નિષ્કામ ભક્તિના પ્રકાર અને પૂર્ણતા – (35)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય સાતમો : પ્રપત્તિ અથવા ઈશ્વરશરણતા
પ્રકરણ ૩૫ – નિષ્કામ ભક્તિના પ્રકાર અને પૂર્ણતા

13. સકામ ભક્ત એ એક પ્રકાર થયો. હવે નિષ્કામ ભક્તિ કરનારાને જોઈએ. એમાં વળી એકાંગી ને પૂર્ણ એવા બે પ્રકાર છે. અને એકાંગીમાં પાછી ત્રણ જાત છે. પહેલી જાત આર્ત ભક્તોની. આર્ત એટલે ભીનાશ જોનારો, ઈશ્વરને માટે રડનારો, વિહવળ થનારો, જેવા કે નામદેવ. એ ઈશ્વરનો પ્રેમ ક્યારે મળે, તેને ગળે વળગીને ક્યારે ભેટું, તેના પગમાં ક્યારે જડાઈ જાઉં, એવી તાલાવેલીવાળો છે. હરેક કાર્યમાં આ ભક્ત લાગણી છે કે નહીં, પ્રેમ છે કે નહીં એવી ભાવનાથી જોશે.

14. બીજી જાત છે જિજ્ઞાસુની. આ જાતના નમૂના હાલમાં આપણા મુલકમાં ઝાઝા જોવાના મળતા નથી. એમાંના કોઈ ગૌરીશંકર ફરી ફરીને ચડશે ને તેમાં ખપી જશે. બીજા વળી ઉત્તર ધ્રુવની શોધને માટે નીકળશે અને પછી પોતાની શોધનું બ્યાન કાગળ પર નોંધી તે કાગળ શીશીમાં ઘાલી તેને પાણીમાં તરતી છોડી મરી જશે. કોઈ વળી જ્વાળામુખીની અંદર ઊતરશે. હિંદુસ્તાનમાં લોકોને મરણ એટલે જાણે મોટો હાઉ એવું થઈ ગયું છે. પોતાના કુટુંબનું ભરણપોષણ કરવું એ વગર બીજો કોઈ પુરૂષાર્થ જાણે એ લોકોને માટે રહ્યો નથી ! જિજ્ઞાસુ ભક્તની પાસે અદમ્ય જિજ્ઞાસા હોય છે. તે હરેક વસ્તુના ગુણધર્મની ખોજમાં રહે છે. માણસ નદીમુખેથી સાગરને મળે છે તેમ આ જિજ્ઞાસુ પણ છેવટે પરમેશ્વરને મળશે.

15. ત્રીજી જાત રહી અર્થાર્થીની. અર્થાર્થી એટલે હરેકહરેક વાતમાં અર્થ જોનારો. અર્થ એટલે પૈસો નહીં. અર્થ એટલે હિત, કલ્યાણ. દરેક બાબતની પરીક્ષા કરતી વખતે ‘ આનાથી સમાજનું કલ્યાણ શું થશે ? ’ એ કસોટી તે રાખશે. મારૂં લખાણ, મારૂં ભાષણ, મારૂં બધુંયે કર્મ જગતના માંગલ્ય અર્થે છે કે નથી એ વાત તે જોશે. નિરૂપયોગી, અહિતકર ક્રિયા તેને પસંદ નથી. જગતના હીતની ફિકર રાખનારો આ કેવો મોટો મહાત્મા છે ! જગતનું કલ્યાણ એ જ તેનો આનંદ છે. બધી ક્રિયાઓ તરફ પ્રેમની દ્રષ્ટિથી જોનારો તે આર્ત, જ્ઞાનની દ્રષ્ટિથી જોનારો તે જિજ્ઞાસુ અને સર્વના કલ્યાણની દ્રષ્ટિથી જોનારો તે અર્થાર્થી છે.

16. આ ત્રણે જાતના ભક્તો નિષ્કામ ખરા પણ એકાંગી છે. એક કર્મ મારફતે, બીજો હ્રદય મારફતે ને ત્રીજો બુદ્ધિ મારફતે ઈશ્વરની પાસે પહોંચે છે. હવે રહ્યો તે પ્રકાર પૂર્ણ ભક્તનો. એને જ જ્ઞાની ભક્ત કહી શકાય. એ ભક્તને જે દેખાશે તે બધુંયે ઈશ્વરનું સ્વરૂપ હશે. કુરૂપ-સુરૂપ, રાવ-રંક, સ્ત્રી-પુરૂષ, પશુ-પક્ષી બધાંમાં તેને પરમાત્માનું પાવન દર્શન થાય છે.

‘ नर नारी बाळें अवधा नारायण । ऐसें माझें मन करीं देवा । ’

નર, નારી, બાળ બધાંયે નારાયણ છે એવું હે પ્રભુ ! મારૂં મન બનાવી દે. આવી તુકારામ મહારાજની પ્રાર્થના છે. નાગની પૂજા, હાથીના મોઢાવાળા દેવની પૂજા, ઝાડની પૂજા એવા એવા પાગલપણાના જે નમૂના હિંદુધર્મમાં છે તેના કરતાંયે આ જ્ઞાની ભક્તમાં પાગલપણાની કમાલ થયેલી જોવાની મળે છે. તેને ગમે તે મળો, કીડીમકોડીથી માંડીને તે ચંદ્રસૂર્ય સુધી, સર્વત્ર તેને એક જ પરમાત્મા દેખાય છે ને તેનું દિલ આનંદથી ઊભરાય છે. –

‘ मग तया सुखा अंत नाहीं पार । आनंदें सागर हेलावती ।। ’

પછી તેને પાર વગરનું સુખ મળે છે, આનંદથી તેના હ્રદયનો સાગર હિલોળે ચડે છે. આવું આ જે દિવ્ય અને ભવ્ય દર્શન છે તેને જોઈએ તો ભ્રમ કહો, પણ એ ભ્રમ સુખનો રાશિ છે, આનંદનો અપાર સંઘરો છે. ગંભીર સાગરમાં એને ઈશ્વરનો વિલાસ દેખાય છે. ગાયમાં તેને ઈશ્વરની વત્સલતાનો અનુભવ થાય છે, પૃથ્વીમાં તેને તેની ક્ષમતાનું દર્શન થાય છે, નિરભ્ર આકાશમાં તે તેની નિર્મળતા જુએ છે, રવિચંદ્રતારામાં તેને તેનું તેજ ને ભવ્યતા દેખાય છે, ફૂલોમાં તે તેની કોમળતાનો અનુભવ કરે છે, અને દુર્જનમાં તે પોતાની કસોટી કરનારા ઈશ્વરનું દર્શન કરે છે. આમ એક પરમાત્મા સર્વત્ર રમી રહ્યો છે એમ જોવાનો જ્ઞાની ભક્તનો અભ્યાસ કાયમ ચાલુ રહે છે. એવો અભ્યાસ કરતો કરતો એક દિવસ તે ઈશ્વરમાં મળી જાય છે.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: