ફોગટ ગયાં. તેમનું કામ પતી ગયેલું હોય છે. હજારો રૂપિયાની ઊથલપાથલ કર્યા બાદ આખરે વેપારીની પાસે પાંચ હજારની ખોટ કે દસ હજારનો નફો એટલો જ સાર રહે છે. ખોટ ગઈ હોય તો તેની છાતી બેસી જાય છે અને નફો થયો હોય તો આનંદથી ફૂલે છે.
3. આપણું એવું જ છે. મરણ વખતે ખાવાની ચીજ પર વાસના જઈ બેઠી તો આખી જિંદગી સ્વાદ કરવાનો અભ્યાસ કર્યો છે એમ સાબિત થાય. અન્નની વાસના એ જીવનની કરેલી કમાણી થઈ. કોઈક માને મરતી વખતે છોકરાની યાદ આવે તો તે પુત્ર વિષેનો સંસ્કાર જ જોરાવર સાબિત થયો જાણવો. બાકીનાં અસંખ્ય કર્મો ગૌણ થઈ ગયાં. અંકગણિતમાં દાખલો હોય છે. તેમાં કેવા મોટા મોટા આંકડા ! પણ સંક્ષેપ કરતાં કરતાં છેવટે એક અથવા શૂન્ય જવાબ નીકળે છે. તે પ્રમાણે જીવનમાં સંસ્કારોના અનેક આંકડા જતા રહી આખરે જોરાવર એવો એક સંસ્કાર સારરૂપે બાકી રહે છે. જીવનના દાખલાનો એ જવાબ જાણવો. અંતકાળનું સ્મરણ આખા જીવનનું ફલિત છે. જીવનનો એ છેવટનો સાર મધુર નીવડે, એ છેવટની ઘડી રૂડી નીવડે તેટલા માટે આખા જીવનની બધી મહેનત હોવી જોઈએ. જેનો અંત રૂડો તેને સઘળું રૂડું. એ છેવટના જવાબ પર ધ્યાન રાખી જીવનનો દાખલો કરો. એ ધ્યેય નજર સામે રાખી જીવનની યોજના કરો. દાખલો કરતી વખતે જે ખાસ સવાલ પૂછવામાં આવેલો હોય છે તે નજર સામે રાખીને તે કરવો પડે છે. તે પ્રમાણેની રીત અજમાવવી પડે છે. મરણ વખતે જે સંસ્કાર ઉપર તરી આવે એવી ઈચ્છા હોય તેને અનુસરીને આખા જીવનનો પ્રવાહ વાળો. તેના તરફ રાત ને દિવસ મનનું વલણ રાખો.